11 January, 2026 12:49 PM IST | Mumbai | Rashmin Shah
અંકિતા ભંડારી, અંકિતાનો ફ્રેન્ડ પુષ્પદીપ, જેની પાસે અંકિતાની તમામ માહિતી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ઉત્તરાખંડની અંકિતા ભંડારીને ન્યાય આપવાની અને તેના મર્ડરના સાચા આરોપીને પકડવાની માગણી કરતો લોહીથી લખાયેલો એક પત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવ્યો એ પછી આ કેસમાં ફરી જોરદાર સળવળાટ આવ્યો છે. ૨૦૨૨માં થયેલી અંકિતાની હત્યા બદલ ત્રણ જણને તો જન્મટીપની સજા પણ થઈ ચૂકી છે એ છતાં આ કતલ પાછળ એક VIP છે જે હજીયે કાનૂનની ગિરફ્તથી દૂર છે. ઉત્તરાખંડની સરકારે હાલમાં જ આ કેસ CBIને સોંપ્યો છે એટલે આશા જાગી છે કે આખરે ન્યાય મળશે
આવો મિજાજ ધરાવતી અંકિતા ભંડારી હૃષીકેશના રિસૉર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી. એ રિસૉર્ટમાં આવતા VIP મહેમાનોને ‘ખુશ’ કરવાની તેણે ચોખ્ખી ના પાડી દીધી એ પછી કઈ રીતે તેની હત્યા કરી નાખવામાં આવી, હત્યા પછી કઈ રીતે સબૂત નષ્ટ કરવામાં આવ્યાં, શરૂઆતમાં કઈ રીતે પોલીસે કંઈ ન કર્યું અને કઈ રીતે ત્રણ જણ દોષી ઠર્યા એ પછીયે કોઈ વગદાર વ્યક્તિ હજી નથી પકડાઈ એની આક્રોશ જગાડતી દાસ્તાન
‘તમે માત્ર દેશનાં પ્રેસિડન્ટ નથી, તમે દેશનાં એક મહિલા પણ છો અને એટલે જ અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે અંકિતા ભંડારીના કેસમાં ન્યાય મળે અને સાચા આરોપીઓ પકડાય એ દિશામાં કામ કરશો.’
ગયા અઠવાડિયે દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મુને એક લેટર મળે છે જે ઉત્તરાખંડના અલમોડા શહેરથી આવ્યો છે. લેટર બે યુવતીએ લખ્યો હતો અને એ લેટર લોહીથી લખવામાં આવ્યો હતો. તમે માનશો નહીં, રાષ્ટ્રપતિભવન દ્વારા એ વાતની ખરાઈ પણ કરવામાં આવી કે એ લેટર ખરેખર લોહીથી લખાયો છે કે નહીં અને ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં એ જવાબ પૉઝિટિવ આવ્યો. બસ, પત્યું. દેશભરમાં દેકારો મચી ગયો અને ૨૦૨૨માં ઘટેલી એક ઘટના ફરી એક વખત દુનિયાની સામે આવી ગઈ. ફરીથી નાનાં શહેરોમાં મોરચા નીકળવાનું શરૂ થયું અને ફરીથી અંકિતા ભંડારી મર્ડરકેસના સાચા ‘VIP’ને પકડવાની માગે જોર પકડી લીધું. આ ઘટનામાં લેટેસ્ટ ડેવલપમેન્ટ એ છે કે ઉત્તરાખંડની સરકારે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાક્રમને પગલે આશા જાગી છે કે અંકિતા ભંડારી મર્ડરકેસમાં ઑલરેડી ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પછીયે જે ‘VIP’ની તલાશ છે એ કદાચ હવે પૂરી થાય. પકડાયેલા ત્રણ જણને તો જન્મટીપની સજા પણ ફટકારી દેવામાં આવી છે અને એ પછી પણ અંકિતા ભંડારી મર્ડરકેસના મુખ્ય આરોપી સુધી હજી સુધી ઉત્તરાખંડ પોલીસ પહોંચી નથી શકી. એ આરોપી કોણ અને તેનો આરોપ શું એ જાણતાં પહેલાં અંકિતા ભંડારી વિશે જાણવું જોઈએ. આ એ છોકરી છે જેણે પોતાની ડાયરીમાં લખ્યું હતું, હું ગરીબ હોઈ શકું પણ દસ હજાર રૂપિયા માટે હું કોઈની સાથે શારીરિક સંબંધો બાંધી ન શકું.
અંકિતા ભંડારીને ન્યાય અપાવવા માટે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લોહીથી લખાયેલો પત્ર.
કોણ છે આ અંકિતા?
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના ડોભ-શ્રીકોટ નામના ગામમાં રહેતી અંકિતા ઓગણીસ વર્ષની હતી. પહાડી વિસ્તાર અને ઠંડી આબોહવાએ અંકિતાને ભરપેટ સૌંદર્ય આપ્યું હતું પણ અંકિતાનાં ખ્વાબ જુદાં હતાં. તે પોતાના રાજ્યમાં સરસ રિસૉર્ટ શરૂ કરવાનું સપનું જોતી હતી અને એટલે જ તેને જ્યારે પણ, જેણે પણ મૉડલિંગ કે ફિલ્મની ઑફર કરી ત્યારે અંકિતાએ એ ઑફર નકારી કાઢી હતી.
કૉલેજ પછી અંકિતાને કોવિડ પિરિયડ નડ્યો. જોકે એ પછી પણ અંકિતાએ એનો સદુપયોગ કર્યો અને તેણે દેહરાદૂન હોટેલ મૅનેજમેન્ટ કૉલેજમાં ઍડ્મિશન લઈને ઑનલાઇન એજ્યુકેશન શરૂ કરી દીધું. પહેલું સેમેસ્ટર ઑનલાઇન કરવાનું હોવાથી કૉલેજે ફી રીઝનેબલ રાખી હતી પણ પછી લૉકડાઉન પૂરું થઈ જતાં અંકિતાએ દેહરાદૂન જવાનું આવ્યું. ત્યાં તેણે હૉસ્ટેલમાં જ રહેવાનું હતું, જેની માટે એજ્યુકેશન અને હૉસ્ટેલ એમ બન્ને મળીને ચાલીસ હજાર રૂપિયા ફી ભરવાની હતી, પણ કોવિડને લીધે અંકિતાના પપ્પા પાસે પણ હવે જૉબ નહોતી એટલે અંકિતાએ નાછૂટકે ભણવાનું છોડવું પડ્યું અને તેણે જૉબ શોધવાનું શરૂ કરી દીધું.
૨૦૨૨ના ઑગસ્ટ મહિનાની ૨૮ તારીખે હૃષીકેશમાં આવેલા વનંતરા રિસૉર્ટમાં અંકિતા રિસેપ્શનિસ્ટ તરીકે જૉબ પર લાગી. તેને આ જૉબ પુષ્પદીપ કુમાર થકી મળી હતી અને અંકિતા પુષ્પદીપને સોશ્યલ મીડિયા પર મળી. પુષ્પ જમ્મુમાં રહેતો હતો. આ એ જ પુષ્પ છે જેને કારણે આખો અંકિતા હત્યાકાંડ ઉજાગર થયો.
પુષ્પદીપ અને અંકિતા વચ્ચે પ્રેમ હતો કે નહીં એ તો ક્યારેય બહાર નથી આવ્યું પણ બન્ને એકબીજાનાં બહુ સારાં ફ્રેન્ડ્સ હતાં. પુષ્પને જ ઑનલાઇન જૉબ શોધતાં આ વનંતરા રિસૉર્ટની જૉબ મળી હતી અને પુષ્પદીપે જ અંકિતાની ઍપ્લિકેશન રિસૉર્ટને ફૉર્વર્ડ કરી હતી. રિસૉર્ટની એક શરત હતી કે જે રિસેપ્શનિસ્ટ હશે તેણે રિસૉર્ટમાં જ રહેવું પડશે. પુષ્પદીપ, અંકિતા કે અંકિતાની ફૅમિલીને એમાં કશું અજુગતું લાગ્યું નહીં કારણ કે વનંતરાનું લોકેશન એ મુજબનું હતું જેમાં તમને અવરજવર માટે નિયમિત વાહન ન મળે. ઍપ્લિકેશન સિલેક્ટ થયા પછી રિસૉર્ટના માલિકે અંકિતાનો ટેલિફોનિક અને પછી ઝૂમ ઇન્ટરવ્યુ કર્યો અને તેણે અંકિતાને જૉબ ઑફર કરી દીધી.
શું છે વનંતરા?
હૃષીકેશથી અંદાજે બારેક કિલોમીટર દૂર આવેલા આ રિસૉર્ટની આજુબાજુમાં જંગલો સિવાય કશું જ નથી. આ રિસૉર્ટમાં મોટા ભાગે VIP અને શ્રીમંત લોકોની પાર્ટી થતી રહે છે. વનંતરા રિસૉર્ટનો માલિક પુલકિત આર્યા છે. પુલકિત ઉત્તરાખંડ BJPના ભૂતપૂર્વ નેતા વિનોદ આર્યાનો દીકરો છે. પુલકિત અંકિતા સાથે અમુક બાબતોમાં છૂટછાટ લેતો હતો પણ અંકિતા એ ચલાવતી નહોતી. અંકિતાએ આ બાબતમાં પોતાના ફ્રેન્ડ સાથે વૉટ્સઍપ-ચૅટમાં પણ મેસેજ કર્યા હતા. ફ્રેન્ડે તેને જૉબ છોડવાનું કહ્યું ત્યારે અંકિતાએ કૉન્ફિડન્સ સાથે કહ્યું હતું કે આવા લોકોને હૅન્ડલ કરતાં મને આવડે છે.
અંકિતાનો આત્મવિશ્વાસ ખોટો નહોતો પણ અપરાધીઓની હરામીપંતી વધારે ખતરનાક હતી.
અંકિતા પર એકધારું દબાણ હતું કે રિસૉર્ટમાં આવનારા VIP કસ્ટમરને તે બધી રીતે ખુશ કરે અને તેની સાથે રાત વિતાવે. જોકે અંકિતા એકની બે ન થઈ અને તેણે ક્યારેય એ વાત સ્વીકારી નહીં. અંકિતાના જ વૉટ્સઍપ મેસેજમાં એ પણ લખાયેલું મળ્યું છે કે હું ક્યારેય કોઈની સામે ઝૂકીશ નહીં અને જો ઝૂકવું પડશે તો હું બધી વાત લોકોની સામે લાવીને રહીશ.
આરોપીઓ પુલકિત, અંકિત અને સૌરભ.
કયામતનો દિવસ
૧૮ સપ્ટેમ્બરની રાતની પાર્ટીમાં રિસૉર્ટમાં બહુ મહત્ત્વના VIP આવવાના હતા એટલે બપોરે જ પુલકિત અને રિસૉર્ટના મૅનેજર અંકિત ગુપ્તા અને અસિસ્ટન્ટ મૅનેજર સૌરભ ભાસ્કરે અંકિતાને બોલાવીને એ જ વાત કહી કે તેણે આજે VIP કસ્ટમરને ખુશ કરવાના છે. સિમ્પલ છે, અંકિતાએ ના પાડી દીધી. રિસૉર્ટના સ્ટાફે આપેલા સ્ટેટમેન્ટ મુજબ એ રાતે રિસૉર્ટના માલિક પુલકિત, અંકિત અને સૌરભ ભાસ્કરે તેની હાજરીમાં અંકિતા સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું અને એ પછી અંકિતા ખૂબ રડી. જોકે કલાક પછી આ જ ત્રણ અંકિતાને લઈને રવાના થઈ ગયા. સાંજનો એ સમય હતો. અંકિતા સાથે ગયા પછી રાતના સાડાદસ વાગ્યે પુલકિતે જ આવીને રિસૉર્ટના કિચનમાંથી અંકિતા માટે ડિનર લીધું અને તે અંકિતાના રૂમમાં તેને જમાડવા માટે લઈ ગયો. સ્ટાફે માની લીધું કે અંકિતા આવી ગઈ છે અને તેની સાથે માલિકનું પૅચઅપ થઈ ગયું છે, પણ એવું નહોતું.
પુલકિત, અંકિત અને સૌરભ સાથે બહાર ગયેલી અંકિતાને જ્યારે પણ તક મળતી હતી ત્યારે તે પોતાના ફ્રેન્ડ પુષ્પદીપને ફોન કરતી રહેતી, જેને લીધે પુષ્પને એટલો આઇડિયા આવી ગયો હતો કે વાત વધી ચૂકી છે. રાતે નવ વાગ્યે પુલકિત એટલે કે રિસૉર્ટના માલિકે પણ ફોન કરીને પુષ્પદીપને કહ્યું હતું કે અંકિતા અમારે ત્યાં જૉબમાં નહીં ચાલે અને પુષ્પદીપે સહજ રીતે જ કહી દીધું હતું કે જૉબ પર લાગ્યાને વીસ દિવસ થયા છે તો એટલી સૅલેરી તમે તેને આપી દો, સવારના તે નીકળી જશે. જોકે એ સવાર ક્યારેય આવી જ નહીં.
પોતે રિસૉર્ટ પહોંચે એટલે ફોન કરે એવી સૂચના આપ્યા પછી પણ અંકિતાએ પુષ્પદીપને ફોન કર્યો નહીં એટલે પુષ્પદીપ આખી રાત અંકિતાને ફોન કરતો રહ્યો પણ અંકિતાનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતો. સવારે તેણે પુલકિતને પણ ફોન કર્યા પણ પુલકિતે પણ તેનો ફોન રિસીવ કર્યો નહીં અને પુષ્પદીપના મનમાં ખદબદતા શંકાના કીડાએ ઍનાકૉન્ડાનું રૂપ લેવાનું શરૂ કર્યું.
પુષ્પદીપે પુલકિત પછી તેના સ્ટાફને ફોન કરવાનું શરૂ કર્યું અને અંકિત ગુપ્તાને ફોન કર્યો પણ એ ફોન પુલકિતે ઉપાડ્યો અને પુલકિતે સહેજ તોછડાઈથી વાત શરૂ કરી દીધી. પુલકિતની વાતનો એક સૂર એવો હતો કે અંકિતાને તેણે રાતે જ સૅલેરી આપી દીધી છે અને તે નીકળી ગઈ છે. જોકે પુષ્પદીપને તેની વાતનો વિશ્વાસ આવ્યો નહીં અને પુષ્પદીપે અંકિતાના કઝિનને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી. ફૅમિલીએ પણ દીકરી સાથે વાત કરવા માટે ફોન કર્યા પણ દીકરીનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતો અને રિસૉર્ટ પર કોઈને ખબર નહોતી કે અંકિતા ક્યાં છે એટલે અંકિતાના પપ્પા વીરેન્દ્રસિંહ ભંડારી તેમના નાના ભાઈ સાથે હૃષીકેશ પહોંચ્યા અને અહીંથી પૉલિટિકલ તાકાત એન્ટર થઈ.
હેરાનગતિ પારાવાર
અહીંથી ઘટનાક્રમ સમજવાની જરૂર છે.
૧૮ સપ્ટેમ્બરની રાતે અંકિતા ગુમ થઈ અને ૧૯ સપ્ટેમ્બરની બપોરે તેના પપ્પા-કાકા બન્ને હૃષીકેશ પહોંચી ગયા. એ પછી તે સૌથી પહેલાં લક્ષ્મણ ઝૂલા પોલીસ-સ્ટેશન ગયા પણ ત્યાંથી ખબર પડી વનંતારા બીજી હદમાં આવે છે અને એ પછી રીતસર અંકિતાના પપ્પા અને કાકા હૃષીકેશનાં ચાર પોલીસ-સ્ટેશન ફર્યા. વનંતરાનું નામ પડતું ને દરેક સ્ટેશનથી એક જ જવાબ મળતો કે એ અમારા વિસ્તારમાં નથી આવતું.
ચાર ચોકી પછી વીરેન્દ્રસિંહ કંડવાલ ચોકીએ પહોંચે છે અને તેમની સામે બૉમ્બ ફૂટે છે. કંડવાલ ચોકી પર તેમને ખબર પડે છે કે અહીં તો અંકિતા ગુમ થયાની ફરિયાદ રિસૉર્ટના માલિક તરફથી ઑલરેડી આવી ગઈ છે. પુલકિતે ફરિયાદમાં લખાવ્યું હતું કે અંકિતાના ફ્રેન્ડ પુષ્પદીપ પાસેથી અમને ખબર પડી કે અંકિતા રિસૉર્ટમાં નથી, અમે તપાસ કરી એટલે ખબર પડી કે સવારથી અંકિતા ગાયબ છે તો પ્લીઝ, તેને શોધવામાં મદદ કરો. વીરેન્દ્રસિંહે અહીં સ્પષ્ટતા કરી કે અમારી દીકરી આજ સવારથી નહીં, ગઈ કાલ રાતથી ગુમ છે અને કોઈના કૉન્ટૅક્ટમાં નથી. પુલકિતે ફરિયાદમાં એ પણ લખાવ્યું હતું કે અંકિતા પોતે સ્ટ્રેસમાં રહેતી હતી, જે માટેનું કારણ તેની ફૅમિલી મૅટર છે, અમારી એ કર્મચારી હોવાથી અમે તેને સાંજે ફરવા માટે પણ લઈ ગયા પણ પછી તે સવારે ગાયબ થઈ ગઈ.
પોલીસે આ કમ્પ્લેઇન્ટ પછી કોઈ ઇન્ક્વાયરી શરૂ કરી નહીં, ઊલટું ચોકીમાં એક કૉન્સ્ટેબલનાં મૅરેજ હતાં એ મૅરેજમાં જવા માટે બધા એકસાથે નીકળી ગયા.
બીજા દિવસે એટલે કે ૨૦ તારીખે જ્યારે વીરેન્દ્રસિંહ સિનિયર ઑફિસરને મળવા ગયા ત્યારે તેમને અઢી કલાક બહાર બેસાડી રાખવામાં આવ્યા અને એ પછી જ્યારે વીરેન્દ્રસિંહને મળવા આવવા માટે કહ્યું ત્યારે વીરેન્દ્રસિંહે જોયું કે સિનિયર ઑફિસર ઑલરેડી ત્રણ આરોપી સહિત પુલકિતના પપ્પા અને ઉત્તરાખંડ BJPના સિનિયર નેતા વિનોદ આર્યા અને પુલકિતની વાઇફ સ્વાતિ સાથે મીટિંગમાં હતા.
પુલકિતે લખાવેલી ફરિયાદમાં કહેવાયું હતું કે અંકિતા ડિપ્રેશનમાં હતી અને તે જાતે જ બધું છોડીને ગઈ છે, તેને તાત્કાલિક શોધવામાં આવે. જ્યારે વીરેન્દ્રસિંહની ફરિયાદમાં આ જ પુલકિત અને તેના સાથીઓ પર આક્ષેપ હતો. સિનિયર ઑફિસર વિવેક પટ
હૃષીકેશના આ રિસૉર્ટમાં અંકિતા ભંડારી કામ કરતી હતી.
વારીએ વીરેન્દ્રસિંહની ફરિયાદ લેવાની ના પાડી દીધી. વીરેન્દ્રસિંહે ત્યાં પણ ખૂબ ઝઘડવું પડ્યું અને ચાર કલાકની માથાકૂટ પછી તેની ફરિયાદ લેવામાં આવી.
વીરેન્દ્ર અને સિનિયર ઑફિસર બન્ને વનંતરા પહોંચ્યા ત્યારે વીરેન્દ્રસિંહે જોયું કે આખા રિસૉર્ટના CCTV કૅમેરાના વાયર કાપી નાખવામાં આવ્યા હતા. એ સમયે સિનિયર પોલીસ-ઑફિસર પણ પુલકિતનો પક્ષ લઈને બોલવા માંડ્યા કે CCTVની અમારે જરૂર પડતી જ નથી, તમે તમારી દીકરીનું ધ્યાન રાખી નથી શક્યા.
તપાસના નામે માત્ર ચક્કરો મારવામાં આવતાં હતાં અને દિવસો નીકળતા જતા. વીરેન્દ્રસિંહે હવે પોતાનાં તમામ કનેક્શન વાપરવાં માંડ્યાં તો અંકિતાના ફ્રેન્ડ પુષ્પદીપે પણ સોશ્યલ મીડિયાને આ કેસ માટે જાગૃત કરવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે ૨૨ સપ્ટેમ્બરે પહેલી વાર ઇન્વેસ્ટિગેશન માટે સ્ટેટ પોલીસ એન્ટર થઈ.
અંકિતાના પેરન્ટ્સે ન્યાય માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને વિનંતી કરી હતી.
સ્ટાફ આવ્યો સામે
પોલીસને લાગ્યું કે હવે આ કેસમાં કશું છુપાવી શકાય એમ નથી એટલે ઇન્ક્વાયરીના વધારે એક દેખાડા માટે ટીમ વનંતરા પહોંચી અને વનંતરા જઈને તેણે સ્ટાફના સ્ટેટમેન્ટ લેવાનું શરૂ કર્યું અને સ્ટાફે હિંમતપૂર્વક અંકિતાની વાત સૌની સામે મૂકવાનું શરૂ કર્યું. ૧૮ સપ્ટેમ્બરે અંકિતાએ રિસૉર્ટના એક હેલ્પરને ફોન કર્યો હતો કે મારે અહીંથી નીકળી જવું છે, પ્લીઝ મારી બૅગ રોડ સુધી લઈ આવી આપોને. એ ફોનમાં અંકિતા ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી. આ રેકૉર્ડિંગ સ્ટાફ પાસે હતું, જે તેણે ઇન્ક્વાયરી ટીમને સંભળાવ્યું અને એ જ મેમ્બરે સ્ટેટમેન્ટ આપ્યું કે સાંજે આ ત્રણ મેમ્બર અંકિતાને લઈને બહાર ગયા પણ પાછા આવ્યા ત્યારે એમાં અંકિતા મૅડમ નહોતાં.
હાઇવે પર ઇન્ક્વાયરી, ટોલ-નાકા પર રહેલા ગાર્ડનું સ્ટેટમેન્ટ અને રસ્તા પરના અમુક CCTV કૅમેરાનાં ફુટેજના આધારે પુરવાર થતું હતું કે અંકિતા છેલ્લે આ લોકો સાથે હતી અને એ પછી જ ગુમ થઈ છે. ૨પ સપ્ટેમ્બરે ત્રણેય આરોપીઓની અરેસ્ટ કરવામાં આવી. ઉત્તરાખંડ આખું ઉશ્કેરાયું. લોકો રસ્તા પર આવી ગયા અને ત્રણ દિવસના રિમાન્ડ પછી ત્રણેય આરોપીએ સ્વીકાર્યું કે ચિલ્લા નહેર પર અમે વાત કરતા હતા એ વખતે ધક્કામુક્કીમાં અમારાથી અંકિતાને ધક્કો લાગી ગયો. અલબત્ત, હજી પણ આ નરાધમોનું ખોટું બોલવાનું ચાલુ જ હતું.
૩૦ તારીખે ચિલ્લા નહેરમાં ટીમ ઉતારવામાં આવી અને ચોવીસ કલાકની જહેમત પછી પણ કોઈ બૉડી મળી નહીં એટલે ઉપરવાસથી પાણી બંધ કરવામાં આવ્યું જેથી ચિલ્લા નહેરનું પાણી ઓસરે અને એવું જ થયું. પાણી ઓસરતાં નહેરના દરવાજા સાથે ફસાઈ ગયેલી એક યુવતીની ડૅડ-બૉડી મળી, જે અંકિતાનું શબ હતું.
નેવર ફર્ગેટ
તમે એકલા રહેવા ટેવાયેલા હો, એકલા રહેવું તમને ગમતું હોય, સોલો લાઇફસ્ટાઇલ તમારું જીવન હોય તો પણ તમારે એક વાત યાદ રાખવી કે કોઈ એક વ્યક્તિને તમારી રોજેરોજની ખબર હોય.
પુષ્પદીપ અને અંકિતા બન્ને બહુ સારા ફ્રેન્ડ્સ હતાં અને પુષ્પદીપનો આગ્રહ રહેતો કે અંકિતા તેને બધી અપડેટ આપતી રહે. અંકિતાએ પણ પુષ્પદીપની વાત માની અને તે પુષ્પદીપના સંપર્કમાં રહી, તેને અપડેટ આપતી રહી, જેને કારણે પુષ્પદીપ જ સૌથી પહેલો આગળ આવ્યો અને તેણે જ અંકિતાના ગુમ થવાની જાણકારી ફૅમિલીને આપી અને આખા કેસમાં સૌથી વધારે મહત્ત્વનો રોલ ભજવ્યો.
કહેવાનો ભાવાર્થ એટલો, ક્યાંય પણ ફરતા રહો પણ કોઈ એક એવી વ્યક્તિના સંપર્કમાં રહેવું જે તમારી એકેએક અપડેટ બહુ ધ્યાનથી જુએ છે અને તમે તકલીફમાં ન આવો એનું ધ્યાન રાખે છે.
પાપની ચરમસીમા
જો તમે ડિટેક્ટિવ ફિલ્મ કે વાર્તાના શોખીન હો તો તમને ખબર હશે કે ક્રાઇમ-સીન કેટલો મહત્ત્વનો હોય છે પણ આ ઘટનામાં ૧ ઑક્ટોબરે જ ક્રાઇમ-સીન ખતમ કરી નાખવામાં આવ્યો. બન્યું એવું કે ઉત્તરાખંડના BJPનાં વિધાનસભ્ય રેણુ બિષ્ટના આદેશથી વનંતરા રિસૉર્ટ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું. કારણ એવું આપવામાં આવ્યું કે આ રિસૉર્ટ ગેરકાયદે બન્યો છે. બુલડોઝર પણ એવી રીતે ફેરવવામાં આવ્યું જેમાં અંકિતાનો રૂમ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો. આ રૂમમાંથી અનેક પ્રૂફ મળવાના ચાન્સ હતા તો સાથોસાથ પેલા VIP વિશે પણ માહિતી મળી શકતી હતી જેને ખુશ કરવાની જવાબદારી અંકિતાને સોંપવામાં આવી અને અંકિતાએ ના પાડી દીધી હતી.
બુલડોઝર અભિયાન અચાનક જ શરૂ થયું. પહેલા દિવસે વનંતરા રિસૉર્ટનો અડધો ભાગ પાડી નાખવામાં આવ્યો અને બીજા દિવસે બાકીનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું ત્યાં જ વનંતરાની પાછળના ભાગમાં આવેલી આયુર્વેદ ફૅક્ટરીમાં આગ લાગી અને એ આગમાં ફૅક્ટરી સહિત વનંતરાના બધા ડૉક્યુમેન્ટ્સ પણ બળી ગયા, જેમાં વનંતરામાં આવતા ટૂરિસ્ટ અને ગેસ્ટની એન્ટ્રી દેખાડતું રજિસ્ટર પણ બળી ગયું.
અંકિતાના અંતિમ સંસ્કાર પોતાના ગામમાં થાય એવી વીરેન્દ્રસિંહની ઇચ્છા હતી પણ પોલીસ અને પ્રશાસને એ કામ પણ થવા ન દીધું. ખુદ ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટરે વીરેન્દ્રસિંહને ફોન કરીને રિક્વેસ્ટ કરી, સનાતન ધર્મની દુહાઈ આપી કે મરનારનો આત્મા હવે વધારે પીડાવો ન જોઈએ, ગંગાકિનારે આપણે તેના અંતિમ સંસ્કાર કરવા જોઈએ. ઉત્તરાખંડ સરકારે જ અંકિતાની મમ્મી સોનીદેવીને લાવવાની અરેન્જમેન્ટ કરી પણ લાવ્યા પછી તેમને હૉસ્પિટલાઇઝ કરી દીધાં. સોનીદેવીનું કહેવું હતું કે સામાન્ય ચક્કર આવવાં એ કોઈ મોટી વાત નથી પણ પોલીસે એક જ વાત પકડી રાખી કે તમારી તબિયત બરાબર નથી એટલે તમે અંતિમ સંસ્કારમાં નહીં જઈ શકો.
એકેક જગ્યાએ ટર્ન અને ટ્વિસ્ટનો ઘસારો હતો.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું કે અંકિતા ધક્કો લાગવાથી નહીં પણ તેને પાણીમાં ધક્કો મારવાથી તે ફેંકાઈ છે. આ ઉપરાંત પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થયું કે અંકિતાના શરીર પર મારનાં પણ નિશાનો છે, જે નિશાન મોત પહેલાંનાં છે. પોસ્ટમૉર્ટમમાં એ વાત સ્પષ્ટ રીતે નકારી કાઢવામાં નથી આવી કે તેના પર રેપ થયો હતો કે નહીં; પણ હા, રેપ નહોતો જ થયો એવું પણ એમાં સ્પષ્ટ નથી થયું.
આ સવાલોનો જવાબ ક્યાં છે?
૧. અંકિતાના પપ્પાની ફરિયાદ લેવાને બદલે તેમને ઑલમોસ્ટ અડતાલીસ કલાક સુધી એકથી બીજી ચોકીએ ધક્કા ખવડાવનાર પોલીસ-અધિકારીઓ કોના કહેવાથી આવું કરી રહ્યા હતા? તેમની સામે કેમ ગુનો દાખલ નથી થયો?
૨. ખબર છે કે વનંતરા રિસૉર્ટ હવે ક્રાઇમ-કેસ છે ત્યારે એના પર બુલડોઝર ફેરવવા સુધીનું કૃત્ય કેવી રીતે BJP વિધાનસભ્ય રેણુ બિષ્ટ કરી શકે? તેની સામે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં?
૩. એ VIP મહેમાન કોણ જેને અંકિતાએ ખાસ ટ્રીટમેન્ટ આપવાની હતી? એ VIP મહેમાનનું નામ સામે આવે એ માટે કેમ પોલીસે કાર્યવાહી કરી નહીં?
અંકિતાને ન્યાય અપાવવા માટે આંદોલન.
બચાવમાં બદતમીજી
ઉત્તરાખંડ કોર્ટમાં કેસ શરૂ થયો ત્યારે આરોપીઓએ પોતાના બચાવમાં એવું કહ્યું કે ‘પુષ્પદીપ સાથે મૅરેજ નહીં થઈ શકતાં હોવાને લીધે અંકિતા ડિપ્રેશનમાં હતી. અંકિતા કામ કરવા રાજી જ નહોતી, તે પુષ્પદીપ સાથે મૅરેજ કરવા માગતી હતી પણ પુષ્પદીપ મૅરેજ માટે તૈયાર નહોતો.’ શરમની વાત તો જુઓ, પુષ્પદીપ અંકિતાને એક પણ વાર રૂબરૂ સુધ્ધાં નહોતો મળ્યો. તેણે કોર્ટમાં પોતાનો મોબાઇલ જમા કરાવી દીધો. પુષ્પદીપ જ પહેલી વ્યક્તિ બની જેણે VIP ગેસ્ટવાળા મુદ્દાને કોર્ટ સામે મૂક્યો.
VIP ગેસ્ટને બધી રીતે ખુશ કરવાના છે એવું અંકિતાએ પુષ્પદીપને મેસેજમાં લખ્યું હતું, જેના જવાબમાં આરોપીઓના વકીલની દલીલ હતી કે આવું કહેવા પાછળ માત્ર એક જ કારણ છે કે અંકિતા પુષ્પદીપને ઇમોશનલ બ્લૅકમેઇલ કરવા માગતી હતી જેથી પુષ્પદીપ તેને આવીને લઈ જાય અને તેની સાથે મૅરેજ કરી લે.
આરોપીઓ અને તેના વકીલનો ક્લિયર પ્લાન હતો કે કોર્ટમાં એવું પુરવાર થાય કે અંકિતા ડિપ્રેશનમાં હતી અને એ ડિપ્રેશનનું મુખ્ય કારણ પુષ્પદીપ હતો. જોકે એવું પુરવાર થયું નહીં. ૨ વર્ષ અને ૮ મહિના પછી ૨૦૨પની ૩૦ મેએ કોર્ટે ચુકાદો આપ્યો. રસ્તા પરથી મળેલાં CCTV કૅમેરાનાં ફુટેજ, પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ, પુલકિતનું ખોટું સ્ટેટમેન્ટ, સ્ટાફની જુબાનીઓ અને પુષ્પદીપ સાથે થયેલી અંકિતાની ચૅટને આધાર બનાવીને કોર્ટે ત્રણેય આરોપીઓને જન્મટીપની સજા આપી. અલબત્ત, આ સજાથી અંકિતાની ફૅમિલી ખુશ નથી. તેમનું કહેવું છે કે આ આરોપીઓને ફાંસી થવી જોઈએ અને એટલે જ તેમણે લડત હજી પણ ચાલુ રાખી છે.
આ વીકમાં દિલ્હીમાં જંતરમંતર પર અંકિતાના પરિવારજનોએ પ્રતીક ઉપવાસ સાથે ધરણાં કર્યાં અને ફરી એક વાર દીકરીના હત્યારાઓને કડક સજા મળે એની માગણી કરી. આ આખા કેસમાં હજી પણ ત્રણ મહત્ત્વના મુદ્દાઓ (જુઓ બૉક્સ) બાકી રહી ગયા છે, એનો જવાબ કદાચ આપણને ક્યારેય નહીં મળે.