16 November, 2025 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
‘બહુ બિઝી છું...’ આ વાક્ય મેં અવારનવાર અનેક લોકો પાસેથી સાંભળ્યું છે. ક્યારેક તો એ જ ખબર નથી પડતી કે આ વાક્ય બોલીને તેઓ પોતાના વ્યસ્ત શેડ્યુલ માટે ફરિયાદ કરી રહ્યા છે કે પોતાના ગર્વ (અને ક્યારેક ઘમંડ)નું પ્રદર્શન કરી રહ્યા છે? ઍક્ચ્યુઅલી, એમાં તેમનો વાંક નથી. જે સમાજ તમારી વ્યસ્તતાને જ તમારી સફળતા સમજતો હોય એ સમાજમાં વ્યસ્ત હોવું અને દેખાડવું કોને ન ગમે? ગુડ, તમે વ્યસ્ત છો એ સારી બાબત છે; પણ ધારો કે કોઈ કલાક, દિવસ કે મહિનો એવો જાય જેમાં તમે બિલકુલ વ્યસ્ત નથી રહેતા તો શું એ નવરાશની પળો માટે તમારા મનમાં અપરાધભાવ જાગે છે? બાકી રહેલાં અઢળક કામ કે પેન્ડિંગ અસાઇનમેન્ટ્સની વચ્ચે ધારો કે કોઈ સવારે તમે કામમાંથી વિરામ લેવાનું વિચારો છો તો એ વાતની તમને ગિલ્ટ રહ્યા કરે છે? જગત આખું કામ કરી રહ્યું છે, પૈસા કમાઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે એવા સમયે કશું જ ન કરવા બદલ ક્યારેય તમે તમારી જાતને અપરાધી માની છે?
વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ ‘ટાઇમ ઍન્ગ્ઝાયટી’. એ સોમથી શુક્રમાં હોય કે શનિ-રવિમાં, જો કોઈ તબક્કે વ્યસ્ત ન હોવા બદલ તમે ગિલ્ટ અનુભવો છો તો આ લેખ તમારા માટે છે. જેમને Time Anxiety હોય છે તેમને સતત એવું લાગ્યા કરે છે કે મારી પાસે બહુ ઓછો સમય છે, મારા જીવનની પ્રત્યેક ક્ષણ પ્રોડક્ટિવ હોવી જોઈએ અને જો હું કશું જ નથી કરી રહ્યો તો હું મારો સમય વેડફી રહ્યો છું. આ ઉપરાંત આપણી આસપાસ એક આખો એવો વર્ગ છે જે પોતાના સ્વમાન અને સેલ્ફ-વર્થને પોતાની વ્યસ્તતા સાથે જોડી દે છે. મતલબ કે દરેક ક્ષણે દરેક દિવસે સતત વ્યસ્ત રહેવાની ઘટના જ તેમના અસ્તિત્વને સાર્થક કરે છે. જો તેમને ખૂબબધી નવરાશની પળો આપી દેવામાં આવે તો તેઓ બેચેન બની જાય છે.
આપણા દરેકમાં આ માન્યતા ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. કામ ન કરતા હોઈએ ત્યારે કે વધુપડતી નવરાશ મળી જાય ત્યારે આપણી જાત ક્યારેક આપણને નકામી લાગવા લાગે છે. એનું કારણ એ છે કે વ્યસ્ત ન હોઈએ ત્યારે આ જગત માટેની આપણી ઉપયોગિતા જોખમાય છે. નવરાશની પળો માણવાને બદલે બિનઉત્પાદક ક્ષણોના જથ્થાનો આપણને ભાર લાગવા લાગે છે. એ કેવો વિરોધાભાસ છે કે માનસિક સ્વાસ્થ્ય માટે એક બાજુ યોગ, મેડિટેશન અને ‘સ્લો-લિવિંગ’ને પ્રોત્સાહન આપવામાં આવે છે અને બીજી બાજુ વ્યસ્ત ન હોવા બદલ આપણે જાતને ગુનેગાર ગણીએ છીએ.
વ્યસ્ત ન રહેવા બદલ જાતને સતત ધિક્કારવાની માનસિકતા પાછળનું મુખ્ય કારણ છે મનના બૅકગ્રાઉન્ડમાં સતત ચાલતી સરખામણી અને હરીફાઈની ભાવના. કેટલાક લોકો માટે જિંદગી એક એવી દોડ છે જેમાં થોડી વાર અટકી જવાનો મતલબ પરાજય છે. તેમને લાગે છે કે સતત દોડતા રહેવું એ જ તેમની નિયતિ અને જવાબદારી છે. કાચબા અને સસલાની વાર્તા આપણા સબ-કૉન્શ્યસમાં એ હદે ઘર કરી ગઈ છે કે પળભર ઝાડના છાયામાં બેસીને આ સુંદર જગતને નિહાળવાની કે આંખો મીંચીને ધ્યાન કરવાની પ્રવૃત્તિ આપણને અપરાધ લાગે છે. આપણને સતત એવો ડર સતાવે છે કે આપણે આરામ કરી રહ્યા છીએ ત્યારે કોઈ ધીમી ગતિએ ચાલી રહેલો કાચબો પેલી ફિનિશિંગ લાઇન સુધી આપણા કરતાં પહેલાં પહોંચી જશે. એ વાત સમજતાં વર્ષો નીકળી જાય છે કે જીવતરની રમતમાં કોઈ ફિનિશિંગ લાઇન નથી હોતી. અહીં તો તે જ જીતે છે જે દોડમાં ભાગ નથી લેતો.
કશું જ ન કરીને આપણે જેને સમય ‘વેડફ્યો’ કહીએ છીએ, હકીકતમાં નવરાશની એ પળો આપણી પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતા માટે આવશ્યક હોય છે. લેખક પીટર બ્રેગમૅને પુસ્તક ‘Four Seconds’માં એક અદ્ભુત વાત લખી : ‘Wasting time is also productive.’ જીવનના શ્રેષ્ઠ વિચારો, ક્રીએટિવ કે બિઝનેસ આઇડિયાઝ આપણા મનમાં ત્યારે જ આવે છે જ્યારે આપણે સંપૂર્ણ નવરા હોઈએ છીએ. ચાલતા હોઈએ, નહાતા હોઈએ, કોઈની રાહ જોતા હોઈએ કે પછી કશું જ ન કરતા હોઈએ ત્યારે. ટૂંકમાં, આ ‘વેડફાયેલી ક્ષણો’ આપણી સર્જનાત્મકતા માટે જરૂરી હોય છે. કદાચ એ ક્ષણોમાં કશું જ ન ઊગે તો પણ એ મહત્ત્વની છે, કારણ કે એ ક્ષણોમાં આપણી મુલાકાત જાત સાથે થતી હોય છે. વ્યસ્તતાની આડમાં ક્યારેક આપણે જાતનો સામનો કરવાનું ટાળતા હોઈએ છીએ. જિવાઈ રહેલા જીવતર વિશે ચિંતન કરવાની જેમને તક નથી મળતી તેમનું આખું જીવન ‘ઑટો-પાઇલટ મોડ’માં જ સમાપ્ત થઈ જાય છે.
આંખના પલકારામાં સમાપ્ત થઈ જનારી જિંદગીમાં ખૂબબધા વિરામ લેવા જરૂરી હોય છે. નવરાશની પળો માટે ગિલ્ટ અનુભવતા તમામે એ સમજવાની જરૂર છે કે ઉત્પાદક પ્રવૃત્તિઓ ફક્ત ટેબલ, ઑફિસ કે કાર્યસ્થળ પર જ નથી થતી. એ મનમાં પણ થતી હોય છે અને એ મહત્તમ ત્યારે થાય છે જ્યારે મન કશાકમાં પરોવાઈ જવાને બદલે મુક્ત રીતે વિહરતું હોય છે. એ સતત યાદ રાખવું જરૂરી છે કે આપણે ‘હ્યુમન—બીઇંગ’ છીએ, ‘હ્યુમન-ડૂઇંગ’ નથી.
નવરાશની પળો અરીસા જેવું કામ કરે છે. એ પળોમાં આપણી જાત અને જીવનનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. જો એ કદરૂપું લાગે છે તો અરીસાનો વાંક કાઢવાને બદલે આપણે ‘સ્વ’ના શણગાર પર ધ્યાન આપવું જોઈએ. જો વ્યસ્તતાને જ આપણે ઉપલબ્ધિ ગણતા હોઈએ તો ગધેડો આપણા કરતાં વધુ લાયક કહેવાય. જવાબદારીઓ અને ઉપલબ્ધિઓનું વહન કરીને થાકી ગયેલી જાતને ક્યારેક વાહક કરતાં ચિંતક બનવાની તક આપી શકીએ તો હળવાશ અનુભવી શકીએ.