મને એ વાતની ખુશી છે કે આજની દીકરીઓની પ્રાયોરિટી કરીઅર છે

10 June, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમારે ત્યાં ગ્રૅજ્યુએશન અને પોસ્ટ ગ્રૅજ્યુએશનના કોર્સીસ છે અને આજની દીકરીઓ પોતાને કરીઅરમાં શું કરવું છે એ બાબતમાં સુપર સ્પષ્ટ છે

મહેશ બોરિચા

સમય સાથે સારા અને ખરાબ બન્ને પ્રકારના બદલાવો આવતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે હંમેશાં પહેલાંના જમાનામાં આ સારું હતું અને પેલું સારું હતું એની ચર્ચા કરતા હોય છે. પરંતુ મારી દૃષ્ટિએ દરેક જમાનાની કંઈક ખૂબીઓ હોય છે અને એ ખૂબીઓની ચર્ચા થવી જોઈએ. એની વ્યાપકતા પણ વધવી જોઈએ અને એ દિશામાં વધુ ને વધુ પ્રોત્સાહન પણ મળવું જોઈએ. આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે હું મહિલા કૉલેજ સાથે સંકળાયો ત્યારથી અને આજની સ્થિતિમાં દીકરીઓના બદલાયેલા અપ્રોચ વિશે વાત કરું તો જમીન-આસમાનનો ફરક છે. જે બદલાવ આવ્યો છે એ સારો છે. સરાહનીય છે અને અનુકરણીય છે. 

અમારે ત્યાં ગ્રૅજ્યુએશન અને પોસ્ટ ગ્રૅજ્યુએશનના કોર્સીસ છે અને આજની દીકરીઓ પોતાને કરીઅરમાં શું કરવું છે એ બાબતમાં સુપર સ્પષ્ટ છે. તેમનામાં હિંમત પણ છે અને કાબેલિયત પણ છે. દીકરીઓ મહેનતુ તો પહેલેથી જ હતી. પહેલાં કેવું હતું કે દીકરીઓને પેરન્ટ્સ એટલે ભણાવતા કે તેને સારું ઘર મળે. તેને સારું પાત્ર મળે અને તે વધુ બહેતર રીતે પાછલું જીવન પરિવાર સાથે નિભાવી શકે. આજે એવું નથી. આજે દીકરીઓ એટલે સારી રીતે ભણે છે, કારણ કે તેમને સારી કારકિર્દી બનાવવી છે. લગ્ન એકમાત્ર તેમના જીવનની પ્રાયોરિટી નથી. 

બીજો એક બદલાવ જે મને દેખાઈ રહ્યો છે અને મારે લોકો સાથે શૅર પણ કરવો છે કે ગુજરાતી પરિવારોની દીકરીઓ હવે સ્પોર્ટ્સમાં ખૂબ સક્રિય થઈ છે. તેમને પરિવાર તરફથી પણ પ્રોત્સાહન મળે છે અને તેમને અમે પણ ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ. નૉર્થ અને હરિયાણા બાજુની દીકરીઓ તો પહેલેથી જ સ્પોર્ટ્સમાં ઑક્ટિવ હતી, પરંતુ આપણે ત્યાં એનું કોઈ ચલણ નહોતું. હવે આપણે ત્યાં શહેરોની દીકરીઓ ભણવાની સાથે સ્પોર્ટ્સને લઈને ગંભીર છે અને એને લઈને જરૂરી પગલાંઓ પણ લે છે. તેમનામાં તમને કોઈ મૂંઝવણ નથી દેખાતી. હમણાં જ એક દીકરી એક નૅશનલ લેવલની કૉમ્પિટિશનમાં બ્રોન્ઝ જીતીને આવી. અમે તેને વિશેષ રીતે સન્માનિત કરી. જ્યારે તેના ડ્રીમ વિશે પૂછ્યું તો તેમની એક જ ઇચ્છા હતી કે તેઓ દેશ માટે રમે અને આર્થિક રીતે પગભર થાય. આજની દીકરીઓને ડિપેન્ડન્સી ગમતી નથી. ભારત અત્યારે યુવાઓના દેશ તરીકે દુનિયાભરમાં આગળ વધી રહ્યો છે ત્યારે યુવતીઓનું આ પ્રગતિશીલ માઇન્ડસેટ ખરેખર સરાહનીય છે. એક જમાનામાં ચાર દીવાલોની વચ્ચે ગૂંગળાતી આવડતને હવે પ્લૅટફૉર્મ મળ્યું છે અને એના માટે પેરન્ટ્સનો વધતો સપોર્ટ દેશહિત અને સમાજહિત માટે બહુ મોટું પરિવર્તન બનશે એની મને ખાતરી છે.

- મહેશ બોરિયા

અગ્રણી બિઝનેસમેન મહેશ બોરિયા ડૉ. મોહનભાઈ પટેલ કન્યાકેળવણી કૉલેજ (એસ.એન.ડી.ટી કૉલેજ- મલાડ)ના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે. 

columnists gujarati community news Education exclusive