આજનો આનંદ, આજ માટે

29 May, 2022 08:34 AM IST  |  Mumbai | Hiten Anandpara

આજના આનંદની જય બોલાવવાનો આપણને સૂઝકો નથી, કારણ કે આપણી અપેક્ષાઓ ચાદર બહાર ફેલાયેલી છે. અશરફ ડબાવાલા આયનો દેખાડે છે...

આજનો આનંદ, આજ માટે

શા માટે જીવીએ છીએ, કોના માટે જીવીએ છીએ એવા પ્રશ્નો માટે મોબાઇલ જેટલો માતબર સમય આપણે ફાળવતા નથી. દિવાળીમાં એક વાર સાફસૂફ થાય એટલી જાગૃતિ હોય તોય ગનીમત છે. આવતી કાલનું આયોજન અલબત્ત જરૂરી છે, પણ આજને અવગણીને નહીં. આજના આનંદની જય બોલાવવાનો આપણને સૂઝકો નથી, કારણ કે આપણી અપેક્ષાઓ ચાદર બહાર ફેલાયેલી છે. અશરફ ડબાવાલા આયનો દેખાડે છે...
અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા?
સામેવાળાનો વાંક ગોતવાની કવાયત જ્યારે આપણી જાત માટે થાય ત્યારે મજાનું રૂપાંતર સજામાં થઈ જાય. ટીકા કરનારાઓ સામે ફિક્કા ન પડવું જોઈએ. બલકે આપણે તેમને નિઃશુલ્ક સલાહકારનો માનદ દરજ્જો આપવો જોઈએ. વ્યાવસાયિક ક્ષેત્રે નિષ્ણાતો સલાહ આપવાની તોતિંગ ફી લે છે. ફી વગર ફ્રીમાં મળતી યથાર્થ સલાહનું સ્વાગત કરવું જોઈએ. ગાંધીજીનો ટાંકણીવાળો પ્રસંગ આ બાબતમાં માઇલસ્ટોન છે. જે કામનું છે એ સાદર લઈ લેવાનું અને જે નામનું છે એને સપ્રેમ કચરાટોપલીમાં પધરાવી દેવાનું. આવો અભિગમ ન રાખીએ તો ભગવતીકુમાર શર્મા કહે છે એવા અફસોસને આલિંગન આપવું પડે...
આવ્યો’તો જરા માટે ને રોકાઈ ગયો છું
દુનિયા, તારા મેળામાં હું ખોવાઈ ગયો છું
શોધો ન મને કોઈ નદી-તટની સમીપે
મૃગજળના અરીસામાં હું પકડાઈ ગયો છું
મૃગજળ જોવા માટે હોય છે, પીવા માટે નહીં. એના આધારે કલાકો કે દિવસો નીકળે, આખી જિંદગી નહીં. જાતને છેતરીને કેટલું જીવી શકો? ક્યારેક ને ક્યારેક તો માંહ્યલો ડંખ મારવાનો. મનોજ ખંડેરિયા એનું પગેરું તપાસે છે...
સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે
નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે
અચનક ગાઢ અંધારું મને ઘેરી વળ્યું નરદમ
હું ફાંફાં મારું મારા ઘરમાં ફાનસ શોધવા માટે
નાના હોઈએ ત્યારે મોટા ભાગના લોકોને અંધારાની બીક લાગતી હોય. કેટલાક કિસ્સામાં મોટા થયા પછી પણ આ ડર રહી જતો હોય છે. હિલ સ્ટેશને સાઇટ-સીઇંગમાં મોડું થતાં હોટેલની રૂમમાં રાતે પાછા ફરતા હોઈએ ત્યારે અંધારું કસોટી કરે. મોટેરાઓ અજાણ્યા પાણીમાં ઊતરવાની ના પાડતા હોય છે. તરતાં આવડતું હોય, પણ ઊંડાઈ અને પ્રવાહ છેતરી શકે. કંઈક આ જ રીતે અજાણ્યું અંધારું વધારે ડરામણું બની જાય. વડોદરાના શાયર અમિત ત્રિવેદી સૂરજને આરાધે છે...
હવે સૂરજ જરા મોડો પડે છે ઊગવા માટે
અમે તો રાતભર જાગી રહીએ જાગવા માટે
અને સૂરજ ભલેને આથમી જાતો, તો મારે શું?
અડીખમ છું, ફરી તું આવ છાંયો માપવા માટે
પ્રકાશ વગર પડછાયો ન હોય. ક્રિકેટમાં ડે-નાઇટ મૅચનું ચલણ શરૂ થયું ત્યારે સ્ટેડિયમના ચાર ખૂણે ચાર ગંજાવર ટાવરમાં ટોચે જડેલી લાઇટથી અજવાળું પથરાતું જોઈને ચકિત થવાતું. ખેલાડી વત્તા ચાર પડછાયા જોઈ કંઈક ગજબ લાગણી થતી. ટીવી-સ્ક્રીન પર ખેલાડી એકલો હોવા છતાં એકલો ન લાગે. રમતનો રોમાંચ અનેરો હોય છે, પણ દત્તાત્રેય ભટ્ટ સાવચેત કરે છે...
રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા
નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ
અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા
સરળતા ગહન હોય છે. સહજ રીતે મુશાયરાઓ ગજવનાર અદી મિરઝા અને ખલીલ ધનતેજવી યાદ આવી જાય. બન્નેની બાની અત્યંત સરળ હતી. બોલચાલની ભાષામાં ક્યારેક એવી ફિલસૂફી બયાં કરી દે જે કદાચ પચીસ ભાગવત સપ્તાહ સાંભળ્યા પછી પણ પલ્લે પડી ન હોય. આવો જ એક નિચોડ અનિલ ચાવડા પાસેથી મળે છે... 
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે
ક્યા બાત હૈ

આજની ઊર્જા ન ખર્ચો કાલ માટે
આજની ઊર્જાથી જીવો આજ માટે

કામમાં આવી શકે છે એટલે તો
સાચવે સંબંધ માનવ કાલ માટે

હું ભવોભવથી ફરું ફેરા જીવનના
બસ અકળ ઈશ્વર હું તારી ભાળ માટે

આંસુઓ છલકાય ના બસ એટલે તો
પાંપણો સર્જી પ્રભુએ પાળ માટે

કેમ આજે આ તરફ ભૂલો પડ્યો તું
છું હજીયે જીવતો કહી દઉં જાણ માટે

કાલની ચિંતા શું કરતો આજ રાજન?
આજનો આનંદ છે બસ આજ માટે

રાજેશ રાજગોર
ગઝલસંગ્રહ : ગઝલ પ્રવેશ

columnists hiten anandpara