17 August, 2026 09:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભરત ચાવડા
અમારા બાપદાદાના સમયથી દરજીકામ એ માત્ર એક વ્યવસાય નથી; કળા, સંસ્કૃતિ અને જીવનનિર્વાહની મુખ્ય આજીવિકાનું માધ્યમ રહ્યું છે. પેઢીઓથી ચાલતી આવતી આ હસ્તકળાના વારસાએ સમાજને એક અલગ ઓળખ આપી છે. જોકે બદલાતા આધુનિક સમય સાથે દરજી સમાજ બહુ મોટા પરિવર્તનના વળાંક પર ઊભો છે. આજે સૌથી મોટો અને ગંભીર સામાજિક પ્રશ્ન એ ઊભો થયો છે કે અમારી નવી પેઢી પોતાના જ પિતૃક અને પરંપરાગત વારસાથી ધીમે-ધીમે દૂર ભાગી રહી છે.
આજે હું મારી પોતાની જ વાત કરું તો મારો પોતાનો દીકરો પણ IT ક્ષેત્રમાં ભણીને કૉર્પોરેટ નોકરી તરફ વળી ગયો છે. આ માત્ર મારા એક ઘરની વાત નથી. આજે અમારા આખા દરજી સમાજના મોટા ભાગના પરિવારોની આ જ કડવી વાસ્તવિકતા બની ગઈ છે. અમારી નવી પેઢીને એવું લાગે છે કે દિવસના આઠથી ૧૦ કલાક કમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસીને ૪૦,૦૦૦ કે ૫૦,૦૦૦ રૂપિયાની શૉર્ટકટ નોકરી મેળવી લેવી એ જ જીવનની ખરી સફળતા છે. નોકરી કરવી એ ખોટું નથી. જોકે તેઓ એ નથી સમજતા કે કૉર્પોરેટ નોકરીમાં માનસિક તનાવ, પ્રેશર અને અનિશ્ચિતતા સતત રહે છે; જ્યારે પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં બૉસ વગરની મુક્તતા, સ્વમાન અને આત્મસંતોષ રહેલાં છે.
અત્યારે દરજીકામ માત્ર સાદાં કપડાં સીવવાથી ઘણું આગળ વધીને ફૅશન ડિઝાઇનિંગની વિશાળ અને નફાકારક ગ્લોબલ ઇન્ડસ્ટ્રી બની ચૂક્યું છે. મારી નવી પેઢીને વિનંતી અને સલાહ છે કે જો તેઓ માત્ર સામાન્ય નોકરી પાછળ સમય બગાડવાને બદલે યોગ્ય પ્રોફેશનલ ફૅશન ડિઝાઇનિંગનો કોર્સ કરે અને આપણા જ ધંધાને નવા આધુનિક રૂપમાં સંભાળી લે તો તેઓ વધારે અને બહેતર માસિક આવક મેળવી શકે છે.
આપણા કારીગરોમાં ઉચ્ચ શિક્ષણનો અભાવ હોવાને કારણે આપણો સમાજ બિઝનેસ સ્કેલ કરવામાં પાછળ રહી જાય છે. મોટા-મોટા ડિગ્રીધારી ફૅશન ડિઝાઇનરો કાગળ પર માત્ર પેન કે સ્કેચ ચલાવીને ડિઝાઇન બનાવી શકે છે, પણ ગ્રાહકને સૂટેબલ થાય એવું પર્ફેક્ટ કટિંગ અને બારીક સીવણકામ તો આપણો અનુભવી કારીગર જ કરી શકે છે. જો આપણું શિક્ષણ અને આપણી પરંપરાગત કારીગરીનો યોગ્ય સમન્વય થાય તો ક્રાન્તિ લાવી શકાય.
ભવિષ્યનું ચિત્ર બહુ સ્પષ્ટ અને ચિંતાજનક દેખાઈ રહ્યું છે. જો આપણી નવી પેઢી આ પિતૃક ધંધામાંથી બહાર નીકળી જશે તો અન્ય સમાજના સક્ષમ લોકો આ હાઈ-પ્રોફાઇલ ફૅશન બિઝનેસ પર સંપૂર્ણ કબજો કરી લેશે, કારણ કે આ ક્ષેત્રમાં આવક અને પ્રગતિની ક્ષમતા બન્ને અપરંપાર છે. તેથી મારું નવી પેઢીને એટલું જ કહેવું છે કે નોકરીની પાછળ અંધાધૂંધ દોડવાને બદલે પોતાના કૌશલ્યને આધુનિક બનાવીને પોતાના ધંધાના માલિક બનો.