ઈ-કૉમર્સ સામે ટકી રહેવા ટ્રેડિશનલ વેપારીઓએ પણ બદલાવું જ પડશે

03 February, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કસ્ટમર કિંગ છે અને ઈ-કૉમર્સ દ્વારા મળી રહેલી સુવિધામાં આજનો ગ્રાહક ખેંચાઈ રહ્યો છે, પરંતુ તેમને ખબર નથી કે અત્યારે તેઓ તેમની પાસે જે આવે છે એ જ સ્વીકારી લે છે

નીલેશ વીરા ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટના ડિરેક્ટર અને ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA)ના સેક્રેટરી છે

છેલ્લાં પાંચ વર્ષમાં ઈ-કૉમર્સનું ચલણ જે રીતે વધ્યું છે એની બહુ જ ઊંડી અસર રીટેલ અને હોલસેલર ડીલરોને પડી છે. અનાજ અને ખાદ્યસામગ્રીનો વેપાર જે પદ્ધતિથી વર્ષોથી થઈ રહ્યો હતો એ રીતને બદલાવવાનો સમય આવી ગયો છે. ઈ-કૉમર્સે શરૂઆત કરી હતી હોલસેલર અને રીટેલરો પાસેથી ખરીદીને ગ્રાહકોને સામાન આપવાની. પછી ધીમે-ધીમે તેઓ ડાયરેક્ટ સોર્સ પાસેથી ખરીદવા માંડ્યા. હવે તો તેમણે પોતાની બ્રૅન્ડ હેઠળ વેચવાનું શરૂ કર્યું છે. રીટેલરો અને હોલસેલરો સામે ઘણા પડકારો છે કારણ કે ઈ-કૉમર્સવાળાનું બિઝનેસ મૉડલ છે કે જેમાં તેઓ શરૂઆતનાં થોડાં વર્ષો નુકસાન કરીને જ ધંધો કરે અને માર્કેટ કૅપ્ચર કરી લે. વૉલમાર્ટે પહેલાં ત્રીસ વર્ષ ખોટ ખાઈને બિઝનેસ કર્યો હતો. મોટી ઈ-કૉમર્સ કંપનીઓની એટલો લૉસ ખમીને બિઝનેસ કરવાની કૅપેસિટી હોય છે પરંતુ નાના રીટેલ વેપારીની ન જ હોય એ સ્વાભાવિક છે અને તેઓ હવે કોઈ નવો બિઝનેસ કરી શકે એ પણ શક્ય નથી.

બધાં જ વેપારી અસોસિએશન માટે આ ખતરાની ઘંટડી સમાન સમય છે. તેમણે ટકી રહેવા માટે નવા-નવા રસ્તાઓ અપનાવવા પડશે. હું દરેક રીટેલ દુકાનદારને કહીશ કે તમે તમારો USP એટલે કે યુનિક સેલિંગ પૉઇન્ટ બનાવીને કસ્ટમરને કેન્દ્રમાં રાખો. હવે તમારે ગ્રાહક સુધી પહોંચવું પડશે. તમારે ડોર-ટુ-ડોર સર્વિસ આપવી પડશે. તમારે સારી ગુણવત્તા વાજબી ભાવે આપીને ગ્રાહકનો વિશ્વાસ જીતવો પડશે. એના વિના હવે છૂટકો નથી. બીજી બાજુ, વેપારીઓની કાઉન્સિલ અને સંસ્થાઓએ પણ બધા વતી ગ્રાહકોના ઘરે પહોંચવા માટે જાહેરખબરોનો સહારો લેવો પડશે. આજે તમે જુઓ કે ન્યુ ઝીલૅન્ડનાં ઍપલની કે કિવીની જાહેરખબર આપણાં અખબારોમાં આવે છે, પણ કાશ્મીર કે શિમલાનાં ઍપલની નહીં; કારણ કે વિદેશી કાઉન્સિલ ઇન્ડિયન કન્ઝ્યુમર સુધી પહોંચવા અને તેમના વેપારીઓની ખપત વધારવા માટે પ્રયત્નો કરે છે. આપણે ત્યાંના વેપારીઓની કાઉન્સિલે પણ આવાં ઇનિશ્યેટિવ લેવાં પડશે.

કસ્ટમર કિંગ છે અને ઈ-કૉમર્સ દ્વારા મળી રહેલી સુવિધામાં આજનો ગ્રાહક ખેંચાઈ રહ્યો છે, પરંતુ તેમને ખબર નથી કે અત્યારે તેઓ તેમની પાસે જે આવે છે એ જ સ્વીકારી લે છે. ચાર વસ્તુ જોઈને એમાંથી પસંદ કરવાનો તેમનો અધિકાર તેમણે જતો કરી દીધો છે. ક્યાંક ઘેરબેઠાં આવતી વસ્તુની સગવડ ભોગવવામાં સારી ગુણવત્તાથી તેઓ વંચિત રહ્યા છે. અજાણ્યા પાસેથી ખરીદી કરીને આત્મસંતોષ માનનારા ગ્રાહકો જાણીતા કરિયાણાની કે સ્ટેશનરીની દુકાનમાંથી વસ્તુની ગુણવત્તાની ખાતરી ખોઈ બેઠા છે. જોકે રીટેલ દુકાનદારો પોતાના ગ્રાહકો સુધી પહોંચીને આ બાબતનું ભાન તેમને કરાવી શકે છે.

columnists exclusive gujarati mid day