ધર્મ અલંકાર હોય તો ધર્મી બની રહેવું એ વસ્ત્રપરિધાન

06 August, 2026 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મ માત્ર દાન, પૂજા કે તપ સુધી મર્યાદિત નથી. સાચો ધર્મ તો જીવનના દરેક ક્ષણે સત્ય, સંયમ, કરુણા અને ન્યાય સાથે ધર્મી બનીને જીવવામાં છે. ખોટા વર્તનનો ત્યાગ જ સાચી ધાર્મિકતાની ઓળખ છે.

પ્રતીકાત્મક તસવીર

કર્મ કરવામાં તાકાત જોઈએ છે એની ના નથી, પણ ધર્મી બન્યા રહેવામાં તો અનેકગણી તાકાત જોઈએ છે; કારણ કે કર્મ કરવાની વાત તો કદાચ ચોક્કસ સમયને, ચોક્કસ સ્થળને કે પછી ચોક્કસ સંયોગને બંધાયેલી છે પરંતુ ધર્મી બન્યા રહેવાની વાત તો દરેક સમય, દરેક સ્થળ અને દરેક સંયોગને બંધાયેલી છે.
અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે ધર્મ કરવો એ અલંકાર પહેરવાના સ્થાને છે, જ્યારે ધર્મી બન્યા રહેવું એ તો વસ્ત્રપરિધાનના સ્થાને છે. અલંકાર પ્રસંગે જ પહેરીએ એ બરાબર છે, એ જ શોભાસ્પદ છે; પરંતુ વસ્ત્રો તો ચોવીસેય કલાક અંગ પર હોવાં જોઈએ. ધર્મ પ્રાસંગિક જ કરીએ એ તો બરાબર છે, પરંતુ ધર્મી તો આપણે ચોવીસેય કલાક બન્યા રહેવું જોઈએ.
આપણને પોતાને આકર્ષણ શેમાં? ધર્મ કરવામાં કે ધર્મી બન્યા રહેવામાં? ધર્મ આપણા માટે પાર્ટ ટાઇમ જૉબ છે કે પછી ફુલ ટાઇમ જૉબ છે? આપણે ધર્મી તરીકે કદાચ જાહેર થયા પણ હોઈએ તોય સમ્યક સેવનથી આપણને લોકો ધર્મી તરીકે ઓળખે છે કે પછી ગલતના ત્યાગથી આપણને ધર્મી તરીકે ઓળખે? સમ્યક સેવનથી જો ધર્મી તરીકે ઓળખાતા હો તો ગલતના સ્વીકારને શું ગણવાનું અને ધારો કે ગલતના ત્યાગથી કોઈ ધર્મી માને તો સમ્યક અસ્વ‌ીકારને શું માનવાનું? 
દાનના સેવનથી હું ધર્મી બનવા ઇચ્છું કે પછી અનીતિના ત્યાગથી? પ્રભુની પૂજા દ્વારા મારી ધર્મી તરીકેની ઓળખમાં મને રસ છે કે પછી ટીવીના ત્યાગ દ્વારા હું ધર્મી પુરવાર થઉં એમાં મને રસ છે? પ્રભુસ્તવનાથી હું ધર્મી બનવા ઇચ્છું કે પછી નિંદાના ત્યાગથી? તપશ્ચર્યાના માર્ગે ધર્મી બનવામાં મને રસ કે પછી રાત્રિભોજન-હોટેલ-અભક્ષ વગેરેના ત્યાગ દ્વારા ધર્મી બનવામાં રસ કે પછી કોઈની ભૂલના આધારે હું સમગ્ર સંબંધોને દુઃખી નહીં કરવાની માનસિકતા દ્વારા ધર્મી બનું?
વિષય બહુ મોટો છે પણ એટલો જ જરૂરી છે. આજના સમયમાં આપણે કોઈના વાંકે કોઈને દંડી દઈએ છીએ તો સાથોસાથ કોઈના કારણે આપણે ત્રાહિતને સજા આપી દઈએ છીએ. કોઈનો ગુસ્સો કોઈના પર અને કોઈનો રોષ કોઈ અન્ય પર ઉતારી દઈએ છીએ અને એ બાબતમાં જાગૃત‌િ લાવવા વિશે પ્રયત્ન સુધ્ધાં નથી કરતા. આ જે નીતિ છે, આ જે સ્વભાવ અને આ જે વર્તણૂક છે એ ધર્મીને શોભતી નથી. હકીકતમાં તો રોષ કોઈને શોભતો નથી, પણ પાડાના વાંકે પખાલીને ડામ આપવાની જે નીતિ છે એ નીતિ તો સંસારી માત્રને શોભતી નથી.

columnists exclusive hinduism jain community gujarati mid day