16 November, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિનોદ ગડા
સમાજમાં મોભી કે અગ્રણીનું સ્થાન પ્રાપ્ત કરવું એ ગૌરવની વાત છે, પરંતુ આ સ્થાન કોઈ વૈભવ કે સત્તા નથી, એની સાથે અનેક જવાબદારીઓ જોડાયેલી હોય છે. સમાજનો મોભી એ માત્ર માર્ગદર્શન આપનાર વ્યક્તિ નથી, સમાજના વર્તમાનને સંભાળવાની અને ભવિષ્યને દિશા આપવાની જવાબદારી નિભાવનાર સારથિ છે. નેતૃત્વની ખરી કસોટી એ છે કે આપણી નજર સમાજની છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં. કોઈ પણ સમાજનો મોભી ત્યારે જ સાચા અર્થમાં મોભી કહેવાય જ્યારે તેને સમાજના સંપન્ન પરિવારોની સાથે જરૂરિયાતમંદ પરિવારની પણ એટલી જ ચિંતા હોય. આર્થિક મુશ્કેલીને કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે, કોઈ યુવાન કે યુવતી યોગ્ય જીવનસાથીની શોધમાં મૂંઝવણ કે મુશ્કેલી ન અનુભવે, કોઈ પરિવાર બીમારીના સમયે સારવારના ખર્ચના બોજ હેઠળ દબાઈ ન જાય એ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ સમાજના આગેવાનોની નૈતિક જવાબદારી છે. યાદ રાખો, વાતો કરવાથી સમાજ બેઠો થતો નથી, એના માટે ચોક્કસ વ્યવસ્થાઓ ઊભી કરવી પડે છે.
સમાજમાં ઉચ્ચ શિક્ષણ માટે વ્યાજમુક્ત લોન અને આર્થિક સહાયની વ્યવસ્થા ઊભી કરવી, યુવાનો અને પરિવારો વચ્ચે સામાજિક સેતુ બાંધવા માટે સ્નેહમિલન તથા પરિચય સંમેલનો યોજવાં, આરોગ્ય ક્ષેત્રે સામાન્ય માણસને પરવડે એવી અને વિશ્વસનીય મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવી તેમ જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના પરિવાર સુધી પહોંચે એ માટે માર્ગદર્શન કેન્દ્રો શરૂ કરવાં - આ બધી બાબતો સામાજિક પ્રવૃત્તિઓ કે ઉપકાર નથી, જવાબદારીઓમાં સામેલ છે. સમાજના આગેવાને ક્યારેય પ્રશંસા કે વાહવાહી મેળવવાની દોડમાં સામેલ ન થવું જોઈએ. સામાજિક નિર્ણયો લેતી વખતે વ્યક્તિગત હિત કે અંગત રાગ-દ્વેષને સંપૂર્ણપણે બાજુ પર મૂકીને, માત્ર અને માત્ર સામૂહિક હિતને જ સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ. સમાજની જે પણ સંપત્તિ, સંસ્થાઓ, ટ્રસ્ટો કે વ્યવસ્થાઓ છે એ કોઈની જાગીર નથી. એનો એક-એક રૂપિયો અને સાધન સમાજના સર્વાંગી વિકાસ માટે જ વપરાય એની કાળજી રાખવી. એક વાત ગાંઠે બાંધીને રાખવી જોઈએ કે સમાજે જે હોદ્દો આપ્યો છે એ આપણા અહંકારને પોષવા માટે નથી. એ હોદ્દાની પાછળ સમાજકલ્યાણ માટે રાત-દિવસ સેવા કરવાની અપેક્ષા જોડાયેલી હોય છે. છેવટે એટલું જ કહીશ કે, નેતૃત્વની સાચી ઓળખ સત્તા કે પદથી નથી થતી, સેવા અને સમર્પણથી થાય છે. સમાજમાં આદર હોદ્દાના જોરે નથી મળતો, જવાબદારીને વફાદારીપૂર્વક નિભાવવાથી પ્રાપ્ત થાય છે.
- વિનોદ ગડા
વિનોદ ગડા વાગડ ગ્લોબલ ફાઉન્ડેશન, વાગડ વેલ્ફેર હૉસ્પિટલ, શ્રી વાગડ વીસા ઓસવાળ કેળવણી ફંડ, શ્રી વાગડ વીસા ઓસવાળ ફાઉન્ડેશન, નવચેતન અંધજન મંડળ અને લાકડિયા વીસા ઓસવાળ સમાજના પ્રમુખ છે. આ સિવાય પણ તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.