નકારાત્મકતાનાં નોટિફિકેશન્સ બંધ કરો અને ભીતરનો દીવો પ્રગટાવો

08 June, 2026 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નકારાત્મકતા ધીમે-ધીમે આપણી ટેવ બની જાય છે અને અંતે એ જ આપણું પ્રારબ્ધ બનીને સામે આવે છે

ગુજરાતીમાં PhD કરી ચૂકેલાં દીપ્તિ શુક્લ મલાડની SNDT કૉલેજનાં ભૂતપૂર્વ શિક્ષિકા છે

ભાગદોડભરી જિંદગીમાં આપણે બધા એક અજાણી સ્પર્ધામાં દોડી રહ્યા છીએ. સોશ્યલ મીડિયાના યુગમાં બીજાના જીવનનું એડિટેડ સુખ જોઈને આપણને ઘણી વાર આપણું અસ્તિત્વ નાનું અથવા નિરર્થક લાગવા માંડે છે. જોકે શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી ખરી ઓળખ શું છે? ત્રણ-ચાર અક્ષરનું આપણું નામ એ માત્ર વ્યવહાર માટે નથી, આપણા અસ્તિત્વનો અને ચેતનાનો પ્રથમ ધ્વનિ છે.

જીવનની આ અનોખી યાત્રામાં પરિસ્થિતિ અને સંજોગો પર આપણો કાબૂ હોતો નથી. ક્યારેક આર્થિક મંદી, ક્યારેક અંગત સંબંધોમાં ખટાશ તો ક્યારેક કરીઅરની અનિશ્ચિતતા આપણને ઘેરી લે છે. આવી પરિસ્થિતિમાં આપણે ઘણી વાર લઘુતાગ્રંથિનો શિકાર બની જઈએ છીએ અને ‘મારાથી કંઈ નહીં થાય’ એવા નકારાત્મક વિચારોના વમળમાં ફસાઈ જઈએ છીએ. આ નકારાત્મકતા ધીમે-ધીમે આપણી ટેવ બની જાય છે અને અંતે એ જ આપણું પ્રારબ્ધ બનીને સામે આવે છે.

જોકે કુદરતના નિયમો કંઈક અલગ જ કહે છે. બ્રહ્માંડનો દરેક અંશ, પછી એ નાનકડો પરમાણુ હોય કે વિશાળ આકાશગંગા, પોતાના કર્તવ્યમાં સક્રિય છે. બગીચામાં ગુલાબ એની જગ્યાએ શ્રેષ્ઠ છે અને મોગરો એની જગ્યાએ. ત્યાં કોઈ સ્પર્ધા કે સરખામણી નથી. આપણે પણ એ જ વિરાટ બ્રહ્માંડનો અંશ છીએ તો પછી આપણે અપૂર્ણ કેવી રીતે હોઈ શકીએ? આપણી પાસે વિચારવાની સ્વતંત્રતા છે. જો આપણા વિચારો બદલીએ તો શબ્દો બદલાશે અને જો શબ્દો બદલાશે તો આપણી ક્રિયાઓ અને પરિણામો પણ બદલાશે. રોજ સવારે ઊઠીને માત્ર એટલું જ કહેવું કે હું જેવો છું એવો મારી જાતને સ્વીકારું છું અને હું સુરક્ષિત છું એ આપણા આંતરજગતમાં પરિવર્તનની શરૂઆત છે.

બહાર જ્યારે કોઈ માર્ગદર્શક ન મળે ત્યારે પોતાની ભીતર ડોકિયું કરવું જરૂરી છે. સફળતા કોઈ નસીબની રમત નથી, યોગ્ય દિશામાં કરેલા સતત પુરુષાર્થનું પરિણામ છે. આથી બીજાના પ્રકાશની રાહ જોવાને બદલે સ્વયં પ્રકાશિત થવું એ જ સાચો માર્ગ છે. ભગવાન બુદ્ધના એ સૂત્રને જીવનમાં ઉતારવા જેવું છે : ‘અપ્પ દીપો ભવ’ એટલે તું જ તારો દીવો થા. જ્યારે આપણું મન સકારાત્મક વિચારોથી સુશોભિત હશે ત્યારે આપણે પોતે જ આપણા શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકીશું.

આજના ડિજિટલ યુગમાં આપણે સ્ક્રીન સામે કલાકો વિતાવીએ છીએ, પણ ક્યારેક સેલ્ફ-ટૉક કરવાનું ભૂલી જઈએ છીએ. મનની અંદર ચાલતો નકારાત્મક કોલાહલ જ આપણી ઊર્જાને શોષી લે છે. કોઈ પણ નિષ્ફળતા પૂર્ણવિરામ નથી, પણ નવેસરથી શરૂઆત કરવાનો એક અલ્પવિરામ છે. તમે જ્યારે અન્યો પાસેથી અપેક્ષાઓ રાખવાનું છોડીને પોતાની ક્ષમતાઓ પર ભરોસો મૂકો છો ત્યારે ભીતર પડેલી અનંત શક્તિઓ જાગૃત થાય છે. બહારના ઘોંઘાટથી પર થઈને શાંતચિત્તે તમારી ભીતર રહેલા એ અખંડ દીવાને ઓળખો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો.

columnists exclusive gujarati mid day