નથી કહેવા માટે પણ છેનો સ્વીકાર કરવો પડે

22 February, 2026 11:38 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

માણસને શાંતિથી રહેવા માટે ધર્મ જોઈએ છે. આ અનિવાર્ય પણ છે અને આમ છતાં આ વ્યવહાર જળવાયેલો નથી. ખ્રિસ્તીઓ એકત્રીસમાંથી ૨૮ ટકા થઈ ગયા અને મુસલમાનો ૨૫ ટકા જેટલા થયા. આ આંકડા વિચાર કરતા સૂચવે એવા છે. ખ્રિસ્તીઓ ઘટી શા માટે ગયા અને મુસલમાનો વધી શા માટે ગયા?

પ્રતિકાત્મક તસવીર

પરમાત્માએ પ્રકૃતિમાં હજારો જાતિઓનું નિર્માણ કર્યું છે અને આ હજારો જાતિઓમાં એવી એક પણ નથી જે ધર્મ વિશે કશું જાણતી હોય. કીડી-મંકોડાથી માંડીને માણસ સુધીની પ્રજાતિઓમાં એકમાત્ર માણસે ધર્મ શબ્દનું નિર્માણ કર્યું છે. આ ધર્મને કાળાંતરે આપણે religine શબ્દથી સાંકળી લીધો છે. આ religine શું છે? માણસ સિવાય દુનિયાભરની કોઈ પણ પ્રજાતિ ધર્મ વિશે કશું જાણતી નથી. હકીકતે સ્થળ-કાળના સંદર્ભમાં મને શી રીતે રહેવું જોઈએ, હરવું-ફરવું, ખાવું-પીવું, પરસ્પર સાથે શાંતિપૂર્વક વ્યવહાર રાખવો આ બધું શીખીને એનો અમલ કરવાનું આ ધર્મ નામના પદાર્થે માણસને શીખવ્યું. ધર્મ શાશ્વત હોઈ શકતો નથી, હોતો નથી અને હોવો પણ ન જોઈએ. સમયાંતરે નિયમો બદલાય, પણ માણસે આ ધર્મના મૂળમાં જે વાત કહી છે એ ભૂલવા જેવી નથી. આ મૂળ વાત માણસે પોતાની મર્યાદા સ્વીકારીને વધારે સુખરૂપ શી રીતે થવું એની ગોઠવણ કરી એ વખત જતાં ધર્મ બની ગયો.

જોકે આમાં કોઈક વાર એવું પણ બન્યું છે કે માણસે પોતાની રહેણીકરણી અને પરસ્પરના વ્યવહારોને સ્થળ-કાળના સંદર્ભોમાં ફેરવી નાખ્યાં છે. ક્યાંક કોઈક પ્રદેશમાં અમુક ચોક્કસ નીતિનિયમો પાળતા હોય અને જેને તાત્પૂરતો ધર્મ કહેવાતો હોય એ અન્યત્ર એવું આદરણીય ન પણ બન્યું હોય. હાલમાં જ દુનિયાના ૨૦૦ દેશોમાં પ્રવર્તતા ધર્મની સંખ્યા ગણતરીમાં લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આજે ખ્રિસ્તી કહેવાતો ધર્મ દુનિયામાં સૌથી વધુ પ્રસાર, પ્રચાર પામ્યો છે. ખ્રિસ્તીઓની સંખ્યા ત્રીસેક વરસ પહેલાં ૩૧ ટકા જેટલી હતી. આજે ત્રણેક દસકાઓ પછી ખ્રિસ્તીઓનું સંખ્યાબળ ૨૮ ટકા થયું છે અને મુસલમાનોની વસ્તી ૨૫ ટકા જેટલી થઈ ગઈ છે.

આનું આમ કેમ?

માણસને શાંતિથી રહેવા માટે ધર્મ જોઈએ છે. આ અનિવાર્ય પણ છે અને આમ છતાં આ વ્યવહાર જળવાયેલો નથી. ખ્રિસ્તીઓ એકત્રીસમાંથી ૨૮ ટકા થઈ ગયા અને મુસલમાનો ૨૫ ટકા જેટલા થયા. આ આંકડા વિચાર કરતા સૂચવે એવા છે. ખ્રિસ્તીઓ ઘટી શા માટે ગયા અને મુસલમાનો વધી શા માટે ગયા? ઉપરના આંકડા તપાસીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન એ પેદા થાય છે કે ખ્રિસ્તીઓની સંખ્યા શા માટે ઘટી ગઈ અને મુસ્લિમોની સંખ્યા શા માટે યથાતથ જળવાઈ રહી છે. આ બધા વચ્ચે સૌથી વધુ આશ્ચર્યજનક આંકડો તો એ છે કે વિશ્વના ૨૪ ટકા નાગરિકો પોતે કોઈ પણ ધર્મમાં માનતા હોવાનો ઇનકાર કરે છે. (હિન્દુ ધર્મ ૧૫ ટકા અને બૌદ્ધ ધર્મ ૪ ટકાનો હિસ્સો ધરાવે છે.) માણસને જેમ ધર્મની જરૂરિયાત પડી એમ ધર્મો તેના જીવનમાં જુદા-જુદા સ્વરૂપે ગોઠવાતા ગયા, પણ આ ધર્મો હવે ૨૪ ટકાની હદે ઘટી રહ્યા છે એ થોડું ચિંતાપ્રેરક પણ છે. આનો અર્થ એવો થાય છે કે માણસને હવે પોતાના ધર્મ પર એટલે કે પૂર્વજોએ તેમને જે શુદ્ધ અને પવિત્ર રહેણીકરણી શીખવી હતી એના પર શ્રદ્ધા રહી નથી. દુનિયાની વસ્તીના ૨૪ ટકા જેટલા માણસો પોતાને નાસ્તિક માને એ વાત વિચાર કરવા જેવી છે.

નાસ્તિક એટલે શું?

માણસ પોતાને નાસ્તિક માને એટલે કે પોતાના ધર્મનો ઇનકાર કરે એ વાત પુન: પુન: તપાસવા જેવી છે. માણસે ધર્મ બનાવ્યો હતો શાંતિપૂર્વક અને વ્યવસ્થિત જીવનનિર્વાહ કરવા માટે. આરંભમાં આવું થયું પણ ખરું. એકસરખી રીતે માણસજાત રહી શકે એને બદલે ધર્મે કંઈક એવી અશાંતિ પેદા કરી જેનાથી માણસને પોતાની પાસે રહેલા ધર્મ પર અશ્રદ્ધા જાગી ગઈ. તેને લાગ્યું કે ધર્મથી શાંતિ નહીં પણ અશાંતિ પેદા થાય છે અને તેણે ધર્મનો ત્યાગ કરવાનું વલણ અપનાવ્યું. આ ભારે જોખમી વલણ છે. આજે દેશની ૨૪ ટકા જેટલી વસ્તી જો ધર્મનો ઇનકાર કરશે તો આવતી કાલે વિશ્વનું વ્યવસ્થાતંત્ર કદાચ ખોરવાઈ જાય એવી શક્યતા પણ પેદા થશે.

આ આસ્તિક અને આ નાસ્તિક

નાસ્તિક અને આસ્તિક આ બે શબ્દો સમજવા જેવા છે. આપણે સામાન્ય રીતે જે કોઈ ઈશ્વરમાં માને છે તેને આસ્તિક કહીએ છીએ અને જે ઈશ્વરમાં માનતા નથી તેને નાસ્તિક કહીએ છીએ. ઈશ્વરને કોઈએ જોયા નથી અને એના વિશે કોઈ કશું જાણતું નથી. આમ છતાં ઈશ્વર હોવાનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી. અહીં નાસ્તિક અને આસ્તિક આ બે શબ્દોને પણ સમજીએ. આસ્તિક એટલે હોવું. આસ્તિક જ્યારે પોતાને આસ્તિક કહેવડાવે છે ત્યારે તે ઈશ્વરના હોવા વિશે શ્રદ્ધા ધરાવે છે એવો અર્થ થાય. તે માને છે કે ઈશ્વર છે. આ છે એટલે અસ્તિ. આથી સામા છેડે નાસ્તિક જ્યારે એમ કહે છે કે ઈશ્વર નથી - ન અસ્તિ ત્યારે અસ્તિ એટલે કે હોવાનો સ્વીકાર તો થઈ જ જાય છે. નાસ્તિ એટલે કે નથી એટલું કહેવા માટે પણ સ્વીકાર તો કરવો જ પડે છે. નાસ્તિ શબ્દ હું કોઈ પણ પદાર્થ માટે ત્યારે જ વાપરી શકું જ્યારે એના નથી હોવાપણા વિશે જાણ્યે-અજાણ્યે સ્વીકાર થઈ જાય. એ છે એટલું કહ્યા પછી જ એ નથી એટલે કે નાસ્તિક એમ કહી શકાય છે.

નાસ્તિકોની વધેલી સંખ્યાના કારણરૂપે એવું કહેવાય છે કે માણસને હવે પરસ્પરની શ્રદ્ધા, પ્રેમ, શાંતિ આ બધા પર લાગણી ઘટતી જાય છે. આસ્તિકોએ જે સુખ-શાંતિરૂપ નિયમો આપ્યા હતા એ નિયમો સફળ થયા નથી અને કદાચ એટલે જ નાસ્તિકોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થતો ગયો છે. આ અશ્રદ્ધા આવતી કાલ માટે ચિંતાપ્રેરક છે.

dinkar joshi islam hinduism gujarati mid day lifestyle news life and style columnists christianity