અલ્ટ્રાક્રેપિડેરિયન : હે કોબલર, જોડાથી આગળ ન વધતો

04 June, 2023 12:41 PM IST  |  Mumbai | Kana Bantwa

હું બધું જ જાણું છું : ગમે એ વિષયમાં સલાહ આપનાર લોકો જેમને પોતાના અજ્ઞાનનું જ્ઞાન નથી

અલ્ટ્રાક્રેપિડેરિયન : હે કોબલર, જોડાથી આગળ ન વધતો

તેમના સંશોધનમાં સાબિત થયું કે માણસો પોતાની કુશળતા અને જ્ઞાન વિશે બહુ મોટા ખ્યાલો ધરાવતા હોય છે જે વાસ્તવિક હોતા નથી. તેમની આ થિયરી ડનિંગ-ક્રુગર થિયરીના નામે અત્યંત પ્રસિદ્ધિ પામી. જે માણસને પોતે બધું જાણે છે એવું લાગતું હોય તેને ડનિંગ-ક્રુગર ઇફેક્ટ કહેવામાં આવે છે.

જે માણસ ઓછું જાણતો હોય તે પોતે વધુ જાણે છે એવો વધુ દાવો કરે, જોકે માણસ વધુ જાણતો થાય તેમ તે પોતે ઓછું જાણતો હોવાનું કહેતો થઈ જાય. ચાર્લ્સ ડાર્વિનનું વાક્ય છે - જ્ઞાન કરતાં અજ્ઞાન વધુ આત્મવિશ્વાસ આપે છે. 

ગ્રીસના મહાન ચિત્રકાર અપેલિસને એવી ટેવ કે પોતે બનાવેલા ચિત્રને નગરના ચોકમાં પ્રદર્શનમાં મૂકે અને પોતે જરા દૂર ક્યાંક નજરે ન ચડે એ રીતે ઊભા રહીને ચિત્ર અંગેની લોકોની ટીકાટિપ્પણી સાંભળે. અપેલિસ બે-ત્રણ વર્ષ મહેનત કરીને ચિત્ર બનાવતો. ઘણી વાર તો એથી પણ વધુ સમય લાગી જાય. મૂળ તો તે સિકંદરના પિતા રાજા ફિલિપ્સના દરબારનો ચિત્રકાર, પણ પછી સિકંદરના દરબારમાં પણ મુખ્ય ચિત્રકાર તરીકે તેનું સ્થાન. સિકંદરે તેને પોતાની ફેવરિટ મિસ્ટ્રેસ કેમ્પાસ્પેનું ચિત્ર દોરવાનું કામ સોંપ્યું. કેમ્પાસ્પેએ ચિત્ર માટે પોઝ આપ્યા અને અપેલિસે અદ્ભુત ચિત્ર બનાવ્યું. કેમ્પાસ્પેની સુંદરતાને કૅન્વસ પર ઉતારતી વખતે અપેલિસ તેના પ્રેમમાં પડી ગયો અને સિકંદરે પોતાના દરબારી ચિત્રકારને આદર આપવા માટે પોતાની મિસ્ટ્રેસ કેમ્પાસ્પે ઇનામ પેટે અપેલિસને આપી દીધી. આ અપેલિસે એક વખત એક ચિત્ર બનાવીને પોતાની આદત મુજબ એને નગરના ચોકમાં ગોઠવ્યું અને સંતાઈને આવતા-જતા લોકોના ચિત્ર અંગેના પ્રતિભાવો સાંભળવા માંડ્યો. એવામાં એક મોચી ત્યાંથી નીકળ્યો. સુતારનું મન બાવળિયે હોય એમ મોચીની નજર જોડા પર હોય. ચિત્રમાંના માણસના પગમાં પહેરેલાં સૅન્ડલ જોઈને મોચીએ કહ્યું કે આ સૅન્ડલ ચીતરવામાં ખામી છે, એનો પહેલો પટ્ટો આટલો નાનો ન હોઈ શકે. મોચીની ટીકા સાંભળીને અપેલિસ તરત જ ત્યાં આવ્યો અને તેને પૂછ્યું કે સૅન્ડલમાં શું વાંધો છે? મોચીએ જેમ કહ્યું એ રીતે તે સૅન્ડલમાં સુધારો કરવા માંડ્યો. મહાન ચિત્રકાર અપેલિસને પોતાની સલાહ માનતો જોઈને મોચીને પાનો ચડ્યો. તેણે ચિત્રની બીજી કોઈ ખામી શોધી કાઢીને કહ્યું કે આ પણ બરાબર નથી. અપેલિસે તરત જ તેને કહ્યું, ‘સોતોર, ને અલ્ટ્રાક્રેપિડમ.’ મોચી, સૅન્ડલથી આગળ ન વધતો. પગરખાં બાબતે મોચીનું કૌશલ્ય બરાબર હોય અને એ અપેલિસે સ્વીકારી લીધું, પણ બાદમાં જે બાબતમાં એક્સપર્ટાઇઝ જ ન હોય એ બાબતે મોચીએ સલાહ આપી એટલે તેને ટપાર્યો. અપેલિસની આ ટકોર અંગ્રેજી ભાષામાં એક શબ્દ આપતી ગઈ - અલ્ટ્રાક્રેપિડેરિયન. અલ્ટ્રાક્રેપિડેરિયન એટલે એવો માણસ જે પોતે ન જાણતો હોય એ ક્ષેત્રમાં પણ સલાહો આપે, પોતે બધું જ જાણતો હોવાનો દાવો કરે. અંગ્રેજીમાં આવું કરનાર માણસને નો ઇટ ઑલ કહેવાય છે.

હું બધું જ જાણું, મને બધું આવડે.
અમેરિકાના પિટસબર્ગ શહેરમાં ૧૯૯૦ના દાયકામાં એક બૅન્કમાં એક સશસ્ત્ર લૂંટારો ત્રાટકયો. મૅક આર્થર વ્હીલર નામના ૪૪ વર્ષના આ લૂંટારાએ બે બૅન્ક ધોળા દિવસે લૂંટી. તેણે પોતાના મોં પર માસ્ક પણ નહોતો પહેર્યો અને ઓળખાઈ ન જવાય એ માટે તેણે કોઈ જ સાવધાની પણ રાખી નહોતી. ખુલ્લા મોઢે બૅન્ક લૂંટવાનું પરાક્રમ કરનાર વ્હીલર તેની આ મૂર્ખાઈને લીધે તરત જ પકડાઈ ગયો. પકડનાર પોલીસ અધિકારીએ પૂછપરછ દરમિયાન તેને પૂછ્યું કે ‘તેં પોતાની ઓળખ છુપાવવા કોઈ પ્રયત્ન કેમ નહોતો કર્યો? તેં તારો ચહેરો કેમ માસ્ક કે કપડાથી ઢાંક્યો નહોતો?’ 

વ્હીલરે તરત જ જવાબ આપ્યો, ‘મેં મોં પર લેમન જૂસ તો લગાડ્યો હતોને.’ 

અધિકારીને સમજાયું નહીં કે ચહેરા પણ લેમન જૂસ લગાડવા અને માસ્કથી મોં ઢાંકવા વચ્ચે સંબંધ શું છે? એટલે તેણે પ્રશ્ન કર્યો, ‘લેમન જૂસ લગાડવાથી શું થાય?’ 

વ્હીલરે આશ્ચર્ય દર્શાવતાં સામો પ્રશ્ન કર્યો, ‘તમને ખબર નથી? મોં પર લેમન જૂસ લગાવવાથી કૅમેરામાં ચહેરો કૅપ્ચર ન થાય. મેં લેમન જૂસ લગાવીને મારો ફોટો પણ પાડી જાયો હતો. એ કૅમેરામાં ઝડપાયો નહોતો.’ 

વ્હીલરને પછી જાણ થઈ કે લેમન જૂસ મોં પર લગાવવાથી કૅમેરામાં ચહેરો ન આવે એવું તેના બે ચોર મિત્રોએ કહ્યું હતું એ તો મજાક માત્ર હતી અને પોતે લેમન જૂસ લગાવીને પોતાનો ફોટો પાડ્યો ત્યારે ફોકસ નહીં થયું હોય એટલે ફોટો નહીં આવ્યો હોય. આ ઘટનાના સમાચાર કોર્નેલ યુનિવર્સિટીના સોશ્યલ સાઇકોલૉજીના પ્રોફેસર ડેવિડ ડનિંગે વાંચ્યા. તેને માનવામાં ન આવ્યું કે કોઈ વ્યક્તિ આવું કરી કેમ શકે? પોતાની જાણકારી પર કોઈ માણસને આટલો વિશ્વાસ કેમ હોય? એટલે તેણે પોતાના સાથી સાઇકોલૉજિસ્ટ જસ્ટિન ક્રુગર સાથે મળીને સંશોધન અને પ્રયોગો શરૂ કર્યાં. તેમના સંશોધનમાં સાબિત થયું કે માણસો પોતાની કુશળતા અને જ્ઞાન વિશે બહુ મોટા ખ્યાલો ધરાવતા હોય છે જે વાસ્તવિક હોતા નથી. તેમની આ થિયરી ડનિંગ-ક્રુગર થિયરીના નામે અત્યંત પ્રસિદ્ધિ પામી. જે માણસને પોતે બધું જાણે છે એવું લાગતું હોય તેને ડનિંગ-ક્રુગર ઇફેક્ટ કહેવામાં આવે છે. તેમની થિયરીમાં એવું પણ પ્રતિપાદિત થયું કે જે માણસ ઓછું જાણતો હોય તે પોતે વધુ જાણે છે એવો વધુ દાવો કરે, જ્યારે જેમ-જેમ માણસ વધુ જાણતો થાય તેમ-તેમ તે પોતે ઓછું જાણતો હોવાનું કહેતો થઈ જાય. ચાર્લ્સ ડાર્વિનનું એક વાક્ય છે - જ્ઞાન કરતાં અજ્ઞાન વધુ આત્મવિશ્વાસ આપે છે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે વિધાન કર્યું કે ડોરિયન નામનું ભયંકર ચક્રાવાત અલબામા પર ટકરાશે અને ભયંકર વિનાશ વેરશે. એકાદ કલાકમાં જ અમેરિકાની સરકારી હવામાન સંસ્થાએ યાદી બહાર પાડીને કહ્યું કે વાવાઝોડું અલબામાની નજીક પણ જવાનું નથી. કેશુભાઈ સવદાસભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ભયંકર ભૂકંપ આવ્યો. હજારો નાગરિકોનાં મોત થયાં. ઘટનાના બે-ત્રણ દિવસ પછી જ કેશુભાઈએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આવો જ મોટો ભૂકંપ ફરીથી એકાદ દિવસમાં આવશે. આખા ગુજરાતમાં દહેશત વ્યાપી ગઈ. જોકે ભૂકંપ ન આવ્યો. ટ્રમ્પ અને કેશુભાઈ બંનેએ ડનિંગ-ક્રુગર ઇફેક્ટથી આવાં નિવેદનો આપ્યાં. હું બધું જાણું છું એ વિશે મનમાં મંથન ત્યારે શરૂ થયું જ્યારે રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું કે ‘અમારા વડા પ્રધાન માને છે કે તેઓ બધું જાણે છે. તેઓ ઈશ્વરને પણ સમજાવી શકે. તેમને ઈશ્વર સાથે બેસાડવામાં આવે તો તેમને પણ સમજાવે કે બ્રહ્માંડ કઈ રીતે બન્યું.’

હું બધું જાણું છું એવું કહેનાર, એવું દર્શાવનાર માણસો સતત તમને ભટકાતા હશે. શા માટે માણસ આવું કરે છે? શા માટે માણસને પોતાના અજ્ઞાનનું જ્ઞાન નથી થતું? જે માણસને ખબર જ નથી કે પોતે શું નથી જાણતો તે તો એમ જ માનશે કે હું બધું જ જાણું છું. પોતે બધું જાણતો હોવાનો માણસ દાવો કરે એનું આ પ્રથમ કારણ છે. બીજું કારણ એ છે કે માણસને તેના પોતાના અજ્ઞાન અને અક્ષમતા અંગે જાણકારી મળી રહે એવી વ્યવસ્થા જ તેની પાસે હોતી નથી. પોતે કોઈનાં ફીડબૅક લેતો જ ન હોય અને કોઈ પ્રામાણિક પ્રતિભાવ આપે તો તેને ગમતું ન હોય. ત્રીજું કારણ એ છે કે પોતાની બુદ્ધિપ્રતિભા દર્શાવવાની તેને ખૂબ હોંશ હોય છે. ચોથું કારણ એ છે કે તેઓ અટેન્શન ઇચ્છતા હોય છે. પાંચમું કારણ તેમની અસલામતીની ભાવના છે.
 સૌરાષ્ટ્રમાં એમબીએનું ફુલ ફૉર્મ લોકો ‘મને બધું આવડે’ એવું કરે છે. આવા એમબીએ એટલે આપણા ‘નો ઇટ ઑલ.’ અલ્ટ્રાક્રેપિડેરિયન. આવા માણસોમાં સાંભળવાની ધીરજ હોતી નથી. તેઓ બોલવાનું જાણે, સાંભળવાનું નહીં. તેઓ પોતાના અંગે જ વાતો કરે. તેમના માટે પોતે જ વિશ્વનું કેન્દ્રબિંદુ હોય. તેઓ હંમેશાં કેન્દ્રમાં રહેવાના પ્રયત્નો કરે. તેઓ નાર્સિસ્ટિક હોય છે. પોતાના જ પ્રેમમાં પડેલા રહે છે. આવા લોકોને હંમેશાં લાગતું હોય કે હું સાચો જ છું અથવા હું જ સાચો છું. તેઓ સલાહ આપવાના માસ્ટર હોય. પોતાની ભૂલ સ્વીકારવી એ તેમના માટે બહુ જ મુશ્કેલ કામ હોય. ભૂલ તો સ્વીકારે જ નહીં. એને બદલે દલીલો કરીને પોતાની ભૂલ એ ભૂલ નહોતી એવું સાબિત કરવાની કોશિશ કરે. તેમણે પોતાની આખી પર્સનાલિટી પોતે જ જાણતા હોય એની આસપાસ બનાવી હોય એટલે તેમનો ઈગો એની સાથે જોડાયેલો હોય. તેમની સાથે કોઈ અસહમત થાય તો તેમનો અહમ્ ઘવાય છે, તેમને એમાં પોતાના પરનું જોખમ દેખાય છે. અસહમતી તેમને વ્યક્તિગત હુમલા જેવી લાગે છે. આવું તમે પોતે કરતા હો તો ચેતી જજો, એનાં નુકસાન ઘણાં છે.

columnists kana bantwa