હવે માર્કેટમાંથી કેરી ખરીદવાની નહીં ઝાડ જ ભાડે લઈ લેવાનું

26 April, 2026 01:51 PM IST  |  Kochi | Laxmi Vanita

પરંપરાગત રીતે કેરીઓને ૭૫ ટકા પાકે ત્યારે જ તોડી લેવામાં આવે છે અને પછી કૃત્રિમ રીતે પકવવામાં આવે છે, જે સ્વાદ અને ગુણવત્તા બન્નેને અસર કરે છે. જોકે અહીં રેન્ટ અ ટ્રીમાં દરેક ઝાડ પર કેરીઓ કુદરતી રીતે પાકે છે અને દર બે અઠવાડિયે તોડવામાં આવે છે.

મૅન્ગો ટ્રીની દેખરેખ કરી રહેલા ઉમેશ દામોદરન.

દરેક પરિવાર પાસે પોતાની આંબાવાડી હોય એવું શક્ય નથી, પરંતુ તમારું પોતાનું આંબાનું એક વૃક્ષ હોય એવું શક્ય કરી આપ્યું છે કોચીના એક સ્ટાર્ટ-અપે. ઉમેશ દામોદરનનું બ્રેઇન-ચાઇલ્ડ એવું આ સ્ટાર્ટ-અપ તમને ડાયરેક્ટ કેરી નથી વેચતું, એ તમને ચોક્કસ આંબાવાડીઓમાં ઊછરી રહેલા આંબામાંથી તમારી પસંદગીનું એક વૃક્ષ તમને ભાડે આપે છે. એ વૃક્ષ પર ઊગતી તમામ કેરી તમારા ઘરે પહોંચાડવામાં આવે છે

નવીનતા ઘણી વખત એવી રીતે આપણને આશ્ચર્યચકિત કરે છે કે સામાન્ય લાગતી સમસ્યાઓ માટે અસામાન્ય ઉકેલ સામે આવે છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક સ્ટાર્ટ-અપ્સે રોજિંદા જીવનને સરળ અને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાના પ્રયાસો કર્યા છે. ઉદાહરણ તરીકે, કેટલાંક પ્લૅટફૉર્મ્સ ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડે છે તો કેટલાંક સ્ટાર્ટ-અપ્સ ઑર્ગેનિક ખોરાકને શહેરોમાં સરળતાથી ઉપલબ્ધ બનાવે છે. આરોગ્ય-ક્ષેત્રમાં પણ નવીનતા જોવા મળે છે જ્યાં ડિજિટલ હેલ્થ પ્લૅટફૉર્મ્સ લોકો સુધી ઝડપી અને સસ્તી સારવાર પહોંચાડે છે, જ્યારે શિક્ષણ-ક્ષેત્રમાં ઑનલાઇન લર્નિંગ મૉડલ્સે અભ્યાસને વધુ લવચીક અને વ્યાપક બનાવ્યો છે. આ જ ક્રમમાં કોચીના ઑન્ટ્રપ્રનર ઉમેશ દામોદરને પોતાના અનોખા સ્ટાર્ટ-અપ ‘રેન્ટ અ ટ્રી’ જેવી પહેલથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે જે ખેતીને માત્ર ઉત્પાદન નહીં પરંતુ એક અનુભવમાં ફેરવે છે. જ્યાં અન્ય સ્ટાર્ટ-અપ્સ સેવાઓ સરળ બનાવે છે ત્યાં આ મૉડલ લોકો અને પ્રકૃતિ વચ્ચેનો તૂટેલો સંબંધ ફરીથી બનાવવાનો પ્રયત્ન કરે છે. એક ઝાડ સાથે જોડાવાની ભાવના, એની ઊપજની રાહ જોવાની ઉત્સુકતા અને પછી એ ફળને પોતાના તરીકે અનુભવવાની ખુશી આ બધું એને અન્ય નવીનતાઓથી અલગ બનાવે છે. આવી પહેલ બતાવે છે કે નવીનતા માત્ર ટેક્નૉલૉજી સુધી મર્યાદિત નથી. એ આપણા જીવનનાં ભાવનાત્મક અને સામાજિક પાસાંઓને પણ સ્પર્શી શકે છે. ‘રેન્ટ અ ટ્રી’ની પ્રેરણા અને સફર વિશે વિસ્તારથી જાણીએ.

પાડોશીઓની ડિમાન્ડમાંથી મળ્યો આઇડિયા

કોચી-આધારિત ઉદ્યોગ-સાહસિક ઉમેશ દામોદરન ‘રેન્ટ અ ટ્રી’ શરૂ કરતાં પહેલાં બૅન્ગલોરમાં એક ઍડ-ટેક સ્ટાર્ટ-અપ ચલાવતા હતા જે તેમણે લગભગ ૨૦૧૮થી ૨૦૨૩ સુધી સંભાળ્યું હતું. આ સમયગાળા દરમ્યાન તેઓ વારંવાર બૅન્ગલોર અને કેરલમ વચ્ચે મુસાફરી કરતા, જે તેમના જીવનનો નિયમિત ભાગ બની ગયો હતો. આ સતત પ્રવાસો દરમ્યાન જ તેમને ખેતી અને ખાસ કરીને કેરીના બગીચાઓ સાથે નજીકથી ઓળખાણ થઈ. એક એવા જ પ્રવાસ દરમ્યાન પાલક્કાડમાં તેમને એક્સપોર્ટ ક્વૉલિટીની આફૂસ કેરી મળી જેને તેમણે ઉત્સાહથી બૅન્ગલોરમાં પોતાના મિત્રો અને પાડોશીઓ સાથે વહેંચી. એ કેરીનો સ્વાદ અને ગુણવત્તા એટલાં અસરકારક હતાં કે લોકો વધુ માગવા લાગ્યા. ધીમે-ધીમે આ નાની ક્રિયા એક નિયમિત વ્યવહાર બની ગઈ. પાડોશીઓને અમુક વૃક્ષની મીઠી કેરી એટલી ભાવવા લાગી કે પછી એક પાડોશીએ એક અનોખી માગણી કરી - શું એક જ ઝાડની બધી કેરી મેળવી શકાય? આ સવાલે ઉમેશને વિચારવા મજબૂર કર્યા અને અહીંથી જ તેમણે એક નવું બિઝનેસ-મૉડલ કલ્પ્યું. આ રીતે એક સામાન્ય અનુભવ અને એક સીધા પ્રશ્નમાંથી ‘રેન્ટ અ ટ્રી’ જેવી નવીન પહેલનો જન્મ થયો જે આજે ખેતી અને ગ્રાહક-અનુભવ વચ્ચે એક નવી કડી તરીકે ઊભરી આવી છે. રેન્ટ અ ટ્રી એક અનોખું ઍગ્રી સ્ટાર્ટ-અપ એટલે કે ખેતી-આધારિત સ્ટાર્ટ-અપ છે. શહેરમાં રહેતા લોકોમાં ગુણવત્તાયુક્ત અને કુદરતી રીતે પાકેલાં ફળોની માગણી સતત વધી રહી છે. આવી સ્થિતિમાં આ સ્ટાર્ટ-અપ એક નવા પ્રકારનો અનુભવ આપે છે જ્યાં ગ્રાહક માત્ર ફળ ખરીદતો નથી પરંતુ એ ફળ જ્યાંથી આવે છે એ પ્રક્રિયાનો એક ભાગ બની જાય છે. આ મૉડલ કૃષિક્ષેત્રમાં પારદર્શિતા, વિશ્વાસ અને સીધો સંપર્ક વધારવા માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. પરંપરાગત રીતે કેરીઓને ૭૫ ટકા પાકે ત્યારે જ તોડી લેવામાં આવે છે અને પછી કૃત્રિમ રીતે પકવવામાં આવે છે, જે સ્વાદ અને ગુણવત્તા બન્નેને અસર કરે છે. જોકે અહીં રેન્ટ અ ટ્રીમાં દરેક ઝાડ પર કેરીઓ કુદરતી રીતે પાકે છે અને દર બે અઠવાડિયે તોડવામાં આવે છે.

ફ્રેશ ફ્રૉમ ફાર્મ ટુ હોમ

‘રેન્ટ અ ટ્રી’નો મુખ્ય ખ્યાલ એ છે કે ગ્રાહકો ચોક્કસ સમયગાળા માટે એક ફળનું ઝાડ ભાડે લઈ શકે છે અને એ ઝાડ પર થતી આખી ઊપજ તેમના માટે અનામત રહે છે. ખાસ કરીને કેરીની સીઝનમાં ગ્રાહકોને એક ઝાડ ફાળવવામાં આવે છે અને ત્યાર બાદ એ ઝાડની દેખરેખથી લઈને પાક કાપવા સુધીની તમામ પ્રક્રિયા કંપની સંભાળે છે. ફળ જ્યારે સંપૂર્ણપણે કુદરતી રીતે પાકે છે ત્યારે એને સીધું ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. આ રીતે ગ્રાહકોને માત્ર ફળ નહીં પરંતુ એક પ્રામાણિક અને વિશ્વસનીય ફાર્મ-ટુ-હોમ અનુભવ મળે છે. કેરીનું ફળ ઝાડ પરથી ઉતારતી વખતે એટલું ધ્યાન રાખવામાં આવે છે કે ફળને જરા પણ નુકસાન ન થાય. આ મૉડલ ખેડૂતો માટે પણ ખૂબ લાભદાયક સાબિત થાય છે. પરંપરાગત બજારમાં ખેડૂતોને ઘણી વખત મધ્યસ્થીઓ પર નિર્ભર રહેવું પડે છે જેને કારણે તેમને યોગ્ય ભાવ મળતો નથી. ‘રેન્ટ અ ટ્રી’ આ સમસ્યાને દૂર કરીને ખેડૂતોને સીધો અને સ્થિર આવકનો સ્રોત આપે છે. કંપની પહેલેથી જ ઊપજ માટે ગ્રાહકો સાથે કરાર કરે છે, જેને કારણે ખેડૂતોને બજારના ઉતાર-ચડાવનો ઓછો પ્રભાવ પડે છે. એ સિવાય આ પહેલ શહેર અને ગામ વચ્ચેનું અંતર ઘટાડે છે અને લોકોને તેમના ખોરાકના સ્રોત સાથે ફરીથી જોડે છે. આ સ્ટાર્ટ-અપ ભવિષ્યમાં કૃષિક્ષેત્રમાં નવા પ્રકારનાં મૉડલ્સ માટે પ્રેરણા બની શકે છે, જ્યાં લોકો માત્ર ગ્રાહક નહીં પરંતુ એક ભાગીદાર તરીકે જોડાય છે. આજે રેન્ટ અ ટ્રી લગભગ ૨૫૦ એકર વિસ્તારમાં ફેલાયેલા આફૂસ કેરીના બગીચાઓ સંભાળે છે જે મહારાષ્ટ્રના રત્નાગિરિ, તામિલનાડુના દિંડિગુલ અને કેરલમના પાલક્કાડમાં આવેલા છે. પ્લૅટફૉર્મ દ્વારા ગ્રાહકો સરળતાથી અકાઉન્ટ બનાવી શકે છે અને પોતાની જરૂરિયાત મુજબ ઝાડ પસંદ કરી શકે છે. વિવિધ પ્લાન હેઠળ એક ઝાડમાંથી લગભગ ૬૦થી ૯૦ કિલો સુધી કેરી મળી શકે છે.

ઉમેશ દામોદરન ‘રેન્ટ અ ટ્રી’ સ્ટાર્ટ-અપ અંતર્ગત લગભગ ૨૫૦ એકર વિસ્તારમાં ફેલાયેલા આફૂસ કેરીના બગીચાઓ સંભાળે છે જે મહારાષ્ટ્રના રત્નાગિરિ, તામિલનાડુના દિંડિગુલ અને કેરલમના પલક્કડમાં આવેલા છે.

જોકે આ કૉન્સેપ્ટ એટલો હિટ થઈ ચૂક્યો છે કે આ સીઝન માટે તેમના ૨૫૦ એકરના ફાર્મના તમામ વૃક્ષો ભાડે અપાઈ ચૂક્યાં છે. હવે ઉમેશ દામોદરન તેમના સ્ટાર્ટ-અપમાં વધુ ખેડૂતોને જોડીને વધુ ફાર્મને સાંકળીને આ સ્ટાર્ટ-અપનો વિસ્તાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

columnists gujarati mid day lifestyle news life and style kochi