ઉમરાવ જાન : અતીતના આનંદ અને પીડાનું કાવ્ય

31 July, 2021 02:36 PM IST  |  Mumbai | Raj Goswami

રેખા એમાં નૃત્ય ન કરતી હોય કે ગાતી ન હોય તો પણ તમને તેની બૉડી-લૅન્ગ્વેજમાં નર્તન અને આંખોમાં-અવાજમાં કવિતાના ભાવ દેખાય.

ચાર નૅશનલ અવૉર્ડ ‘ઉમરાવ જાન’ને મળ્યા હતા - બેસ્ટ ઍક્ટ્રેસ રેખા, બેસ્ટ મ્યુઝિક ખય્યામ, બેસ્ટ સિંગર આશા અને બેસ્ટ આર્ટ ડિરેક્ટર મંઝુર.

તમે જો ‘ઉમરાવ જાન’ને ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે ફિલ્મની નાયિકા અને એનું સંગીત એકબીજાથી અલગ નથી. રેખા એમાં નૃત્ય ન કરતી હોય કે ગાતી ન હોય તો પણ તમને તેની બૉડી-લૅન્ગ્વેજમાં નર્તન અને આંખોમાં-અવાજમાં કવિતાના ભાવ દેખાય. તેનું નૃત્ય અને ગીતો તેના વ્યક્તિત્વનો જ એક સહજ વિસ્તાર હતો. એટલે એવું લાગે કે એ ગીતોમાં રેખા, આશા ભોસલે, ખય્યામ અને શહરયાર બધાં એક બની ગયાં છે

‘ઉમરાવ જાન’ (૧૯૮૧)ની નિર્દેશક મુઝફ્ફર અલી કહે છે કે આ ફિલ્મ જેના પરથી બની છે એ મિર્ઝા મોહમ્મદ હદી રુસવાની ઉર્દૂ નવલકથા ‘ઉમરાવ જાન અદા’ને તેમણે રેકૉર્ડ કરાવી રાખી હતી અને ઘરેથી ઑફિસ જતી વખતે રોજ સાંભળતા હતા. તેમણે સોએક વખત એ સાંભળી હશે અને એ મનમાં એટલી બેસી ગઈ હતી કે તેમને અતીતના આનંદ અને પીડાનો અહેસાસ થતો હતો. એમાંથી મનમાં એ વાર્તાનાં ચિત્રો આકાર લેવા લાગ્યાં અને પછી સ્ક્રિપ્ટ, ગીતો, કલાકારો, સંગીત વગેરે ગોઠવાતું ગયું અને એ રીતે છેવટે એક એવી ફિલ્મ તૈયાર થઈ જે આજે કમાલ અમરોહીની ‘પાકીઝા’ની સમકક્ષ ઊભી રહી છે. પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલી અને બીજા કસબીઓએ ‘ઉમરાવ જાન’ના સર્જન પાછળની અનેક વાતો કહી હતી. 
‘પાકીઝા’ તો ખેર અમરોહીની કલ્પનાની પૈદાઈશ હતી, પણ ‘ઉમરાવ જાન’નો મહિમા એટલા માટે વધી જાય છે કે દોઢસો વર્ષ પહેલાં લખાયેલી એક વાર્તાને આધુનિક દર્શકો સામે એટલી દિલચસ્પ રીતે પેશ કરવાની હતી જાણે સૌ એનાથી પરિચિત હોય. ‘ઉમરાવ જાન’ જોયા પછી કોઈને અંદાજ પણ ન આવે કે આ એક એવા લખનઉ અને એક એવી તવાયફની કહાની હતી જેને ૧૮૯૯માં લખવામાં આવી હતી. લાગણીઓ ક્યારેય જૂની થતી નથી, પછી ચાહે એ ૧૮૯૯ના લોકોની હોય કે ૧૯૮૧ના ફિલ્મ દર્શકોની. મુઝફ્ફર અલીએ ‘ઉમરાવ જાન’ બનાવતી વખતે આ એક જ વાત યાદ રાખી હતી અને એટલે જ એ ફિલ્મ એક તાજી હવાની લહેરખી બનીને આવી અને કાયમ માટે આપણી સ્મૃતિઓના ઝરોખામાં જડાઈ ગઈ. 
૧૮૫૭માં લખનઉમાં જન્મેલા મોહમ્મદ હદી આમ તો રુડકીમાંથી ઇજનેરીનું ભણ્યા હતા. કેમિસ્ટ્રીનો શોખ હતો અને લખનઉની ક્રિશ્ચિયન કૉલેજમાં પર્શિયન ભાષા ભણાવતા હતા! સાથે-સાથે ‘રુસવા’ તખ્ખલુસથી કવિતાઓ અને વાર્તાઓ પણ લખતા હતા. ‘રુસવા’ એટલે બદનામ. ‘ઉમરાવ જાન’ ફિલ્મના ગીત ‘જુસ્તજૂ જિસકી થી’માં શહરયાર એ શબ્દ લખે પણ છે: તુઝકો રુસવા ન કિયા, ખુદ પશેમા ન હુએ, ઇશ્ક કી રસ્મ કો ઇસ તરહ નિભાયા હમને. ૧૮૮૭માં રુસવાએ લૈલા-મજનૂની અરબી પ્રેમકહાનીનું કવિતામાં રૂપાંતર કર્યું હતું (એ તેમનું પહેલું સાહિત્યિક સર્જન), પણ વિવેચકોને એ પસંદ ન પડી. ૧૮૯૯માં તેમણે ‘ઉમરાવ જાન અદા’ નવલકથા લખી, જેની ઘણી સરાહના થઈ. એની ઉર્દૂની પહેલી નવલકથા તરીકે પણ ગણના થાય છે. 
ઉમરાવ જાનનું મૂળ નામ અમીરન હતું અને એ રુસવાને બાળપણમાં તેને કેવી રીતે ઉઠાવી જઈને તવાયફના અડ્ડા પર વેચી દેવામાં આવી હતી એની કેફિયત કહેતી હોય એ રીતે આ નવલકથા લખાઈ હતી. અસલમાં આવી કોઈ તવાયફ લખનઉમાં હતી કે પછી રુસવાએ થોડી કલ્પના અને થોડી હકીકત ભેગી કરીને વાર્તા લખી હતી એનો કોઈ રેકૉર્ડ નથી, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે ‘ઉમરાવ જાન અદા’ પ્રગટ થયાના થોડા મહિના પછી રુસવાએ ‘જુનૂન-એ-ઇન્તઝાર’ નામની જાસૂસી ટાઇપની નવલિકા લખી હતી, જેમાં ‘ઉમરાવ’ લેખિકા બને છે અને એના સર્જક ‘રુસવા’ના જીવનની અંગત વાતોને ઉઘાડી કરે છે. 
બહરહાલ, મુઝફ્ફર અલી પણ લખનઉના જ છે. તેમના પિતા રાજા સૈયદ સાજિદ હુસેન અલી અવધ પ્રાંતમાં કોટવારાના રાજા હતા. મુઝફ્ફર અલીમાં બાળપણથી અવધની સંસ્કૃતિ અને તહેજીબ વિકસી હતી એટલે મોટા થઈને તેઓ સ્વાભાવિક રીતે કળા અને સાહિત્ય તરફ વળ્યા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી તેમણે વિજ્ઞાનમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું. એ પછી તેમને કલકત્તામાં સત્યજિત રેની વિજ્ઞાપન કંપનીમાં કામ કરવાનો મોકો મળ્યો, જેમાંથી સિનેમાના માધ્યમમાં રસ પડ્યો. 
એક ઇન્ટરવ્યુમાં અલી કહે છે, ‘હું જે સંસ્કૃતિનો હિસ્સો હતો એ પ્રદેશની જે સમસ્યાઓ હતી અને જે સાંસ્કૃતિક પરિવર્તન આકાર લઈ રહ્યું હતું એની મારા વિકાસમાં બહુ અસર પડી હતી.’ 
અલીની પહેલી ફિલ્મ ફારુક શેખ-સ્મિતા પાટીલની ‘ગમન’ હતી (સીને મેં જલન આંખોં મેં તુફાન સા ક્યૂં હૈ). બીજી ફિલ્મ ‘ઉમરાવ જાન.’ 
મુઝફ્ફર અલીની અભિરુચિને જોતાં (તેમણે એ પછી માત્ર ત્રણ ફિલ્મો જ બનાવી છે) તેમણે ‘એક ભવ્ય ફિલ્મ બનાવવી છે’ એવા કોઈ ખ્યાલથી ‘ઉમરાવ જાન’ બનાવી નહોતી. તેમને નવાબોના શહેર લખનઉમાં એક યુવતીને કેવો અન્યાય થાય છે એની પ્રામાણિક પિરિયડ-ફિલ્મ બનાવવી હતી. યોગાનુયોગે કમાલ અમરોહીની ‘પાકીઝા’નો વિષય પણ એવો જ હતો. ‘પાકીઝા’ એક એવો માઇલસ્ટોન છે કે ભલભલા ફિલ્મસર્જકો સરખામણીના ડરે તવાયફની જિંદગી પર ફિલ્મ બનાવતાં ખચકાય છે. ૨૦૦૬માં જે.પી. દત્તાએ અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયને લઈને ‘ઉમરાવ જાન અદા’ નવલકથા પરથી ‘ઉમરાવ જાન’ બનાવી હતી તો એ ભયાનક રીતે પિટાઈ ગઈ હતી.
‘ઉમરાવ જાન’ આમ ‘પાકીઝા’ જેવી હતી, પણ બીજી અનેક રીતે ‘પાકીઝા’થી એટલી ભિન્ન અને ઉત્તમ હતી કે આજે કોઈ ‘પાકીઝા’ની રીમેક બનાવે તો ‘ઉમરાવ જાન’ને નજર સામે રાખે. તવાયફની ફિલ્મ હોય એટલે એમાં સંગીતની ભૂમિકા કેન્દ્રમાં હોય. ‘ઉમરાવ જાન’નું (રેખા ઉપરાંત) સૌથી યાદગાર પાસું હોય તો એ સંગીત છે. ‘પાકીઝા’નાં ગીતો પણ લાજવાબ હતાં અને એટલે જ ‘ઉમરાવ જાન’ સંગીતકાર ખય્યામ માટે કસોટીરૂપ હતું.
એક ઇન્ટરવ્યુમાં ખય્યામ કહે છે, ‘ઉમરાવ જાન સામે હિટ ફિલ્મ ‘પાકીઝા’નો દાખલો હતો જ. એમાં કમાલ અમરોહી સા’બ, મીનાકુમારી, અશોકકુમાર, રાજકુમાર સા’બ અને સંગીતકાર ગુલામ મોહમ્મદ જેવા દિગ્ગજો હતા. મને થોડી બીક હતી કે શું થશે. લોકોએ ‘પાકીઝા’માં બધું સાંભળ્યું જ હતું એટલે મને થતું હતું કે હું આમાં શું આપું. એ પછી મેં એ વાંચવાનું શરૂ કર્યું કે ઉમરાવ આટલી મોટી ગાયિકા કેવી રીતે બની. એ ઉત્તમ નૃત્યાંગના હતી અને કવિતા પણ કરતી હતી.’ 
તમે જો ‘ઉમરાવ જાન’ને ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે ફિલ્મની નાયિકા અને એનું સંગીત એકબીજાથી અલગ નથી. રેખા એમાં નૃત્ય ન કરતી હોય કે ગાતી ન હોય તો પણ તમને તેની બૉડી-લૅન્ગ્વેજમાં નર્તન અને આંખોમાં-અવાજમાં કવિતાના ભાવ દેખાય. તેનું નૃત્ય અને ગીતો તેના વ્યક્તિત્વનો જ એક સહજ વિસ્તાર હતો. એટલે એવું લાગે કે એ ગીતોમાં રેખા, આશા ભોસલે, ખય્યામ અને શહરયાર બધાં એક બની ગયાં છે. 
આશા ભોસલેએ પણ ઉમરાવના વ્યક્તિત્વનો બરાબર અભ્યાસ કર્યો હતો. એ પણ નોંધવા જેવું છે કે ફાસ્ટ-નંબર્સ કે કૅબ્રે-ગીતો માટે મશહૂર આશા ક્લાસિકલ ગઝલ પણ ગઈ શકે છે એની લોકોને ‘ઉમરાવ જાન’ પછી ખબર પડી. એ ખય્યામની જ આવડત કહેવાય કે તેમને આશા ભોસલેમાં ઉમરાવનો અવાજ દેખાયો. પરિણામ એ આવ્યું કે ‘પાકીઝા’માં બડી દીદી લતા મંગેશકરે શાસ્ત્રીય ગાયકીમાં હિન્દી સિનેમા સંગીતનાં યાદગાર ગીતો આપ્યાં હતાં તો છોટી દીદી આશાએ ‘ઉમરાવ જાન’માં એવો જાન રેડી દીધો કે શ્રોતાઓને ઉમરાવની આસપાસની જિંદગી અને તેની ભીતરની જિંદગીનો હૃદયસ્પર્શી પરિચય થયો.
‘ઉમરાવ જાન’ને જે બે ફિલ્મફેર અવૉર્ડ મળ્યા હતા એમાં એક ખય્યામના સંગીતને પણ હતો. બીજો અવૉર્ડ મુઝફ્ફર અલીને બેસ્ટ ડિરેક્ટરનો મળ્યો હતો. બાય ધ વે, એ વર્ષના ચાર નૅશનલ અવૉર્ડ ‘ઉમરાવ જાન’ને મળ્યા હતા - બેસ્ટ ઍક્ટ્રેસ રેખા, બેસ્ટ મ્યુઝિક ખય્યામ, બેસ્ટ સિંગર આશા અને બેસ્ટ આર્ટ ડિરેક્ટર મંઝુર. 
મુઝફ્ફર અલી કહે છે, ‘‘ઉમરાવ જાન’માં મારે એક છોકરીના આશાવાદની વાર્તા કહેવી હોવાથી એક એવી ઍક્ટ્રેસની જરૂર હતી જે તેની આંખોથી વાત કરી શકે. મેં જ્યારે રેખાની તસવીર એક સામયિકમાં જોઈ તો મને લાગ્યું કે તેની આંખો બોલકી છે. ઉનકી આંખોં મેં એક તેવર (ઍટિટ્યુડ) થા - વો ગિરકે સંભલનેવાલા તેવર. તેના અવાજમાં એક કામુકતા હતી, જે પીડાનું પ્રતિબિંબ હતી. લોકોના દિલોદિમાગમાં આજે પણ ઉમરાવ જાન જીવંત છે એનું મુખ્ય કારણ રેખાની આંખો છે. ચાહે તે આંસુઓથી છલકાતી હોય કે તે ગાતી હોય, તમને એવું લાગે કે તેની આંખો તમારી સાથે વાતો કરી રહી છે. ફિલ્મમાં એક પંક્તિ છે- યે આંખેં મેરી હૈ અફસાના દોસ્તોં. મને આ અફસાના નીગારી (વાર્તાકળા) બીજી કોઈ આંખોમાં દેખાઈ નહોતી. સમયે સાબિત કરી દીધું કે રેખાને લેવાનો મારો નિર્ણય ખોટો નહોતો. આજે રેખા બધા માટે ઉમરાવ જાન છે.’
રેખાએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હું મારા અંગત જીવનમાં મુસીબતમાંથી પસાર થઈ રહી હતી અને એ મારા ચહેરા પર દેખાતું હતું. મુઝફ્ફર અલી બહુ અચ્છા ચિત્રકાર છે એટલે તેમને ઝીણું-ઝીણું બહુ દેખાય છે.’ 
એ જ વાત શહરયારના શબ્દોમાં પણ ઝલકતી હતી:
ઇન આંખોં કી મસ્તી કે મસ્તાને 
હજારોં હૈ
ઇન આંખોં સે વાબસ્તા અફસાને 
હજારોં હૈ

એ લખનઉની પીડા છે...

‘૧૦૦ વર્ષ પછી તમે વાંચો તો લાગે કે ઉમરાવ જાન એક બેબસ છોકરીના જીવનની મુસીબતો અને કસોટીઓની વાર્તા છે. તેનામાં એક પ્રકારની પીડા હતી, એ લખનઉ પીડા હતી. પછી તે અવધની સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિમાં પગ મૂકે છે. શમા ઝૈદી અને જાવેદ સિદ્દીકીએ સુંદર ફિલ્મી વાર્તા લખી હતી અને એમાં અસલી રંગ ભર્યા હતા પરંતુ મૂળ વાર્તાની કેમિસ્ટ્રી, પીડા અને પ્રેરણા ફિલ્મનો પાયો હતી. હું એવો ફિલ્મસર્જક નથી જે બૉલીવુડમાં પગ જમાવાની કોશિશ કરતો હોય. મને મારા પ્રદેશના લોકોની મુસીબતો બહુ સ્પર્શે છે અને આજે એ જ પ્રાસંગિક છે. આજનો ફિલ્મસર્જક જો તેનાં મૂળિયાં સાથે જોડાયેલો ન હોય તો લોકોની પીડાનું સારું પ્રતિબિંબ પાડી ન શકે. એટલે પૂરી ફિલ્મમાં મેં અવધની સંસ્કૃતિને બતાવવા પ્રયાસ કર્યો છે એટલે એની આટલી આવરદા છે. મને એમાં સરસ લોકોનો સહકાર મળ્યો હતો. આશાજી તો ગાતાં પહેલાં નવલકથા વાંચવા ઇચ્છતાં હતાં, એ કેટલી મોટી વાત કહેવાય. અમે ફિલ્મ અને ગીતોને દર્શકોની નસોમાં ઉતારવા માગતા હતા. એમાં સમય લાગ્યો, પણ તીર ધાર્યું વાગ્યું હતું.’
મુઝફ્ફર અલી, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં

જાણ્યુંઅજાણ્યું...
 ૧૯૫૮માં ડિરેક્ટર એસ. એમ. યુસુફે આ નવલકથા પરથી ‘મેહંદી’ ફિલ્મ બનાવી હતી.
 પકિસ્તાનમાં હસન તારીક નામના ડિરેક્ટરે ‘ઉમરાવ જાન અદા’ ફિલ્મ બનાવી હતી.
 બજેટ ઓછું હોવાથી રેખાએ ફિલ્મમાં પોતાનાં ઘરેણાં અને કૉસ્ચ્યુમ પહેર્યાં હતાં.
 ફારુક શેખની ભૂમિકા મોટી હોવાથી નસીરુદ્દીન શાહને આ ફિલ્મમાં કામ કરવું નહોતું.
 રાજ બબ્બરની જે ભૂમિકા છે એ પહેલાં અમજદ ખાનને ઑફર કરવામાં આવી હતી.
 તલત અઝીઝને ફિલ્મોમાં બ્રેક આપવા માટે ખય્યામે ‘ઝિંદગી જબ ભી તેરી’ ગીત ઉમેર્યું હતું.
 ફિલ્મનું સંગીત જયદેવ કરવાના હતા અને તેઓ લતા પાસે ગીતો ગવડાવવાના હતા, પણ પૈસાને લઈને તેમણે ના પાડી એટલે લતાએ પણ ના પાડી અને એ રીતે આ ફિલ્મ ખય્યામ અને આશા પાસે આવી.

columnists raj goswami