28 December, 2025 04:35 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતિકાત્મક તસવીર
ગંજીફાનાં પત્તાંની જોડ તમે ન રમ્યા હો એવું તો બને જ નહીં. હુકમબાજીથી માંડીને બ્રિજ અને બિઝિક સુધી કોઈ ને કોઈ રમત તમે રમ્યા જ હશો. અહીં કાળીના એક્કાથી માંડીને ચોકટની દૂડી સુધી સૌને તમે ઓળખતા હશો. આ ગંજીફાની શોધ કોણે અને ક્યારે કરી એ વિશેના સ્થળ અને સમયના સંદર્ભમાં જુદા-જુદા દાવા થાય છે. આપણે એ દાવા જવા દઈએ. આમ છતાં એટલું તો જાણવું જ જોઈએ કે ગંજીફાની આ જોડીમાં ચાર રંગ શી રીતે આવ્યા, એમાં ફેરફારો શી રીતે થયા. કાળી સૌથી વજનદાર, એ પછી લાલ અને એ પછી ફુલ્લી તથા ચોકટનું સ્થાન કોણે આપ્યું આપણે જાણતા નથી.
ગંજીફામાં પાનાંની સંખ્યા બાવન છે. આ બાવન શી રીતે ત્યાં બંધ બેસતાં થયાં એની આપણને જાણ નથી. આ બાવન ઉપરાંત એક ત્રેપનમું પત્તું પણ ત્યાં છે. એ ભલે પાછળથી ઉમેરાયું હોય પણ એ ત્રેપનમું પત્તું સૌથી ભારેખમ છે. એનું નામ જોકર.
કાળીનો એક્કો સૌથી વજનદાર કેમ કહેવાયો? લાલ, ફુલ્લી અને ચોકટ આ ત્રણે ક્રમાનુસાર નીચે કેમ ઊતર્યા? માણસજાત પત્તાં તો વર્ષોથી રમે છે પણ પત્તાં પાછળનો જે સંકેત છે એ સમજ્યો છે ખરો? પત્તાં જુદા-જુદા રંગે અને જુદા-જુદા ક્રમે પોતાની મેળે નથી ગોઠવાયાં. એને પાનાં ચીપનાર કો’ક ગોઠવે છે. આ ચીપનારનું મહત્ત્વ સમજવા જેવુ છે. આજે કાળીના એક્કા તરીકે મૂછે વળ દેનારો માણસ આવતી કાલે પત્તાં બીજી વાર ચીપશે ત્યારે ચોકટની દૂડી બની જતાં વાર લાગતી નથી. આટલી નાનીશી વાત માણસ હજી સુધી સમજ્યો નથી.
ગંજીફાની જન્મક્ષણે એને ચાર વર્ણો કેમ આપવામાં આવ્યા હશે એવો પણ એક પ્રશ્ન થાય ખરો. દરેક વર્ણને એક્કાથી શરૂ કરીને દસ્સા સુધી લાવીને અટકાવી દેવામાં આવ્યો છે. દસ્સા પછીના ત્રણ ચિત્રો ગુલ્લો (અંગ્રેજીમાં એને જૅક કહે છે), રાણી અને બાદશાહ આ ત્રણ આમ તો વજનદાર ગણાય છે પણ યાદ રહે કે આ વજન પણ એમનું પોતાનું નથી. વ્યવહારિક જીવનમાં આપણી પાસે એક્કાથી દસ્સા જેવું એક જીવન હોય છે. આ જીવન પ્રત્યેક ક્ષણે કદાચ ગુલ્લા, રાણી અને બાદશાહની પ્રતીક્ષા પણ કરતું હોય છે. સવાલ માત્ર એટલો જ છે કે આ ચિત્રાંકનોને દસ્સા પછીના પત્તાનું સ્થાન મળ્યું અને છતાં ગણતરી કરવામાં આવે ત્યારે એ ત્રણે એક્કા પાસે નથી રહ્યા. જીવનમાં આવું જ બને છે. આપણે આપણી જાતને એક્કો માનીને ક્યારેક ફરતા રહીએ છીએ પણ તમે આ ગુલ્લો, રાણી કે રાજાને બરોબરિયા નથી. જુદા છો.
તમે કયું પત્તું છો?
જીવનમાં તમે હંમેશાં એક્કો કે હુકમની દૂડી હોતા નથી. તમારે ચોકટ કે ફુલ્લીના સત્તો-અઠ્ઠો બનીને જીવવું પડે છે. જ્યારે તમે કાળી કે લાલનો નવ્વો, દસ્સો કે ચિત્ર બનીને આ બાવન પત્તાં વચ્ચે આવો છો ત્યારે તમને યાદ નથી રહેતું કે થોડી જ વારમાં પત્તાં પાછાં ચિપાશે. ચીપનાર કોઈક બીજો જ હશે અને તમારું જે સ્થાન તમે આજે ભોગવો છો એ બીજાં કોઈ તેર પાનાંમાં ક્યાંય ચાલ્યું જશે. માણસ સ્થાનની અસ્થિરતાને જો આ રીતે એક વાર સમજી લે તો કદાચ વ્યવહારિક જીવનમાં કેટલાય ભારેખમ લગતા પ્રશ્નો હલ થઈ પણ શકે. વાસ્તવમાં અહીં આપણે જોયું છે કે આ સત્તો-અઠ્ઠો કેટલીય વાર પોતાને હુકમની દૂડી કે કાળીનો એક્કો ધારી લેતા હોય છે. ખરેખર તો કાળીનાં પત્તાં બીજા લાલ, ફુલ્લી કે ચોકટની જેમ જ AT PAR છે અને આમ છતાં એનું સ્થાન પહેલું બની ગયું છે. આ સ્થાન ઉપરવાળાએ એટલે કે રચનાકારે આપી દીધું છે પણ એથી કાળીના એક્કાએ એનું પોતાનું સ્થાન સમજવાનું નથી.
ગંજીફાની દુનિયા બાવન પત્તાંની બનેલી છે. ત્રેપનમું પત્તું અદીઠ છે. એને દૃશ્યમાં કરવા માટે પેલાં બાવન પત્તાંએ એકમત થવું પડે છે. બાવન પત્તાં એકમત થાય ત્યારે આ ત્રેપનમું પત્તું વચ્ચે આવે છે ખરું પણ ત્યારે શેષ બાવનમાંથી એકને સહમતીથી દૂર કરી દેવું પડે છે. આમ પેલા બાવનનું વિશ્વ તો યથાવત બાવન જ રહે છે. પોતાને હુકમની દૂડી, સત્તો, અઠ્ઠો કે હુકમનો એક્કો સમજતા હોય એ સૌએ પોતાની જાત જોડે આ સમાધાન કરી લેવું જોઈએ કે પોતે આ બાવન પૈકીનાં એક છે અને ચપટી વાગશે એટલી ક્ષણમાં એનો રંગ અને નામ બન્ને બદલાઈ જશે.
આ અંત નથી...
રમવા બેસીએ છીએ ત્યારે પત્તાંને આપણે જેને કાતર કહીએ એવી રીતે સડસડાટ પરસ્પરમાં ગોઠવી દઈએ છીએ. આ કાતર શબ્દ આમ તો કાપવા માટે છે, પણ અહીં એ કાપવા ઉપરાંત નિષ્પક્ષ થઈ જવા માટે પણ છે. હવે આ બાવન પત્તાં કોઈ એકનાં નથી, સૌકોઈનાં છે અને એકસરખાં છે. જ્યારે ચીપનારના હાથમાંથી પ્રત્યેક રમનારને તેર-તેર પાનાં મળશે ત્યારે એનું સ્વામિત્વ ભલે તેનું મનાતું હોય પણ ખરેખર તો એ એક ન સમજી શકાય એવું દર્શન છે. બાવન પત્તાં વચ્ચે રમનારે આ મર્યાદા સમજી લેવી જોઈએ.