બાઉન્સર્સ, મોબાઇલ અને સંબંધોમાં વધતું અંતર

19 May, 2026 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી પેઢી વર્ચ્યુઅલ દુનિયામાં દોડે છે, જ્યારે જૂની પેઢી હજી દરવાજાની બહાર ઊભી છે, થોડા દિવસ પહેલાં એક સમાચારે સૌને શૉક આપ્યો હતો. માતા-પિતાએ પોતાની છોકરીના મોબાઇલ પર નિયંત્રણ રાખવા બાઉન્સર્સ રાખ્યા હતા. એના પર ઘણાં મિમ્સ પણ બન્યાં હતાં.

યોગેશ શાહ, AI ઇમેજ

નવી પેઢી વર્ચ્યુઅલ દુનિયામાં દોડે છે, જ્યારે જૂની પેઢી હજી દરવાજાની બહાર ઊભી છે

થોડા દિવસ પહેલાં એક સમાચારે સૌને શૉક આપ્યો હતો. માતા-પિતાએ પોતાની છોકરીના મોબાઇલ પર નિયંત્રણ રાખવા બાઉન્સર્સ રાખ્યા હતા. એના પર ઘણાં મિમ્સ પણ બન્યાં હતાં. પ્રથમ નજરે આ સમાચાર ચોક્કસ ચોંકાવે એવા છે. મનમાં વિષાદ વ્યાપી જાય છે. કઈ પેઢીને દોષ દેવો? એક પેઢી જે બાળકની આંગળી પકડીને સ્કૂલે લઈ જતી હતી, આજે એ જ પેઢીને બાઉન્સર્સ રાખવા પડે છે. મોબાઇલની લત યુવા પેઢીને કદાચ કુટુંબ અને સમાજથી દૂર લઈ જાય છે, પણ એ સાથે જ ઇન્ટરનેટના ફૅસિનેટિંગ વર્ચ્યુઅલ વર્લ્ડથી પેલી જૂની પેઢી અજાણ છે એનો પણ અફસોસ થાય છે. પ્રશ્ન ટેક્નૉલૉજીના અજ્ઞાનનો જેટલો છે એના કરતાં વધુ ગંભીર સંબંધોમાં વધતા જતા અંતરનો છે. ખરેખર સમસ્યા મોબાઇલની છે? એ તો એક સાધન માત્ર છે. તમે વિચાર્યું છે કે એની પાછળ કદાચ એકલતા કે અવગણના છુપાઈ હોઈ શકે? બાળકની કોઈ સમસ્યા હોઈ શકે જેમાંથી તે છટકબારી શોધતું હોય. કદાચ કોઈ બાળક રંગેરૂપે બરાબર ન હોય તો મિત્રો દ્વારા થતી મશ્કરીથી છટકવાનું એ સહેલું સાધન હોઈ શકે. કોઈ ડરથી પીડાતી વ્યક્તિનો એ મૂંગો સાથીદાર હોઈ શકે. સ્પર્ધાત્મક દુનિયામાં પાછળ પડી જનારનો આભાસી જોડીદાર હોઈ શકે. ખરેખર તો આનું મુખ્ય કારણ સંવાદનો અભાવ છે.
મોબાઇલે આખી દુનિયા મુઠ્ઠીમાં સમાવી દીધી છે. એ વર્ચ્યુઅલ વર્લ્ડની સ્પીડ એટલી ઝડપી છે કે બહારની સાચી દુનિયા એની સાથે તાલ મિલાવી નથી શકતી અને તેથી ફ્રસ્ટ્રેશન અનુભવે છે. આજે ઘરમાં બધા પાસે સ્ક્રીન છે પણ સમય નથી, બધા દુનિયા સાથે કનેક્ટેડ છે પણ ઘરમાં એકલા છે. ‘આખો દિવસ મોબાઇલમાં માથું નાખીને બેસી રહે છે, ફોન મૂકી દે...’ આના સિવાય જો કોઈ પ્રેમભર્યો, કાળજીભર્યો સંવાદ ન થતો હોય તો બાળક કરે શું? તેની સાથે બેસીને મોબાઇલમાં ગેમ રમવાની કોશિશ તો કરી જુઓ. ‘આવું બધું મને ન આવડે...’ એમ કહીને આપણે જ દરવાજા બંધ કરી દઈએ છીએ. ‘ભણવામાં ધ્યાન આપ, આ બધું પરીક્ષામાં નહીં આવે...’ એમ કહેતાં આપણે ભૂલી જઈએ છીએ કે એમાં ઘણુંબધું એવું છે જે સ્કૂલની બુક્સમાં પણ નથી. એ જાદુઈ ચિરાગને ‘ખુલ જા સિમ સિમ’ કહીએ તો ‘બોલો મેરે આકા, ક્યા હુકુમ હૈ?’ કહેતો જીન તમને અવનવી દુનિયામાં લઈ જાય છે, પણ એ પહેલાં બાઉન્સર્સ રાખતાં મા-બાપે અને શિક્ષકોએ પણ ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશવું તો પડશેને?
બાળક ગેમ જ રમતું હોય એમ માનવાની ભૂલ ન કરવી જોઈએ. તેના પર તકેદારી રાખવી જરૂરી છે. એની સાથે જ એ પણ જોવું કે તે કદાચ ઑનલાઇન સિરિયસ ડિસ્કશન કરતું હોઈ શકે, કોઈ ડિજિટલ આર્ટિકલ વાંચતું હોઈ શકે, કોઈ ઇન્ફર્મેશન સર્ચ કરતું હોઈ શકે. મેં મારા પુત્રને એક બુક ‘સાઇકોલૉજી ઑફ મની’ વાંચવા ખૂબ આગ્રહ કર્યો. તેણે તરત કહ્યું, ‘તમે કેમ માની લીધું કે હજી મેં એ વાંચી નહીં હોય?’ હું ચોંકી ગયો. ડિજિટલી બધું જ સહજ છે. એક હકીકત છે કે જૂની પેઢી જેટલી ઝડપથી પુસ્તકનાં પાનાં ફેરવતી હતી એના કરતાં વધુ ઝડપે નવી પેઢી સ્ક્રીન સ્વાઇપ કરે છે, વધુ ઑડિયો બુક્સ સાંભળે છે, વધુ પ્રમાણમાં પૉડકાસ્ટ સાંભળે છે, કદાચ વધુ સ્પષ્ટ અને વધુ કલ્પનાશીલ ચર્ચાઓ કરે છે અને એ પણ કોઈ જ્યોગ્રાફિકલ બાઉન્ડરી વિના. એક નાનકડી ફિલ્મ પછી તરત એનાં વિવિધ પાસાંઓ પર ચર્ચા થાય છે. ફિલ્મ અપ્રિસિએશન થાય છે. તમારા વિચારોને મળતી આવતી વ્યક્તિઓ તમને ફૉલો કરે છે. એક નાનકડું ડિજિટલ સર્કલ રચાઈ જાય છે. આ બધું નવું છે, રોમાંચક છે પણ એ તો ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવું છે.
અનેક સાઇટ્સ અને લિન્ક્સને ઓપન કરતાં શીખવું પડશે. એક ઉદાહરણ આપું. ‘મેઘધનુષ’ લખીને સર્ચ કરશો તો સુંદર ચિત્રો તો મળશે જ, સાથે-સાથે મેઘધનુષ કેવી રીતે બને એ પ્રકાશના પરાવર્તનના નિયમો વિડિયો સાથે સમજાવશે. ઘરમાં મેઘધનુષ કેવી રીતે બનાવી શકાય એ પણ બતાવશે. કેવું વાતાવરણ જોઈએ એ ઍનિમેશન્સ સાથે સમજાવશે એટલું જ નહીં, આગળ વધશો એમ મેઘધનુષને લગતી કવિતાઓ અને વાર્તાઓથી તમારી કલ્પનાના વસ્ત્રને અનેક રંગોથી ભરી દેશે. એ સ્વાભાવિક છે કે આમાં સમય પસાર થતો જ રહે અને કલાકોનું ભાન ન રહે. તો એક ભણતા-શીખતા બાળકને જોયા-વિચાર્યા વગર ટોકવું કેટલું યોગ્ય? આપણે જ વિચારીએ કે મેઘધનુષ જેવા સામાન્ય વિષયની સાદી ચર્ચા તમને વિજ્ઞાનથી કલા અને કલાથી સાહિત્યની અકલ્પ્ય સફર કરાવી શકે તો ગંભીર વિષયો પરના સંશોધનકર્તાઓ માટે તો આ સાધન કેટલું ઉપયોગી! એક હરતું-ફરતું પુસ્તકાલય બની જાય. વર્ચ્યુઅલ લૅબોરેટરીમાં કેમિસ્ટ્રીના રીઍક્શનનું પરિણામ તાત્કાલિક મળી જાય. મોબાઇલ ફક્ત વાતચીતનું સાધન નથી. એ આખું પુસ્તકાલય છે, લૅબોરેટરી છે, મ્યુઝિયમ છે. એને કોઈ દીવાલ નથી, કોઈ ભૌગોલિક સીમા નથી. સરહદ વિનાની દુનિયા ઘણી ડીપ અને ડાઇવર્સ છે. એને એક્સપ્લોર નહીં કરીએ તો આપણે આદિવાસી બનીને રહી જઈશું.

બાય ધ વે
તમે કોઈ નાટકની કથા કે પ્લૉટ માટે ક્યારેય સર્ચ કર્યું છે? મેં ‘Noises off’ નામના પ્રખ્યાત બ્રિટિશ કૉમેડી નાટકના પ્લૉટ માટે સર્ચ કર્યું તો મને એની સામાન્ય માહિતી ઉપરાંત એના પ્લૉટની વિગત, દરેક ઍક્ટ (અંક)ની ઊંડી વિગત, કોરિયોગ્રાફી ઉપરાંત એને સમજવા માટેની સ્ટડી-ગાઇડ, ભજવવા માટેની ટિપ્સ અને સંખ્યાબંધ રિલેટેડ નાટકો-ફિલ્મોનું આખું લિસ્ટ મળી ગયું અને એ બધું ટેક્સ્ટ અને વિડિયો ફૉર્મમાં પણ. અધધધ થઈ જવાય. તમે એક પછી બીજી લિન્ક્સ જોતા રહો તો દિવસોના દિવસો ઓછા પડે. હવે તમે જ કહો, આમાં મને કોઈ બાઉન્સર રોકે તો?

columnists technology news tech news lifestyle news life and style