આ સંગીતકારોનાં ગીતોમાં છલકાતી હતી પંજાબની માટીની મહેક અને મોહબ્બતની મજબૂરીનું દર્દ

09 November, 2025 04:32 PM IST  |  Mumbai | Rajani Mehta

આપણે વાત કરતા હતા સંગીતકાર હંસરાજ બહલની. ૧૯૨૭માં રણજિત મૂવીટોનની એક સાઇલન્ટ ફિલ્મ આવી ‘ગુણસુંદરી’. ત્યાર બાદ એની રીમેક બની ૧૯૩૪માં. એની લોકપ્રિયતા જોઈને ૧૯૪૮માં ફરી એક વાર આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી ભાષામાં બની.

સંગીતકાર એસ. મોહિન્દર સાથે મોહમ્મદ રફી.

ગયા સોમવારે કવિ મિત્ર સંદીપ ભાટિયાનો ફોન આવ્યો : ‘કાલના આર્ટિકલમાં તમે રાતના ૩ વાગ્યે વિવિધભારતી પર ફિલ્મનાં ગીતો સાંભળો છો એમ લખ્યું છે, પણ આટલી મોડી રાત સુધી વિવિધ ભારતી પર ગીતો આવે છે? મેં બે-ત્રણ મિત્રોને પૂછ્યું, પણ કોઈને આ વિશે જાણ નથી.’ વાત સાચી છે. બહુ ઓછા સંગીતપ્રેમીઓને ખબર છે કે આકાશવાણી ઑલ ઇન્ડિયા રેડિયો, વિવિધ ભારતી નૅશનલ સર્વિસ દિવસ-રાત ૨૪ કલાક ગીતોનું પ્રસારણ કરે છે. 
વિવિધ ભારતીનાં મુંબઈ, પુણે, રાજકોટ, વિજયવાડા અને બીજાં અનેક રેડિયો સ્ટેશનો પર દિવસના અમુક કલાક ગીતોનું પ્રસારણ થાય છે, પરંતુ નૅશનલ સર્વિસ ૨૪ કલાક કાર્યરત છે. તમે મોબાઇલમાં આ ઍપ ડાઉનલોડ કરી શકો છો. આ સેવા દરેક કેબલ ઑપરેટરે Direct To Home સ્કીમ હેઠળ ગ્રાહકોને આપવી ફરજિયાત છે, પરંતુ ઘણા ઑપરેટરો એનું પાલન નથી કરતા. કોઈ પણ જાતની જાહેરખબર વિના હું તો મારા ટીવી પર (જેની સાથે હોમ થિયેટરની સાઉન્ડ સિસ્ટમ જૉઇન્ટ કરી છે) આ ગીતોને દિવસ અને રાત માણું છું. જો તમારે લોકપ્રિય ઉપરાંત રૅર ફિલ્મી ગીતોની સાથે ભજન, ગઝલ, ગૈરફિલ્મી ગીતો, કલાકારો સાથેના ઇન્ટરવ્યુ સાંભળવા હોય તો આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. અનેક FM ચૅનલ પર નવાં-જૂનાં ગીતો આવે છે, પરંતુ વિવિધ ભારતી પાસે જે કલેક્શન છે એમાંનું ૨૫ ટકા કલેક્શન પણ તેમની પાસે નથી. 
આપણે વાત કરતા હતા સંગીતકાર હંસરાજ બહલની. ૧૯૨૭માં રણજિત મૂવીટોનની એક સાઇલન્ટ ફિલ્મ આવી ‘ગુણસુંદરી’. ત્યાર બાદ એની રીમેક બની ૧૯૩૪માં. એની લોકપ્રિયતા જોઈને ૧૯૪૮માં ફરી એક વાર આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી ભાષામાં બની. હિન્દી ફિલ્મ માટે હંસરાજ બહલ, બુલો સી. રાની અને અવિનાશ વ્યાસે સંગીત આપ્યું. એક જ ફિલ્મ માટે ૩ સંગીતકારોનો આ પહેલો પ્રયાસ હતો. 
 હંસરાજ બહલના અત્યંત લોકપ્રિય થયેલાં ગીતો યાદ કરીએ. ‘જહાં ડાલ ડાલ પે સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા’ (સિકંદર–એ–આઝમ - મોહમ્મદ રફી - રાજેન્દ્ર કૃષ્ણ), ‘દિન હો યા રાત હમ રહે તેરે સાથ યે હમારી મરઝી’ (મિસ બૉમ્બે - મોહમ્મદ રફી/સુમન કલ્યાણપુરકર – પ્રેમ ધવન), ‘ભીગા ભીગા પ્યાર કા સમા, બતા દે તુઝે જાના હૈ કહાં’ (સાવન - મોહમ્મદ રફી/શમશાદ બેગમ – પ્રેમ ધવન), ‘હાયે જિયા રોએ રોએ’ (મિલન – લતા મંગેશકર - પ્રેમ ધવન), ‘ઝિંદગીભર ગમ જુદાઈ કા મુઝે તડપાએગા, હર નયા મૌસમ પુરાની યાદ લે કર આએગા’ (મિસ બૉમ્બે - મોહમ્મદ રફી – અસદ ભોપાલી/ પ્રેમ ધવન).
૫૦ના દાયકામાં હંસરાજ બહલ અને તેમના ભાઈ ગુલશને એન. સી. ફિલ્મ્સના નેજા હેઠળ ફિલ્મ પ્રોડક્શન શરૂ કર્યું. આ પ્રોડક્શનની ‘ચંગેઝ ખાન’ ફિલ્મ માટે હંસરાજ બહલે સ્વરબદ્ધ કરેલું સદાબહાર ગીત ‘મોહબ્બત ઝિંદા રહતી હૈ, મોહબ્બત મર નહીં સકતી’ કેમ ભુલાય? બન્યું એવું કે સંગીતકારમાંથી પ્રોડ્યુસર બનેલા હંસરાજ બહલને કમર જલાલાબાદીના લખેલા ગીતના અંતરા પસંદ નહોતા. તેમણે નક્શ લાયલપુરીને નવા અંતરા લખવાનું કહ્યું. તેમણે કહ્યું કે અંતરાના શબ્દોમાં ફેરફાર કરવાને બદલે હું નવું જ ગીત લખીશ. તેમણે લખ્યું... 
મોહબ્બત મીટ નહીં સકતી ઝમાને કે મિટાને સે યે ઐસી આગ હૈ જો ઔર ભડકેગી બુઝાને સે હંસરાજ બહલને આ મુખડું પસંદ ન આવ્યું. અંતે કમર જલાલાબાદીના અંતરા સાથેનું ગીત રેકૉર્ડ થયું જે બેહદ લોકપ્રિય થયું. 
હંસરાજ બહલની જેમ પંજાબની ધરતીની ખુશ્બૂ લઈને ગીતો સ્વરબદ્ધ કરનાર સંગીતકાર એસ. મોહિન્દર યાદ આવે છે. બક્ષી મોહિન્દરસિંહ સરનાનો જન્મ ૧૯૨૦ની ૬ સપ્ટેમ્બરે સિલાંવલી તહસીલ, પંજાબમાં થયો. હૉકી રમવાના શોખીન બાળક મોહિન્દરને સંગીતનો શોખ વારસામાં મળ્યો, કારણ કે તેમના પિતા બાંસુરીવાદક હતા. પોતાની સાથે ગુરુદ્વારામાં ભજન-કીર્તન કરતા બાળક મોહિન્દરને ગાતા સાંભળીને પિતાએ તેને બનારસમાં તાલીમ માટે મોકલ્યો. 
પાર્ટિશન સમયે સંગીતમાં આગળ વધવા માટે યુવાન મોહિન્દર લાહોર જવાનો વિચાર કરતો હતો, પરંતુ સ્ટેશન પર લાશો ભરેલી ટ્રેન જોઈને લાહોર જવાનો વિચાર બદલીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ઇચ્છા તો પ્લેબૅક સિંગર બનવાની હતી, પરંતુ અહીં આવીને એટલો અહેસાસ થયો કે જો મોહમ્મદ રફી કરતાં સારું ગાઈ શકાય તો જ સફળતા મળે. એટલે મ્યુઝિશ્યન તરીકે કારકિર્દી શરૂ કરી. સ્વતંત્ર સંગીતકાર તરીકેની તેમની પ્રથમ ફિલ્મ હતી ‘સેહરા’ (૧૯૪૮). એમાં પ્રમુખ કલાકાર હતા અભિનેતા ગોવિંદાનાં માતા-પિતા નિર્મલાદેવી અને અરુણકુમાર. આ બન્નેના સ્વરમાં ગીતો પણ રેકૉર્ડ થયાં. 
ફિલ્મ શીરીં ફરહાદના ‘ગુઝરા હુઆ ઝમાના, આતા નહીં દુબારા, હાફિઝ ખુદા તુમ્હારા’ (લતા મંગેશકર – તનવીર નકવી) અને ‘હઝારો રંગ બદલેગા ઝમાના, ન બદલેગા મોહબ્બત કા ફસાના’ (મોહમ્મદ રફી – તનવીર નકવી) ઉપરાંત ‘ઓ મેરે પ્યારો ઝમીં કે તારો, જાના તુમ્હે હૈં કહાં (ઝમીં કે તારે – મોહમ્મદ રફી/આશા ભોસલે/સુધા મલ્હોત્રા – પંડિત ઇન્દ્ર), ‘કિસી કા દિલ ચુરા લેના, બડી પ્યારી શરારત હૈ’ (ખૂબસૂરત ધોકા – મુકેશ – રાહિલ ગોરખપુરી) જેવાં થોડાં ગીતો લોકપ્રિય થયાં; પરંતુ તેમની કારકિર્દીને જોઈએ એવો વેગ ન મળ્યો. 
પ્રોડ્યુસર તરીકે મધુબાલાની એક ફિલ્મ આવી ‘મહલોં કે ખ્વાબ’ (૧૯૬૦) જેમાં તેની સાથે કિશોરકુમાર અને પ્રદીપકુમાર મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મમાં એસ. મોહિન્દર સંગીતકાર હતા. એમાંનું એક ગીત ‘ગર તુમ બુરા ન માનો, તો મૈં તુમસે પ્યાર કર લુ’ (આશા ભોસલે, સુબીર સેન – રાજા મેહંદી અલી ખાન) લોકપ્રિય થયું. એમ કહેવાય છે કે ટૉલ હૅન્ડસમ એસ. મોહિન્દરને મધુબાલાએ પ્રપોઝ કર્યું હતું. મધુબાલા તેમની પત્નીને ભરણપોષણ માટે મોટી રકમ આપવા તૈયાર હતી, પરંતુ એસ. મોહિન્દર તૈયાર નહોતા. 
૧૯૬૯માં પંજાબી ફિલ્મ ‘નાનક નામ જહાન હૈ’માં તેમનું સંગીત અત્યંત લોકપ્રિય થયું હતું. આ ફિલ્મમાં આશા ભોસલે, મોહમ્મદ રફી અને મન્ના ડેના સ્વરમાં તેમણે ગીતો રેકૉર્ડ કર્યાં. આ ફિલ્મ માટે તેમને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. તેમણે અનેક પંજાબી ફિલ્મોમાં સંગીત આપ્યું. ૧૯૮૦માં તે અમેરિકા શિફ્ટ થયા. ૨૦૧૩માં તેઓ પાછા આવ્યા. 
 મોટા ભાગે આપણને જાણીતા સંગીતકારોનાં અત્યંત લોકપ્રિય ગીતો સાંભળવાં ગમે છે. For a change ક્યારેક આવા ઓછા જાણીતા સંગીતકારોનાં ગીતો સાંભળશો તો નિરાશ નહીં થાઓ. મનોરંજનની દુનિયા માટે કહેવાય છે કે Everybody wants a repeat performance. કોઈને જોખમ લેવું નથી. રેસ્ટોરાંમાં જઈએ અને દરેક વખતે એકની એક ભાવતી ડિશ ઑર્ડર કરવાને બદલે શેફના સજેશન પર ભરોસો મૂકીને નવી ડિશ ટ્રાય કરવાની હિંમત કરીએ તો સરવાળે ફાયદો થાય છે. 
૬૭ હિન્દી અને ૧૫ પંજાબી ફિલ્મોના સંગીતકાર હંસરાજ બહલે ૧૯૮૦ની ૨૦ મેએ વિદાય લીધી. ૩૩ હિન્દી અને ૨૦ પંજાબી ફિલ્મોના સંગીતકાર એસ. મોહિન્દરે ૨૦૨૦ની ૬ સપ્ટેમ્બરે વિદાય લીધી. જેમના કામની પૂરતી કદર ન થઈ એવા આ બન્ને સંગીતકાર માટે એટલું જ કહેવું છે કે તેમના સંગીતમાં પંજાબની માટીની મહેક અને મોહબ્બતની મજબૂરીનું દર્દ છલકાતું હતું. 

columnists rajani mehta lifestyle news life and style gujarati mid day