મધરાતે ત્રણ વાગ્યે ગોપાલ શર્માને મળવા કોણ આવ્યું હતું?

26 July, 2026 04:54 PM IST  |  Mumbai | Rajani Mehta

મેં દુબેસાહેબને પૂછ્યું કે શું સિલોનથી કોઈનો ફોન આવ્યો છે? તો કહે, ‘ના... ના, નીચે ચાલો. રાજસા’બ તમને મળવા આવ્યા છે.’

ગોપાલ શર્માની સાથે રાજ કપૂર.

રેડિયો સિલોનના અનાઉન્સર ગોપાલ શર્માએ મારી સાથેની વાતચીતમાં અનેક કિસ્સાઓ શૅર કર્યા હતા. રાજ કપૂર સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાત કરતાં તે કહે છે...

૧૯૬૦ની વાત છે. સિલોનમાં ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ રિલીઝ થઈ. મને એ ફિલ્મ એટલી ગમી કે મેં ૪ વાર જોઈ. ફિલ્મમાં શંકર-જયકિશનનું સંગીત એટલું લાજવાબ હતું કે એ તેમના જીવનનું ઉત્તમ સંગીત કહી શકાય. જ્યારે એની સિલ્વર જ્યુબિલી થઈ ત્યારે મેં સ્ટેશન-ડિરેક્ટરની અનુમતિ લઈને અડધા કલાક સુધી ફિલ્મનાં ગીતો પ્રસારિત કર્યાં હતાં. આ ઘટનાથી રેડિયોજગતમાં હલચલ મચી ગઈ કારણ કે આજ સુધી આવું બન્યું નહોતું.

એ સમયે AVMની ‘ઘરાના’ (જેમાં સંગીતકાર રવિનાં ગીતો હતાં) રિલીઝ થઈ હતી અને એનાં થોડાં ગીતો લોકપ્રિય થયાં. બેશક એ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નાં ગીતોની સરખામણીમાં ઊતરતાં હતાં. એમ છતાં ફિલ્મફેર અવૉર્ડ ‘ઘરાના’ના સંગીતને મળ્યો. આજ સુધી આ વાત મારી સમજની બહાર છે. આવું એક વાર નહીં, અનેક વાર થયું છે.

 ફિલ્મની સિલ્વર જ્યુબિલી નિમિત્તે મેં અડધો કલાક ગીતોનું પ્રસારણ કર્યું એનાથી રાજ કપૂર મારા પર ખુશ હતા. મારો તેમની સાથે વધુ પરિચય નહોતો. ૧૯૫૨માં મારા સંઘર્ષના દિવસોમાં તેમની સાથે અછડતી મુલાકાત થઈ હતી. એ કદાચ તેમને યાદ પણ નહીં હોય, પરંતુ આ પ્રસારણ બાદ તેમણે દુબેસાહેબને કહ્યું કે એક વાર ગોપાલ શર્માની સાથે મુલાકાત તો કરાવો.

વિજયકિશોર દુબે અને બની રુબેને ભાગીદારીમાં એક ફિલ્મ ‘આશિક’ બનાવી હતી જેના હીરો હતા રાજ કપૂર. ફિલ્મના ગીતકાર હતા શૈલેન્દ્ર અને હસરત જયપુરી. સંગીત શંકર-જયકિશનનું હતું. આ ગીતો તો ફિલ્મની રિલીઝ પહેલાં જ લોકપ્રિય થઈ ગયાં હતાં. મુંબઈમાં જ્યારે ફિલ્મનું પ્રીમિયર હતું ત્યારે દુબેસાહેબે મને આમંત્રણ આપ્યું એટલે હું મુંબઈ આવ્યો.

૧૯૬૨ની એક સાંજે મુંબઈના મરાઠા મંદિરમાં ફિલ્મનું પ્રીમિયર હતું જેમાં ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના કલાકારોએ હાજરી આપી હતી. હૃષીકેશ મુખરજીના ડિરેક્શનમાં ફિલ્મ સરસ બની હતી અને લોકપ્રિય થઈ. પ્રીમિયર પછી મોડી રાતે અમે કોલાબામાં દુબેસાહેબના ફ્લૅટ પર ગયા, થોડું ભોજન કર્યું અને હું સૂઈ ગયો. ૩ વાગ્યે દુબેસાહેબે મને ઉઠાડ્યો અને કહ્યું, ‘ફટાફટ તૈયાર થઈ જાઓ.’ હું ગભરાયો. મને લાગ્યું કે કોઈએ સિલોન રેડિયોના ડિરેક્ટર જનરલને મારી ફરિયાદ કરી હશે કારણ કે હું કોઈને કહ્યા વગર, ઉપરીની રજા લીધા વિના મુંબઈ આવી ગયો હતો. ગુરુવારની રાતે મારી ડ્યુટી નહોતી, શુક્રવાર મારો રજાનો દિવસ હતો અને શનિવારે મારી ડ્યુટી રાતની હતી એટલે ત્યાં સુધીમાં તો સિલોન પહોંચી જવાની મારી યોજના હતી. મનમાં થયું કે જરૂર કોઈએ મારી ફરિયાદ કરી હશે.

મેં દુબેસાહેબને પૂછ્યું કે શું સિલોનથી કોઈનો ફોન આવ્યો છે? તો કહે, ‘ના... ના, નીચે ચાલો. રાજસા’બ તમને મળવા આવ્યા છે.’

હું તો રાજી થઈ ગયો. કહ્યું, ‘શું વાત કરો છો? રાતના ૩ ત્રણ વાગ્યે રાજ કપૂર ચેમ્બુરથી કોલાબા મને મળવા આવ્યા છે?’ ફટાફટ કપડાં બદલીને હું નીચે ગયો તો સફેદ બ્યુક ગાડીમાં રાજસા’બ, જયકિશનજી, શૈલેન્દ્રજી અને મુકેશભાઈ બેઠા હતા.

મને આવતો જોઈને રાજસા’બ ગાડીમાંથી નીચે ઊતરીને પ્રેમથી ભેટ્યા અને કહે, ‘શર્માજી, આપ અપને દોસ્ત કી ખુશી કે લિએ સિલોન સે યહાં આએ ઔર હમ આપકો છોડકર ચેમ્બુર ચલે ગએ. હમેં તો સારી રાત આપકે સાથ હી રહના ચાહિએ થા.’ મેં કહ્યું, ‘ઐસી કોઈ બાત નહીં હૈ. યે તો આપકા બડપ્પન હૈ. વરના મૈં કહાં ઔર આપ કહાં?’ હું મનોમન ફૂલણજીની જેમ હરખાતો હતો. જોકે આ સઘળો પ્રતાપ રેડિયો સિલોનને કારણે હતો એ હું બરાબર જાણતો હતો.

વહેલી સવારના ૩ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી હું રાજસા’બ અને બીજા દિગ્ગજો સાથે મુંબઈના રસ્તા પર સેરસપાટા મારી રહ્યો હતો. સૌ મારાં વખાણ કરી રહ્યા હતા કે હું લાજવાબ રીતે તેમની ફિલ્મોનાં ગીતોનું પ્રસારણ કરી રહ્યો છું. મેં જવાબમાં એટલું જ કહ્યું કે આપ સૌ એટલાં સરસ ગીતો બનાવો છો કે વારંવાર સાંભળવાં ગમે. હું પણ સારાં અર્થસભર અને કર્ણપ્રિય ગીતોનો શોખીન છું. એટલે જ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની સિલ્વર જ્યુબિલીના અવસર પર ખાસ પરમિશન લઈને અડધો કલાક ગીતોનું પ્રસારણ કર્યું હતું.

રાજસા’બે કહ્યું, ‘શર્માજી, આજ સે આપ આર. કે. પરિવાર કે સદસ્ય હૈ. યે મેરા પર્સનલ નંબર હૈ. જબ કભી ભી આપ બમ્બઈ આએ મુઝે ફોન કીજિએગા, મૈં ગાડી ભેજ દૂંગા. કોઈ ભી કામ હો, આપ બેધડક મુઝે કહ સકતે હૈ.’ મેં કહ્યું, ‘નહીં રાજસા’બ, વૈસે તો કોઈ ખાસ કામ નહીં હૈ. લેકિન હાં, મુઝે બડી ખુશી હૈ કિ આજ આપસે બાતચીત કરને કા મૌકા મિલ રહા હૈ.’

વાતો અને ગપ્પાંગોષ્ઠિ ચાલતી જ રહેતી હોત જો મારે કોલંબો પાછા ન જવાનું હોત. અમે કોલાબા દુબે‍સાહેબના ફ્લૅટ પર આવ્યા. ત્યાંથી મારો સામાન લીધો અને તે લોકોએ મને ઍરપોર્ટ છોડ્યો. સૌએ મને ભાવભીની વિદાય આપી. મારા માટે એ ઘટના ખૂબ યાદગાર હતી. હું શનિવારે સવારે કોલંબો પહોંચી ગયો અને નસીબજોગે કોઈને મારી મુંબઈની આ મુલાકાતની ખબર ન પડી.

‘આશિક’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મારા ગુરુ અને મિત્ર દુબેસાહેબને એવા-એવા અનુભવ થયા કે મુંબઈ પરથી તેમનું મન ઊઠી ગયું. તેમણે અને બની રુબેને રાજ કપૂર સાથે ‘અબ્દુલ્લા દીવાના’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ એ શરૂ થાય એ પહેલાં જ દુબેસાહેબ કાયમ માટે મુંબઈ છોડીને અમેરિકા જતા રહ્યા.

રેડિયો સિલોન પરથી રજા લઈને જ્યારે હું મુંબઈ આવતો ત્યારે ફિલ્મજગતની અનેક હસ્તીઓ સાથે મુલાકાત થતી. એક દિવસ સંગીતકાર જયકિશન કહે કે આજે મુકેશનો જન્મ દિવસ છે, મારે ત્યાં આવજો સાથે જઈશું. અમે તેમના ઘરે ગયા. ત્યાં અનેક કલાકારો હાજર હતા. શાનદાર પાર્ટી ચાલતી હતી. અભિનેતા મોતીલાલ પણ હાજર હતા. મેં મુકેશને કહ્યું કે મોતીલાલ આપના માટે ભાગ્યશાળી છે. તેમણે કારણ પૂછ્યું તો મેં કહ્યું, ‘જે ગીતથી આપની ઓળખ સ્થાપિત થઈ એ હતું ફિલ્મ ‘પહલી નઝર’નું ‘દિલ જલતા હૈ તો જલને દે’. આ ગીત મોતીલાલ પર ફિલ્માંકન થયું હતું. એ પછી તમને ગીતો મળવા લાગ્યાં. ત્યાર બાદ આપે ‘અનુરાગ’ બનાવવાનું શરૂ કર્યું. લોકોને લાગ્યું કે મુકેશ હવે ફિલ્મમાં વ્યસ્ત છે, અભિનય પણ શરૂ કર્યો છે એટલે ગાવામાં બહુ રસ નથી લાગતો. આ કારણે તમારાં ઓછાં ગીતો રેકૉર્ડ થયાં. જોકે રાજ કપૂરની ‘જાગતે રહો’માં મોતીલાલ પર ફિલ્માંકન થયેલું ‘ઝિંદગી ખ્વાબ હૈ’ અત્યંત લોકપ્રિય થયું અને ગાયકીના ક્ષેત્રે આપનું પુનરાગમન થયું. એટલે હું માનું છું કે મોતીલાલ આપના માટે ખૂબ જ લકી છે.’ આ સાંભળી મુકેશ અને મોતીલાલ હસી પડ્યા અને કહ્યું કે વાત તો સાચી છે.

ત્યારે મુકેશે ‘દિલ જલતા હૈ તો જલને દે’ વિશે એક સરસ કિસ્સો શૅર કર્યો. કહે, ‘મને ખબર પડી કે ‘પહલી નઝર’ના નિર્માતા-નિર્દેશક મઝહર ખાનના મિત્રો તેમને વારંવાર એક જ વાત કહેતા હતા, ‘તારી ફિલ્મ ફ્લૉપ જશે તો આ એક ગીતને કારણે જ. આવું રોતલ ગીત ફિલ્મમાં હોવું જ ન જોઈએ.’ મને આ વાતની ખબર પડી એટલે હું મઝહર ખાનના ઘરે ગયો. તેમનાં ચરણસ્પર્શ કર્યા અને રડમસ અવાજે કહ્યું, ‘ખાનસાબ, કેવળ પ્રથમ શો માટે આ ગીત ફિલ્મમાં રાખજો, જો પડદા પર આ ગીત આવે ત્યારે પ્રેક્ષકો ઊભા થઈને ચાલવા માંડે તો પછીના શોથી ગીત કાપી નાખજો.’ આટલું કહેતાં હું બાળકની જેમ રડી પડ્યો. તેઓ ભાવવિભોર થઈ ગયા અને મને સાંત્વન આપતાં કહ્યું, ‘બેટા, ચિંતા ન કર. આ ગીત પ્રથમ શોમાં અવશ્ય હશે જ.’ બીજા દિવસે ફિલ્મ રિલીઝ થઈ. પ્રથમ શો બાદ પ્રેક્ષકો થિયેટરની બહાર આવ્યા ત્યારે આ જ ગીત ગણગણતા હતા. ‘દિલ જલતા હૈ તો જલને દે’. ગીત સુપરહિટ થયું અને આજ સુધી લોકપ્રિય છે.

રેડિયો સિલોન પર ૧૧ વર્ષ નોકરી કરીને ગોપાલ શર્મા મુંબઈ આવ્યા ત્યાર બાદ બીજા અનેક અનાઉન્સરે પોતાની સેવા આપી, પરંતુ તેમના જેવી લોકપ્રિયતા કોઈને ન મળી. વર્ષો સુધી ફિલ્મ-સંગીતના પ્રસારણ માટે રેડિયો સિલોને એકહથ્થુ શાસન કર્યું, પરંતુ જેમ-જેમ વિવિધ ભારતીની પ્રસારણસેવાઓનો સમય વધતો ગયો એમ-એમ રેડિયો સિલોન વીસરાતું ગયું. આ ઉપરાંત નબળી ટ્રાન્સમિશન કૅપેસિટી અને ફ્રીક્વન્સીને કારણે રેડિયો પર સ્ટેશન પકડવું મુશ્કેલ થતું ગયું. ૧૯૮૦ની આસપાસ રેડિયો સિલોનના ‘ડાઈ હાર્ડ ફૅન્સ’ના એક ગ્રુપે અભિયાન શરૂ કર્યું કે ચાહકો ફાળો ઉઘરાવીને એક કરોડ રૂપિયા ભેગા કરીને રેડિયો સિલોનને મશીનરી અપડેટ કરવામાં સહાય કરે. જોકે એવું થયું નહીં.

સંગીતપ્રેમીઓએ જો વીતેલા યુગનાં લોકપ્રિય ગીતો ઉપરાંત ભાગ્યે જ સંભળાતાં અલભ્ય ગીતો સાંભળવાં હોય તો યુટ્યુબ પર આજે પણ શ્રીલંકા બ્રૉડકાસ્ટિંગ સેન્ટર (રેડિયો સિલોન) રોજ દોઢ કલાક એ ગીતો પ્રસારિત કરે છે જે એની યુટ્યુબ ચૅનલ પર સરસ રીતે માણી શકાય છે. એક જ ચીજ કાનને ખટકે છે. વર્ષો પહેલાંના ગોપાલ શર્માના મધુર સ્વરથી ટેવાયેલા આ કાનમાં ફીમેલ અનાઉન્સરના અશુદ્ધ વ્યાકરણ અને ઉચ્ચારવાળા શબ્દો સોનાની થાળીમાં લોઢાની મેખ બનીને રહી જાય છે.

rajani mehta columnists all india radio radio city gujarati mid day raj kapoor