૨૦૨૬નું વર્ષ કેવું હશે?

31 December, 2025 12:19 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

૨૦૨૫માં એટલાબધા કાયદાઓ, નિયમો, રેગ્યુલેશનો ઘડાયા કે જેના લીધે અમેરિકામાં જવું કઠણ બની ગયું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અમેરિકા એટલો વિશાળ દેશ છે, ત્યાં એટલીબધી જમીનો છે, જમીનની અંદર તેલ-ખનીજ-સોનું છે. આથી જ લોકો અમેરિકા ભણી આકર્ષાય છે. જેમ-જેમ પરદેશીઓ ત્યાં જતા ગયા તેમ-તેમ એ દેશની ઉન્નતિ થતી ગઈ. ત્યાંના નેટિવ લોકોને મારીને હટાવવામાં આવ્યા. આજે તો તેમની સંખ્યા નહીંવત જ છે. અમેરિકામાં જવાનું દિવસે-દિવસે મુશ્કેલ થતું ગયું છે. શરૂઆતમાં અમેરિકા પોતે જ પરદેશીઓને આવકારતો હતો. વર્ષો પહેલાં તમે જ્યારે વિઝિટર્સ વીઝા પર અમેરિકા જાઓ ત્યારે બૉર્ડર પરના ઇમિગ્રેશન ઑફિસરો તમને પૂછતા કે ‘તમારે અમેરિકામાં કાયમ રહેવું છે?’ તેઓ તમને ત્યાં જ ગ્રીન કાર્ડ આપતા. હવે સમય બદલાયો છે. હવે અમુક મર્યાદિત સંખ્યામાં જ પરદેશીઓને કાયમ રહેવા માટે આવવા દે છે. ૨૦૨૫માં એટલાબધા કાયદાઓ, નિયમો, રેગ્યુલેશનો ઘડાયા કે જેના લીધે અમેરિકામાં જવું કઠણ બની ગયું. એવું માનવામાં આવે છે કે ૨૦૨૬માં તો આ કાયદાઓ વધુ ને વધુ કડક બનશે. અમેરિકાના ઇમિગ્રેશન અૅન્ડ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ (ICE) અને બૉર્ડર પૅટ્રોલ માટે ખર્ચની રકમ જે વાર્ષિક ૧૯ બિલ્યન ડૉલરની હતી એમાં હવેથી ૧૭૦ બિલ્યન ડૉલરનો ઉમેરો કરવામાં આવશે. દર વર્ષે ૧૯ બિલ્યન ડૉલર આ ICE અને પૅટ્રોલના ખર્ચાપેટે આપવામાં આવે છે પણ ૨૦૨૬થી ૨૦૨૯ સુધીમાં એટલે ત્રણ વર્ષના સમયગાળામાં ૧૭૦ બિલ્યન ડૉલર આ ICE અને બૉર્ડર પૅટ્રોલ માટે વધારાના ફાળવવામાં આવ્યા છે. એટલું જ નહીં, હજારો નવા એજન્ટોને નોકરીમાં રાખવાનું અમેરિકા વિચારી રહ્યો છે જેથી તેઓ અમેરિકાનાં મોટાં-મોટાં શહેરોમાં જઈને ત્યાં જે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રહેતી હોય તેને પકડી શકે અને દેશનિકાલ કરી શકે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ આ વર્ષમાં એટલે કે ૨૦૨૫માં ૬,૨૨,૦૦૦ ઇમિગ્રન્ટોને ડિપૉર્ટ કર્યા હતા. હવેથી તેઓ દર વર્ષે ૧ મિલ્યન ઇમિગ્રન્ટોને ડિપૉર્ટ કરવાની ઇચ્છા ધરાવે છે. ડિપૉર્ટેશનના પ્લાન, વિચારો, કાયદાઓ વધારતા જ ગયા છે. તમે ત્યાંની સોશ્યલ સિક્યૉરિટીનો બેનિફિટ ન લો એ અટકાવવા માટેનો કાયદો ઘણાં વર્ષથી હતો, પણ હવેથી એનો અમલ ખૂબ કડક રીતે કરવામાં આવશે. તમે અમેરિકામાં જતા હશો તો તમને પૂછવામાં આવશે કે તમે અમેરિકાના માથે બોજારૂપ તો નહીં થઈ જાઓને?

united states of america india columnists gujarati mid day exclusive