23 August, 2026 05:03 PM IST | Mumbai | Ruchita Shah
વંદે માતરમ્ વિવાદ : ૧૯૩૭માં થયેલી ભૂલનું પુનરાવર્તન તો નથી થઈ રહ્યુંને?
તાજેતરમાં ૧૫ ઑગસ્ટે કૉન્ગ્રેસના કાર્યાલયમાં વંદે માતરમ્ ગવાઈ રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પરસ્પર વાતચીત કરતાં હોવાના વિડિયો સામે આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)એ એને રાષ્ટ્રીય ગીતનો અનાદર ગણાવીને સોનિયા ગાંધીની માફીની માગણી કરી અને દેશમાં એક નવા વિવાદની શરૂઆત થઈ. ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દાવો કર્યો કે ૧૯૩૭માં કૉન્ગ્રેસ દ્વારા ‘વંદે માતરમ્’ ગીતને તોડીને માત્ર પ્રથમ બે કડી સુધી સીમિત કરી દેવાની ઐતિહાસિક ભૂલ જ દેશના ભાગલાનું પ્રથમ બીજ બની હતી. મુસ્લિમ લીગ અને મોહમ્મદઅલી જિન્નાહની માગણી સામે ઝૂકીને કૉન્ગ્રેસે તુષ્ટીકરણનું જે રાજકારણ શરૂ કર્યું હતું એની કિંમત આખા દેશે ચૂકવવી પડી છે.
સામે પક્ષે કૉન્ગ્રેસના નેતાઓએ આ આક્ષેપોને ફગાવતાં વળતો પ્રહાર કર્યો કે આ નિર્ણય કોઈ ધાર્મિક તુષ્ટીકરણ માટે નહીં પરંતુ સ્વતંત્રતાસંગ્રામમાં દેશના દરેક વર્ગને એકજૂથ રાખવા માટે લેવાયો હતો. કૉન્ગ્રેસી નેતાઓના કહેવા મુજબ એ સમયે રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન વિચારકની સલાહ અને સહમતી મેળવીને જ ગીતની પ્રથમ બે કડી રાષ્ટ્રીય મંચો પર ગાવાનો સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે વંદે માતરમ્ પણ આપણા રાષ્ટ્રગીત જેટલું જ સમાન સન્માન ધરાવે છે. ૧૯૫૦ની ૨૪ જાન્યુઆરીએ બંધારણ સભાની અંતિમ બેઠકમાં સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સત્તાવાર જાહેરાત કરી હતી કે ‘જન ગણ મન’ ભારતનું રાષ્ટ્રગીત એટલે કે નૅશનલ ઍન્થમ રહેશે અને ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને નૅશનલ ઍન્થમની જેમ સમાન સન્માનિત કરવામાં આવશે અને એનો દરજ્જો પણ સમાન રહેશે. આ વાતને વર્તમાન સરકારે આગળ વધારી અને દેશના રાષ્ટ્રીય ગીતનાં ૧૫૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ‘ધ પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નૅશનલ ઓનર (અમેન્ડમેન્ટ) ઍક્ટ 2026’ અંતર્ગત વંદે માતરમ્ને પણ સમાન કાયદાકીય રક્ષણ આપીને તમામ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ની તમામ ૬ અંતરા ગાવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કૉન્ગ્રેસે એના ૧૯૩૭ના પ્રસ્તાવને આધાર બનાવીને પોતાના કાર્યક્રમોમાં માત્ર પ્રથમ બે જ અંતરા ગાવાનો નિર્ણય લીધો અને રાજકારણ ગરમાયું છે. આ વિવાદમાં બળતામાં ઘી હોમવાનું કામ બૉલીવુડનાં દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોરના તાજેતરના નિવેદને કર્યું. એક સાહિત્યિક કાર્યક્રમમાં શર્મિલા ટાગોરે જણાવ્યું હતું કે ‘વંદે માતરમ્ ગીતમાં આગળની અંતરામાં હિન્દુ દેવી-દેવતાઓનાં રૂપકો જેવાં કે દુર્ગા, કમલા, લક્ષ્મી આવતાં હોવાથી મુસ્લિમોની એકેશ્વરવાદી ધાર્મિક ભાવનાઓ દુભાતી હતી. એ સમયે કૉન્ગ્રેસે અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે દેશની એકતા અને મુસ્લિમ સમુદાયની સંવેદનાઓને ધ્યાનમાં રાખીને માત્ર પ્રથમ બે અંતરા રાખવાનો નિર્ણય લીધો હતો જે એ પરિસ્થિતિમાં અત્યંત વ્યવહારુ અને યોગ્ય હતો.’
જોકે શર્મિલા ટાગોરના આ સ્ટેટમેન્ટ પર હિમાચલ પ્રદેશના મંડીથી BJPનાં સંસદસભ્ય અને અભિનેત્રી કંગના રનૌતે અત્યંત આકરો અને તીખો પલટવાર કર્યો હતો. કંગનાએ પોતાના આક્રમક અંદાજમાં કહ્યું કે ‘આપણી માતૃભૂમિને ‘માતા’ ગણીને એની વંદના કરવી એ ભારતની પ્રાચીન સનાતન પરંપરા છે. દેશ માટે હસતા મુખે ફાંસીએ ચડી ગયેલા ક્રાન્તિકારીઓનો જે રાષ્ટ્રમંત્ર હતો, જે ગીતે દેશને અંગ્રેજો સામે આઝાદી અપાવવા એક કર્યો હતો એને ધાર્મિક ચશ્માંથી જોવું એ ક્રાન્તિકારીઓ અને આઝાદીના શહીદોનું અપમાન છે.’
જરા વિચાર કરો કે ભગત સિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકઉલ્લા ખાન જેવા અનેક ક્રાન્તિકારીઓ વંદે માતરમ્ના નારા સાથે જ ફાંસીના માંચડે ચડ્યા હતા. આજે પણ કોઈ જવાન સરહદ પરથી કોઈ ખબર આપતો હોય ત્યારે દેશદાઝના એક અનોખા રણકાર સાથે ‘વંદે માતરમ્’નો જયઘોષ કરે છે. ભારતીયોની ચેતનામાં ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીયતાના ભાવ સાથે સતત વહી રહ્યું છે એના માટે આ વિવાદ પાછળનો ઇતિહાસ શું છે અને આજે ૧૫૦ વર્ષ પછી પણ આ સંઘર્ષ શું કામ છે એ વિષય પર નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ.
વંદે માતરમ્ ગીતની રચનાનો ઇતિહાસ ૧૮૭૫થી શરૂ થાય છે જ્યારે બંગાળના મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બ્રિટિશ શાસનના ‘ગૉડ સેવ ધ ક્વીન’ ગીતના જવાબમાં માતૃભૂમિની સુંદરતા અને સમૃદ્ધિને બિરદાવતું આ કાવ્ય સંસ્કૃત અને બંગાળી ભાષાના સમન્વયથી રચ્યું હતું. તેમણે આ ગીત ૧૮૮૨માં પ્રકાશિત થયેલી તેમની પ્રખ્યાત નવલકથા ‘આનંદમઠ’માં સામેલ કર્યું, જેમાં અંગ્રેજો અને અન્યાય સામે લડતા સંન્યાસીઓ માટે આ ગીત દિવ્ય પ્રેરણા અને યુદ્ધઘોષ બન્યું હતું. ત્યાર બાદ ૧૮૯૬ના કૉન્ગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે એને સૂરબદ્ધ કરીને સૌપ્રથમ વાર મંચ પરથી ગાયું અને ૧૯૦૫ના બંગાળના વિભાજન સમયે તો આ ગીત બ્રિટિશ હકૂમત સામે સમગ્ર ભારતીય આઝાદીની ચળવળનો સૌથી મોટો રાષ્ટ્રમંત્ર બની ગયું. ગાંધીજીએ ‘હરિજન’માં અને તેમનાં ભાષણોમાં અનેક વાર આ ગીતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘વંદે માતરમે આપણને આઝાદીની લડતમાં શક્તિ આપી છે. આ ગીત મારા માટે માત્ર એક કાવ્ય નથી, માતૃભૂમિ પ્રત્યેના સમર્પણનો આદર છે.’ જોકે ગાંધીજી એ બાબતના પણ સમર્થક હતા કે આ ગીત ગાવા માટે કોઈની સાથે બળજબરી કે અસહિષ્ણુતા ન થવી જોઈએ.
અહીં વડોદરાની સયાજી રાવ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર, વિભાજન અને વીર સાવરકર પર પુસ્તકના લેખક અને વંદે માતરમ્નો પહેલવહેલો ગુજરાતી અનુવાદ કરનારા પ્રો. ચિરાયુ પંડિત કહે છે, ‘વંદે માતરમ્’ ગીત એ માત્ર ભૂમિનાં ભૌતિક લક્ષણો સુજલામ્, સુફલામ્ કે લોકોના વર્ણન સુધી સીમિત ન રહેતાં માતૃભૂમિને ઈશ્વરીય રૂપમાં સ્થાપિત કરીને ભક્તિ અને ‘સંતાન ધર્મ’ની સર્વોચ્ચ ભાવના જગાડે છે જ્યાં કોઈ જાત-પાત કે ધર્મના ભેદભાવ વિના માતૃભૂમિની સેવા એ જ મુખ્ય ઉદ્દેશ બની રહે છે. બહુ દુખની વાત છે કે પહેલાં જે સ્થિતિ અને કૉન્ગ્રેસની ભૂમિકા હતી એ આજે પણ જોવા મળે છે. એવું લાગે છે કે ઇતિહાસ જાણે પોતાને દોહરાવી રહ્યો છે. તમે વિચાર કરો કે ‘સારે જહાં સે અચ્છા’ લખનારા ગીતકાર અલ્લામા ઇકબાલે બાદમાં ૧૯૨૯માં સ્વતંત્ર મુસ્લિમ રાષ્ટ્રની કલ્પના કરી તથા ‘વતનીયત’ કવિતામાં દેશપ્રેમ કે વતનને ભગવાન માનવા સામે ચેતવણી આપી હતી અને આ જ વિચારધારાએ જિન્નાહ જેવા નેતાઓને પણ પ્રભાવિત કર્યા હતા.’
૧૯૯૪થી વંદે માતરમ્ પર અભ્યાસ કરનારા, એના પર ૧૨૦૦ પાનાંના બે ગ્રંથો હિન્દી અને મરાઠીમાં લખનારા અને સવા બસ્સોથી વધુ રવીન્દ્રનાથ ટાગોરથી લઈને જુદા-જુદા આર્ટિસ્ટ દ્વારા ગવાયેલા વંદે માતરમ્ની ઑડિયો રેકૉર્ડ્સનું કલેક્શન ધરાવતા ઇતિહાસકાર અને સંશોધક ડૉ. મિલિંદ સબનીસ કહે છે, ‘બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૫માં જ્યારે આ ગીત રચ્યું અને બાદમાં ૧૮૮૨માં તેમની નવલકથા ‘આનંદમઠ’માં એનો સમાવેશ કર્યો ત્યારે તેમનો હેતુ માતૃભૂમિનું દિવ્ય રૂપક રજૂ કરવાનો હતો. પ્રથમ બે અંતરામાં દેશની પ્રાકૃતિક સુંદરતા છે, જ્યારે આગળની અંતરામાં દેશને શક્તિ આપનારી મા દુર્ગા અને સમૃદ્ધિ આપનારી મા લક્ષ્મી અને સરસ્વતીના નામનો ઉપયોગ રૂપક તરીકે કરવામાં આવ્યો છે. અહીં માત્ર ઉપમા તરીકે જે-તે દેવીનું નામ છે, ક્યાંય તેમની પૂજાની વાત નથી. માતૃભૂમિની પૂજાની વાત ચોક્સ છે. જેમ શ્રી સૂક્તમ હોય કે વિષ્ણુ સહસ્રનામ હોય એમ આ કોઈ ધર્મનું સૂત્ર કે સ્તોત્ર નથી, એક ગીત છે જેમાં દેવીઓનાં નામ રૂપક, ઉપમા અથવા એક્ઝામ્પલ તરીકે લેવાયાં છે જે-તે ક્વૉલિટીને દર્શાવવા. એને ધર્મનો સ્વાંગ ચડાવવો ઉચિત નથી. એને કોઈ સંગઠિત ધર્મ સાથે જોડીને જોવું એ કાવ્યાત્મક અને સાહિત્યિક દૃષ્ટિએ અન્યાય છે.’
રાજકારણથી પર જઈને જોવામાં આવે તો ‘વંદે માતરમ્’ એ ભારતીય રાષ્ટ્રવાદનો સૌથી મજબૂત સ્તંભ છે. ડૉ. મિલિંદ કહે છે, ‘૧૯૦૫માં લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે વંદે માતરમ્ વિરોધ-પ્રદર્શનનો મુખ્ય નારો બની ગયો. ‘બંગ ભંગ’ આંદોલનની સફળતામાં વંદે માતરમ્ની બહુ મોટી ભૂમિકા છે જેણે એવો ખોફ ઊભો કર્યો હતો કે બ્રિટિશ સરકારે જાહેર સ્થળોએ વંદે માતરમ્ બોલવા કે ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો છતાં ક્રાન્તિકારીઓ પોલીસના લાઠીચાર્જ અને જેલ વચ્ચે પણ આ જ નારો બોલતા હતા. ૧૮ વર્ષના ખુદીરામ બોઝ જેવા ક્રાન્તિકારીઓ ફાંસીના માંચડે ચડતી વખતે અને શિરીષકુમાર જેવા નિ:શસ્ત્ર દેશભક્તો ગોળીઓ ઝીલતી વખતે પણ વંદે માતરમ્નો ઉદ્ઘોષ કરતા હતા. આ ગીતની શક્તિને કારણે આખરે અંગ્રેજોએ બંગાળના ભાગલા રદ કરવા પડ્યા હતા. ૧૫૦ વર્ષ પછી પણ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કલમે લખાયેલું આ ગીત ભારતના રાજકારણ અને જનમાનસને આંદોલિત કરવાની શક્તિ ધરાવે છે. વંદે માતરમ્ એ માત્ર અક્ષરોનો સમૂહ નથી, ભારત માતાના અખંડ સ્વરૂપની એ વંદના છે જેણે કરોડો ભારતીયોના હૃદયમાં આઝાદીની જ્યોત પ્રજ્વલિત કરી હતી. માત્ર નર્યા રાજકારણ માટે એને તોડવાનો પ્રયાસ કરવો એ ઉચિત નથી.’
કૉન્ગ્રેસે પહેલી વાર સત્તાવાર રીતે ૧૯૩૭ની ૨૬ ઑક્ટોબરથી ૧ નવેમ્બર દરમ્યાન કલકત્તા ખાતે મળેલી ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીની બેઠકમાં એક ઠરાવ પસાર કરીને વંદે માતરમ્ની માત્ર પ્રથમ બે અંતરાને જ રાષ્ટ્રીય મંચો પર ગાવા માટે સ્વીકારી હતી જેનું કારણ બન્યા મોહમ્મદઅલી જિન્નાહ. એમાં બન્યું એવું કે ૧૯૩૭ની ૧૫ ઑક્ટોબરે લખનઉમાં મુસ્લિમ લીગના અધિવેશન દરમ્યાન મોહમ્મદઅલી જિન્નાહે વંદે માતરમ્ ગીત સામે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો. જિન્નાહે દાવો કર્યો કે આ ગીતમાં ભારત માતાને દેવી તરીકે પૂજવામાં આવી છે અને પાછળની અંતરામાં દુર્ગા, લક્ષ્મી, સરસ્વતીનો ઉલ્લેખ છે. ઇસ્લામમાં અલ્લાહ સિવાય અન્ય કોઈની પૂજા કરવાની કે વંદન કરવા મનાઈ છે. પ્લસ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ની પૃષ્ઠભૂમિનો સંદર્ભ મુસ્લિમવિરોધી માનસિકતા ધરાવે છે અને આ ગીત મુસલમાનોમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. જોકે નિષ્ણાતો આ વાતને પુરાવા સાથે ફગાવે છે. ૧૯૩૭ની પ્રાંતીય ચૂંટણીઓ પછી જ્યાં કૉન્ગ્રેસની સરકારો બની ત્યાં વિધાનસભા અને સરકારી કાર્યક્રમોની શરૂઆત વંદે માતરમ્થી કરવામાં આવતી હતી, જેનો જિન્નાહે સખત વિરોધ કર્યો હતો. જિન્નાહ અને મુસ્લિમ લીગના આ વિરોધને કારણે દેશમાં સાંપ્રદાયિક તનાવ ન વધે એ માટે કૉન્ગ્રેસના અગ્રણી નેતાઓએ વિચાર-વિમર્શ કર્યો. રવીન્દ્રનાથ ટાગોરના સૂચનથી ૧૯૩૭માં ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીએ નિર્ણય લીધો કે ગીતની માત્ર પ્રથમ બે અંતરા જ ગવાશે. જોકે એ સમયના કૉન્ગ્રેસના મુસ્લિમ નેતા રફી અહમદ કિડવાઈ અને અન્ય નેતાઓએ કહ્યું હતું કે જિન્નાહ જ્યારે પહેલાં કૉન્ગ્રેસમાં હતા ત્યારે તેમને વંદે માતરમ્ સામે કોઈ વાંધો નહોતો અને તેઓ કાર્યક્રમોમાં સન્માનપૂર્વક ઊભા રહેતા હતા. જોકે પછી જિન્નાહે બીજા દેશની પૂર્વભૂમિકાના ભાગરૂપે પોતાનાં રાજકીય લક્ષ્યો સાધવા માટે આ મુદ્દાને ચગાવ્યો હતો. આ સંદર્ભે ડૉ. મિલિંદ કહે છે, ‘અહીં એ પણ જાણી લો કે લખનઉ અધિવેશનમાં જિન્નાહે વંદે માતરમ્ને ઇસ્લામવિરોધી ગણાવીને એને બોલવા પર પ્રતિબંધ ઉપરાંત અન્ય ૪ માગણીઓ પણ કરી હતી. એમાં હતો તિરંગા રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવા સામે વિરોધ અને એને સરકારી મંચો પરથી હટાવવો, હિન્દી કે હિન્દુસ્તાનીને રાષ્ટ્રભાષા બનાવવાને બદલે ઉર્દૂને સત્તાવાર દરજ્જો આપવો, ભારતના તમામ મુસ્લિમોની એકમાત્ર સત્તાવાર અને એકચક્રી પ્રતિનિધિ સંસ્થા તરીકે માત્ર ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગને જ માન્યતા આપવી, સ્થાનિક અને પ્રાંતીય ધારાસભાઓમાં મુસ્લિમો માટે અલગ મતદારમંડળ અને વસ્તીના પ્રમાણ કરતાં વધુ અનામત બેઠકો સુનિશ્ચિત કરવી. ટૂંકમાં, તેમને રાષ્ટ્રભાષા હિન્દી અને આપણા તિરંગા સામે પણ વાંધો હતો.’
૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે સવારે સાડાછ વાગ્યે ઑલ ઇન્ડિયા રેડિયો પર વંદે માતરમ્ ગાવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે પોતે પંડિત ઓમકારનાથ ઠાકુરને ખાસ આમંત્રિત કર્યા હતા. જોકે પંડિત ઓમકારનાથ ઠાકુરે એક શરતે આ નિમંત્રણ સ્વીકાર્યું હતું કે તેઓ ગીતને કટકા કર્યા વિના, સંપૂર્ણ વંદે માતરમ્ જ ગાશે. એ સમયના કૉન્ગ્રેસના નેતા અને દેશના ગૃહપ્રધાન સરદાર વલ્લભાઈ પટેલે તેમની આ શરત સહર્ષ સ્વીકારી લીધી હતી. પંડિતજીએ આકાશવાણીના મુંબઈ સ્ટુડિયોમાં માઇક્રોફોન સામે ઊભા રહીને આ ગીત ગાયું હતું, જેનું સમગ્ર દેશનાં રેડિયો સ્ટેશનો પરથી એકસાથે પ્રસારણ કરવામાં આવ્યું હતું.
(મૂળ રચના : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય)
વંદે માતરમ્।
સુજલાં સુફલાં મલયજશીતલામ્
શસ્યશ્યામલાં માતરમ્॥ વંદે માતરમ્॥
અર્થ : હે મા! હું તને વંદન કરું છું. સુંદર અને નિર્મળ જળવાળી, મધુર ફળો આપનારી, દક્ષિણના ચંદન જેવા શીતળ પવનથી શાંતિ આપનારી અને લીલાંછમ ખેતરોથી શોભતી હે ભારત માતા, હું તારાં ચરણોમાં નમન કરું છું.
શુભ્રજ્યોત્સ્નાપુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્,
સુહાસિનીં સુમધુર ભાષિણીમ્
સુખદાં વરદાં માતરમ્॥ વંદે માતરમ્॥
અર્થ : જેની રાત્રિઓ ચાંદનીના શ્વેત પ્રકાશથી ખીલી ઊઠે છે, જે વનસ્પતિ અને ખીલેલાં પુષ્પોથી આચ્છાદિત છે, જે મનોહર હાસ્ય કરનારી અને મીઠી વાણી બોલનારી છે, સુખ અને વરદાન આપનારી હે માતા! હું તને વંદન કરું છું.
કોટિ-કોટિ કણ્ઠ કલકલ નિનાદ કરાલે,
કોટિ-કોટિ ભુજૈર્ધૃત ખરકરવાલે,
કે બોલે માઁ તુમિ અબલે!
બહુબલધારિણીં નમામિ તારિણીમ્
રિપુદલવારિણીં માતરમ્॥ વંદે માતરમ્॥
અર્થ : કરોડ-કરોડ લોકોના ગળામાંથી નીકળતો ગર્જનાસભર અવાજ તારી શક્તિ દર્શાવે છે, કરોડો હાથોમાં તીક્ષ્ણ શસ્ત્રો ધારણ કરેલાં છે છતાં તને અબળા કોણ કહી શકે? તું તો મહાશક્તિશાળી છે! ઉદ્ધાર કરનારી અને શત્રુઓના સમૂહનો નાશ કરનારી હે મા! હું તને વંદન કરું છું.
તુમિ વિદ્યા તુમિ ધર્મ,
તુમિ હૃદિ તુમિ મર્મ,
ત્વં હિ પ્રાણાઃ શરીરે!
બાહુતે તુમિ મા શક્તિ,
હૃદયે તુમિ મા ભક્તિ,
તોમારઈ પ્રતિમા ગડિ મંદિરે-મંદિરે માતરમ્॥ વંદે માતરમ્॥
અર્થ : તું જ અમારી વિદ્યા છે, તું જ અમારો ધર્મ છે, તું જ અમારું હૃદય અને અમારું રહસ્ય છે. અમારા શરીરમાં રહેલા પ્રાણ તું જ છે. અમારા બાહુઓમાં રહેલી શક્તિ તું છે, હૃદયમાં રહેલી ભક્તિ પણ તું જ છે. દરેક મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાં માત્ર તારું જ સ્વરૂપ ઘડાયેલું છે.
ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી,
કમલા કમલદલવિહારિણી,
વાણી વિદ્યાદાયિની, નમામિ ત્વામ્,
નમામિ કમલાં અમલાં અતુલામ્,
સુજલાં સુફલાં માતરમ્॥ વંદે માતરમ્॥
અર્થ : તું જ ૧૦ હાથોમાં શસ્ત્ર ધારણ કરનારી દુર્ગા છે, તું જ કમળનાં પુષ્પો પર બિરાજમાન લક્ષ્મી (કમલા) છે અને તું જ વિદ્યા આપનારી સરસ્વતી (વાણી) છે. હું તને નમન કરું છું. નિર્મળ, અપ્રતિમ, સુંદર જળ અને ફળોથી સમૃદ્ધ હે માતા, હું તને પ્રણામ કરું છું.
શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતામ્,
ધરણીં ભરણીં માતરમ્॥ વંદે માતરમ્॥
અર્થ : શ્યામ વર્ણ ધરાવતી, સરળ સ્વભાવવાળી, મધુર સ્મિત ધરાવતી, સુંદર આભૂષણોથી સજ્જ અને સમગ્ર પૃથ્વીનું પાલન-પોષણ કરનારી હે ભારતમાતા! હું તારાં ચરણોમાં શિર નમાવું છું.
ડૉ. મિલિંદ સબનીસ પહેલા રિસર્ચર છે જેમણે પોતાના રિસર્ચવર્કમાં શોધ્યું કે ૧૯૫૨માં સરકારે માન્ય કરેલી વંદે માતરમ્ની વર્તમાન પૉપ્યુલર ધૂન પંડિત રવિશંકરે નહીં પણ દિલ્હી આકાશવાણીના સંગીત વિભાગના પ્રમુખ વી. આર. આઠવલેએ બનાવી હતી.
ડિસેમ્બર ૨૦૦૨માં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC) વર્લ્ડ સર્વિસે વિશ્વનું સૌથી લોકપ્રિય ગીત શોધવા માટે એક વૈશ્વિક ઑનલાઇન સર્વે યોજ્યો હતો. વિશ્વના ૧૫૩થી વધુ દેશોમાંથી દોઢ લાખથી વધુ લોકો દ્વારા વોટિંગના પરિણામમાં વંદે માતરમ્ ગીતને વિશ્વના બીજા સૌથી લોકપ્રિય ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.