વૃક્ષો પણ મહિલાઓની જેમ બોલકાં હોય છે

01 February, 2023 04:21 PM IST  |  Mumbai | Varsha Chitaliya

વિશ્વાસ ન આવતો હોય તો દાદરની પારસી કૉલોનીમાં રહેતાં ૭૨ વર્ષનાં નેચર લવર કેટી બગલી સાથે ટ્રી વૉક કરી જુઓ. વૃક્ષો, વનસ્પતિઓ, જીવડાંઓ અને પક્ષીઓ સાથે ગાઢ મિત્રતા કેળવી ચૂકેલાં આ વડીલ પાસેથી આવી તો અઢળક વાતો સાંભળવા મળશે

નેચર લવર કેટી બગલી

કેટી બગલી બહુ ફૂડી છે. ખાણીપીણી પર તેઓ કન્ટ્રોલ રાખી નથી શકતાં. એમ છતાં તેઓ આટલાં ફિટ છે એનું શ્રેય તેઓ નેચરને આપે છે.

મુંબઈના માટુંગા-દાદર, ભાયખલા વિસ્તારમાં રહેતા હો તો જાણી લો કે તમારાં ફેફસાં સુધી જે શુદ્ધ હવા પહોંચે છે એનું થોડું શ્રેય પારસી કૉલોનીમાં રહેતાં ૭૨ વર્ષનાં નેચર લવર કેટી બગલીને આપવું પડે. મુંબઈનાં વૃક્ષોને બચાવવાનું પ્રણ લઈ ચૂકેલાં આ વડીલ પાસે માહિતીનો ખજાનો છે. ટ્રી વૉક, ઇન્સેક્ટ ઍન્ડ બર્ડ્સ વૉક, નેચર ટ્રેલ્સ અને પુસ્તકોના માધ્યમથી તેઓ આ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. ચાલો આજે આપણે પણ તેમના પટારામાં છુપાયેલી રસપ્રદ વાતો સાંભળીને પ્રકૃતિ સાથે જોડાઈએ. 

વાતો વૃક્ષોની

શિરીષ વૃક્ષ સાથે ક્યારેય વાતો કરી છે? બૈરી જેવો અવાજ સંભળાશે. આવી રમૂજ સાથે વાતોનો પટારો ખોલતાં કેટી બગલી કહે છે, ‘શિરીષનાં સુગંધીદાર ફૂલોની વચ્ચે લાંબી ગોલ્ડન કલરની​ શિંગો હોય છે. એ સુકાઈ જાય ત્યારે એમાંથી ખડખડ અવાજ આવે છે. ઘૂંઘરું વાગતાં હોય એવું લાગે, પરંતુ ફન ક્રીએટ કરવા આ અવાજને વિમેન સાઉન્ડ સાથે જોડી દીધું. બધાને કહું, જુઓ તમારી વાઇફ બકબક કરે છે. ખરેખર અનુભવ કરવા જેવો છે. બીજી એક વાર્તા કરું. મારા ઘરની પાસે ગેસ્ટ ટ્રી છે. વૃક્ષમાંથી ખરી પડેલાં ફળોને કલેક્ટ કરી લઉં. ગાર્ડનમાં ફરવા આવતા લોકોને બતાવીને કહું કે આ જ્વેલરી બૉક્સ છે. ઓપન કરીને તમારું નસીબ અજમાવો. એમાંથી અમૂલ્ય મોતી મળી શકે છે. વાસ્તવમાં આ ફળની અંદર સફેદ રંગનું બીજ હોય છે. જોકે ઘણી વાર ન પણ નીકળે. નસીબ સાથે એને જોડી દેવાથી લોકોમાં ફળને તોડવાની ઉત્સુકતા રહે છે. વૃક્ષોની ખાસિયત શું છે, એને કઈ રીતે ઓળખી શકાય, ફૂલો અને ફળોનો રંગ વગેરે માહિતી પાસઑન કરવા સ્ટોરીઓ બનાવીને સંભળાવું જેથી લોકોને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ વિશે જાણવામાં ઇન્ટરેસ્ટ પડે. અમારા વિસ્તારમાં વૃક્ષોની કેટલી પ્રજાતિ છે એની ગણના નથી કરી, પરંતુ ૮૦ જેટલી હશે એવી મારી ધારણા છે.’

વિશેષ યોગદાન

કેટીનું યોગદાન પારસી કૉલોનીનાં વૃક્ષો પૂરતું મર્યાદિત નથી. ભાયખલાસ્થિત  રાણીબાગમાં આવેલા ૧૬૦ વર્ષ જૂના બૉટનિકલ ગાર્ડનનાં ૪૨૦૦ કરતાં વધુ વૃક્ષોની જાળવણી માટેના મેકઓવર પબ્લિક પ્રોજેક્ટ ટીમનાં તેઓ સભ્ય રહી ચૂક્યાં છે. સેવ રાણીબાગ તો છે જ. આ સિવાયની પણ ઘણીબધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છું એવું ઉત્સાહ સાથે જણાવતાં કેટી કહે છે, ‘પ્રકૃતિ સાથે ગાઢ દોસ્તીની સફરની શરૂઆત દસ વર્ષ પહેલાં થઈ. બાળકો પોતાની લાઇફમાં સેટલ થયા પછી મારી પાસે સમય જ સમય હતો. ગાર્ડનમાં વૉક કરતાં કરતાં બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી સાથે કનેક્ટ થઈ અને મારા પૅશનને જુદી જ દિશા મળી. મુંબઈના બૅકયાર્ડમાં પુષ્કળ વૃક્ષો છે. બાળકો નેચરને પ્રોટેક્ટ કરતાં થાય એવા હેતુથી કેટલીક સ્કૂલો સાથે જોડાઈ. ટ્રી વૉક, ઇન્સેક્ટ વૉક, જનરલ નેચર ટ્રેલ્સ, નેચર ક્લબ, વાઇલ્ડલાઇફ ક્વિઝ વગેરે મનોરંજક પ્રવૃત્તિઓમાં દરેક ઉંમરના લોકોને ખૂબ મજા પડે છે. અઠવાડિયામાં ત્રણેક વૉક કન્ડક્ટ કરું છું. એનાથી લોકોમાં પ્રકૃતિની જાળવણી કરવાની સભાનતા વિકસે છે. બર્ડ્સના સાઉન્ડ સમજવામાં વધારે એક્સપર્ટ નથી પણ માહિતી પ્રદાન કરી શકું છું.’

પુસ્તકો લખ્યાં

આ પણ વાંચો : પુરુષો જીવનસાથીમાં શું શોધે છે?

પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવતાં કેટી મુંબઈનાં બાળકોનાં પ્રિય લેખિકા છે. પ્રકૃતિ આધારિત તેમણે લખેલાં ૪૦ જેટલાં પુસ્તકોમાંથી ૩૫ પુસ્તકો બાળકોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કર્યાં છે. અનેક સંસ્થાઓ અને સામયિકો સામેથી સંપર્ક કરીને તેમને સ્ટોરીબુક્સ લખી આપવા માટે આગ્રહ કરે છે. ઝોઓલૉજી વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તેમનાં પુસ્તકો વાંચવાની ભલામણ કરવામાં આવે છે. પુસ્તકો વિશે જાણકારી આપતાં તેઓ કહે છે, ‘આ ધરા પર પથરાયેલા પ્રાકૃતિક સૌંદર્યનું મને ગજબનું આકર્ષણ છે. વર્કશૉપ ઉપરાંત પુસ્તકોના માધ્યમથી પૅશનને એક્સપ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. સર્જનાત્મક કવિતા લેખન, ડૂડલિંગ કૉમિક સ્ટ્રિપ્સ અને કાર્ટૂન કૅરૅક્ટર જોઈને બાળકો બુક્સ વાંચવા પ્રેરાય છે. નવી જનરેશન કોઈ પણ રીતે નેચર સાથે કનેક્ટ થાય એ જ મારો હેતુ છે. મોટા ભાગનાં પુસ્તકોની વાર્તા વૃક્ષો અને બર્ડ્સની આસપાસ ફરે છે. ભારતનાં જુદાં-જુદાં રાજ્યોની સંસ્થાઓ મારા સંપર્કમાં રહે છે. હાલમાં ઓડિશા માટે સ્ટોરીબુક્સ લખી રહી છું. અહીંના મૅન્ગ્રોવ્ઝ વિસ્તારમાં મગર અને માનવી વચ્ચે કૉન્ફ્લિક્ટ વધી રહ્યો છે. કાન્હા અભયારણ્યમાં વસવાટ કરતા આદિવાસીઓમાં પ્રાણીઓને લઈને ઘણી અંધશ્રદ્ધા પ્રવર્તે છે. સ્ટોરી વાંચીને તેમની વિચારધારામાં બદલાવ આવશે એવી મને આશા છે. આવાં તો અનેક મિશનો પાર પાડવાં મારા જીવનનું ધ્યેય બની ગયું છે.’ 

અંગત વાતો

કેટીએ માઇક્રોબાયોલૉજીમાં બૉમ્બે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીમાં જોડાયા બાદ તેમને કીટવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, જૈવ વિવિધતા અને પ્રકૃતિના સંરક્ષણમાં રસ પડતાં વધુ અભ્યાસ કરીને લોકોને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. મુંબઈની કેટલીક સ્કૂલો અને કૉલેજો સાથે તેઓ જોડાયેલાં છે. જેન ગુડઑલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનાં તેઓ મેમ્બર છે. વૃક્ષો, વનસ્પતિઓ, પશુ-પક્ષી, નદીઓ, ડુંગરાઓ, ગ્રાસલૅન્ડ વગેરેની જાળવણી માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ તેમને જુદા-જુદા અવૉર્ડ પણ મળ્યા છે. આ ઉંમરે તેઓ પોતાની પ્રવૃત્તિને ગ્લોબલ લેવલ પર લઈ જવા કટિબદ્ધ છે.

columnists Varsha Chitaliya dadar byculla zoo