આર્ટ સર્કલથી સ્ટાર્ટ થઈ મૅજિકલ જર્ની

03 February, 2023 05:54 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ડૉટ મંડલા પેઇન્ટિંગમાં રુચિ ધરાવતી દહિસરની ઊર્મિ પંડ્યાએ પ્રાયોગિક ધોરણે બનાવેલા કૉફી મગ, કોસ્ટર, કીચેઇન, બુકમાર્ક્સ, મોબાઇલ કવર જેવા જુદા-જુદા હૅન્ડમેડ આર્ટિકલ્સ લોકોને ખૂબ પસંદ પડતાં આ પૅશનેટ ગર્લ જૉબ શોધવાની જગ્યાએ અલગ જ સફરે નીકળી પડી

ઉર્મિ પંડ્યા તેણે બનાવેલા ડૉટ મંડલા પેઇન્ટિંગ

મંડલા આર્ટ પ્રત્યે ડેડિકેશન, આઇડિયાઝ અને કલર કૉમ્બિનેશનની સમજના લીધે આ યંગ ગર્લે બનાવેલા કૉફી મગ, કોસ્ટર, કીચેઇન, બુકમાર્ક્સ, મોબાઇલ કવર જેવા આર્ટિકલ્સ હિટ છે\

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ આર્ટ ફૉર્મ પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે. પૅન્ડેમિકે લોકોને હાથમાં ફરી બ્રશ પકડવાની તક આપતાં અનેક ટૅલન્ટ બહાર આવી છે. લાઇફ ટ્રૅક પર આવ્યા બાદ મોટા ભાગના લોકોએ પોતાના પૅશન સાથે વળગી રહેવાનું પસંદ કર્યું છે. વીક-એન્ડમાં રિલૅક્સેશન માટે પેઇન્ટિંગ કરવાની સાથે એમાંથી સાઇડ ઇન્કમ ઊભી થાય એવો હેતુ વધુ જોવા મળે છે. જોકે કેટલાક એવા પણ છે જેમણે પૅશનને ફુલટાઇમ જૉબ બનાવી લીધું. મંડલા પેઇન્ટિંગમાં રુચિ ધરાવતી દહિસરની ઊર્મિ પંડ્યાની લાઇફમાં એવો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો કે ગ્રૅજ્યુએશન બાદ જૉબ શોધવાની જગ્યાએ જુદી જ સફરે નીકળી પડી. આર્ટ ફૉર્મને નવા આયામ સુધી લઈ જવા માગતી ૨૪ વર્ષની પૅશનેટ ગર્લ સાથે આજે મુલાકાત કરીએ.

સેલ્ફ-લર્નર

લૉકડાઉનમાં મોટા ભાગના લોકો વેબ-સિરીઝ અને ટીવી જોવામાં વ્યસ્ત હતા અથવા સોશ્યલ મીડિયા પર સમય પસાર કરતા હતા ત્યારે હું ચિત્રો દોરતી. મંડલા પેઇન્ટિંગ્સને મારો મૅક્સિમમ ટાઇમ આપ્યો હતો. આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં ઊર્મિ કહે છે, ‘ડ્રોઇંગ ફુલ ટાઇમપાસ ઍક્ટિવિટી હોવાથી સ્કૂલ લાઇફને રીક્રીએટ કરી. વાસ્તવમાં પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હતો તેથી ગ્રૅજ્યુએશન બાદ ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કરવાનું વિચારી જ રહી હતી ત્યાં લૉકડાઉન આવી ગયું. હું સેલ્ફ-લર્નર છું. મંડલા આર્ટ, ડૉટ મંડલા, ઍક્રિલિક આર્ટવર્ક, કૅન્વસ પેઇન્ટિંગ્સ વગેરે બનાવતી ગઈ. જેમ-જેમ ડિઝાઇન બનતી ગઈ નવા-નવા આઇડિયાઝ આવવા લાગ્યા. મંડલા આર્ટમાં સૌથી વધુ રુચિ જાગતાં એમાં જ ખૂંપતી ગઈ.’

મંડલા આર્ટમાં મારો ઇન્ટરેસ્ટ, ડેડિકેશન, સ્ટોરીલાઇન અને કલર કૉમ્બિનેશનની સમજ જોઈ ફૅમિલી અને ફ્રેન્ડ્સે પ્રોત્સાહિત કરી. એક ફ્રેન્ડના સજેશનથી ઇન્સ્ટાગ્રામ પર સર્કલ્સ ઑફ આર્ટ નામથી પેજ બનાવ્યું. ​અહીંથી મંડલા આર્ટ સાથેની મારી મૅજિકલ જર્ની શરૂ થઈ એવું ઉત્સાહ સાથે જણાવતાં તે કહે છે, ‘શરૂઆતમાં અલગ-અલગ ટાઇપની મંડલા આર્ટ બનાવીને અપલોડ કરતી. ત્યાર બાદ ફેસ્ટિવલ થીમ અને ભારતીય સંસ્કૃતિ અનુસાર પેઇન્ટિંગમાં મંડલા આર્ટને ઇન્ટરકનેક્ટ કરી. જેમ કે રામમંદિરની થીમ. બૅકગ્રાઉન્ડમાં મંડલા આર્ટ સાથે ચિત્ર બનાવ્યું છે.’

ટર્નિંગ પૉઇન્ટ

બૉલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડીના સોશ્યલ મીડિયા પેજ પરની એક પોસ્ટથી લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો એવી જાણકારી આપતાં ઊર્મિ કહે છે, ‘ઘરેથી કામ કરતી હોય એવી મહિલાઓને સમીરા રેડ્ડી સોશ્યલ મીડિયા પર પ્રમોટ કરે છે. એ માટે તેઓ ગૂગલ ફૉર્મ ફિલ કરાવે છે. દર શનિવારે એમાંથી ૧૦ ​વિમેનને સિલેક્ટ કરી પોતાના પેજ પર શૅર કરે. મેં પણ ટ્રાય કરી.

અભિનેત્રીના હોમ ડેકોરેશન સેક્શનમાં ઇન્સ્ટાગ્રામ આઇડી સાથે ફીચર થયા બાદ મારા ફૉલોઅર્સ અને ઑર્ડર વધતા જ ગયા. બીકૉમનો અભ્યાસ કર્યા પછી આગળ કંઈ વિચારું એ પહેલાં લૉકડાઉન આવી ગયું અને લાઇફ ટ્રૅક પર આવી ત્યાં સુધીમાં હું પૅશન સાથે જબરદસ્ત રીતે કનેક્ટ થઈ ગઈ હોવાથી બહાર જૉબ શોધવાનું પડતું મૂકી આ ફીલ્ડમાં જ મારી બધી એનર્જી અને ટાઇમ ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય લીધો. આમ સર્કલ્સ ઑફ આર્ટ માત્ર સોશ્યલ મીડિયાનું પેજ ન રહેતાં સ્ટાર્ટઅપમાં કન્વર્ટ થઈ ગયું. આ સાથે ડૉટ મંડલા શીખવવા માટે ઑનલાઇન વર્કશૉપ લેવાનું શરૂ કર્યું. મારાથી ઉંમરમાં મોટા લોકોને આ કળા શીખતાં જોઈને વધુ સારું કામ કરવા માટે પ્રેરણા મળે છે.’ 

આ પણ વાંચો : હરિ કીર્તને ભરી દીધો જનરેશન ગૅપ

ટ્રેન્ડિંગ આર્ટિકલ્સ

ટ્રેન્ડિંગ આર્ટિકલ્સ વિશે વાત કરતાં તે કહે છે, ‘પેઇન્ટિંગ બાદ હજી કંઈક નવું ઍડ કરવું હતું. પ્રાયોગિક ધોરણે ડૉટ આર્ટવર્ક ટેક્નિક યુઝ કરીને કોસ્ટર અને મગ બનાવ્યાં, જે જોરદાર હિટ થઈ ગયાં. આખા ભારતમાંથી એના ઑર્ડર આવવા લાગ્યા. આજકાલ હૅન્ડમેડ આર્ટિકલ્સ પૉપ્યુલર છે. મગ, કૉસ્ટર, કીચેઇન, બુકમાર્ક્સ, મોબાઇલ કવર, લાઇટ હોલ્ડર, મંડલા ડાયરી જેવી પ્રોડક્ટ્સને સારો રિસ્પૉન્સ મળે છે. ઘણા લોકો ફ્રેમ કરેલા આર્ટવર્કને વૉલ અથવા ડેસ્ક પર મૂકવા ખરીદે છે. ઓરિજિનલ આર્ટવર્કની પ્રિન્ટ મગાવીને પોતાની રીતે ફ્રેમ કરે એવા ક્લાયન્ટ્સ પણ આવે છે. કસ્ટમાઇઝ્ડ મંડલા આર્ટ પણ કરી આપું છું. એક પીસ બનાવતાં ત્રણથી સાત દિવસ લાગે છે. તાજેતરમાં પોર્ટ્રેટ મંડલા ફ્રેમ્સ પણ રજૂ કરી છે. એક ઑફિસ માટે લંડન અને પૅરિસ થીમ પેઇન્ટિંગ બનાવ્યું છે. મંડલાનો સ્પર્શ હોય એવા હૅન્ડમેડ આર્ટિકલ્સ રજૂ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ ચાલતો રહેશે.’

સ્ટ્રેસબસ્ટર

આમ તો દરેક આર્ટ ફૉર્મની પોતાની ખાસિયત હોય છે, પરંતુ મંડલા આર્ટની અલગ જ મજા છે એમ જણાવતાં ઊર્મિ કહે છે, ‘એક જ સર્કલમાં સપ્રમાણ આકૃતિઓ દોરવાથી ધીમે-ધીમે એકાગ્રતા વધે છે. આ આર્ટફૉર્મ વ્યક્તિના મન અને શરીર પર અસર કરે છે તેથી એની ગણના સ્ટ્રેસબસ્ટર થેરપી તરીકે થાય છે. રિલૅક્સેશન માટે મંડલા આર્ટ શીખવાની લોકોને ભલામણ પણ કરું છું. લૉકડાઉન દરમિયાન આ બધું એક શોખ તરીકે શરૂ થયું હતું, પરંતુ મૅજિકલ સર્કલથી જીવનમાં અને વિચારોમાં ઘણા બદલાવ આવ્યા છે.’

columnists Varsha Chitaliya