જીવનની હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ ચાલી-ચાલીને આ બહેને ૨૩ કિલો વજન ઉતાર્યું

08 November, 2022 12:35 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કોઈ પણ સંજોગોમાં વિચલિત થયા વિના લક્ષ્યને વળગી રહેવું. પોતાની જાતને ડીમોટિવેટ થવા ન દેવી

મનીષા દોશી વજન ઉતાર્યા પછી (ડાબે) મનીષા દોશી વજન ઉતાર્યા પહેલા (જમણે)

ફૅશનેબલ ક્લોધિંગ પહેરવાનો જબરો શોખ ધરાવતાં બોરીવલીનાં મનીષા દોશીએ ગોળમટોળ શરીરને આકર્ષક બનાવવા તેમ જ નીરોગી જીવન માટે બ્રિસ્ક વૉકિંગ સ્ટાર્ટ કર્યું અને ૮ મહિનામાં તો ૯૩ કિલોમાંથી ૭૦ કિલોનાં થઈ ગયાં. વજન ઉતારવા તેમણે કરેલી મહેનતની દાસ્તાન જાણીએ તેમના જ શબ્દોમાં

ઘરમાં અને મિત્રોને મિની ડ્રેસ પહેરેલી ગોળમટોળ મનીષા ગમતી હોય તો પાતળા થવાની શું જરૂર છે? આવો માઇન્ડ સેટ ૫૧ વર્ષે બદલાઈ ગયો.

એક વાર જે નક્કી કર્યું એ કરીને જ જંપવાનું. કોઈ પણ સંજોગોમાં વિચલિત થયા વિના લક્ષ્યને વળગી રહેવું. પોતાની જાતને ડીમોટિવેટ થવા ન દેવી. આવો સ્વભાવ ધરાવતાં બોરીવલીનાં બાવન વર્ષનાં મનીષા દોશીએ વજન ઉતારવાના નિર્ણયમાં મક્કમ રહી આઠ મહિનામાં ૨૩ કિલો વજન ઉતારીને બતાવ્યું અને એ પણ હેવી ઍક્સરસાઇઝ વગર. તેમણે કરેલી મહેનતની પ્રેરણાત્મક દાસ્તાન જાણીએ તેમના જ શબ્દોમાં.

વજન વધ્યું કઈ રીતે?

પહેલાં તો એ કહો કે વજન વધ્યું કઈ રીતે અને કેટલું હતું? આનો જવાબ આપતાં મનીષાબહેન કહે છે, ‘વજન વધવાની શરૂઆત ઍક્ઝેક્ટલી ક્યારથી થઈ એ યાદ નથી, પરંતુ કારણ સ્ટ્રેસ હતું. નાની-નાની બાબતમાં સ્ટ્રેસ બહુ લેતી. દીકરીઓને ઉછેરવામાં અને પારિવારિક જવાબદારીઓની વ્યસ્તતામાં મારા શરીર પ્રત્યે ધ્યાન આપવાની ફુરસદ ન મળી. ઇન ફૅક્ટ બિલકુલ ધ્યાન જ ન આપ્યું. એમાંય હસબન્ડને લાંબી બીમારી આવી ત્યારે ઘણી હતાશ થઈ ગઈ હતી. સ્ટ્રેસના લીધે ધીમે-ધીમે કરતાં વજન ૯૩ કિલોએ પહોંચી ગયું. ઘણા લોકો સ્ટ્રેસમાં આડેધડ પેટમાં કંઈક પધરાવ્યા કરે છે. મારા કેસમાં એવું પણ નહોતું. ખોરાકની માત્રા સામાન્ય હોવા છતાં વજન સતત વધતું ગયું. જોકે, શરીર એટલું ફ્લેક્સિબલ કે ફટ દઈને નીચે બેસી જાઉં અને ઊભી પણ થઈ શકું. કામકાજમાં ગજબની સ્ફૂર્તિ હોવાથી વજન વધવાની પ્રક્રિયાને ગંભીરતાથી ન લીધી. વેસ્ટર્ન ડ્રેસિસ પહેરવાનો જબરો ક્રેઝ. ગોળમટોળ હતી તોય મિની ડ્રેસ પહેરતી. ઘરમાં અને મિત્રવર્તુળમાં બધાને ગોળમટોળ મિની ડ્રેસ પહેરેલી મનીષા ગમતી હોય તો પાતળા થવાની શું જરૂર છે? આવું માઇન્ટ સેટ એકાવન વર્ષે અચાનક બદલાઈ ગયું. બધા રોગોનું મૂળ સ્થૂળ કાયા છે એવા ઘણા દાખલા સામે હતા. ખાસ કરીને ભારે શરીર ધરાવતી વ્યક્તિને ની રિપ્લેસમેન્ટની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એવું જાણ્યા બાદ અંદરખાને ભયભીત થઈ ગઈ. આ ભય ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. સાથે વિચાર આવ્યો કે જીવનની હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ પણ ફૅશનેબલ ડ્રેસિસ પહેરવા હોય તો શરીરને થોડું આકર્ષક બનાવવું જોઈએ. દીકરીઓની લાઇફ સેટ થઈ ગઈ, હસબન્ડનો સપોર્ટ છે, હવે લાઇફમાં કોઈ સ્ટ્રેસ નથી તો પોતાના માટે જીવવું જોઈએ. બસ, પછી તો વેઇટલૉસ મિશન પર નીકળી પડી.’

સફર કેવી રહી?

વેઇટલૉસ જર્ની વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘૩૫ કિલો વજન ઉતારવાનો ટાર્ગેટ બનાવ્યા બાદ ઇન્ટરનેટ પર ખણખોદ શરૂ કરી. જુદી-જુદી એક્સરસાઇઝના વિડિયો જોતી. ડાયટિશ્યનની ટિપ્સને ફૉલો કરવાનો પ્રયાસ કર્યો. ઝાઝી સમજણ પડી નહીં એટલે જિમ જૉઇન કર્યું. એમાંય ન ફાવ્યું. ઍરોબિક્સ ક્લાસમાં પણ મજા ન આવી. મારા બૉડીને શું જોઈએ છે એને સમજવામાં ખાસ્સો સમય લાગ્યો. ત્યાર બાદ પોઇસર જિમખાનામાં બ્રિક્સ વૉક સ્ટાર્ટ કર્યું. અહીંનો રાઉન્ડ લગભગ એક કિલોમીટરનો છે. બે રાઉન્ડ ચાલવામાં થાકી જતી. જોકે, કોઈ પણ સંજોગોમાં ગિવ-અપ નહીં કરવાનો સ્વભાવ મારી સ્ટ્રેન્થ બન્યો. માત્ર પાંચસો ગ્રામ વજન ઓછું થતાં કૉન્ફિડન્સ બિલ્ટ થયો. બૉડીને બ્રિક્સ વૉકિંગ ફાવી જતાં દરરોજ સવારે જવાનું સ્ટાર્ટ કર્યું. ત્રણ કિલો વજન ઊતરતાં ખૂબ સમય લાગ્યો. જેમ-જેમ સ્ટૅમિના બિલ્ટ થતો ગયો, વધુ રાઉન્ડ ચાલતી ગઈ. સવારે આઠ રાઉન્ડ પોઇસર જિમખાનામાં અને સાંજે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રેગ્યુલર વૉકિંગ કરવાથી વજન ઊતરવાની પ્રક્રિયા ઝડપી બની. વજન ઉતારવામાં એક્સરસાઇઝ જેટલું જ મહત્ત્વ આહારનું હોવાથી ખોટા અખતરા કરવા કરતાં ડાયટિશ્યનની સલાહ લેવાનું યોગ્ય લાગ્યું. ચીઝ, બટેટા, પનીર આ બધું ખાવા જોઈશે. પીત્ઝા ને પાસ્તા પણ ક્યારેક તો ખાઈશ એવું પહેલાં જ એમને જણાવી દીધું. ડાયટિશ્યને પ્રૉપર પૉર્શન સાથે આ બધું ખાઈ શકાય એવો ડાયટ ચાર્ટ બનાવી આપ્યો. એક્સરસાઇઝ અને ડાયટ ચાર્ટને સ્ટ્રિક્ટ્લી ફૉલો કરવાથી આઠ મહિનામાં ૯૩ કિલોમાંથી ૭૦ કિલોની થઈ ગઈ. મારી આ જર્નીમાં બન્ને દીકરી અને હસબન્ડનો ખૂબ જ સપોર્ટ મળ્યો.’

યાદો તાજી કરે

જુદી-જુદી સ્ટાઇલના ક્લોધિંગનો ગાંડો શોખ હોવાથી હંમેશાંથી વેસ્ટર્ન ડ્રેસ પહેરું છું એવી જાણકારી આપતાં તેઓ કહે છે, ‘ભારેખમ શરીર સાથે મિની સ્કર્ટ, જીન્સ અને ટી-શર્ટ, વનપીસ ડ્રેસ પહેરવામાં મને ક્યારેય સંકોચ થતો નહીં અને લોકોએ કમેન્ટ્સ કરી હોય એવું પણ નથી બન્યું. ઊલટાનું વજન ઘટ્યા બાદ ઘણા લોકો મને કહેવા લાગ્યા કે, તું જાડી સારી હતી. હવે વધુ પાતળી નહીં થતી. જોકે, હસબન્ડ સૌથી વધુ ખુશ છે. ફિગર ચેન્જ થયા બાદ ધૂમ શૉપિંગ કર્યું છે. કેટલાક જૂના પસંદીદા ડ્રેસને હજુ સુધી સંઘરી રાખ્યા છે. કોઈક વાર ઘરમાં જૂના ડ્રેસ પહેરી, બૅક સાઇડ પર ક્લિપ લગાવીને વીતેલા દિવસોને ફરીથી માણવામાં ગમ્મત પડે છે.’

બ્રેક કે બાદ

મારો ટાર્ગેટ ઊંચો છે. વજન ૬૦ કિલો સુધી લાવવું હતું, પણ વચ્ચે તહેવારો આવી જતાં બ્રેક લીધો હતો એમ જણાવતાં તેઓ કહે છે, ‘ફેસ્ટિવ સિઝનમાં મોટા ભાગની મહિલાઓનું રૂટીન શેડ્યુલ ખોરવાઈ જાય. તહેવારો દરમિયાન અન્ય કાર્યમાં વ્યસ્ત થઈ જતાં મિશન પૂરું ન થયું. મજાની વાત એ કે એક્સરસાઇઝ અને ડાયટને બાજુએ મૂકવા છતાં વજન નિયંત્રણમાં રહ્યું. જોકે, ૬૦ કિલોની થઈને જ જંપીશ એ તો મેં નક્કી કરી જ લીધું છે. હવે ગાડી પાછી પાટે ચડી છે. ફેબ્રુઆરી મહિનામાં મારો બર્થડે આવે છે ત્યાં સુધીમાં બાકી રહી ગયેલા ૧૦ કિલો વજન ઉતારવાના ટાર્ગેટને અચીવ કરી લઈશ. બર્થડેના દિવસે હૉટ દેખાવું છે તેથી હવે બ્રિક્સ વૉક ઉપરાંત જૉગિંગ પણ કરું છું.’

કોઈ પણ સંજોગોમાં ગિવ-અપ નહીં કરવાનો સ્વભાવ મારી સ્ટ્રેંગ્થ બન્યો. બ્રિસ્ક વૉકથી પાંચસો ગ્રામ વજન ઓછું થતાં કૉન્ફિડન્સ બિલ્ટ થયો અને દરરોજ સવારે ચાલવાનું સ્ટાર્ટ કર્યું. મનીષા દોશી

Varsha Chitaliya health tips