છટણીઓનો દોર વિદેશોમાં ભલે હોય, ભારતમાં નોકરીની તકો ઊજળી છે

23 January, 2023 03:56 PM IST  |  Mumbai | Varsha Chitaliya

નોકરી જોખમમાં હોવાની વાત તો દૂર, દેશની જીડીપી વધતાં સરેરાશ ૯.૮ ટકા હાઇક સાથે નવી ભરણી થઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષની શરૂઆતમાં જ ગ્લોબલ ટેક કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી વૈશ્વિક મંદીનાં વાદળો ઘેરાતાં હોવાનો સંકેત આપ્યો છે. જોકે ભારતમાં માહોલ જુદો દેખાઈ રહ્યો છે. નોકરી જોખમમાં હોવાની વાત તો દૂર, દેશની જીડીપી વધતાં સરેરાશ ૯.૮ ટકા હાઇક સાથે નવી ભરણી થઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે ભારતીયોએ નોકરી ગુમાવવાનો ડર રાખવાની જરૂર નથી

૨૦૨૩ની શરૂઆતમાં જ મહિનામાં વૈશ્વિક સ્તરે મંદીનાં વાદળો વધુ ઘેરાતાં હોવાની વાતો જોર પકડી રહી છે. જાન્યુઆરીમાં દરરોજ સરેરાશ ૧૬૦૦ આઇટી પ્રોફેશનલે પોતાની નોકરી ગુમાવી છે તેમ જ હજારો લોકોની નોકરી જોખમમાં છે. ગ્લોબલ જાયન્ટ ટેક માઇક્રોસૉફ્ટે ૧૦ હજાર કર્મચારીઓને છૂટા કર્યા છે. ઍમેઝૉન અને મેટાના કર્મચારીઓ પણ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. લિન્ક્ડઇન જૉબ પોર્ટલ પર નવી નોકરીની શોધ ચલાવનારા લોકોનો રાફડો ફાટ્યો છે ત્યારે સવાલ એ કે પૅન્ડેમિકમાં આઇટી ફીલ્ડની જે ડિમાન્ડ નીકળી હતી એ આભાસી ચિત્ર હતું? જોકે ભારતે ચિંતા કરવા જેવું નથી એવો એક રિપોર્ટ પણ છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ૨૦૨૩માં વિશ્વના અન્ય દેશો કરતાં ભારતમાં તમામ ક્ષેત્રમાં નોકરીની તકો રહેશે. આ વર્ષે ભારતીય કંપનીઓ સરેરાશ ૯.૮ ટકા હાઇક (જે-તે ઇન્ડસ્ટ્રીના સરેરાશ પગાર કરતાં ઊંચી રકમ) ઑફર કરી શકે છે. ગયા વર્ષે આ આંકડો ૯.૪ ટકાનો હતો. પ્રાપ્ત માહિતી વિશે જાણકારો સાથે ચર્ચા કરીએ. 

ટર્નિંગ રેશિયો

વિરાજ ગાંધી

એમ્પ્લૉઈને લંચ માટે ઇન્વાઇટ કરી લેટર પકડાવી દેવા જેવું કલ્ચર આપણા દેશમાં નથી એવી વાત કરતાં મ્યુચ્યુઅલ ફન્ડ અને ઇન્વેસ્ટમેન્ટના ફીલ્ડ સાથે સંકળાયેલી કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ વિરાજ ગાંધી જણાવે છે, ‘ગ્લોબલ ટેક કંપનીઓ જે રીતે છટણી કરે છે એવી સિસ્ટમ ભારતમાં નથી. કોઈ પણ કર્મચારીને કાલથી નહીં આવતો કહીને રાતોરાત કાઢી ન શકાય. મારી જાણકારી મુજબ હાલમાં ભારતના આઇટી સેક્ટરમાં ૨૦થી ૨૫ ટકાનો જૉબ ટર્નિંગ રેશિયો ચાલે છે. લોકો ઝડપથી નોકરી બદલી રહ્યા છે. આપણા દેશનો જીડીપી ગ્રોથ સતત વધી રહ્યો હોવાથી આઇટી સેક્ટરમાં પાંચ ટકા, ફાઇનૅન્સમાં દસ ટકા અને મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓમાં વીસ ટકા હાઇકમાં જૉબ મળી જાય છે. સરેરાશ ૯.૮નો આંકડો સાચો લાગે છે. અત્યારે ઘણીબધી નવી કંપનીઓને મ્યુચ્યુઅલ ફન્ડનાં લાઇસન્સ આપવામાં આવ્યાં હોવાથી અમારા ફીલ્ડમાં પણ દસ ટકાનો ટર્નિંગ રેશિયો ચાલે છે. બીજી કેટલીક કંપનીઓ લાઇસન્સ મેળવવા લાઇનમાં છે. એ લોકોને હાયરિંગની જરૂર પડશે ત્યારે વીસ ટકા હાઇક સાથે ટૅલન્ટને ખેંચવાનો પ્રયાસ કરશે. કૉમ્પિટિશનના માહોલમાં દરેક કંપની પોતાના કર્મચારીઓને સાચવી રાખવા પર્સનલ ઍક્ટિવિટી પર કામ કરે છે. ટૅલન્ટને રીટેન કરવામાં એચઆરનો મોટો રોલ હોય છે. ઇન્ક્રીમેન્ટ ઉપરાંત રિલેશનશિપ બિલ્ટઅપ અને એક્સ્પેક્ટેશન મૅનેજમેન્ટને ફોકસમાં રાખવું પડે. આગામી પાંચ વર્ષનું વિઝન આપીને તેમને કંપની સાથે જોડાયેલા રહેવા સમજાવીએ છીએ.’

શાઇનિંગ સ્ટાર

ભારતના આઇટી સેક્ટર વિશે વાત કરતાં બૅન્કિંગ ક્ષેત્રના ડિજિટલ સોલ્યુશન ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટ મયંક મહેતા કહે છે, ‘વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે ભારતીય અર્થતંત્ર એક ચમકતો સિતારો છે. આપણે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ડી-ગ્રોથ જોઈ રહ્યા છીએ જ્યારે ભારત સતત આગળ વધી રહ્યું છે. આપણા દેશમાં આઇટી સેક્ટરમાં નોકરીની તકો વધી છે, કારણ કે તમામ મોટા ઉદ્યોગોએ જાયન્ટ ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન પ્રોજેક્ટ્સ લીધા છે. દા.ત. બૅન્કિંગ ક્ષેત્રે UPI પછી આપણે CBDC - eRupee તરફ આગળ વધી રહ્યા છીએ. ONDCના રૂપમાં ઈ-કૉમર્સમાં પણ મોટી ક્રાંતિ આવી રહી છે. તકનીકી નવીનતાઓને લીધે ભારતમાં કુશળ આઇટી વ્યાવસાયિકોની સતત જરૂરિયાત રહેવાની છે. વાસ્તવમાં થોડાં વર્ષોમાં આપણે રિવર્સ ટ્રેન્ડ જોઈશું. યુએસ અને અન્ય વિકસિત દેશોના આઇટી પ્રોફેશનલ્સ ભારતની ટેક કંપનીઓમાં જોડાશે એ દિવસો હવે દૂર નથી. ડેટા સાયન્સ, પાયથન, AI/ML જેવી નવી ટેક્નૉલૉજીઓનું માર્કેટ વધી રહ્યું છે એ સૂચવે છે કે આઇટી વ્યાવસાયિકોએ આ ટ્રેન્ડને ચલાવવા માટે તેમની કુશળતાને અપગ્રેડ કરી એમાંથી લાભ મેળવવો જોઈએ.’

આપણા દેશમાં આઇટી સેક્ટરમાં નોકરીની તકો વધી છે, કારણ કે તમામ મોટા ઉદ્યોગોએ જાયન્ટ ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન પ્રોજેક્ટ્સ લીધા છે. યુએસ અને અન્ય વિકસિત દેશોના આઇટી પ્રોફેશનલ્સ ભારતની ટૅક કંપનીઓમાં જોડાશે એ દિવસો પણ હવે દૂર નથી. - મયંક મહેતા

આ પણ વાંચો:  કન્યા પધરાવો સાવધાન

નવી નોકરીઓ સરળતાથી ઉપલબ્ધ થવાની

ભાવના ઉદરનાની

ઇન્ડિયન ઇકૉનૉમી સતત ગ્રો કરી રહી હોવાથી વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણી પરિસ્થિતિ ઘણી સારી છે એવી વાત કરતાં ટેક આધારિત એચઆર પ્લૅટફૉર્મ (જૉબ પોર્ટલ)નાં ફાઉન્ડર ભાવના ઉદરનાની કહે છે, ‘રોગચાળા પછીના યુગમાં વૈશ્વિક ટેક જાયન્ટ્સ મંદીનો સામનો કરી રહ્યા છે, જ્યારે ભારતમાં આઇટી સેક્ટર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. અમારા જૉબ પોર્ટલ મારફત ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં સરેરાશ ૧૦ ટકાના હાઇક સાથે ૧૫૦ જેટલા આઇટી ક્લાયન્ટ્સને લૉક કરવામાં આવ્યા છે. અત્યારે પણ મોટા પાયે ભરતી થઈ રહી છે. ડિજિટલ ક્ષેત્રે ભારતે જે હરણફાળ ભરી છે એ જોતાં આગામી ત્રણ વર્ષમાં આઇટી પ્રોફેશનલને રીલોકેટ કરવાની પ્રક્રિયા ઝડપી બનશે. લોકોની નોકરી જઈ નથી રહી પણ રીલોકેટ થનારા કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે બધાને કરીઅરમાં ગ્રોથ જોઈએ છે. તાજેતરના સર્વેના આંકડા સૂચવે છે કે આવનારા સમયમાં ટેક્નૉલૉજી સહિતનાં તમામ ક્ષેત્રમાં નવી નોકરીઓ સરળતાથી ઉપલબ્ધ થવાની છે અને એમાં ડિજિટલ પ્લૅટફૉર્મનો મુખ્ય ફાળો રહેશે.’

ઇન્ટરનલ મૂવમેન્ટ

ભાવિકા જંજારકિયા

BFSI (બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઍન્ડ ઇન્શ્યૉરન્સ) રિક્રૂટમેન્ટ લીડ તરીકે કાર્યરત ભાવિકા જંજારકિયા કહે છે, ‘રિસેશન પિરિયડ વિશે કમેન્ટ્સ ન આપી શકાય. બિઝનેસમાં લૉસ થતાં કંપની પોતાના કર્મચારીઓને ફાયર કરી શકે છે. જોકે નોટિસ વિના કોઈને કાઢી મૂકવામાં આવતા નથી. બે મહિનાના નોટિસ પિરિયડમાં બીજી જૉબ લગભગ મળી જતી હોય છે, કારણકે આપણે ઇકૉનૉમિકલી ગ્રો કરી રહ્યા છીએ. અનેક કંપનીઓએ કર્મચારીદીઠ સિટિંગ કૉસ્ટ (કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઑફિસમાં જગ્યા, લાઇટ વગેરે) વધી જતાં અથવા એમાં કટ ઑફ કરવા કાયમી ધોરણે વર્ક ફ્રૉમ હોમ કલ્ચરને અપનાવીને બિઝનેસને બચાવી લીધો છે. હાલમાં ભારતની મોટી કૉર્પોરેટ કંપનીઓ આઇજેપી (ઇન્ટરનલ જૉબ પોસ્ટિંગ) ફંડા પર કામ કરી રહી છે. દાખલા તરીકે ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટમાં વેકન્સી ક્રીએટ થાય ત્યારે કંપની પોતાના કર્મચારીઓને એની જાણ કરે છે. અન્ય ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીને ફાઇનૅન્સનું નૉલેજ હોય તો આઇપીજી થકી અપ્લાય કરી શકે છે. બહારથી હાયર કરવા કરતાં ઇન્ટરનલી રિક્રૂટ કરવાના ઘણા ફાયદા છે. આઉટસોર્સને સરેરાશ ૩૦થી ૩૫ ટકા હાઇક આપવું પડે છે જ્યારે ઇન્ટરલ મૂવમેન્ટમાં ૧૫ ટકા હાઇકમાં રિક્રૂટ કરી શકાય છે. લોકોની નોકરી નથી જઈ રહી, ઇન્ટરનલ શિફ્ટિંગની પ્રોસેસ જોરમાં ચાલે છે. એનાથી કર્મચારીને પણ લાભ થાય છે. એને ફરીથી ઇન્ટરવ્યુ આપવાની જરૂર નથી પડતી. વર્કપ્લેસ કલ્ચર જાણીતું હોવાથી કામ કરવાની મજા આવે છે. નવી સ્કિલ ડેવલપ થવાની સાથે જૉબ સિક્યૉર રહે છે. હજારો કર્મચારીઓના વર્ક પ્રોફાઇલ આવી રીતે ચેન્જ થયા છે. ૨૦૨૩માં પણ આ પ્રોસેસ ચાલુ રહેશે.’

columnists Varsha Chitaliya