બેટા, તારી સાથે વાત કરવી છે, અપૉઇન્ટમેન્ટ આપીશ?

09 June, 2023 03:41 PM IST  |  Mumbai | Varsha Chitaliya

બે પેઢી વચ્ચે કમ્યુનિકેશન ગૅપ વધી ન જાય એ માટે કેટલાક પેરન્ટ્સે ઘરની અંદર કેવા નિયમો લાગુ કર્યા છે જુઓ

વિધિ શાહ હસબન્ડ અને સંતાનો સાથે

સ્ટડીઝ, એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીઝ, ઇન્ટરનેટ અને દોસ્તો સાથે સેલિબ્રેશન કરવામાં આજના યુવાનો એટલા બધા વ્યસ્ત રહે છે કે પેરન્ટ્સે પોતાનાં સંતાનોને ફોન કરીને આવો પ્રશ્ન પૂછવો પડે છે. બે પેઢી વચ્ચે કમ્યુનિકેશન ગૅપ વધી ન જાય એ માટે કેટલાક પેરન્ટ્સે ઘરની અંદર કેવા નિયમો લાગુ કર્યા છે જુઓ

નવી પેઢીને આપણે ફર્સ્ટ સ્માર્ટ જનરેશન તરીકે ઓળખીએ છીએ. નાની ઉંમરે મોટી છલાંગ લગાવવા તેઓ સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. ઇન્ટરનેટની સહાયથી દુનિયાભરની જાણકારી રાખતા યુવાનોને જોઈને આપણે પોરસાઈએ છીએ કે વાહ, કેટલા સ્માર્ટ છે. મલ્ટિટાસ્કિંગ આજના સમયની જરૂરિયાત છે તેથી એને અચીવ કરવાની મથામણ અને સ્પર્ધાત્મક વાતાવરણના કારણે તેઓ સતત દોડધામ કરતા રહે છે. તેમની પાસે પેરન્ટ્સ પાસે બેસવાનો સમય સુધ્ધાં નથી. કૉમનમૅન હોય કે સેલિબ્રિટીઝ, આ ઘર ઘર કી કહાની છે.  હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ગૌરી ખાને જણાવ્યું હતું કે શાહરુખ ખૂબ જ વ્યસ્ત છે છતાં તેની ડેટ મળી રહે છે, પરંતુ દીકરા આર્યનને મળવા માટેની ડેટ મેળવવી મુશ્કેલ છે. થોડા વખત અગાઉ વર્કિંગ પેરન્ટ્સ પાસે સંતાનો માટે ટાઇમ નથી એવો કકળાટ થતો હતો. હવે સંતાનોને મળવા માટે માતા-પિતાએ અપૉઇન્ટમેન્ટ લેવી પડે એવો સિનારિયો જોવા મળે છે. આ કમ્યુનિકેશન ગૅપ ભરવા માટે પેરન્ટ્સને કેવા એફર્ટ્સ નાખવા પડે છે જુઓ. 

સારું છે કે સેક્રેટરી નથી રાખી

આજના યુવાનો મોબાઇલ અને લૅપટૉપમાં વ્યસ્ત રહે છે પણ સમય વેડફતા નથી એવો અભિપ્રાય આપતાં વસઈના મનીષ પુરોહિત કહે છે, ‘બે યુવા સંતાનો સાથેનું અમારું સંયુક્ત કુટુંબ છે. દીકરો રાહુલ જૉબ કરવાની સાથે કૅનેડા જવા માટેની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે. ટીનેજ દીકરી રિધિમા પણ સ્ટડીઝ અને અધર ઍક્ટિવિટીઝમાં બિઝી હોય. સ્માર્ટ વર્લ્ડમાં નૉલેજ હોવું પ્રાઉડની વાત છે. ઇન્ટરનેટમાં ઘૂસીને તેઓ પોતાને અપડેટેડ રાખે છે. એક સમયે રાજકારણ બોરિંગ સબ્જેક્ટ હતો. આજે ભારતનું પૉલિટિક્સ યુવાનોને ગ્રુપ ચૅટિંગ માટે કલરફુલ લાગે છે. દીકરી તો હજી ફ્રી હોય, પરંતુ દીકરા પાસે બિલકુલ સમય નથી. ક્યારેક લેટ નાઇટ સુધી પ્રોફેશનલ કૉલ્સ ચાલતા હોય તો કોઈક વાર ફ્રેન્ડ્સ સાથે આઇપીએલ જોવાનો પ્લાન હોય. સંતાનો પાસેથી ટાઇમ ખરીદવો પડે છે. દીકરાને ફોન કરીને જણાવવું પડે કે આજે સાંજના અડધો કલાક ફ્રી રહેજે. ઘણી વાર એવો જવાબ મળે કે પપ્પા અર્જન્ટ ન હોય તો કાલે મીટિંગ રાખીએ? અમારાં નસીબ સારાં છે કે સાહેબ (એટલે કે દીકરો) ફોન ઉપાડે છે, અપૉઇન્ટમેન્ટ લેવા માટે હજી સેક્રેટરી નથી રાખી. ફૅમિલીમાં શું ચાલી રહ્યું છે એની સંતાનોને ખબર હોવી જોઈએ એવો અમારો આગ્રહ હોવાથી કેટલાક નિયમો બનાવ્યા છે. દિવસના વાત કરવી ડિફિકલ્ટ છે તેથી રાત્રે દોઢ કલાક ફૅમિલી ટાઇમ ફરજિયાત કર્યો છે. અમારા ઘરમાં બધા રમૂજી સ્વભાવના છે. દરેક મેમ્બરે કૉમેડી કરવાની. આખો દિવસ જે કંઈ થયું હોય એની રજૂઆતમાં ફન ક્રીએટ કરવાનું. નિયમોનું સો ટકા પાલન થતું નથી પણ કમ્યુનિકેશન ગૅપ ઓછો થયો છે.’

મનીષ પુરોહિત સંતાનો અને પરિવાર સાથે

એના ટાઇમ પર જીવવાનું 

સંતાન સાથે ટાઇમ સ્પેન્ડ કરવા નિયમો બનાવવા પડશે એવું અત્યાર સુધી ક્યારેય વિચાર્યું નહોતું. જોકે આજે પણ રાતના સાથે બેસીને જૂસ પીવાનું અથવા ફ્રૂટ્સ ખાવાનાં આ સિવાય કોઈ રૂલ નથી બનાવ્યો, દીકરાની વ્યસ્તતાને અમે સ્વીકારી લીધી છે આવી વાત કરતાં કાંદિવલીના ટીનેજર મનન ગોકાણીનાં મમ્મી હેમાલીબહેન કહે છે, ‘હાલમાં જ તેણે બારમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. એન્જિનિયરિંગમાં ઍડ્મિશનની પ્રોસેસ ચાલે છે. છેલ્લાં બે વર્ષથી અમે તેના સમય માટે ખરેખર તરસ્યા છીએ. બોર્ડ એક્ઝામ, જેઈઈ, સીઈટી વગેરેની તૈયારી માટે સાત-આઠ કલાક ક્લાસિસમાં વિતાવતો. ઘરમાં આવે પછી ફ્રેશ થઈને ફ્રેન્ડ્સને મળવા જવું હોય. રજાના દિવસે ટર્ફમાં ક્રિકેટ રમવાનો પ્રોગ્રામ હોય. હું પોતે વર્કિંગ મધર છું તેથી આખો દિવસ આમેય નથી મળતાં. સાંજના ઘરે આવ્યા પછી અવેલેબલ ન હોય તો ગેરહાજરી સાલે. ઘણી વાર તેને કહું કે મનન, આજે તને બહુ મિસ કર્યો. કોઈક વાર થાય કે મોબાઇલ આપણી લાઇફમાં ખોટો આવી ગયો. એક તબક્કો એવો હોય છે જ્યારે પેરન્ટ્સ કરીઅર બનાવવામાં સંતાનને સમય નથી આપી શકતા. પછી એવો તબક્કો આવે છે જ્યારે સંતાનોના ગોલ્સ માટે પેરન્ટ્સે કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. અગાઉ મારા હસબન્ડ ઓપનઅપ હતા, હવે તેમને પણ દીકરાની વ્યસ્તતા દેખાય છે. તેને આઇઆઇટી કૉલેજમાં ભણવા મુંબઈની બહાર જવું છે. એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ અબ્રૉડ જવાનો પણ પ્લાન છે. અત્યારે જે થોડોઘણો સમય મળે છે એ ગુમાવવો ન પડે તેથી ચાર વર્ષ એન્જિનિયરિંગનાં મુંબઈમાં જ કરાવવાનું નક્કી કર્યું છે. વિદેશ જશે પછી ફોન પણ તેના સમય અનુસાર કરવો પડશે. કૉમ્પિટિશનના જમાનામાં દરેક પેરન્ટે સિચુએશનને ઍક્સેપ્ટ કરવી પડે છે. ભવિષ્યમાં આવો સમય આવવાનો છે એની માનસિક તૈયારીરૂપે જ આર્ટના ફીલ્ડમાં ઝંપલાવી મેં પોતાની જાતને કામકાજમાં ખૂંપાવી દીધી છે.

પાંચ મિનિટ એટલે ૨૪ કલાક

ટીનેજ દીકરી અને એમબીબીએસનો અભ્યાસ કરી રહેલા દીકરાનાં મમ્મી બોરીવલીનાં વિધિ શાહ પણ પેરન્ટ તરીકે ઘણુંબધું કૉમ્પ્રોમાઇઝ કરી રહ્યાં છે. ગૌરી ખાનના ઇન્ટરવ્યુ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘અત્યારે દરેક યંગ કિડના પેરન્ટ્સની આવી જ મનોસ્થિતિ છે. સંતાનો સાથે મૅક્સિમમ સમય વિતાવવો પ્રૅક્ટિકલી શક્ય નથી, કારણ કે તેમના પણ કરીઅર ગોલ્સ છે. પેરન્ટ સમજે છે કે તેમનો સમય કીમતી છે અને એનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. એમ છતાં ક્યારેક મનમાં થાય કે કાશ, સંતાનો સાથે ટાઇમ સ્પેન્ડ કરવા મળે. દીકરો હર્ષ હાલમાં એમબીબીએસ કરવા માટે મુંબઈની બહાર રહે છે. તેને ફોન કરવા માટે વિચારવું પડે છે. ઘણી વાર એવું થાય કે હું ફોન લગાવીને પૂછું, બેટા, બે મિનિટ વાત થઈ શકશે? તે કહે મમ્મી, પાંચ મિનિટ પછી કૉલ બૅક કરું છું. આ પાંચ મિનિટ બીજા દિવસે પૂરી થાય. જોકે હમણાં એક રૂલ બનાવ્યો છે. ડિનર પછી અમને વિડિયો કૉલ કરવાનો જ. ભલે પાંચ મિનિટ વાત કરે. નજીકના ભવિષ્યમાં દીકરી દિયા કૉલેજમાં જવા લાગશે પછી તેનું શેડ્યુલ પણ ટાઇટ થઈ જવાનું છે. અત્યારે તો પેઇન્ટિંગ કરે છે અને લગભગ ઘરમાં જ હોય છે. જોકે ફ્રેન્ડ્સ અને મોબાઇલ પ્રત્યે લગાવ હોવાના કારણે ક્યારેક કહેવું પડે કે મોબાઇલ બાજુમાં મૂકીને અમારી પાસે બેસ, આપણે વાતો કરીએ. સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તેથી એકલતા ન લાગે પરંતુ સંતાનો સાથે ખૂલીને ચર્ચા થઈ શકે એવા હેતુથી લંચ અને ડિનર વખતે બધાએ ભેગા થવાનો નિયમ બનાવ્યો છે. આ નિયમ લગભગ બધા ફૉલો કરે છે.’

હેમાલી ગોકાણી દીકરા સાથે

કાઉન્સેલર હિમા બૌઆનાં આ સૂચનો નોંધી લો

૧) યંગ કિડ્સ ફ્રેન્ડ્સને તો મળવાનાં જ છે. મહિનાનો એક વીક-એન્ડ તમારા માટે ફાળવવાનો નિયમ બનાવો અને બહાર જાઓ.

૨) ડાઇનિંગ ટેબલ પર દરેકે ફરજિયાત પોતાનો મોબાઇલ મૂકી દેવાનો.

૩) આજકાલ બોર્ડ ગેમ ટ્રેન્ડિંગ છે. સાથે રમવાનો પ્લાન બનાવો અને ક્યારેક તેના ફ્રેન્ડ્સને પણ રમવા બોલાવો. 

૪) જેમ સંતાનો મોટાં થાય છે એમ માતા-પિતાની ઉંમર પણ વધે છે. પેરન્ટ તેમની હેલ્થ રિલેટેડ સમસ્યાઓ સંતાનો સાથે ડિસ્કસ કરશે તો નવા ઇનપુટ મળશે અને તેઓ તમારી કાળજી રાખતાં થશે.

૫) ફૅમિલી ડિસ્કશનમાં સંતાનોને ઇન્વૉલ્વ કરવાથી તેમને ફૅમિલીનું મહત્ત્વ સમજાશે અને પૂરતો સમય આપશે.

૬) સંતાનો સમય આપતાં નથી એવી ફરિયાદ ન કરો. આમ કરવાથી તેમને લાગે છે કે પેરન્ટ્સ પાસે ચર્ચા કરવા માટે બીજો કોઈ સબ્જેક્ટ જ નથી.

૭) સોશ્યલ મીડિયા પર ફૅમિલી ચૅટિંગનું ગ્રુપ બના‍વો.

Varsha Chitaliya columnists