11 January, 2026 02:20 PM IST | Mumbai | Aashutosh Desai
વેનેઝુએલાની રાજધાની કારાકાસ એક સમયે સોનાની ચિડિયા ગણાતી હતી.
૧૯૧૦માં વેનેઝુએલાને વિશ્વનું મેજર ઑઇલ એક્સપોર્ટ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો કાબિમસ શહેરમાં આવેલો ઑઇલ પ્લાન્ટ.
અમેરિકાએ વેનેઝુએલાના તેલના ભંડારને કબજે કરવા માટે જ ડ્રગ્સના બહાને નિકોલસ માદુરોનું અપહરણ કર્યું હતું.
જગત આખામાં શાંતિ અને ભાઈચારાનું ટ્રમ્પેટ વગાડતા ટ્રમ્પે ગયા અઠવાડિયામાં અચાનક વેનેઝુએલા પર સ્ટ્રાઇક કરી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બંદી બનાવી લેવામાં આવ્યા. વિશ્વઆખાના ચોકીદાર બનતા અમેરિકાએ એના આ કૃત્ય માટે કોઈક તો કારણ અને જસ્ટિફિકેશન આપવાં પડે. તો કહી દીધું કે વેનેઝુએલા અમેરિકામાં નશીલી દવાઓનું સ્મગલિંગ કરાવે છે અને ડ્રગ્સ-ટેરરિઝમ કરી રહ્યું છે. પણ શું ખરેખર વેનેઝુએલાની હાલત એટલી ખરાબ છે કે કોઈ બીજા દેશની આવી જોહુકમી એણે મૂંગા મોઢે સહન કરી લેવી પડે? આજે તેલના કૂવા ધરાવતા આ દેશમાં એક ઊંડી ડૂબકી મારીએ અને જાણીએ વેનેઝુએલાની અંદર-બહારની સાચી હકીકતો અને એની પાછળનું ઇન્ટરનૅશનલ પૉલિટિક્સ.
વર્તમાનનાં હવા-પાણી
ચાહે વ્યક્તિ હોય, સમાજ હોય, શહેર હોય કે દેશ; નસીબ અને પરિસ્થિતિ બદલાતાં વાર નથી લાગતી. આથી જ વડીલો ઘણી વાર કહેતા હોય છે, ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો મહેનત સાચા માર્ગે અને દૂરંદેશીપૂર્વક કરો. ભૂતકાળમાં થયેલી ભૂલો એ શીખ લેવા માટે પાઠ સમાન હોય છે. પરંતુ એમાંથી શીખ નહીં લઈએ અને બદલાઈએ નહીં તો પરિસ્થિતિ અને સંજોગો ક્યારેય કોઈ પર દયા દેખાડતા નથી. એક સમયે ધનના ઢગલા પર બેઠેલો અત્યંત વિકસિત અને સુનહરા ભવિષ્યનો માલિક ગણાતો એવો આ દેશ વેનેઝુએલા આજે ગરીબીની યાદીમાં મોખરાના સ્થાને છે. આ દેશમાં વર્તમાન પરિસ્થિતિ કંઈક એવી છે કે નાની-નાની ચીજો માટે માણસો એકબીજાનાં ખૂન કરી નાખે છે. એક કિલો બટાટા કે ચોખા કે બ્રેડનું એક પૅકેટ લેવા માટે પણ ઢગલોબંધ નોટોની થેલી લઈને માર્કેટમાં જવું પડે છે.
આજે પણ આખાય વિશ્વમાં વેનેઝુએલા એક એવો દેશ છે જેની પાસે સૌથી વધુ ઑઇલ રિઝર્વ છે. સાઉદી કરતાં પણ વધુ. એક સમયે વિશ્વનો ચોથો સૌથી ધનાઢ્ય દેશ ગણાતો વેનેઝુએલા છેલ્લાં થોડાં વર્ષોમાં સૌથી ગરીબ દેશોની યાદીમાં મોખરાના સ્થાને બિરાજે છે. ૨૦૧૮ની સાલમાં આ દેશનું ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીનો દર ૧,૩૦,૦૦૦ ટકા હતો. અર્થાત્ એટલી મોંઘવારી કે એક ડઝન ઈંડાં લેવા માટે પણ તમારે થેલો ભરીને ચલણી નોટ્સ લઈ જવી પડે. એટલી મોંઘવારી કે વેનેઝુએલાએ ૧ લાખ રૂપિયાની ચલણી નોટ બહાર પાડવી પડી.
૨૦૧૨ની સાલમાં આ દેશની ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ૩૭૨.૫૯ બિલ્યન ડૉલર હતી જે માત્ર ૮ વર્ષમાં એટલે કે ૨૦૨૦ સુધીમાં ઘટીને માત્ર ૪૩.૭૯ બિલ્યન ડૉલર થઈ ગઈ. હમણાં હવે વર્તમાનમાં પરિસ્થિતિ થોડી સુધરી છે અને દેશની GDP વધીને ૧૦૧ બિલ્યન ડૉલર જેટલી થઈ છે. અચ્છા, એવું પણ નથી કે દેશના લોકો પાસે પૈસા નથી કે ગરીબ છે, પણ જ્યારે તમારા ઘરમાં કે ગજવામાં પડેલા પૈસાની ખરીદશક્તિ જ મરી પરવારે એટલે કે એ પૈસાની પોતાની જ કિંમત ઘટી જાય ત્યારે તમારી પરિસ્થિતિ કફોડી થઈ જાય છે. કારણ કે પૈસા છે પણ એની ખરીદશક્તિ જ નથી તો એ પૈસાનો શું અર્થ? તો પછી આવી પરિસ્થિતિ થઈ કઈ રીતે? એવા તે શું ખજાના હતા વેનેઝુએલા પાસે કે પહેલાં એ આટલો અમીર દેશ ગણાતો હતો? અને એવા તે કયા ખજાના, કોણ લૂંટી ગયું કે આટલો ગરીબ થઈ ગયો? જવાબો છે અને એ ખરેખર જ અચંબિત કરનારા છે.
ઇમારત કભી બુલંદ થી
આપણા ભારત દેશમાં એક કહેવત છે. માણસ પાસે બહુ પૈસા આવી જાય ત્યારે મહદંશે એ છકી જતો હોય છે. ભવિષ્યનો વિચાર કર્યા વિના પોતાને જ સર્વસ્વ માનવા માંડે છે. અને ત્યાં જ એ મોટી ભૂલ કરે છે. વેનેઝુએલા સાથે પણ કંઈક એવું જ થયું. કોઈ એક-બે વ્યક્તિ તો છોડો, આખેઆખો દેશ જ અમીરીની ચકાચૌંધમાં એવો પડ્યો કે ભવિષ્યનો વિચાર કે પ્લાનિંગ બધું અભેરાઈએ ચડાવી દીધું.
કહાની કુછ ઇસ તરહ કી હૈ કિ આપણા દેશને આઝાદી મળી ૧૯૪૭ની સાલમાં. આ એ સમય હતો કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ હજી પૂરું જ થયું હતું. આખાય વિશ્વના અનેક દેશોની સામાજિક અને આર્થિક દૃષ્ટિએ કમર ભાંગી ગઈ હતી. વિશ્વ હજી એ તારાજીમાંથી ઊભું થઈ રહ્યું હતું. ત્યાં જ વેનેઝુએલાની કિસ્મતનો સિતારો અચાનક ચમકી ઉઠ્યો. દેશના પેટાળમાંથી ઑઇલ નામનું કાળું સોનું ઊછળ્યું અને આ દેશની તકદીર બદલાઈ ગઈ. ક્રૂડ ઑઇલ નામના એ કુદરતી ખજાનાનો એટલો મોટો જથ્થો આ દેશને મળી આવ્યો કે વેનેઝુએલા રાતોરાત સોનાની ચાદર જ નહીં, સોનાની ગાદી પર આળોટવા માંડ્યો.
સેકન્ડ વર્લ્ડ વૉરમાં થયેલી તારાજી પછી વિશ્વના લગભગ બધા જ દેશોએ ફરી બેઠા થવાનું હતું. આથી વિકાસનાં કાર્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઑઇલની ડિમાન્ડ પણ જબરદસ્ત વેગ પકડવા માંડી હતી. વેનેઝુએલાએ પોતાને મળેલા ખજાનામાંથી ઑઇલ એક્સપ્લોર કરવા માંડ્યું અને વિશ્વના અનેક દેશોમાં એક્સપોર્ટ કરવા માંડ્યું. ધનાઢ્યતાની આ સફર એટલી વેગવંત બની કે બે જ વર્ષમાં એટલે કે ૧૯૫૨ની સાલ આવતા સુધીમાં તો એ વિશ્વનો ચોથો સૌથી ધનિક દેશ બની ગયો.
વેનેઝુએલાની રાજધાની કારાકાસના રસ્તાઓ પર એકથી એક લક્ઝુરિયસ કાર્સ દોડવા માંડી, ઊંચાં-ઊંચાં બિલ્ડિંગ્સ બનવા માંડ્યાં. નવી સ્પોર્ટ્સ અને નવી-નવી ફૅશન સમાજમાં જાણીતી અને માનીતી થવા માંડી. ગઈ કાલ સુધી જે દેશમાં સામાન્ય પરિસ્થિતિ સામે લોકો ઝઝૂમી રહ્યા હતા એ જ દેશ હવે નાણાંની રેલમછેલમાં આળોટવા માંડ્યો.
૧૯૧૦માં વેનેઝુએલાને વિશ્વનું મેજર ઑઇલ એક્સપોર્ટ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો કાબિમસ શહેરમાં આવેલો ઑઇલ પ્લાન્ટ.
અમેરિકાનો પેટનો દુખાવો જૂનો છે
સાલ હતી ૧૯૪૯ની જ્યારે વેનેઝુએલામાં ઑઇલના ફુવારાએ કાળું સોનુ હોવાની સાબિતીઓ આપવા માંડી અને વેનેઝુએલા અમીરીનાં પગથિયાં એક પછી એક નહીં પણ કૂદકાઓ મારી ચડવા માંડ્યું. હવે આ સમય એવો હતો જ્યારે મિડલ ઈસ્ટનાં મોટા ભાગનાં ઑઇલ-ફીલ્ડ્સ હજી ઑઇલ એક્સપ્લોરેશન અને પ્રોડક્શનમાં એન્ટ્રી લઈ રહ્યાં હતાં. પરંતુ અમેરિકા એક એવો દેશ હતો જે પહેલેથી જ ઑઇલ એક્સપ્લોર અને પ્રોડ્યુસ કરી રહ્યો હતો. આથી એણે એ સમયે ઇન્ટરસ્ટેટ ઑઇલ કૉમ્પૅક્ટ કમિશનની સ્થાપના કરી જેના દ્વારા એ બીજા દેશો અને બીજાં ઑઇલ-ફીલ્ડ્સને ટેક્સસ રેલ રોડ કમિશન સાથે જોડાવા માટે દબાણ લાવવા માંડ્યું જેથી વિશ્વમાં ઑઇલનું ઓવર-પ્રોડક્શન રોકી શકાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઇલના ભાવ તૂટે નહીં. શા માટે? કારણ કે આ સમય સુધી અમેરિકા આખાય વિશ્વમાં સૌથી મોટો ઑઇલ પ્રોડ્યુસ કરનારો દેશ હતો અને સાથે જ સૌથી મોટો ગ્રાહક પણ. અમેરિકા ચાહતું હતું કે વિશ્વના ઑઇલ માર્કેટમાં એનું આધિપત્ય અને દબદબો જળવાઈ રહે અને એ ચાહે ત્યારે બીજા ઑઇલ-પ્રોડ્યુસર પર દબાણ લાવી શકે.
વિશ્વ આખાની ઑઇલ માર્કેટ પર આ દબદબો બનાવ્યો હતો સાત મલ્ટિનૅશનલ કંપનીઓએ જે ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતી. એમાંની પાંચ કંપનીઓનાં હેડક્વૉર્ટર્સ અમેરિકામાં હતાં. હવે જો મિડલ ઈસ્ટ, વેનેઝુએલા, ઈરાન, ઇરાક જેવા દેશોએ અમેરિકાના પગ તળે દબાવું ન હોય અને ઑઇલ ઉત્પાદન વિશે એમની સ્વતંત્રતા જાળવી રાખવી હોય તો એમણે એક થવું જરૂરી હતું. અને આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો એક અસોસિએશનનો, એક ઑર્ગેનાઇઝેશનનો.
૧૯૫૦ની સાલ આવતાં-આવતાં વેનેઝુએલા જબરદસ્ત દૂરંદેશીનું દૃષ્ટાંત આપતા એક પ્રસ્તાવ સાથે કેટલાક દેશોને મળ્યું. ઈરાન, ઇરાક, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશો સામે વેનેઝુએલાએ પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા જે ક્રૂડ ઑઇલનો જથ્થો ધરાવતા દેશો છે તેમણે એક થઈ એક અસોસિએશન બનાવવું જોઈએ જેથી વૈશ્વિક કક્ષાએ અમેરિકાનું આધિપત્ય ઘટાડી આપણે આપણું અસ્તિત્વ ટકાવી શકીએ, આપણે કેટલું ઑઇલ ઉત્પાદન કરવું અને કેટલું એક્સપોર્ટ કરવું એ વિશેનો નિર્ણય આપણો હોવો જોઈએ, અમેરિકા જ્યારે ચાહે ત્યારે આપણા પર પ્રેશર કરે અને મજબૂર કરે કે એ કહે તેમ જ આપણે કરવું એ ઇચ્છનીય પરિસ્થિતિ નથી.
વેનેઝુએલાનો પ્રસ્તાવ તો બધાને ગમ્યો, પણ હજીયે બધા એ વિશે કોઈ ઠોસ નિર્ણય પર આવી શકતા નહોતા. એવામાં ૧૯૬૦માં કંઈક એવું બન્યું જેણે લાંબા સમયથી અટકેલા આ પ્રસ્તાવને આકાર લેવા માટે પાયો નાખ્યો.
વેનેઝુએલાનો ગોલ્ડન પિરિયડ
૧૯૫૯ના ફેબ્રુઆરીમાં એવું બન્યું કે મલ્ટિનૅશનલ ઑઇલ કંપનીઝ (MOC)એ અચાનક જ વેનેઝુએલા અને મિડલ ઈસ્ટ પાસે ખરીદાતા કાચા તેલની જે કિંમત નક્કી કરવામાં આવી હતી એમાં ૧૦ ટકાનો ઘટાડો કરી નાખ્યો. અર્થાત્ વેનેઝુએલા અને મિડલ ઈસ્ટથી પ્રોડ્યુસ થતા કાચા તેલની ખરીદીનો ભાવ જો ૧૦૦ રૂપિયા પ્રતિ બૅરલ નક્કી થયો હતો તો એ ભાવ MOCએ અચાનક ૧૦ ટકા ઘટાડીને ૯૦ રૂપિયા કરી નાખ્યો.
આવા અચાનક ભાવઘટાડાથી વેનેઝુએલા અને મિડલ ઈસ્ટ બન્ને ન માત્ર નારાજ થયા પણ એમને અમેરિકાના ઇશારે લેવાયેલા આ પગલા પર ગુસ્સો પણ આવ્યો. સાઉદી અરબના અબ્દુલ્લા તારીકી અને વેનેઝુએલાના જુઆન પાબ્લો પેરેઝ અલ્ફેન્ઝોની ઇજિપ્તમાં એક મીટિંગ થઈ અને નક્કી થયું કે એમના સાથી દેશો સાથે કરાર કરવામાં આવે જે ‘જેન્ટલમેન્સ ઍગ્રીમેન્ટ’ તરીકે ઓળખાય. અર્થાત્ એવું ઍગ્રીમેન્ટ જેના દ્વારા અમેરિકાની આ જોહુકમી સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવે. મિડલ ઈસ્ટ અને વેનેઝુએલાના આ નિર્ણયથી અમેરિકા નામનો કાળો નાગ છંછેડાયો અને એણે કૅનેડા અને મેક્સિકન તેલકંપનીઓનો પક્ષ લઈ ફરી એક વાર તેલના ભાવોમાં જબરદસ્ત મોટો ઘટાડો જાહેર કર્યો.
આખરે અમેરિકાની આ દાદાગીરી સામે વેનેઝુએલા દ્વારા બીજા ઑઇલ પ્રોડ્યુસર દેશોના બારણે એક પ્રસ્તાવ મુકાયો, વિશ્વના જેટલા દેશો પાસે ક્રૂડ ઑઇલનો જથ્થો છે એ બધા દેશોએ ભેગા મળી એક અસોસિએશન અને ઑર્ગેનાઇઝેશન બનાવવું જોઈએ. સાઉદી અરેબિયા, ઈરાન જેવા દેશોને વેનેઝુએલાની આ પ્રપોઝલ ખરેખર જ વાજબી લાગી અને તેમણે હાથ મિલાવવાની તૈયારી દેખાડી. વિશ્વના ત્રણ સૌથી મોટા ઑઇલ પ્રોડ્યુસર્સ સાથે આવ્યા અને તેમણે રચના કરી OPECની, ‘ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ’. ૧૯૬૦ની સાલમાં ઇરાકના બગદાદ શહેરમાં એની પહેલી ઑફિસ બનાવવામાં આવી અને મેમ્બર્સ તરીકે જોડાયા વેનેઝુએલા, સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક અને કુવૈત. આજે આ ઑર્ગેનાઇઝેશનમાં વિશ્વના ૧૨ દેશો મેમ્બર છે.
૭૦ના દશકની ક્રાઇસિસ અને વેનેઝુએલાની અમીરી
૧૯૭૦ની સાલ આવતા સુધીમાં મોટા ભાગના ઑઇલ પ્રોડ્યુસર દેશોને સમજાઈ ચૂક્યું હતું કે ક્રૂડ ઑઇલ એ ઑઇલ નથી પરંતુ કાળું સોનુ છે, કારણ કે આ દેશોમાં ઑઇલ એક્સપ્લોર કરતી કંપનીઓએ ઑઇલ-પ્રોડક્શન અને એક્સપોર્ટ એટલાં ઓછાં કરી નાખ્યાં હતાં કે વિશ્વમાં ઑઇલની ક્રાઇસિસ વર્તાવા માંડી હતી. એવા સંજોગોમાં મોટા ભાગના દેશો ચાહતા હતા કે આ કાળા સોનાની માલિકી પ્રાઇવેટ કંપનીઓ પાસે નહીં રાખીને એને નૅશનલાઇઝ કરી નાખવું જોઈએ જેથી OPEC દેશો પર તોળાતું જોખમ ઘટાડી શકાય. પણ સાથે જ તેમને એ પણ ડર હતો કે જો નૅશનલાઇઝેશન કરવામાં આવશે તો ક્રૂડ ઑઇલના ભાવોમાં જબરદસ્ત મોટો ઘટાડો આવે એવું પણ બને. આથી ઑઇલનું ઉત્પાદન અને એના ભાવ બન્નેને સાચવવા માટે OPEC દેશોમાં રાષ્ટ્રીયકરણનો એક દોર શરૂ થયો. લિબિયા, અલ્જીરિયા, ઇરાક, નાઇજીરિયા, સાઉદી અરેબિયા અને સાથે વેનેઝુએલાએ પણ ક્રૂડ ઑઇલ પ્રોડક્શન અને એક્સપોર્ટનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. અને ૧૯૭૩ની સાલમાં આ દેશોએ ઑઇલ ઉત્પાદન પર એવો કબજો જમાવ્યો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવોમાં જબરદસ્ત મોટો ભડકો થયો, જે ૧૯૭૩ની ઑઇલ ક્રાઇસિસ તરીકે ઓળખાય છે.
વેનેઝુએલા માટે આ સમય જાણે સોનાનો સમય સાબિત થયો. દેશની સામાન્ય જનતા પણ એટલી માલેતુજાર થઈ ગઈ હતી કે માત્ર વીક-એન્ડ શૉપિંગ માટે લોકો ફ્લાઇટ લઈને ફ્લૉરિડાના માયામી શહેર જતા હતા. આ એ સમય હતો જ્યારે આખા વિશ્વમાંથી સૌથી મોંઘી સ્કૉચ વ્હિસ્કી અને શૅમ્પેનની સૌથી વધુ ખરીદી વેનેઝુએલાના લોકો કરતા હતા. આ એ સમય હતો જ્યારે વેનેઝુએલાની એક-એક વ્યક્તિને લાગવા માંડ્યું કે પૈસા કમાવા માટે મહેનત કરવાની કોઈ જરૂર નથી. આ એ સમય હતો જ્યારે આ દેશની પર કૅપિટા ઇન્કમ સ્પેન, ગ્રીસ કે ઇઝરાયલ જેવા વિશ્વના બીજા વિકસિત દેશો કરતાંય અનેકગણી વધારે હતી.
૧૯૭૬ની સાલ આવતા સુધીમાં તો એવો સમય આવી ગયો કે વેનેઝુએલાની સૌથી મોટી અને સૌથી વધુ નફો કરતી કંપની પેટ્રોલિયમ ઑફ વેનેઝુએલા - PDVSAનું પણ રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું. અને બસ, અહીંથી શરૂઆત થઈ દેશના સુવર્ણકાળના અંતની.
અમેરિકાએ વેનેઝુએલાના તેલના ભંડારને કબજે કરવા માટે જ ડ્રગ્સના બહાને નિકોલસ માદુરોનું અપહરણ કર્યું હતું.
અમીરીના અંધાપામાં ભવિષ્યની અવગણના
જે રીતે સત્તા કે ધનના મદમાં માણસને સામેનું કશું જ દેખાતું નથી એ જ રીતે વેનેઝુએલાને પણ ઑઇલ દ્વારા મળેલી અમીરીના નશામાં ભવિષ્ય દેખાતું નહોતું. આ દેશની ધનાઢ્યતાને ત્રણ મુખ્ય કારણોએ એવી જકડી લીધી કે એના માથેથી અમીરીનો મુગટ ઉતારી ગરીબીનો કાંટાળો તાજ પહેરાવી દીધો. કહેવા માટે એવું કહી શકાય કે વેનેઝુએલા વિશ્વનો એક એવો દેશ છે જ્યાં આર્થિક અધોગતિ કોઈ પણ પ્રકારના બાહરી કે આંતરિક યુદ્ધ વિના પ્રવેશી ગઈ અને આખાય દેશને ખુવાર કરી ગઈ.
ઑઇલમાં આંધળી કમાણી છે તો રોકાણ પણ માત્ર ત્યાં જ. કાળું સોનું મનાતું ઑઇલ વેનેઝુએલાને એવી કમાણી આપી રહ્યું હતું અને એવો સુવર્ણકાળ લઈને આવ્યું હતું કે દેશને લાગવા માંડ્યું કે ઑઇલ સિવાય વિશ્વમાં જ નહીં, તેમની જિંદગીમાં પણ કશું નથી; એકમાત્ર ઑઇલ જ છે જે જીવનજરૂરિયાતની મૂળભૂત ચીજવસ્તુમાં આવે છે, બાકીનું બધું જ પાની-કમ-ચાય છે. આવી આંધળી માનસિકતાથી દોરવાઈને આખાય દેશે અને દેશની સરકારે પણ ક્યારેય કોઈ બીજા ક્ષેત્રે રોકાણ કે વિકાસ વિશે વિચાર્યું જ નહીં. અર્થાત્ એક દેશને સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખેતી, ચીજવસ્તુઓનું ઉત્પાદન કે સર્વિસિસ કે બીજા વેપાર-ધંધા જેવાં ક્ષેત્રોની પણ જરૂર પડે છે એવો વિચાર ક્યારેય વેનેઝુએલાને આવ્યો જ નહીં. એનું પરિણામ એ આવ્યું કે દેશ બાકીની બધી જ વસ્તુ માટે બીજા દેશો પર આધાર રાખતો થઈ ગયો. અર્થાત ઑઇલ એક્સપોર્ટના બદલામાં બાકીની બધી જ વસ્તુની ઇમ્પોર્ટ. અનાજ, શાકભાજીથી લઈને કાર્સ, બાઇક્સ, કમ્પ્યુટર સુધી અને એક નાની ચૉકલેટથી લઈને હવાઈ જહાજ સુધીની બધી જ ચીજવસ્તુઓ. વેનેઝુએલાએ આ બધું ઑઇલના બદલામાં બીજા દેશોથી ઇમ્પોર્ટ કરવા માંડ્યું.
આ માટે જેટલી જવાબદાર દેશની સરકાર હતી એટલી જ જવાબદાર ત્યાંની પ્રજા પણ હતી. સામાન્ય પ્રજામાંથી કોઈએ કામ કરવું નહોતું અને ઑઇલની કમાણી એટલી હતી કે સરકારને પણ જરૂરિયાત નહીં લાગી એકાદ ફૅક્ટરી નાખવાની કે એકાદ ખેતર વિકસાવવાની.
મુફ્ત કા ચંદન ઘિસ બે લાલિયા
ઑઇલના જથ્થાને કારણે ખજાનો ભરેલો હતો અને વાપરવા માટે કોઈ એક-બે નહીં, આખોય દેશ હતો. ૧૯૯૯ની સાલ પછી તો આ દેશ સામે ચાલીને પોતાનો અંધકારમય ભવિષ્યનો સમય લઈ આવ્યો એમ કહીએ તો ચાલે. આ એ સમય હતો જ્યારે ભરેલા ખજાનાના પૈસા દૂરંદેશીપૂર્વક વાપરીને દેશના ભવિષ્યમાં રોકાણ કરવાની જરૂરિયાત હતી. દેશને ઑઇલ સિવાય બીજાં ક્ષેત્રોમાં પણ પગભર કરવાની જરૂર હતી. એને બદલે સાવ ઊલટું થયું. દેશની સરકારે ફ્રી સ્કીમ્સની જાહેરાત કરવા માંડી. આવી જ એક સરકાર આપણા દેશના પણ એક રાજ્યમાં થોડા સમય માટે આવી હતી. જનતાને બધું મફતમાં આપીને, કામ કરવાની આદતથી દૂર કરી દેવી. આળસુ, પરતંત્ર અને મફતનું ખાવાની આદત પાડી દેવી. વેનેઝુએલામાં સરકારી ટ્રાન્સપોર્ટેશન, સરકારી દવાખાનાં, પેન્શન, વીજળી, પાણી, પ્રૉપર્ટી ટૅક્સ એક પછી એક બધું ફ્રી કરવા માંડ્યું.
પરિણામ એ આવ્યું કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ વધતા રહ્યા અથવા ઉપરના મથાળે ટકેલા રહ્યા ત્યાં સુધી તો વાંધો ન આવ્યો, પણ જ્યારે ક્રૂડના ભાવો તૂટ્યા અને કડાકો બોલાયો ત્યારે વેનેઝુએલાની હાલત કથળવા માંડી. ઑઇલનાં નાણાંએ ધીરે-ધીરે કરતાં બાંધેલો આ મહેલ ભાવો તૂટતાં એક ધડાકા સાથે એવો કડડભૂસ થઈ ગયો કે જે સરકાર સામાન્ય જનતાને બધું મફતમાં આપી રહી હતી એ જ સરકાર પાસે લોકોને પગાર ચૂકવવા માટેનાં પણ નાણાં ન રહ્યાં.
ભ્રષ્ટાચારની સત્તા પર મૂર્ખાઓનું રાજ
જે કંઈ થોડુંઘણું બચ્યું કે થોડી આશાઓ રહી એ પૂરી કરી ભ્રષ્ટાચારે. ઑઇલના ભાવો ગગડ્યા અને જનતાને મફત ખાવાની અને રહેવાની ટેવ તો પડી જ ગઈ હતી. અધૂરામાં પૂરું દેશની કામધેનુ એવી ઑઇલ એક્સપ્લોરેશન કંપનીનો પણ સરકારી પૉલિસીઓ અને સગાવાદે દાટ વાળ્યો. પેટ્રોલિયમ ઑફ વેનેઝુએલા જેવી ઑઇલ એક્સપ્લોરેશન અને એક્સપોર્ટનો ધોમધખતો ધંધો કરનારી કંપનીનું રાષ્ટ્રીયકરણ કરી એમાં જેટલા હોશિયાર એન્જિનિયર્સ, ડિગર્સ કે આ ક્ષેત્રે કામ કરનારા અને જાણનારા બીજા કર્મચારીઓ હતા તેમને નોકરીએથી કાઢી-કાઢીને નેતા કે સરકારના લાડકાઓને બેસાડવામાં આવ્યા. સરકારમાં બેઠેલા લીડર્સ સામે મીઠું-મીઠું બોલનારા અથવા નેતા કે પ્રધાનોનાં સગાંવહાલાં અને મિત્રોને કંપનીમાં ઊંચી-ઊંચી પોસ્ટ પર આરૂઢ કરવામાં આવ્યા. અને તેમણે સાચા હૃદયથી, પ્રામાણિકતાપૂર્વક કંપનીની અને દેશની ઘોર ખોદવાનું શરૂ કર્યું. પહેલાં ટેક્નૉલૉજિકલ ઇન્વેન્શન અને પ્રોડક્શન ઘટ્યું. ત્યાર બાદ ઑઇલ એક્સપ્લોરેશન અને એક્સપોર્ટની સમજ પર પાણી ફરી વળ્યું અને ધીરે-ધીરે દેશને ધમધોકાર ઑઇલ કાઢી આપતી કંપની કબાડી કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ. પરિણામ સ્વરૂપ દેશની માઇન્ડ અને નૉલેજ ઍસેટ્સ કહેવાય એવા અંદાજે ૬૦ લાખ કરતાં વધુ ડૉક્ટર્સ અને એન્જિનિયર્સ તેમનો દેશ વેનેઝુએલા છોડીને વિશ્વના અન્ય દેશોમાં ચાલ્યા ગયા.
વેનેઝુએલા પાછળ અમેરિકાનું રાજકારણ
એક સમયે આખાય વિશ્વમાં અમેરિકા ક્રૂડ ઑઇલનું સૌથી મોટું ગ્રાહક હતું. આજે વિશ્વના બધા દેશોની સરખામણીએ ચાઇના સૌથી વધુ ક્રૂડ ઑઇલની ડિમાન્ડ ધરાવતો દેશ છે. અને વેનેઝુએલા પાસે સૌથી વધુ ઑઇલ ખરીદનારો દેશ ચાઈના છે. બીજું, રશિયા ચાઇનાની નજીક આવી રહ્યું છે અને સંબંધ વધુ ગહેરા બનાવી રહ્યું છે. ત્રીજી તરફ વેનેઝુએલાની ખુદની સ્થિતિ દયનીય છે. હવે જો આ બધામાં અમેરિકા વેનેઝુએલાને જ ખતમ કરી નાખે અને એ દેશમાં ફરી ઑઇલ પ્રોડક્શન પાટે ચડાવવાના આશ્વાસન સાથે દેશને ધરપત આપે કે એમની જાહોજલાલી ફરી સ્થાપિત કરવામાં અમેરિકા મદદરૂપ થશે તો વેનેઝુએલા ખૂબ સરળતાથી એની છત્રછાયામાં આવી જાય એમ છે. અમેરિકાના મનની ઇચ્છા એણે જાહેર પણ કરી. સૈન્ય ઑપરેશન પછી ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને કહ્યું કે અમેરિકી ઑઇલ કંપનીઝ બિલ્યન્સ ઑફ ડૉલર્સ વેનેઝુએલામાં ઇન્વેસ્ટ કરશે અને દેશના ખોરવાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિસ્થિતિને ફરી પાટે ચડાવશે. હવે સ્વાભાવિક છે કે અમેરિકા જો માદુરોની સરકાર અને સત્તા ઊથલાવી નાખે અને અમેરિકા પ્રેરિત નવી સરકાર સત્તા પર આવે તો વેનેઝુએલાનો આખોય ક્રૂડ ઑઇલનો જથ્થો એ ચાહે એમ વાપરી શકે અને એની એક્સપોર્ટ પણ ચાહે એ દેશોમાં પોતાની શરતોએ કરી શકે. અધૂરામાં પૂરું બીજી તરફ OPEC નબળું પડે એ નફામાં. સરવાળે ધીરે-ધીરે વિશ્વના ઑઇલ માર્કેટ પર એ ફરી પોતાનું આધિપત્ય સ્થાપી શકે અને આખાય વિશ્વને પોતાની આંગળીઓ પર નચાવી શકે. ગામનો પ્રધાન ગુંડો બનીને રાજ કરી શકે.
બધા સામે સહાનુભૂતિ, સુસંસ્કૃત સમાજવ્યવસ્થા અને પોતાના દેશની સુરક્ષાનો હવાલો આપતા અમેરિકાની વર્ષોથી વિશ્વના તમામ દેશો પ્રત્યે માત્ર એક જ પૉલિસી રહી છે. પોતાના ફાયદા માટે કયા દેશનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ વિશે વિચારવું અને એ પ્રમાણે પગલાં ભરવાં. આજે જે હાલત વેનેઝુએલાની થઈ છે એ જ હાલત આવતી કાલે બીજા દેશોની થાય તો નવાઈ નહીં. ચૅપ્ટર ટૂ તરીકે હવે અમેરિકાએ ગ્રીનલૅન્ડ તરફ પણ નજર કરવા માંડી છે. પરિણામ શું આવશે અને કેવું આવશે એ તો રામ જાણે, પણ વેનેઝુએલાએ કરેલી ભૂલોમાંથી કેટલા દેશો શીખશે એ જોવાનું રહ્યું.
ખાલી ઘરના કોઠારને ખાલી જણસનો દાબડો
પરિણામ એ આવ્યું કે દેશનો મોંઘવારીનો દર ૧,૩૦,૦૦૦ ટકાની અધધધ ઊંચાઈએ પહોંચી ગયો અને ૯૦ના દશકમાં જે દેશ પ્રતિદિન ૩.૫ મિલ્યન બૅરલ્સ ઑઇલનું ઉત્પાદન કરતો હતો એ આજે માત્ર ૮ લાખ બૅરલ પ્રતિદિનના ઉત્પાદને પહોંચી ગયો એટલું જ નહીં, દેશની સૌથી મોટી ઑઇલ પ્રોડક્શન કંપની પાસે આજે એના મેઇન્ટેનન્સના પણ પૈસા નથી એવી હાલત આવી ગઈ. એથીયે આગળ દયનીય પરિસ્થિતિ તો એ છે કે વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઑઇલનો જથ્થો ધરાવતો આ દેશ આજે પેટ્રોલ બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરી રહ્યો છે. જે વેનેઝુએલાના ૧૦૦ રૂપિયાની કિંમત ૨૦૧૨ની સાલમાં ૧૦૦ રૂપિયા હતી એ આજે ઘટીને માત્ર ૨૦ રૂપિયા જેટલી રહી ગઈ છે.
અમેરિકાના પેટના જૂના દુખાવાનો ઇલાજ એને મળી ગયો
એક સમયે આખાય વિશ્વના ક્રૂડ ઑઇલ પ્રોડક્શન અને માર્કેટ પર એકહથ્થુ શાસન જમાવી બેઠેલા કાળા નાગને આ પરિસ્થિતિ જાણે સામે ચાલીને પોતાનું આધિપત્ય ફરી સ્થાપવા માટે મળી ગઈ. એક સામાન્ય ઉદાહરણ દ્વારા વાતને સમજીએ તો અમેરિકા પોતાની મેલી મુરાદ ધીરે-ધીરે કરતાં દરેક OPEC દેશ પર પાથરી રહ્યું છે. યાદ છે, ઇરાકની બરબાદી અને સદ્દામ હુસેનની ફાંસી? કુવૈતને પોતાની તરફ કરી લઈ અમેરિકાએ ઇરાકમાં આંતરવિગ્રહ અને ત્યાર બાદ સત્તાપલટો કરી ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું. ત્યાર બાદ વેનેઝુએલાનો વારો કાઢ્યો અને હવે ઈરાનમાં વારંવાર છમકલાંઓ કરતું રહે છે.