હવડ

16 November, 2025 07:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગભગ સાંજ ઢળી ચૂકી હતી. વિદિશાએ રંગ ઊખડી ગયેલી ખરબચડી દીવાલ પર લાગેલી જૂની ઘડિયાળ તરફ નજર કરી. સાંજના પાંચ વાગ્યા હતા. અહીં અંધારાં બહુ ઝડપથી ઊતરી જાય છે.

ઇલસ્ટ્રેશન

લગભગ સાંજ ઢળી ચૂકી હતી. વિદિશાએ રંગ ઊખડી ગયેલી ખરબચડી દીવાલ પર લાગેલી જૂની ઘડિયાળ તરફ નજર કરી. સાંજના પાંચ વાગ્યા હતા. અહીં અંધારાં બહુ ઝડપથી ઊતરી જાય છે. તે આસમાની ફ્લાવર પ્રિન્ટેડ ગાઉનને વ્યવસ્થિત કરીને ગૅલરી જેવા કઠેરામાં ગઈ અને દોરીએ સૂકવેલાં કપડાં એકઠાં કરવા લાગી. લાકડાને ખીલા ઠોકી-ઠોકીને બનાવેલી ફર્શ અને પતરાની છતથી બનેલી ચાલના ત્રીજા માળે તે ઊભી હતી. તે કોઈ અજાણ્યા દેખાતા આ વિસ્તારને ભાવશૂન્ય નજરે તાકવા લાગી. બેઠી દડીની કંઈકેટલીયે ચાલ. દરેક ઝૂંપડાની છત પર પ્લાસ્ટિક ભરેલી બોરીઓ, ભંગાર અને કાટમાળ, કંઈકેટલાય ધબ્બાથી રંગાયેલી ખરબચડી દીવાલો, કેટલાય સમયથી નહીં ધોવાયેલા બારીઓના પડદા, છત પર બાંધેલી દોરી પર લટકતાં ભડકીલા રંગનાં ફિક્કાં કપડાં, પતરાં અને સિમેન્ટની ઘોકલી જેવાં ખડકાઈ ગયેલાં મકાનોના ઉંબરે સૂતેલી પાઇપલાઇન, ઉભરાયેલી ગટરનું રસ્તા વચ્ચે ચાલતું વહેણ, ખાબડખૂબડ રસ્તાઓ અને અંધારી સાંકડી શેરીઓ જેનો કોઈ છેડો જ દેખાતો ન હોય. તેણે એક હળવો નિસાસો નાખ્યો અને પતરાં તપેલી સાંકડી રૂમમાં જતી રહી. કપડાંને ગડી વાળવા બેઠી. રાકેશનું સૂરજમુખીનાં ફૂલોની પ્રિન્ટવાળું લાલ શર્ટ તેના હાથમાં આવ્યું. ઘડી-બે ઘડી એ શર્ટને જોતી રહી અને પછી શર્ટ સૂંઘ્યું. પાણીપૂરીના મસાલાની તેલવાળી વાસ એમાં આવી. વિદિશાએ ફરી શર્ટ સૂંઘ્યું, ફરી એ જ મસાલો અને બફાયેલા બટાટાની વાસે તેને અંદરથી છૂંદી નાખી. પોતાની કોઈ ગંધ એ શર્ટમાં નહોતી. તેણે ઢગલામાંથી પોતાના કુરતા કાઢ્યા અને સૂંઘવા લાગી; પણ ફરી એ જ મસાલા, બટાટા અને પાણીપૂરીની તેલવાળી વાસ. તેનું મોઢું વંકાઈ ગયું. તે પોતાના હાથને, ખભાને અને આંગળીઓને સૂંઘવા લાગી. તેને ઊબકો આવ્યો અને દોડીને પતરાથી કટાઈને કાણાં-કાણાં થઈ ગયેલા બારણાવાળા બાથરૂમમાં ભરાઈ ગઈ. આંખોના ડોળા બહાર આવી જાય એટલા પ્રેશરથી તેને ઊલટીઓ થવા લાગી. પેટમાં આંતરડાંઓએ તો જાણે કે રીતસરનો ભરડો લીધો હતો. તે બાથરૂમમાં ખાલી થઈ ગઈ. ઊલટીની ખાટી વાસમાં પણ રાકેશની પાણીપૂરીના બટાટા અને કાંદાની વાસે જાણે કે વિદિશાને દબોચી લીધી. તે રડી પડી. નાનીએવી એ રૂમના ખૂણામાં બેસી પડી. છાતીમાં અંદરથી જાણે કે કાળી લાય લાગી. આ વાસ તેને હવે અકળાવતી હતી, પણ પહેલાં તો...
lll
‘એય રાકેશ પાણીપૂરી, કેમ આજે લેટ છો?’ કૉલેજથી છૂટીને હંમેશની જેમ પાણીપૂરી ખાવા આવનારી વિદિશા ખુલ્લા વાળને જમણી બાજુ ખસેડતી અને પોતાની બૅગ, પાણીની બૉટલ, મોબાઇલ અને સ્કૂટીની ચાવી લારીએ ગોઠવી દેતી. પછી સ્ટૂલ ખસેડીને એના પર પગ પર પગ ચડાવીને બોલતી જતી.
‘એકલો આદમી હું મેમસાબ, મારે થોડીન ઘર પે ખાણા બનાવવાવારી હૈ, બધું હું જ કરું તો વાર લાગે સે.’ 
વિદિશા આટલું સાંભળીને ખડખડાટ હસી પડતી. આ જ સૂરજમુખીનાં ફૂલોની પ્રિન્ટવાળું લાલ શર્ટ ત્યારે પણ રાકેશ પહેરતો. વિદિશા એને જોઈ રહેતી અને રાકેશ સ્મિત કરીને કહેતો...
‘કશું એક્સ્ટ્રા આપું મૅડમ?’ વિદિશા હસી પડતી અને પાણીપૂરીની કિનારીઓ પર વધુ મસાલો ભભરાવીને ખાઈ જતી. વ્યસન હતું તેને રાકેશનું અને રાકેશની પાણીપૂરીનું.
lll
 અત્યારે હિબકાં ભરતી તે ઊભી થઈ અને કપડાંને ઊંચકી ચીકણી કાળાશથી ઢંકાયેલા બારણાવાળા કબાટમાં મૂકીને સવારના બટાટા તરફ નજર કરી. રાકેશ રોજ રાત્રે માર્કેટમાં મોડેથી જતો અને મસાલા માટે બટાટા અને ચણા ખરીદીને લાવતો. લવમૅરેજના બીજા જ દિવસે જ્યારે રાત્રે તે મસાલા માટે બટાટા અને ચણા લઈ આવેલો ત્યારે વિદિશા ફાટી આંખે સડેલા, કચરાછાપ ખવાયેલા બટાટા અને ચણાને જોઈ રહી હતી.
 ‘સું જોવે સે? સસ્તામાં તો આવો જ માલ મળે!’ 
તે રાકેશની સામે તાકી રહી અને રાકેશના વાક્યને સમજવા મથતી રહી. પછી તે સડેલા બટાટા અલગ કરવા લાગી તો રાકેશ બરાડી ઊઠ્યો, ‘સું કરે છો? આ છે તો જ મીઠી લાગે મારી પાણીપૂડી, ઈ કાઢીશ તો ખાઈશું શું? માડે થોડીન ફાઇવસ્ટાર હોટેલોમાં પાણીપૂડી વેચવાની સે?’
આ એ જ પાણીપૂરી હતી કે વિદિશા જમવાનું ભૂલી જતી. આ એ જ રાકેશ હતો, ‘કશું એક્સ્ટ્રા આપું મૅડમ?’ એકસરખા ગોઠવાયેલા બત્રીસ દાંતનું સફેદ સ્મિત અને સૂરજમુખીના પ્રિન્ટવાળા લાલ શર્ટમાં ફૂલેલું કસાયેલું શરીર. વિદિશા માથું પકડીને ગુમસૂમ બેસી રહી. છેલ્લા કેટલાય દિવસથી એક સપનું રોજ આવતું...
...સામે કૉલેજ છે, બધી ફ્રેન્ડ્સ ગેટ પાસે ઊભી રાહ જુએ છે.
‘ચલ વિદિશા, કમઑન, ક્લાસ છે! હરીઅપ યાર!’ વિદિશા દોડે છે... તે ખૂબ દોડે છે, પણ તેને એવું અનુભવાય છે કે ગેટ સુધી પહોંચી જ શકાતું નથી. તે વધારે ઝનૂનથી ભાગવા જાય છે તો તેના પગ કોઈ જગ્યાએ ખૂંપવા લાગે છે. તે વધારે જોર કરવા જાય છે તો વધારે ખૂંપતી જાય છે. તેણે ધ્યાનથી જોયું તો તે જેમાં ખૂંપી રહી હતી એ બટાટાનો છૂંદો હતો. તે બમણા ઝનૂનથી બહાર નીકળવા મથતી રહે છે, તે હાંફવા લાગે છે. બન્ને હાથે જોર કરીને તે બટાટા અને ચણાના ગંધાતા મસાલાને ખસેડતી રહે છે. તેની સામે મસાલાનો વંટોળ આવે છે અને આંખ-કાન-નાકમાં મસાલો ઘૂસી જાય છે. કાળી બળતરા થવા લાગે છે, તેનો શ્વાસ રૂંધાય છે. તે જોર-જોરથી રડી પડે છે, પણ અવાજ બહાર નીકળી શકતો નથી. તેની સામે સૂરજમુખીના પ્રિન્ટવાળું લાલ શર્ટ પહેરેલું સફેદ સ્મિત...
‘કશું એક્સ્ટ્રા આપું મૅડમ?’ અને વિદિશાની આંખો ખૂલી જતી.
lll
તેણે રાકેશને કહેલું પણ ખરું કે ‘રાકેશ, મારે ફાઇનલ સેમની એક્ઝામ આપવી છે!’ 
ચિડાઈ ગયેલો તે, ‘રોજનો ખર્ચો બાદ કરતાં પાંચસો કમાઉં છું. તન્ને ઓછા પડે હૈ કે? ધાડે કો પઢને કી કોઈ ઝરૂરત નહીં.’ તેની લાલ આંખો જોઈને વિદિશા એ સમયે ચૂપ થઈ ગયેલી. રૂમમાં પંખાનો ખટ્ક-ખટ્ક અવાજ ચીડવતો હતો. તે ગૅલરીમાં જઈને ઊભી રહી.
lll
નીચે કેટલીક સ્ત્રીઓ ઝૂંપડા સિમેન્ટિયાની બહાર બેસીને શાકભાજી સમારતી વાતો કરતી હતી. સાંકડી શેરીઓમાં અડધા નાગા છોકરાઓ ચિત્રવિચિત્ર બૂમો પાડતા આમથી તેમ દોડતા હતા. કેટલાક લુંગી પહેરેલા પુરુષો તમાકુ ચોળતા રિક્ષા ગલ્લા પાસે ક્રિકેટ જોવા એકઠા થયા હતા. ફેરિયાઓની બૂમાબૂમ, છોકરાઓની કિકિયારી, સ્ત્રીઓના હસવાના અવાજો, કોઈક ઝૂંપડેથી મારામારી કે બુમરાણ અને ગાળાગાળીના અવાજો પતરામાંથી ચળાઈને ડમરી જોડે ઊડાઊડ કરતાં હતાં. શેરીના નાકે મંડપ શણગારાયેલો હતો. કોઈનાં લગ્ન હતાં. વિદિશા ત્યાં જોવા લાગી. ચાલનો ત્રીજો માળ હતો એટલે તેને મોટા ભાગે અંધારી સાંકડી શેરીઓમાં નીચે પતરાં અને કચરા ભરેલી બોરીઓ અને ભંગાર સિવાય બહુ સ્પષ્ટ દેખાતું નહીં, ફક્ત અવાજો સંભળાતા. વિદિશા આખો દિવસ એ અવાજો સમજવા મથ્યા કરતી. અવાજો કઈ દિશામાંથી આવે છે અને આ અવાજો પાછળનું કારણ શું એ સમજવામાં તે આખો દિવસ ટૂંકાવતી. નીચેના માળે સહેજ ઝૂકીને તેણે નજર કરી. મોટા ભાગે તે ત્યાં બહુ ડોકાતી નહીં. તેને પોતાની ચાલીનો એ ભાગ જ નહોતો ગમતો. અલગ-અલગ અવાજો પરથી તેણે નક્કી કરી લીધું હતું કે બારેક છોકરીઓ ત્યાં રહે છે. અત્યારે તેને ગૅલરીમાં ત્રણેક છોકરીઓ ઊભેલી દેખાઈ. એકે ભડકીલી નારંગી સાડી પહેરી હતી, કઠેરાને કોણી ટેકવીને તે નીચે નજર કરી રહી હતી. તેના માળામાંથી ફિલ્મી ગીતો સંભળાતાં હતાં. લેગીસ અને ટી-શર્ટ પહેરેલી એક બીજી છોકરીએ વાળ રમાડતાં-રમાડતાં પેલી સાડીવાળીને કહ્યું, ‘વાહ રે શબનમ, તૂ તો આજ બૉસ ફટાકડી લગરેલી હૈ, એ મૈસુરી સાડી, ગજરા... ક્યા બાત હૈ!’ 
પેલી સાડીવાળીએ ટી-શર્ટવાળીનો કાન મરોડ્યો, ‘સાલી, તૂ મેરકો મસ્કા બોત મારતી હૈ, અપુન કા સારા કસ્ટમર લોગ તો તુમ નયી લોંડિયા ખા જાતી હો... ઔર અબ મેરે કો શાનપટ્ટી પઢાતી હો...’
‘ઉઈ બાબા, તુમ તો બુરા માન ગઈ... અપુન કા કસ્ટમર લોગ ના, વો હી જ કુછ નયા નમકીન મંગતા હૈ... તૂ ના અબ નયે જલવે દિખા... નયે ગાને સીખ લે... યે જો નયી લડકિયાં હૈં વો પૂરી ફિલ્મી હોકે આયી હૈં... ઉનસે કુછ સીખ લે, વરના કોઈ લોંડા તેરકો ભાવ નહીં દેગા!’ ત્રીજી છોકરી ખડખડાટ હસતાં-હસતાં બોલતી હતી. પેલીએ મસાલો ખોલીને ચૂનાની પડીકી હાથમાં રમાડી, પછી હવામાં ચૂનાની સફેદ પિચકારી ઉડાડી અને ખિખિયાટા કરતી બોલી, ‘એ વો અપુન લોગન કી મંજરી કો હી જ દેખલો ના. સાલે સારે ભડવે વો હી જ લડકી મંગતા હૈ, માનો પૂરે ઇલાકે મેં વો અકેલી સયાની...’
વિદિશાએ મંજરીને ક્યારેય કોઈની પણ સાથે વાતો કરતાં જોઈ નહોતી. બજારમાં જવા જ્યારે પણ તે દાદરો ઊતરતી ત્યારે બીજા માળે બારી પાસે બેઠી-બેઠી મંજરી સિગારેટના કશ લેતી હોય. ધુમાડાની આરપાર બન્ને એકબીજાને ઘડી-બે ઘડી જોઈ લેતી અને તરત વિદિશા નજર ફેરવી લેતી અથવા મંજરી મોઢામાંથી ધુમાડો કાઢી વિદિશાને ધૂંધળી કરી નાખતી. જોકે તેને મંજરીની વેણીની સુગંધ ગમતી. દાદરો ઊતરતાં-ચડતાં એ વેણીની સુગંધ તેને ઊભી રાખી દેતી.
lll
તે છોકરીઓમાંથી એકનું ધ્યાન અચાનક ઉપરની તરફ ગયું. તેની અને વિદિશાની આંખો એક થઈ. વિદિશા એકદમ ડરી ગઈ અને ગૅલરીમાંથી હટી ગઈ. તેને આ બોલી, આ લોકો અને આ વાતાવરણ વિચિત્ર લાગતું. તેણે મકાન બદલવા બાબતે રાકેશને કહેલું, પણ પેલાએ કશો જવાબ નહોતો આપ્યો. સાડાસાત થઈ ગયા હતા. વાદળાંઓ ઘેરાવા લાગ્યાં હતાં. અહીં આવ્યા પછી વિદિશા દિવસમાં એક વાર તો ભોંયતળિયે રહેતી સવિતાને મળવા જતી જ. સવિતા પાસે તેને સારું લાગતું. એક સવિતા જ હતી જેની આગળ તે મન ભરીને વાતો કરી શકતી. તેણે ખીંટીએ બાંધેલો દુપટ્ટો લીધો અને રૂમને તાળું મારીને સવિતાની પાસે જવા દાદરો ઊતરવા લાગી.
lll
મંજરી પલંગ પરથી ઊભી થઈ. કસ્ટમર જતો રહ્યો હતો. તેણે દરવાજો અંદરથી બંધ કર્યો. ટી-શર્ટ પહેર્યું. સિગારેટ સળગાવી. છુટ્ટા વાળને બહારથી વાળીને બટરફ્લાય લગાવ્યું. સિગારેટના કશ લેતાં-લેતાં તેણે બારી ખોલવા સ્ટૉપર ખોલી અને બારીના બારણાને ધક્કો માર્યો. થોડું જોર કરવું પડ્યું. ઉનાળુ ઝાપટાને લીધે બારીઓ ભીંજાઈ ગઈ હતી. બારીનો પડદો સાઇડમાં ખસેડીને બારીના કટાઈ ગયેલા સળિયા પકડીને તે શેરી જોવા લાગી. બહાર ઝરમર-ઝરમર વરસાદના છાંટા પડતા હતા. ગલીના દૂર-દૂર સૂધી પથરાયેલા અંધારા વચ્ચે કાળાશ ઓઢીને બેસેલા પીળા બલ્બ માંદલ અજવાળાં પાથરીને પવનમાં ઝોકાં ખાતાં હતાં. ગલીના નાકે નાચગાન ચાલુ હતાં. મંજરીએ ચહેરાને વધારે ત્રાંસો કરીને ત્યાં ધ્યાન દીધું. વચ્ચે તેણે સિગારેટનો કશ લીધો અને ધુમાડો બારીની ગ્રિલ પર ફેંક્યો. ગ્રિલ પરથી ભટકાઈને ધુમાડો તેના મેકઅપ નીતરેલા ચહેરા પર ફેલાયો. વીસ-પચ્ચીસ મરાઠી સ્ત્રીઓ લાલ અને લીલી નવવારી અને મોગરાનો ગજરો લગાવીને નાચતી હતી, નાનાં બાળકો નાચતાં હતાં, શરબતના ગ્લાસ પીવાતા હતા, જોરશોરથી બૅન્ડ વાગી રહ્યું હતું, ગાનારા રાગ તાણી-તાણીને કોઈ મરાઠી ગીત ગાતા હતા. એની બીટ્સ પર સ્ત્રીઓ બમણા ઝનૂનથી નાચતી હતી. એક બાજુ નવદંપતી પ્લાસ્ટિકની ખુરસી પર આ બધી ધમાલથી થોડે દૂર હતું. તેમના પર કોઈ છત્રી રાખીને ઊભું હતું. નવવધૂએ સોનેરી બૉર્ડરવાળી પીળી મૈસૂરી સાડી પહેરી હતી. તેના હાથમાં ખૂબબધી લીલી અને સોનેરી બંગડીઓ ચળકતી હતી. ગળામાં સોનાનો હાર અને ગલગોટા ગુલાબની લગ્નમાળા હતી. આટલા દૂરથી પણ મંજરી તે નવોઢાની મોટી નથણી અને ફૂલહાર વચ્ચે ઢંકાઈ જતા ચહેરા પરની લાલી જોઈ શકતી હતી. તે થોડી-થોડી વારે તેના વર સામે જોઈ લેતી હતી. ગીતોની સ્પીડ વધી એ સાથે બધાની નાચવાની ઝડપ વધી. ઝરમર-ઝરમર વરસાદ વચ્ચે ગલીના નાકાનો આખો માહોલ મંજરી જોવા લાગી. તેના ચહેરા પર આછું-આછું સ્મિત રેલાયું. તેને ધીરે-ધીરે બધા અવાજો સંભળાતા બંધ થઈ ગયા. માત્ર પેલી નવોઢાની રણકતી બંગડીઓ અને વાળની લટને કે સાડીને સંકોરવા મથતા હાથની કાચની લીલી-પીળી બંગડીનો ખનકાર સંભળાતો રહ્યો. વર નવોઢાના શરમાઈ જવા પર હસતો હતો એ હાસ્યનો ખડખડાટ મંજરીની અંદર કૂંપળની જેમ કોળી ગયો. મંજરીએ સળિયાને વધુ મજબૂતાઈ પકડી લીધા. તે તેના પગની પાની પર ઊંચી થઈને જોતી હતી. ચહેરાને બની શકે એટલો ત્રાંસો કરી સાવ અંગૂઠા પર ઊભા રહીને તે આખો માહોલ જોતી હતી.
lll
‘મંજરી, દરવાજા ખોલરી બાબા, કસ્ટમર આરેલા હૈ!’ 
વીજળીનો એક પ્રચંડ કડાકો થયો. ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. પેલા નાચતા જાનૈયા અને માંડવિયા બેઠી દડીની ચાલની ઓથમાં લપાઈ ગયા. ઝરમર વરસાદે ભીંજાયેલી મંજરી ધોધમાર વરસાદે પલળી ગઈ. સિગારેટ ઓલવાઈ ગઈ હતી. તેણે સિગારેટનો ઘા કર્યો. બટરફ્લાય ખોલી નાખ્યું. વાળ છુટ્ટા કરી નાખ્યા. ટી-શર્ટ કાઢીને ખીંટીએ લગાવી દીધું. દરવાજો હજી પણ ખખડતો હતો.
‘હારે મૌસી, કિં કોરબો તુમી? આરેલી હૂં. થોડી દેર રુકેગી તો મર જાએગી ક્યા?’ તેણે ફટાફટ લિપસ્ટિક ઠીક કરી લીધી. અરીસામાં ધ્યાનથી જોયું તો ઉપરનો હોઠ થોડો સૂજી ગયો હતો. બહાર પેલી જોર-જોરથી બુમરાણ મચાવતી હતી
‘ડ્રામા બહોત હો ગએ હૈ તેરે, મેરેકુ નખરા નઈ દિખાને કા, બોત દેખી હે તેરી જૈસી, સાલી કલ કી આઈ બંગાલન... ખોલ દરવાજા....ઘંટા-ઘંટા વેઇટ કરવાતી હે..’
મંજરીએ પરસેવો લૂછ્યો અને વાળ સરખા કરીને દરવાજો ખોલ્યો. અચાનક તેનું ધ્યાન ગયું. ઉપરનો માળ ઊતરતી વિદિશા અને મંજરીની આંખો એક થઈ. વિદિશા દાદરો ઊતરવા લાગી અને મંજરીએ કંટાળીને ક્યારનીયે બફાટ કરતી મૌસી સામે જોયું. પાછળથી વાછટ સાથે પવન આવ્યો અને બારી ધડામ અવાજ સાથે બંધ થઈ ગઈ...
lll
  વિદિશા બીજો માળ ઊતરતી હતી ત્યાં તેની અછડતી નજર થઈ. પેલી નારંગી સાડીવાળી સ્ત્રી એક રૂમનો દરવાજો ખખડાવતી હતી અને બાજુમાં ઊભેલા પુરુષ સાથે કશીક બાબતે લમણાઝીંક કરતી હતી. વચ્ચે-વચ્ચે તે દરવાજે થાપ મારીને રાડો પાડતી હતી, ‘ડ્રામા બહોત હો ગએ હૈ તેરે, મેરેકુ નખરા નઈ દિખાને કા, બોત દેખી હે તેરી જૈસી, સાલી કલ કી આઈ બંગાલન... ખોલ દરવાજા... ઘંટા-ઘંટા વેઇટ કરવાતી હે...’ 
વિદિશાએ દરવાજો ખૂલતો જોયો. પેલી મંજરી બહાર નીકળી. ક્ષણભર વિદિશા મંજરી સામે જોઈ રહી અને મંજરી વિદિશાને તાકવા લાગી. વિદિશા નજર નીચી ઢાળીને બમણી ઝડપથી સાંકડાં વરસાદથી ફૂલી ગયેલાં પગથિયાંને ઠેકતી ભોંયતળિયે આવી ગઈ. સવિતા બહાર બેસીને વટાણા ફોલતી હતી. વિદિશાને જોતાં જ સવિતાનું મોં મલકાયું.
‘અરે! આવ-આવ. કસે આહત?’
વિદિશા સ્મિત કરીને તેની બાજુમાં બેસી ગઈ અને વટાણા ફોલવા લાગી.
‘પાણી ભરી લીધુંને?’ સવિતાએ એક-બે વટાણા મોંમાં નાખ્યા.
‘હા, બપોરે જ ભરી લીધું.’ વિદિશા સવિતાની સાડી જોવા લાગી. બોગનવેલની પીળી ભાતની લીલી મરાઠી સાડીમાં સવિતા સુંદર લાગતી હતી. સવિતાની સાડીમાંથી આવતી કપૂરની ગોળીની વાસ વિદિશાને બહુ ગમતી.
‘સવિતા, તું આજે ખૂબ સુંદર 
દેખાય છે.’ 
સવિતાએ સાડીના પલ્લુને ફરી જોઈ લીધો. પછી એ પલ્લુને સંકોરીને ખભા પર નાખ્યો અને મલકાતાં બોલી, ‘થૅન્ક યુ.’ 
તેના ‘થૅન્ક યુ’ની લઢણ પર વિદિશા હસી પડી. થોડી વારે વિદિશા પગના અંગૂઠાના નખને ખોતરવા લાગી અને પછી ધીરેથી બોલી, ‘સવિતા, આજે પણ મેં પેલીને મારી સામે જોતાં જોઈ. ઘડી-બે ઘડી હુંય તેને જોતી રહી.’
‘કોણ? પેલી બંગાળણ? તો તું વાત કરી લેને તેની સાથે. આટલા સમયથી એકબીજાને જોયા જ કરો છો તો.’
‘ના બાબા ના, આ તો તારા ઘરે આવતી હોઉં કે કશાક કામથી નીચે આવતી હોઉં ત્યારે જ તેને દેખતી હોઉં છું. મારે તેની જોડે વાતો કરવી તોય શું? અને પાછું રાકેશને ખબર પડી હોય તો... તેને ગમે ન ગમે!’
‘હમ્મમમ... આમ પણ તે મીંઢી છે. કોઈ દિવસ કોઈ સાથે વાતો કરતાં નહીં જોઈ તેને.’ 
સવિતાએ જમીન પર પડેલાં ફોતરાં હવામાં ઉડાડી નાખ્યાં.
 ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. શેરીમાં પાણી ભરાવા લાગ્યું. નાના છોકરાઓ વરસાદમાં નહાવા નીકળી પડ્યા હતા. ગલીમાંથી બધે પાણી ઊભરાવા લાગ્યું. વધારે વાછટ આવતાં વિદિશા અને સવિતા અંદર રૂમમાં જતાં રહ્યાં. સવિતાએ ગૅસ ચાલુ કરીને તપેલી મૂકી અને તેલ ગરમ કરવા મૂકી દીધું.
‘સારું થયું વરસાદ આવ્યો, આ બૅન્ડવાજાં બંધ થઈ ગયાં. બપોરથી આખી ગલી માથે લીધી હતી. જાણે આખી ગલીમાં પહેલી વખત કોઈનાં ધામધૂમથી લગ્ન થતાં હોય.’ સવિતા બબડાટ કરતી હતી. વિદિશા અંધારામાં વાછટને જોતી ઉંબરે ઊભી-ઊભી રસ્તો તાકતી હતી.
‘અરે હા વિદિશા, તેં તારા મરદને કીધું કે તારે ભણવું છે આગળ?’
‘તે ના પાડે છે...’ કાળાં વાદળોમાં એક વીજળી ચમકીને ઓલવાઈ ગઈ. વિદિશા વરસાદના છાંટાને હાથમાં ઝીલવા મથતી રહી.
‘વિદિશા, તું જતી રહેને..!’ વિદિશા લોખંડની ફોલ્ડિંગ ખુરસીમાં ફસડાઈ પડી.
‘સવિતાબાઈ...’ વિદિશાએ આંખો બંધ કરી દીધી. વટાણા ગરમ થયેલા તેલમાં પડ્યા અને છમ્મ કરતા તેલના છાંટા ઊડ્યા. સવિતાનો કડછો તપેલીમાં અવાજ કરીને ગોળ-ગોળ ફરતો હતો. વરસાદ લગભગ બંધ થવા લાગ્યો હતો.
‘સવિતાબાઈ...’ વિદિશા ઊભી થઈ અને બારસાખના લાકડાની તિરાડમાં નખ ભરાવતી બોલી.
‘હા બોલ, સાંભળું જ છું!’ સવિતાએ ગૅસ ધીમો કર્યો.
‘તને એવું નથી લાગતું કે તારે હવે શંભુભાઉ જોડે પરણી જવું જોઈએ... ક્યાં સુધી તેની સાથે આમ...’ 
‘રખાત બનીને રહીશ એમ જને...!’ સવિતા બારીની બહાર પીળા બલ્બની આસપાસ ગોળ-ગોળ ફરતાં ફૂદાંઓને જોતી રહી.
‘એમ નથી કહેતી સવિતા પણ... કેટલા સમયથી તું તેની સાથે રહે છે તો તારે...’ વિદિશા સવિતાના ખભે હાથ મૂકીને શબ્દો ગોઠવવા લાગી.
‘પરણી જવું જોઈએ એમને... શું થશે એનાથી એ મને સમજાવ...’ 
વિદિશાની આંખો ભરાઈ આવી. પછી એકદમથી પડખું ફેરવીને તે દરવાજે શરીર કમાનની જેમ ટેકવી છલકાયેલી આંખોથી અંધારું ઉલેચવા લાગી. સવિતાએ સાડીનો પલ્લુ પાછળથી લઈને માથે ઓઢ્યો, દિવાસળી પેટાવી અને ગણપતિની મૂર્તિ સામે દીવો કર્યો. બે હાથ જોડીને કશું ગણગણવા લાગી. પછી વિદિશા પાસે આવી અને તેની સામે બારણાને ટેકો દઈને ધીમા પડેલા વરસાદને જોવા લાગી.
‘તેની બૈરી શંભુને ગણકારતી જ નહી. હું તેને રાખું છું, સાચવું છું, દારૂના પૈસા પણ આપું છું...’
‘...અને માર પણ ખાઉં છું એમ બોલ!’ વિદિશાએ સવિતા સામે નજર કરી. સવિતા હસી પડી.
‘બહુ કારણો નથી હોતાં અમુક સંબંધોમાં સાથે રહેવાનાં વિદિશા. તારા જેટલું ભણી નથી, પણ આ ચાલીઓના અંધારે મોટી થઈને એટલું તો સમજી શકી છું કે કોઈ તો કારણ જોઈએ જ ટકી રહેવાનું... વધારે વિચારતી નથી, કેમ કે બહુ વિચારીને તો તકલીફ જ થાય છે.’ પછી થોડી વાર અટકીને વિદિશાના ગાલે હાથ મૂકીને બોલી, ‘તું તો બહુ વિચારી શકે છેને... ખબર જ છેને તને કે સહેલું નથી બધી જગ્યાએથી પાછા ફરી શકવાનું.’
વરસાદ ધીમો પડ્યો. એક છોકરો સવિતાના ઘર સામે ઊભો રહ્યો અને ઉપર બીજા માળા તરફ નજર કરી સિસોટી મારીને બોલવા લાગ્યો, ‘અબે ઓય, ફ્રી હૈ ક્યા...’
બીજા માળામાંથી હસવાનો અવાજ આવ્યો.
‘અબે ઓય, અભી તો અંડે સે બહાર નિકલા કિ દાને ખાને આ ગયા...’ વિદિશા અને સવિતા અવાજ ઓળખી ગયાં. પેલી નારંગી સાડીવાળીનો જ અવાજ હતો.
‘અપુન લડકી મંગતા હૈ, અમ્મા નહીં!’ પેલાએ આંખ મીંચકારી અને ઉપર હાહાહીહી થઈ ગઈ. પેલી નારંગી સાડીવાળીનો ધૂંધવાયેલો અવાજ આવ્યો, ‘ઉધર હી જ રુક કમીને, તેરકુ મૈં બતાતી કી લડકી મંગના ક્યા હોતા હૈ...’ પેલો છોકરો તો નાસી ગયો, પણ ઉપર છોકરીઓના ખિખિયાટા સંભળાતા રહ્યા. સવિતાએ નિસાસો નાખ્યો.
દૂર ગલીના નાકેથી લથડિયાં ખાતા શંભુનો અવાજ સંભળાયો. સવિતા થાળી તૈયાર કરવા લાગી. વિદિશા હજી બારણે ઉંબર પર જ ઊભી હતી. દારૂની અને પરસેવાની ગંધાતી વાસ સાથે શંભુ બારણા સાથે અથડાતાં બચ્યો. વિદિશા દૂર ખસી ગઈ. સવિતાએ શંભુને સંભાળ્યો.
‘શંભુ, ખાના ખા લો.’
‘મેરે કો આજ મૂડ મંગતા હૈ...’
‘ખાના ઠંડા હો જાએગા રે.’ 
‘ચલના, નખરે કાય કો દિખાતી હૈ તૂ... એ ચલ તૂ ભી આ...’ શંભુ વિદિશાનો હાથ પકડવા ગયો અને વિદિશાથી એક હળવી ચીસ નીકળી ગઈ. તે ઘરની બહાર નીકળી ગઈ. સવિતાએ બન્ને હાથે શંભુને પકડીને ખસેડ્યો અને શંભુ તેના પર ઢળ્યો. સવિતા ફર્શ પર પછડાઈ. શંભુએ ભીંસ વધારી. સવિતા શંભુના ભારેખમ શરીરને ખસેડવા ગઈ અને શંભુએ જોર વધારી દીધું. વિદિશા ત્યાંથી ભાગી છૂટી. દાદરો ચડવા ગઈ કે અંધારામાં બીડી પીતો અજાણ્યો પુરુષ સામે મળ્યો. વિદિશા તેને જોઈને દૂર ખસી ગઈ. આ એ જ પુરુષ હતો જે પોતે નીચે સવિતા પાસે આવી ત્યારે બીજા માળે મંજરીની રૂમમાં ગયો હતો. સાંકડા દાદરામાં બે લોકોને સામસામે ઊતરવું-ચડવું મુશ્કેલ હતું. વિદિશા દીવાલ સાથે ચીપકી શકાય એટલું ચીપકી ગઈ તો પણ પેલા પુરુષનું શરીર તેની સાથે ઘસાયું. વિદિશાના શ્વાસ અધ્ધર થઈ ગયા. પેલો પુરુષ જતો રહ્યો. વિદિશાએ શ્વાસ હેઠા મૂક્યા. તેને અંધારામાં પોતાને ઘસાઈને ગયેલા પુરુષના પરસેવાની અને બીડીની ગંધ આવી. ઊંડા શ્વાસ લઈને મંજરીની વેણીની સુંગંધ લેવાનો પ્રયત્ન કર્યો, પણ પરસેવાની તીવ્ર વાસ આવી. તેને થયું કે અત્યારે ત્રીજા માળે જશે તો પેલી બીજા માળાની બારીએ ગ્રિલ પાસે બેઠી-બેઠી સિગારેટ પીતી હશે. કદાચ પોતાને જોયા કરશે. તે ફરી નીચે ઊતરી ગઈ. ઘડી બે ઘડી ચાલ તરફ, ઝૂંપડાંઓ તરફ, અંધારા તરફ અને બલ્બની આસપાસ ફરતાં ફૂદાંઓને જોઈને કશુંક નક્કી કરતી ગણતરીઓ સાથે આગળ વધવા ગઈ અને અંધારામાં તેનો પગ છાણ પર પડ્યો. તે વરસાદના પાણી ભરેલા ખાબોચિયામાં લપસી પડી. માંડ ઊભી થઈ અને ઉપર જોયું તો બીજા માળાની બારી પાસે મંજરી સિગારેટના કશ લેતી લેતી તેને જોયા કરતી હતી. સવિતાના ઘરમાં દારૂની વાસ આવતી હતી. એ સિવાય સન્નાટો હતો. વિદિશા ઊભી થઈ તો સ્લિપરની પટ્ટી તૂટી ગઈ હતી. સામે ગલીના નાકે રાકેશની પાણીપૂરીની લારી આવતી દેખાઈ અને વિદિશા પોતાના માળામાં પાછી ભાગી. આંખો મીંચીને તે દાદરા ઠેકવા લાગી અને પોતાની ઓરડીમાં પહોંચીને તાળું ખોલવા લાગી. ચાવી તાળામાં જામ થઈ ગઈ હોય એવું લાગ્યું. તે મહામહેનતે તાળું ખોલવા લાગી. રાકેશ દાદરા ચડતો હોય એવાં પગલાંના અવાજ સંભળાવા લાગ્યા. ખૂબ મહેનત કરી તો પણ તાળું ખૂલતું નહોતું અને તે ઝનૂનથી તાળા પર તૂટી પડી. ચહેરા પર લોહી ભરાઈ આવ્યું, તાળા સાથે રીતસરની ઝઘડી પડી. મોઢામાંથી લાળ નીકળવા લાગી, શ્વાસ ચડવા લાગ્યો, આંખમાં ખુન્નસ ભરાઈ આવ્યું અને આખરે તે થાકી. પછી હાંફતી-હાંફતી દીવાલને ટેકો દઈને બહાર બેસી પડી અને માથે હાથ મૂકીને ચીસો પાડી-પાડીને રોઈ પડી.

(સમાપ્ત) 

gujarati mid day exclusive life and style lifestyle news columnists