27 December, 2025 07:40 PM IST | Mumbai | Ruchita Shah
રાનવર વિલેજે આજેય વારસો જાળવેલો છે. તસવીરો : શાદાબ ખાન
યસ, મેટ્રો સિટીમાં વિલેજ લાઇફ જીવતા લોકો આજે પણ અહીં વસે છે. એક રસ્તા પર ટ્રાફિક અને વાહનોના આવાગમનનો ધમધમાટ છે તો બિલકુલ એની પાછલી જ ગલીમાં ગ્રામ્ય જીવનનો ઠહેરાવ અને એકબીજા સાથે જોડાયેલા રહેવાનો તરવરાટ છે. વાત કરી રહ્યા છીએ મુંબઈના પૉશ વિસ્તાર ગણાતા બાંદરાનાં ગામડાંઓની
બાંદરા શબ્દ સાંભળો એટલે મોટા ભાગે શાહરુખ અને સલમાન ખાનનાં ઘરો ધરાવતો પૉશ એરિયા આંખ સામે આવે કે પછી હંમેશાં ધમધમતા હિલ રોડ કે લિન્કિંગ રોડનું માર્કેટ મગજમાં આવે. પરંતુ બાંદરા આટલા પૂરતું સીમિત નથી. બાંદરામાં ગામડાંઓ પણ છે અને એ પણ ત્રણસો-ચારસો વર્ષ જૂનાં, જ્યાં પેઢીઓથી લોકો રહે છે. મજાની વાત એ છે કે એ ગામડાંઓ એના મૂળ સ્વરૂપે આજે પણ સાબૂત છે. અનોખી કૅફે, દરિયાનાં ઊછળતાં મોજાંની પડખે ઊભેલાં હાઇરાઇઝ ટાવરની છાયામાં પોતાના અસ્તિત્વ સાથે સાંસ્કૃતિક એસેન્સને જાળવી રહેલાં ગામડાંઓની મુલાકાતે આજે અમે તમને લઈ જવાના છીએ. ક્રિસમસ પછી હવે નવા વર્ષના આરંભને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ ગામડાંઓની સફર વધુ રોચક નીવડશે કારણ કે અહીં મોટા ભાગે ઈસાઈ લોકો રહે છે. બ્રિટિશ અને પોર્ટુગીઝના સમયમાં વિકસેલાં આ ગામડાંઓમાં એ સમયની સુગંધ મળશે તો સાથે આધુનિક ફેરફારો વચ્ચે આવેલી અગવડો માણતા અહીંના લોકો સાથેની વાતો પણ પ્રચુર સંતોષ આપનારી લાગશે.
શરૂઆત કરી એલ્કોથી
બાંદરાનાં ગામડાંઓમાં વિઝિટ કરતાં પહેલાં એની ઐતિહાસિકતા વિશે અને એના ફોટોઝમાં એની સુંદરતાને નિહાર્યા પછી સ્વાભાવિક રીતે જ રૂબરૂમાં એને જોવાનું એક્સાઇટમેન્ટ આસમાન પર હતું. આમ તો અમને લોકોએ ખૂબ જૂના એવા સેન્ટ ઍન્ડ્રુઝ ચર્ચથી શરૂ કરવાનું કહ્યું હતું, પરંતુ અમારા ફોટોગ્રાફર શાદાબ ખાન પહેલાં પણ અહીં આવી ચૂક્યા હતા એટલે તેમના અનુભવના આધારે અમે અેલ્કોની સામેની ગલી બોરન રોડથી શરૂઆત કરી. એક તરફ હિલ રોડનું લોકોથી ભરચક માર્કેટ અને લોકોનો અને વાહનોનો શોરબકોર હતો, પણ માંડ ત્રણેક મિનિટ ચાલીને જમણી બાજુએ નાનકડી ગલીમાં પ્રવેશ્યા અને જુઓ તો નીરવ શાંતિ. નાના-નાના ટેનામેન્ટ જેવા બંગલોઝ અને જૂની ઢબથી બનેલાં એ મકાનોના સામ્રાજ્યને જોતાં ખરેખર હમણાં ત્રણ મિનિટ પહેલાં જે નજારો હતો એ જ આ વિસ્તાર હતો? એવો પ્રશ્ન સહજ જ થાય. આ જ ગલીમાં લગભગ પંદરેક બેઠા ઘાટનાં મકાનો છે. સહેજેય સો વર્ષથી વધુ જૂનાં હોવાની વાત તો ત્યાંના રહેવાસીઓએ પણ કરી હતી. જોકે બહુ લાંબી વાત કરી ન શક્યા કારણ કે ક્રિસમસ પહેલાંની સાંજ હોવાને કારણે મોટા ભાગના ખ્રિસ્તી રહેવાસીઓને મળવાનું થયું અને તેમની વ્યસ્તતા વચ્ચે વાત કરી શકવાની સ્થિતિ નહોતી. જોકે અહીં વગર કહ્યે પણ જોઈને ઘણું જાણવા મળી જ રહ્યું હતું. આ જ એરિયામાં બે-ત્રણ કૅફે પણ છે જે બહારથી જુઓ તો ખબર પણ ન પડે કે આ બંગલો છે કે કૅફે, પણ ત્યાં સૂમસામ અને નિર્જન એવા અમારી વિઝિટના આ પહેલા ગામડામાં વેઇટરની આવ-જા જોઈને અંદાજ આવ્યો કે અહીં ઘર નહીં પણ કૅફે છે.
પહેલી જ વારમાં ગામડાની આ ઝલક સંતોષકારક હતી પરંતુ ત્યારે અમને કલ્પના નહોતી કે આ તો માત્ર શરૂઆત છે. આનાથી પણ રંગીન અને પ્રાચીનતાની શાખ પૂરતી ઝલકો અમારી રાહ જોઈ રહી હતી.
બોરન રોડથી બાંદરાનાં જ નહીં પણ મુંબઈનાં પણ સૌથી જૂના માર્કેટમાંના એક ગણાતા બાંદરાના બાઝાર રોડ પર અમારી સવારી આગળ વધી. થૅન્ક્સ ટુ શાદાબ ખાન જેમણે ફોટોગ્રાફરની સાથે બાંદરાની ભરચક અને નાની-નાની ગલીઓમાં ટૂ-વ્હીલર રાઇડ ઑફર કરીને સારથિની ભૂમિકા પણ અદા કરી હતી. જોકે બોરન રોડ પર કોઈ સાથે લાંબી વાત નહીં
કરી
હોવાનો વસવસો હતો ત્યાં જ એક આન્ટી મળી ગયાં. એ વિસ્તારના સૌથી પુરાણા ક્રૉસની સેવાચાકરી કરતાં કૅથ્લિક આન્ટી એટલે મિસિસ ઑલ્ગા પેરેરિઆ. ૧૯૬૬માં લગ્ન કરીને અહીં રહેવા આવેલાં ૮૩ વર્ષનાં ઑલ્ગા આન્ટી એ સમયની વાત કરતાં કહે છે, ‘અમે આ ઘર ૧૯૬૫માં માત્ર બાર હજારમાં ખરીદ્યું હતું. મારા ઘરની સામે રહેલો ક્રૉસ પણ લગભગ સો વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. અહીં એક સુકૂન સાથે જીવવાની મજા અમે માણી છે. હવે જોકે ઘણા વડીલો જ રહી રહ્યા છે કારણ કે મોટા ભાગની ફૅમિલીમાં સેકન્ડ જનરેશન મુંબઈની બહાર અથવા ફૉરેન સેટલ થઈ ગઈ છે.’
બાંદરાનાં પૉપ્યુલર એવાં સાત-આઠ ગામડાંઓમાંથી હવે ત્રણ કે ચાર ગામડાંઓ જ એવાં છે જ્યાં આજે મહત્તમ પ્રમાણમાં જૂના વારસાને સાચવીને રખાયો છે. બોરન પણ એમાંનું જ એક. જોકે એને સાચવવાનું શ્રેય આવાં ઑલ્ગા આન્ટી જેવાં વડીલોને જ જાય છે.
બાઝાર રોડ પર મળ્યા ગુજરાતીઓ
ટૂ-વ્હીલર પર બાંદરાના સૌથી જૂના માર્કેટના રોફ અને રુત્બાને જોતાં-જોતાં અમારી સવારી આગળ વધી રહી હતી ત્યાં જ નજર પડી કાલિદાસ વિશ્રામ નામની દુકાન પર. બાજુમાં લખ્યું હતું એસ્ટૅબ્લિશ્ડ ૧૮૯૮. તાત્કાલિક સારથિને અમારા બે પૈડાંના રથને રોકવાનું કહીને તરત જ એ દુકાન તરફ દોટ મૂકી. ૧૨૭ વર્ષ જૂની આ દુકાન હતી આપણા ગુજરાતીની. દુકાનના મોસ્ટ સિનિયર માલિક જયેશ ઠક્કર અને જિતેશ ઠક્કરને મળીને સ્વાભાવિક રીતે જ આંખમાં ચમક ઉમેરાઈ ગઈ હતી. તેમના પરદાદાએ આ દુકાન શરૂ કરેલી અને તેમના જમાઈ દીક્ષિતભાઈ એટલે કે પરિવારની પાંચમી પેઢી દુકાનને ચલાવી રહી હતી. એ અરસાની વાત કરતાં જયેશભાઈ અને જિતેશભાઈ કહે છે, ‘મારા પરદાદાએ જ્યારે આ દુકાન શરૂ કરી ત્યારે માત્ર કરિયાણાની સામગ્રી રાખતા. ૧૯૩૩માં દુકાન સાથે ઉપર રહેવાની વ્યવસ્થા પણ કરી. અમારો જન્મ અહીં જ થયો છે. અમને યાદ છે કે અહીં લિન્કિંગ રોડ નહોતો, રેક્લેમેશન નહોતું. આજે જ્યાં લિન્કિંગ રોડ છે ત્યાં તો ધોબીઘાટ હતો. પપ્પા કહેતા કે એક વાર સાઇકલ લઈને એ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તો ત્યાં એટલો કાદવ હતો કે સાઇકલ ફસાઈ ગઈ. તેમણે ખભે સાઇકલ ચડાવીને ચાલીને ત્યાંથી અહીં આવવું પડેલું. આ માર્કેટ મુખ્ય હતું. ફિશ માર્કેટ, મટન માર્કેટ અહીં હતાં. એક સમય હતો જ્યારે અમે બળદગાડાથી જુહુ સુધી અહીંથી ડિલિવરી કરતા. આજે પણ અહીં લોકોની અવરજવર છે પરંતુ આજથી સો વર્ષ પહેલાં તો અહીં ગોલ્ડન એરા હતો.’
આજે પણ જાતજાતની ગ્રોસરી આઇટમ વેચતા કાલિદાસ વિશ્રામમાં કસ્ટમરની ભીડ તો હતી. જોકે એક સંતોષ સાથે હવે અમારે રાનવર તરફ જવાનું હતું, કારણ કે અસલી ગામડું તો ત્યાં જ છે એવું કહેવાયું હતું. પરંતુ એ દરમ્યાન વધુ એક ઘર દેખાયું જ્યાં નહીં અટકીએ તો કંઈક છૂટી જશે એવું લાગ્યું. અને એ બેઠા ઘાટનો બંગલો હતો ક્લેરન્સ ગોમ્સ અને ગ્લોરિયા ગોમ્સનો. મિનિમમ સો વર્ષ જૂનું આજનું આ ઘર એ જમાનાના દબદબાનું વર્ણન કરવા માટે તત્પર હતું. જેટલું ખાસ આ ઘર હતું એટલી જ ખાસ અહીં રહેતી શખ્સિયત હતી. અહીંનું એકમાત્ર કમ્યુનિટી ન્યુઝપેપર ‘બાંદરા ટાઇમ્સ’ ચલાવતા અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્લાઇન્ડ નામની સંસ્થાના ડિરેક્ટર ક્લેરન્સ ગોમ્સ પાસેથી આ વિસ્તારની બીજી કેટલીક ખાસિયતો જાણવા મળી. તેઓ કહે છે, ‘અમે ત્રીજી પેઢી છીએ જે આ ઘરમાં રહે છે. આ સૌથી જૂનું માર્કેટ છે અને અહીં અમારા ઘરની સામેથી જ દરિયો દેખાતો. ત્યાં અમે ક્રિકેટ, વૉલીબૉલ, હૉકી, ફુટબૉલ વગેરે રમતા. ખૂબ ખુલ્લી જગ્યા હતી. ભાગ્યે જ કોઈ ગાડી જોવા મળતી. જે ગણતરીની ગાડી આ વિસ્તારમાંથી જતી એમાંની એક ગાડી દિલીપકુમારની હતી એ આજે પણ મને યાદ છે. જોકે એ પછી દરિયો પૂરીને બાંદરા રેક્લેમેશન બન્યું અને અહીંનો વિસ્તાર લોકોથી, મકાનો અને દુકાનોથી ભરાવા માંડ્યો. પહેલાં અહીં ખૂબ ભણેલા લોકો રહેતા અને ભાગ્યે જ કોઈ કાયદો તોડવાનું વિચારતા. આજે જોકે ઘણા નવા લોકો અહીં ઉમેરાયા અને સિનારિયો બદલાયો છે. એ સમયમાં પણ અહીં ચર્ચ હતાં, હૉસ્પિટલો હતી, બસ અને રેલવે-સ્ટેશન નજીક હતાં. બધા જ ધર્મના લોકો અહીં રહેતા. દિવાળી, ઈદ અને ક્રિસમસ અહીં હોંશે-હોંશે મનાવાતા. આજે એ સ્થિતિ પણ બદલાઈ છે. જોકે આ બાઝાર રોડમાં જો હજીયે કંઈક બહુ જ સુંદર રીતે સચવાયું હોય તો એ છે અહીંના લોકોની પ્રામાણિકતા. હજી થોડાક દિવસ પહેલાં જ એક માણસ પોતાનું વૉલેટ કોઈક ફેરિયા પાસે ભૂલી ગયો. પછી શોધતાં મારી પાસે આવ્યો. મેં તેને કહ્યું કે તું એ જ જગ્યાએ જા જ્યાં તને લાગે છે કે પાકીટ ભૂલ્યો છે. તે ત્યાં ગયો અને સહીસલામત તેને વૉલેટ પાછું મળ્યું. એમાં રહેલા પૈસા, ક્રેડિટ કાર્ડ એમનાં એમ જ હતાં. જ્યારે બક્ષિસ પેટે તેણે ફેરિયાને પાંચસો રૂપિયા આપવાના પ્રયાસ કર્યા ત્યારે તેણે લેવાની ના પાડી અને એટલું જ કહ્યું કે યે મેરે હક કે પૈસે નહીં હૈં. મૈં નહીં લે સકતા, મૈંને તો બસ અપના ધર્મ નિભાયા. આ પ્રામાણિકતા આજે પણ અહીં છે. બેશક, અહીંની મૂળ પ્રજા ધીમે-ધીમે પોતાના ઘર રેન્ટ પર આપીને અથવા ઊંચા દામે વેચીને શિફ્ટ થઈ રહી છે. મારા ઘરમાં દસ રૂમ છે. પહેલાં અહીં ૧૮ જણ રહેતા પરંતુ આજે હું અને મારી વાઇફ બે જ જણ રહીએ છીએ. અમારે અહીંથી જવું નથી કારણ કે આ ઘર બ્રિટિશ કાળમાં બંધાયું છે અને ખૂબ જ મજબૂત છે. આનાથી બહેતર ઘર મળી જ ન શકે.’
દરવાજા પર નાનાં-નાનાં કૂંડાંઓ અને સુંદર રીતે સુશોભિત કરેલા ગ્રીન હાઉસ જેવા મજેદાર અને આલીશાન ઘરમાં રહેતા આ કપલે અહીં બે જુદી-જુદી દુનિયા જોઈ લીધી છે અને એ અનુભવ તેમના ચહેરા પર ઝળકતો હતો.
રમ્ય રાનવર
આટલા લોકો સાથે વાત કરીને જ જાણે કે એક નવી દુનિયામાં પ્રવેશી ગયાનો સંતોષ અમને હતો અને હવે તાલાવેલી હતી રાનવર જવાની કારણ કે એના વિશે ખૂબ સાંભળી ચૂક્યા હતા. રાનવર ગામ હિલ રોડ, માઉન્ટ કાર્મેલ રોડની વચ્ચે આવેલું છે જે ચેપલ રોડ, વારોડા રોડ અને વેરોનિકા રોડથી પણ કનેક્ટેડ છે. એક આડવાત, રાન એટલે કે મરાઠીમાં જંગલ. એક સમયે આ તમામ ગામો વચ્ચે ભરપૂર વનરાજી પણ હતી. એમાંય રાનવરમાં વિશેષ માત્રામાં વૃક્ષો અને હરિયાળી હતાં જેના કારણે જ એનું આ નામ પડ્યું હતું. રાનવર તરફ જઈ રહેલી અમારી સવારીએ ફરી એક વાર બ્રેક મારી જ્યારે અમારી નજર પડી ચર્ચ સ્ટ્રીટ પર. એક નાનકડી સાંકડી ગલી અને એમાં એક બાજુ ઘર અને બીજી બાજુ સંપૂર્ણ સૅન્ટા ક્લૉઝ અને ક્રિસમસને લગતાં વિવિધ ચિત્રોથી સુંદર રીતે સુશોભિત કરેલી. ક્રિસમસમાં તો આમેય બાંદરાના આ વિસ્તારો સોળે કળાએ ખીલતા
હોય
છે, એમાં આપણું સદ્ભાગ્ય કે યોગાનુયોગ ક્રિસમસ ઈવનો દિવસ આપણે પસંદ કર્યો હતો એટલે લાઇટિંગની પણ અનોખી રોનક હતી. ચર્ચ સ્ટ્રીટ પર અમને ઈસુ ખ્રિસ્તના જન્મ સમયની ક્ષણોનું રૂપાંતરણ પણ વિવિધ સુશોભનમાં જોવા મળ્યું તો ક્યાંક ક્રિસમસ ટ્રી અને સૅન્ટા ક્લૉઝના આકર્ષણની પણ ભરમાર રહી. એક નાનકડી ગલી પણ ફોટોગ્રાફીના શોખીન માટે જન્નત બની શકે એવી સુંદર અહીં. અહીં પણ કેટલાક પ્રાચીન ક્રૉસ છે જેના માટે અહીંના લોકોમાં ભારે આસ્થા છે.
અહીંથી જ રાનવર તો શરૂ થઈ ગયું હતું અને એની ઝલક પણ અહીં ઊભા થયેલા રંગીન મકાનો, દીવાલો પરનાં આર્ટવર્ક, એનાં આકર્ષક લાલ નળિયાંવાળાં છજાંઓમાં નજરે પડી રહી હતી. જોકે સૌથી વધુ અંજાઈ જવાયું એ જ નાની-નાની ગલીઓ થકી જ્યારે અમે આજ્ઞા સ્ક્વેર પાસે પહોંચ્યા ત્યારે. આ પણ એક નાનકડી સાંકડી ગલી છે, પરંતુ અહીં ક્રિસમસને કારણે ખૂબ જ સુંદર અને આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે. લાલ જાજમ સાથે સ્ટારના આકર્ષક કંદિલ, સૅન્ટા ક્લૉઝ, ટેલિફોન બૂથ, ફૂલોના ગુલદસ્તાથી શોભતી આ ગલીમાં પ્રવેશ્યા પછી નીરસમાં નીરસ વ્યક્તિ પણ પોતાનો એક ફોટો આ બૅકગ્રાઉન્ડમાં પાડવા લલચાઈ જાય. અહીં પણ અમને કેટલાક સ્થાનિક સાથે વાત કરવાનો મોકો મળી જ ગયો. ક્રિસમસની તૈયારીઓ વચ્ચે મૅન્ગલોરના મોવિન સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે ‘મારા પેરન્ટ્સ અહીં રહેવા આવ્યા હતા. આજે પણ અહીં કેટલાંક ઓરિજિનલ ઘરો બચ્યાં છે અને અમે અહીંની બ્યુટીને મેઇન્ટેન કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છીએ.’
વ્યસ્તતા વચ્ચે આટલા શબ્દ પણ અહીં રહેતા લોકોની મહેમાનનવાઝીની શાખ પૂરતા હતા.
ચિંબઈ અને પાલી વિલેજ
રાનવરમાં પારાવાર સંતુષ્ટિ સાથે હવે આમ તો ખાસ કંઈ છૂટી ગયું હોય કે જોવાનું રહી ગયું હોય એવું લાગતું નહોતું. એ પછીયે પાર્ટ ઑફ ડ્યુટી વિચાર્યું કે વાચકો માટે બીજાં બે ગામો પણ જોઈ જ લેવાં જોઈએ. અને સાચું કહીએ તો એ નિર્ણય એકદમ પર્ફેક્ટ ઠર્યો જ્યારે એ વિસ્તારના ઓલ્ડેસ્ટ ચર્ચમાંના એક ગણાતા સેન્ટ ઍન્ડ્રુઝ ચર્ચ થઈને અમે ચિંબઈ વિલેજ પહોંચ્યા. માછીમારોનું વિલેજ ગણાતું આ ગામ હવે ઘણા અંશે બદલાયું છે, પરંતુ એ પછીયે દરિયાની નજીકનાં કેટલાંક ઘરોમાં આજે પણ એ છાંટ જોવા મળે છે. ચિંબઈમાં ક્રિસમસ સ્ટાઇલનું આલીશાન સુશોભન કરનારા ફ્લાવિયા કાસકરના ઘરે પ્રેમાળ સ્વાગત સાથે કેટલીક વાતો કરી. પિસ્તાલીસ વર્ષથી અહીં રહેતા અને દરિયાથી માંડ ત્રણસો મીટરના અંતરે આવેલા લગભગ ૬૦ વર્ષ જૂના તેમના આ મકાનમાં જ હેવનની અનુભૂતિ કરતાં મિસિસ ફ્લાવિયા કહે છે, ‘લગ્ન કરીને આવી ત્યારથી અહીં જ રહું છું. નાનકડી ગલીમાં ઘર છે, પરંતુ આજે મુંબઈમાં આવી રીતે બેઠા ઘાટના ઘરમાં દરિયાની નજીકમાં રહેવાનું ક્યાં બધાના નસીબમાં હોય છે. બહુ જ હૅપીલી ક્રિસમસનું સેલિબ્રેશન અમે કરી રહ્યાં છીએ.’
ફ્લાવિયાની આંખોમાં ચિંબઈનું નામ લેતાં ચમક ઉમેરાઈ જતી હતી અને ચહેરા પર કોલગેટ સ્માઇલ ઝગમગી રહ્યું હતું. સાંજ પડી ગઈ હતી. અંધારું થવા આવ્યું હતું અને હવે લાઇટનો ઝગમગાટ દેખાઈ રહ્યો હતો. એ જોતાં-જોતાં જ ચિંબઈથી પાલી વિલેજ પહોંચ્યા. ત્યાંની ચકાચૌંધ આંખો અંજાવનારી હતી. પાલી હિલ એરિયા તમે જોયો હશે, પરંતુ પાલી વિલેજનો અંતરંગ એરિયા જોશો તો પાલી હિલના બે અંતિમ ધ્રુવનો અનુભવ થશે. આજે પણ અહીં બેઠા ઘાટનાં મકાનો અને અહીંની હવામાં રહેલું ઠરેલપણું જાતને પ્રશ્ન પૂછવા માટે ઉત્સુક કરશે કે શું ખરેખર આ મુંબઈ જ છેને? ઍનીવેઝ, પાલી વિલેજમાં ચક્કર મારતાં-મારતાં નજર પડી એક અનોખા બંગલા સમક્ષ. બહુ જ સુંદર અને વેલ ડેકોરેટેડ. પછી ત્યાં બહાર બેસેલા વૉચમૅન પાસેથી ખબર પડી કે આ સ્કારલેટ હાઉસમાં ઉપરના માળે ઍક્ટ્રેસ મલાઇકા અરોરાની રેસ્ટોરાં છે અને નીચે બંગલાના માલિકો રહે છે. બાંદરાની ગલીઓમાં જોકે બૉલીવુડ સ્ટાર્સનું ભટકાઈ જવું આમ વાત મનાય છે, પરંતુ ક્રિસમસના ગાળામાં આ રેસ્ટોરાંની ચકાચૌંધ આંખો અંજાવનારી હતી અને અઢળક ટૂરિસ્ટો માટે ફોટોબૂથ સમાન હતી.
છેલ્લાં ત્રણ શતકનો વારસો સંગ્રહીને બેસેલાં આ ગામડાંઓની મુલાકાતે થોડીક ક્ષણ માટે અમને પણ ટાઇમ-ટ્રાવેલનો અનુભવ પૂરો પાડ્યો હતો એમાં કોઈ શંકા નથી.
બાંદરાનાં ગામડાંઓના યુનિક વારસા પર પુસ્તક લખનારા શોર્મિષ્ઠા મુખરજી શું કહે છે?
છેલ્લાં ૨૩ વર્ષથી બાંદરામાં રહેનારાં પરંતુ ૨૦૧૭થી બાંદરાને પગપાળા એક્સપ્લોર કરનારાં અને બાંદરાનાં ગામોની અનોખી દુનિયાને ઓળખનારાં ડિજિટલ માર્કેટિંગની એજન્સી ચલાવતાં શોર્મિષ્ઠા મુખરજીએ ‘પુડિંગ’ નામનું પુસ્તક લખ્યું છે જેમાં બાંદરાની વિરાસત ઉપરાંત અહીંનાં વૃક્ષો, અહીંનું ગૉલ્ફ કોર્ટ, અહીંનું મ્યુઝિક, અહીંના વિસ્તારોનાં નામ પાછળની કહાનીઓ જેવા અઢળક વિષયોને સ્પર્શીને પોતાના અનુભવો અને નિષ્ણાતોના અનુભવોને સમાવતી વાતો આ પુસ્તકમાં છે. પોતાના અનુભવો વિશે વાત કરતાં શોર્મિષ્ઠા ‘મિડ-ડે’ને કહે છે, ‘પ્રાચીન સંસ્કૃતિ અને એની માવજતનો ખજાનો બાંદરાનાં આ ગામડાંઓમાં સંગ્રહિત થયેલો તમને દેખાશે. આટલાં વર્ષો પછી પણ એ જૂની ઢબના રંગીન બંગલાઓ તમને ભુલાવી દે છે કે તમે મેટ્રો સિટીમાં છો. આમ તો બાંદરાને મુંબઈનાં સબર્બ્સની ક્વીન માનવામાં આવે છે અને હું કહીશ કે આ ગામડાંઓ જ એનો શણગાર છે. કૉસ્મોપૉલિટન કલ્ચર વચ્ચે પણ ટિપિકલ ગામડામાં હોય એવું કમ્યુનિટી એન્ગેજમેન્ટ તમને અહીં મળશે. અહીં રહેતા વડીલોમાં પરસ્પર પ્રેમભાવ તમને દેખાશે. તેમની આંખોમાં અહીંના ભવ્ય ઇતિહાસની છાપ દેખાય છે. અહીં ૬૫ વર્ષ જૂની સ્પોર્ટ્સ ક્લબ છે જ્યાં ઑલિમ્પિક્સના વિનર્સ રમી ચૂક્યા છે. અહીં મુંબઈની પહેલી લાઇસન્સવાળી ટબૅકો ફૅક્ટરી હતી. અહીંના આર્કિટેક્ચરમાં પોર્ટુગીઝ અને બ્રિટિશકાલીન છાંટ દેખાય છે. બદલાઈ રહેલા નેબરહુડ વચ્ચે પણ અહીંના લોકોએ આ વિસ્તારને જેટલો પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં રાખી શકાય એટલો રાખવાના પ્રયાસ કર્યા છે, જે ખરેખર કાબિલેદાદ છે.’
થોડોક ઇતિહાસ પણ જાણી લો
૧૫૩૪ના કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો મુજબ આજનું બાંદરા પહેલાં ૨૫ ગામડાંઓમાં વહેંચાયેલું હતું. પાખાડી તરીકે ઓળખાતાં આ ગામડાંઓમાં મોટા ભાગે માછીમારોની કમ્યુનિટી, ખેડૂત, વેપારીઓ સાથે વસવાટ કરતા. આજથી ચારસો-પાંચસો વર્ષ પહેલાં ઉદ્ભવેલા આ પાખાડીઓ પોર્ટુગીઝ અને પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત બ્રિટિશ શાસનના પ્રભાવમાં હોવાથી ઘણા લોકોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને આજે પણ મૅજોરિટીમાં અહીં ખ્રિસ્તીઓ જોવા મળશે. જોકે હવે ધીમે-ધીમે અન્ય કમ્યુનિટીના લોકો પણ અહીં વસતા થયા છે અને કૉસ્મોપૉલિટન ક્રાઉડ વચ્ચે પણ સૌહાર્દમય વાતાવરણ છે. પચીસ પાખાડીમાંથી આજે લગભગ સાતથી આઠ ગામડાંઓ હજી એના મૂળ સ્વરૂપને અથવા એના થોડાક અંશને જાળવી શક્યાં છે. અહીં બીજી પણ એક વાત જાણવી રસપ્રદ રહેશે કે આ આખા વિસ્તારનું નામ બાંદરા પડ્યું એની પાછળ પણ કારણો હતાં. શરૂઆતમાં અહીં વન વિસ્તાર વધુ હોવાથી વાંદરાઓનું પ્રમાણ વધારે હતું. વાંદરાઓના ઘર તરીકે આ સ્થળ વાંદરા તરીકે ઓળખાતું. એ પછી પોર્ટુગીઝ સલ્તનત અને બ્રિટિશ કાળમાં અપભ્રંશ થતાં એનું નામ બન્દોર, બંદેરા, બંધુરા, બંદોરે, પાંદારા, બાંદારા એમ જુદા-જુદા નામે પ્રચલિત થયું. છેલ્લે ઓગણીસમી સદીમાં જ્યારે બાંદરાનું રેલવે-સ્ટેશન બન્યું અને એનું નામ ફાઇનલ થયું અને જે આજે આપણી જીભે ચડ્યું છે એ છે બાંદરા. શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયનોની વસ્તી ધરાવતા બાંદરામાં ધીમે-ધીમે ગોવા અને મૅન્ગલોરના લોકો વસ્યા અને આગળ જતાં અહીં પારસી, મુસ્લિમ, યુરોપિયન્સ અને હિન્દુ કોળીઓનું પણ આ ઘર બન્યું. આજે બાંદરામાં શર્લી, માલા, રાજન, કાંતવાડી, વારોડા, રાનવર, બોરન, પાલી અને ચુઇમ જેવાં કેટલાંક ગામડાંઓ છે જ્યાં હજીયે ઇતિહાસની કડીઓ મળે છે.