આ ગામના જેન્ટ‍્સ તો ભાઈ ભારે ઊંચા

25 January, 2026 01:06 PM IST  |  Mumbai | Laxmi Vanita

બિહારના મરહિયા ગામમાં છોકરાઓની સરેરાશ ઊંચાઈ ૬ ફ‍ુટ જેટલી અને છોકરીઓની સરેરાશ ઊંચાઈ ૫.૨ ફુટ જેટલી છે. તેથી છોકરાઓને પોલીસ, આર્મી કે ડિફેન્સમાં નોકરી જલદીથી મળી જાય છે; પરંતુ લગ્ન માટે છોકરી શોધવામાં સંઘર્ષ કરે છે

બિહારના મરહિયા ગામમાં છોકરાઓની સરેરાશ ઊંચાઈ ૬ ફ‍ુટ જેટલી અને છોકરીઓની સરેરાશ ઊંચાઈ ૫.૨ ફુટ જેટલી છે.

બિહારના મરહિયા ગામમાં છોકરાઓની સરેરાશ ઊંચાઈ ૬ ફ‍ુટ જેટલી અને છોકરીઓની સરેરાશ ઊંચાઈ ૫.૨ ફુટ જેટલી છે. તેથી છોકરાઓને પોલીસ, આર્મી કે ડિફેન્સમાં નોકરી જલદીથી મળી જાય છે; પરંતુ લગ્ન માટે છોકરી શોધવામાં સંઘર્ષ કરે છે

ભારતમાં અનેક અનોખાં ગામો છે, પરંતુ બિહારના પશ્ચિમ ચંપારણના બેતિયા જિલ્લામાં આવેલું મરહિયા ગામ એની અસાધારણ વિશેષતા માટે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે. આ ગામને લોકો પ્રેમથી ‘Village of Giants’ એટલે કે ‘વિશાળ લોકોનું ગામ’ કહે છે કારણ કે અહીં રહેતા લોકોની સરેરાશ ઊંચાઈ ભારતની સામાન્ય સરેરાશથી ઘણી વધુ છે. મરહિયા ગામની આ યુનિક વાતને કોઈ સરકારી પ્રમાણ નથી પરંતુ અહીંના ગામવાસીઓના નિરીક્ષણના આધારે છે. 

ગામની ખાસિયત 

ગામમાં આશરે ૩૦૦ જેટલાં ઘરો છે અને અંદાજે ૨૦૦૦ જેટલી વસ્તી છે. સામાન્ય દેખાતું આ ગામ ત્યારે ખાસ બની જાય છે જ્યારે અહીંના લોકોની ઊંચાઈ પર નજર પડે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મરહિયા ગામમાં ઊંચા કદની પરંપરા ઘણા દાયકાઓથી ચાલી આવી છે. અહીંના વડીલો કહે છે કે તેમની પેઢીઓથી લોકો સામાન્ય કરતાં વધારે ઊંચા રહ્યા છે. આ વિશેષતા કોઈ એક સમયગાળામાં ઊભી થઈ નથી પરંતુ વંશપરંપરા અને જિનેટિક લક્ષણો દ્વારા પેઢી-દર પેઢી આગળ વધતી ગઈ છે. ઇતિહાસમાં એવો કોઈ ખાસ નોંધાયેલો ઘટનાક્રમ નથી પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો આ ગામ માનવઊંચાઈના અભ્યાસ માટે એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે. આ ગામની મુખ્ય ઓળખ જ અહીંના લોકોની ઊંચાઈ છે. પુરુષોની સરેરાશ ઊંચાઈ આશરે ૬.૨ ફુટ અને સ્ત્રીઓની સરેરાશ ઊંચાઈ આશરે ૫.૨ ફુટ માનવામાં આવે છે. કેટલાક યુવાનો તો ૬.૫થી ૬.૯ ફુટ સુધી ઊંચા જોવા મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે ગામના લગભગ ૯૦ ટકા પુરુષોની ઊંચાઈ ૬ ફુટથી વધારે છે, જે ભારતના સરેરાશ માપદંડથી ઘણી વધારે છે.

ઊંચાઈના પડકારો

ઊંચાઈને કારણે ગામના ઘણા યુવાનોને આર્મી, પોલીસ અને સુરક્ષાદળોમાં નોકરી મેળવવામાં ફાયદો થાય છે. આ ગામમાં સવારના પહોરમાં છોકરાઓ મેદાનમાં કસરત અને પરેડ કરતા જોવા મળી જાય છે. જો કે તેમની ઊંચાઈ સાથે મેળ બેસે એવી છોકરી શોધવી તેમનો સૌથી મોટો પડકાર છે, કારણ કે આસપાસના વિસ્તારોમાં એટલી ઊંચાઈ ધરાવતા લોકો ઓછા છે. મરહિયા ગામના લોકો સામાન્ય ગ્રામ્ય જીવન જીવે છે. મુખ્ય વ્યવસાય ખેતી તેમ જ સરકારી સેવાઓ છે. અહીંના લોકો સરળ, મહેનતુ અને સહયોગી સ્વભાવ ધરાવે છે. ભાષા તરીકે મુખ્યત્વે હિન્દી અને સ્થાનિક બોલીઓ વપરાય છે. ભારતમાં આવું પણ એક ગામ છે જ્યાં ઊંચાઈ સમસ્યા અને સારાં પરિણામ બન્ને આપે છે એ જાણીને જ આશ્ચર્ય ઊપજે.

columnists gujarati mid day exclusive bihar