લગ્નમાં પેટ ડૉગને VIP ટ્રીટમેન્ટ આપવાનો ટ્રેન્ડ એમના સ્વાસ્થ્ય માટે કેટલો સારો કહેવાય?

09 February, 2026 03:28 PM IST  |  Mumbai | Kajal Rampariya

આ કન્સેપ્ટને વિસ્તારમાં સમજીએ...

પ્રમીલા દેઢિયા પેટ ડૉગ જૉની સાથે

લગ્નના ફોટોમાં આખું ખાનદાન હોય અને ફૅમિલી-મેમ્બરની જેમ ટ્રીટ કરાતા પેટ ડૉગને ઘરે એકલો રાખી મૂકો એ પેટ-પેરન્ટ સાંખી લેતા નથી. હવે વેડિંગ્સ પેટ-ફ્રેન્ડ્લી થઈ ગયાં હોવાથી લોકો એમને પણ સરસ મજાના તૈયાર કરીને બધા રીતિરિવાજમાં સામેલ કરે છે, પણ લોકોની ભીડ વચ્ચે અને લાઉડ મ્યુઝિક વચ્ચે એ કમ્ફર્ટેબલ હોય છે? એ દરમિયાન એમની માનસિક સ્થિતિ કેવી હોય છે? પેટ ડૉગ્સને વેડિંગમાં સામેલ કરવાનો આ ટ્રેન્ડ એમના માટે કેટલો વાજબી છે? આ કન્સેપ્ટને વિસ્તારમાં સમજીએ

અનંત અંબાણી અને કીર્તિ સુરેશ જેવી સેલિબ્રિટીએ પોતાના પેટ ડૉગને લગ્નવિધિમાં સામેલ કરીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. હવે લોકો પોતાના પેટને ઘરે એકલા છોડવાને બદલે એમને લગ્નમાં સાથે રાખતા થઈ ગયા છે. જેમ પોતે સજેધજે છે એમ પોતાના પેટ સાથે મૅચિંગ કરે છે અને એને પણ એ થીમ પ્રમાણે કપડાં પહેરાવીને તૈયાર કરે છે. લગ્નપ્રસંગમાં અત્યારે સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બનતા પેટ ડૉગ્સ ભીડ, લાઉડ મ્યુઝિક અને ફટાકડાનો અવાજ સાંભળીને અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે એટલું જ નહીં, લગ્નની વિધિમાં એના પેટ-પેરન્ટ બિઝી હોય છે અને એને જ કારણે ઘણા લોકો પ્રોફેશનલ પેટ-સિટર્સ હાયર કરતા થયા છે. એનું કામ જ હોય છે લગ્ન દરમિયાન પેટ ડૉગ્સનું ધ્યાન રાખવાનું. વેડિંગ પેટ-સિટિંગનો આ નવો ટ્રેન્ડ ડૉગ્સ માટે કેટલો ફાયદાકારક છે એ નિષ્ણાત પાસેથી સમજીએ અને મુંબઈના એવા પેટ-પેરન્ટ્સને મળીએ જે પોતાનાં અને બીજાનાં લગ્નમાં ડૉગને ઘરના સભ્યની જેમ લઈ ગયા હોય.

દીકરીનાં લગ્નમાં કિયા છવાઈ ગઈ

મુલુંડમાં રહેતાં નયના છેડાના ઘરે શિત્ઝુ બ્રીડની ફીમેલ પેટ ડૉગ કિયા છે. તેમણે પોતાની દીકરીની સગાઈમાં જાણે ઘરની જ સભ્ય હોય એ રીતે એને તૈયાર કરી હતી. કિયા સાથેના કિસ્સા જણાવતાં નયનાબહેન કહે છે, ‘મારી દીકરીની સગાઈ નક્કી થઈ ત્યારે કિયા આખી ઇવેન્ટની રોનક બની ગઈ હતી. મારી બે દીકરીઓ છે અને કિયા મારી સૌથી નાની અને લાડકવાયી દીકરી છે. સગાઈમાં અમે મારી દીકરી મૈત્રીએ જેવાં આઉટફિટ પહેર્યાં હતાં એવાં જ મૅચિંગ આઉટફિટ કિયાને પહેરાવ્યાં હતાં અને સાથે ઉપર બો લગાવી હતી. એ ચાલે એટલે એટલી અડોરેબલ લાગતી હતી કે જાણે એને જ જોયા કરીએ. વેડિંગમાં પણ એ સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બની હતી. લગ્નની કંકોતરીમાં પણ અમે અમારી કિયાનું નામ લખાવ્યું હતું. અમે ત્યાં એને ગાઉન પહેરાવ્યો હતો. અમે એવી જ જગ્યાએ પ્રસંગો કર્યા હતા જ્યાં પેટ ડૉગ્સ અલાઉડ હોય. અમે એને ભીડ અને લાઉડ મ્યુઝિકથી થોડી દૂર રાખી હતી. ફોટો પડાવવા માટે એને અમે સાથે રાખતાં હતાં અને પછી ઘરે રાખી આવતાં હતાં કારણ કે એ લોકો વચ્ચે કમ્ફર્ટેબલ રહેતી નહોતી.’

લગ્નમાં અણવર બન્યો બમ્બલ

ગોરેગામમાં રહેતી ગુજરાતી શ્રેણી દંડે હરિયાણવી યુવક આદિત્ય રાઘવ સાથે કર્યાં હતાં અને લગ્ન બાદ તેઓ તરત જ ઇન્ડી બ્રીડના ડૉગ બમ્બલના પેરન્ટ બન્યાં હતાં. બમ્બલ સાથે સંકળાયેલાં રસપ્રદ કિસ્સાને શૅર કરતાં શ્રેણી જણાવે છે, ‘જ્યારે અમે ડૉગના પેરન્ટ બનવાનું નક્કી કર્યું ત્યારે અમે જોતાં હતાં કે કેવો ડૉગ લેવો. ત્યારે બમ્બલે અમને પહેલી વાર જોયાં અને વારંવાર એ અમારી પાસે આવતો હતો એટલે અમે એને દત્તક લઈ લીધો. એના આવ્યા પછી અમારે હૉલિડે પર જવું હોય તો એ જ્યાં અલાઉડ હોય ત્યાં જ જઈએ છીએ. હોટેલ-બુકિંગ્સ પણ ડૉગ અલાઉડ હોય એ રીતે જ થાય છે. સાથે એને એજિલિટી ક્લાસ પણ કરાવીએ છીએ. એમાં ટનલમાંથી કઈ રીતે પસાર થવું, કેવી રીતે પોતાનાં કામ પોતે કરી શકાય એ બધી ટ્રેઇનિંગ આપવામાં આવે. થોડા સમય પહેલાં અમારા એક રિલેટિવમાં લગ્ન લેવાયાં ત્યારે બમ્બલ સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બન્યો હતો. હરિયાણામાં ઘોડા પર વરરાજાની આગળ નાના બાળકને બેસાડે અને બધી વિધિમાં તેને સાથે રાખે એવા અણવર તરીકે બમ્બલને બેસાડ્યો હતો. બધાને બહુ ગમતું હતું, બમ્બલને પણ અમે એ રીતે તૈયાર કર્યો અને ટ્રેઇનિંગ આપી હતી જેથી એ ભીડમાં કે લાઉડ મ્યુઝિકમાં અગ્રેસિવ ન થાય. એમનો ટાઇમ સાચવવો પડે. જમવાનું અને સુસુ-પૉટી સમયસર થાય એટલે એનો મૂડ ખરાબ ન થાય. એને થોડા સમય સુધી છૂટો રમવા દેવો પડે જેથી એ મોકળાશ અનુભવે અને લોકોની વચ્ચે ગભરામણ ન થાય.’

જીઓને લગ્નમાં મજા પડી

ઘાટકોપરમાં રહેતી દિતી પટેલનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં. લગ્ન વખતે તેનો પોમેરેનિયન બ્રીડનો ડૉગ જીઓ સાત વર્ષનો હતો. લગ્ન દરમિયાન જીઓ કઈ રીતે મહેમાનોનો ફેવરિટ બની ગયો એ વિશે વાત કરતાં દિતી જણાવે છે, ‘અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. ઘરમાં ૧૫ જણ છે એટલે અમારા જીઓને લોકો વચ્ચે રહેવાની આદત થઈ ગઈ છે. એને એકલવાયું ન ગમે. મારાં લગ્નમાં જીઓ પહેલાં જોઈતો હતો. મેં બધાં જ ફંક્શન્સનાં આઉટફિટ ટેલર પાસેથી ડિઝાઇન કરાવ્યાં હતાં. અમે લગ્નની વિધિમાં વ્યસ્ત હતાં ત્યારે એ થોડો ડરેલો હતો, પણ અમારા ઘરે કામ કરવા આવતાં આન્ટીનો હેવાયો હોવાથી અમે તેમને લગ્ન દરમિયાન પેટ-સિટિંગ કરવાનું કહ્યું હતું અને એ દરમિયાન તેમણે જીઓનું બહુ સારી રીતે ધ્યાન રાખ્યું હતું. ઘરમાં એ વધુ કમ્ફર્ટેબલ ફીલ કરતો હોવાથી ફંક્શન્સમાં ફોટો પડાવાઈ જાય એટલે ઘરે જતો રહેતો.’

લગ્નમાં જૉની દેઢિયાનો ઠાઠ

અંધેરીમાં રહેતાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ પ્રમીલા દેઢિયાની દીકરી સલોનીનાં લગ્ન નવેમ્બર મહિનામાં થયાં હતાં. લગ્ન દરમિયાન તેમના સાત વર્ષના પેટ ડૉગ જૉનીના ઠાઠ ઓછા નહોતા. બહેનનાં લગ્નમાં જેમ ભાઈ તૈયાર થાય એ રીતે પ્રમીલાબહેન ઍન્ડ ફૅમિલીએ જૉનીને તૈયાર કર્યો હતો અને જૉનીનો સ્વૅગ પણ અલગ જ લેવલનો હોવાથી લગ્નમાં આવેલા મહેમાનોને પણ એ ગમવા લાગ્યો. એ દરમિયાન જૉનીની કાળજી કઈ રીતે રાખવામાં આવી એ વિશે જણાવતાં પ્રમીલાબહેન કહે છે, ‘અમારો જૉની એટલો ડાહ્યો અને શાંત છે કે અમારે મારી દીકરીનાં લગ્નમાં એને સાચવવા માટે કોઈની જરૂર પડી નથી. જ્યારે અમે વિધિમાં વ્યસ્ત હતાં ત્યારે મારી દીકરીનાં ફ્રેન્ડ્સે એને રાખ્યો હતો. અમે દરેક ફંક્શનની થીમ રાખી હતી અને થીમ પ્રમાણે જૉનીને પણ કપડાં પહેરાવ્યાં હતાં. લગ્ન પહેલાંની વિધિમાં જૉનીને કુરતો અને લુંગી પહેરાવીને સાઉથ ઇન્ડિયન બનાવ્યો હતો. પછી લગ્નમાં પણ એના માટે અમે ખાસ કુરતો અને જૅકેટ બનાવ્યાં હતાં અને સાથે જાડી ચાંદીની ચેઇન પહેરાવી હતી અને ચશ્માં પણ પહેરાવ્યાં હતાં. લગ્નમાં બહેનના ભાઈના ઠાઠ જોવા જેવા હતા. જૉની ગોલ્ડન રિટ્રીવર બ્રીડનો ડૉગ છે અને આવા ડૉગ્સ બહુ શાંત હોય છે, કોઈ જાતની મસ્તી નહીં. અમને જરાય તકલીફ નથી આપી. એકદમ શાંત હતો. અમને ફરવા પણ જવું હોય તો સૌથી પહેલાં એનું જોઈએ. અમે ગોવા ગયાં હતાં ત્યારે સ્પેશ્યલી એના માટે મોટી બસ બુક કરી હતી, કારણ કે એને ટ્રેનમાં લઈ જવો મુશ્કેલ હતો. હંમેશાં અમે એની કમ્ફર્ટ જોઈએ છીએ. દેઢિયા પરિવારમાં જૉનીની શાન અલગ જ છે. અમારો બહુ લાડકવાયો છે.’

શું કહે છે એક્સપર્ટ?

પેટ-સિટિંગનો કન્સેપ્ટ પ્રૅક્ટિકલી કેટલો યોગ્ય છે અને લગ્ન દરમિયાન એમની માનસિક સ્થિતિ શું હોય છે એને ડીકોડ કરતાં દાદરમાં રહેતા અને ૧૫ વર્ષનો અનુભવ ધરાવતા ડૉગ-બિહેવિયરિસ્ટ કુણાલ કુંડલે કહે છે, ‘પેટ-સિટિંગનો કન્સેપ્ટ જે સમજીને અપનાવે એના માટે સારો છે, પણ સમજ્યા વગર લગ્નના સમયે કોઈ અજાણી વ્યક્તિને પોતાનો પેટ ડૉગ સોંપી દે તો એ યોગ્ય નથી. ડૉગ્સ લગ્નમાં થતી ભીડ અને મ્યુઝિકના અવાજમાં કમ્ફર્ટેબલ ફીલ કરતા નથી. તેમને એક ક્વાએટ ઝોનની જરૂર હોય છે જ્યાં એ રિલૅક્સ થઈ શકે. લગ્નમાં જ્યારે તમે ડૉગ્સને લઈ જાઓ છો ત્યારે એને મેન્ટલી પ્રિપેર કરવા બહુ જરૂરી છે. લગ્ન હોય એના અઠવાડિયા કે પખવાડિયા પહેલાં એને ઘરે ટ્રેઇનિંગ આપો. લાઉડ મ્યુઝિકથી એને યુઝ્ડ ટુ કરો, માર્કેટ કે ગાર્ડનમાં લઈ જાઓ જેથી એ ભીડથી યુઝ્ડ ટુ થાય. આ રીતે પ્રિપેર કરશો તો વાંધો નહીં આવે. જો લગ્ન તમારા જ ઘરે હોય તો સ્વાભાવિક છે કે તમે ૨૪ કલાક તમારા પેટની સંભાળ રાખી નહીં શકો. તેથી જો તમે પેટ-સિટર હાયર કરવાનું વિચારતા હો તો પહેલાં તમારા ડૉગને તેમની સાથે થોડો સમય વિતાવવા દો. એ કમ્ફર્ટેબલ ફીલ કરશે તો એ લગ્નમાં તેની સાથે સારી રીતે રહેશે અને હેરાન નહીં કરે. લગ્નમાં ઘણી વાર ફટાકડાના અવાજ પણ ડૉગ્સને ટ્રિગર કરી શકે છે. તેથી જ્યારે તમને એવું લાગે કે હવે ફટાકડા ફૂટવાના છે તો એમને થોડે દૂર લઈ જાઓ જેથી એને ઓછો અવાજ સંભળાય. પેટ- સિટરને એમના ટાઇમ-ટેબલનું બહુ ધ્યાન રાખવું પડશે. પેટ-સિટર પણ તમે હાયર કરો તો એવી વ્યક્તિને કરો જેને ડૉગ્સની શારીરિક ભાષાને સમજતાં આવડતું હોય. આ ચીજ બહુ જરૂરી છે. જો આ ક્વૉલિટી તેમનામાં નહીં હોય તો પેટ-સિટરનો ટ્રેન્ડ તમારા માટે ડિઝૅસ્ટર સાબિત થશે. પેટ-સિટરે ડૉગ્સના ખાવાપીવાનો સમય, વૉક કરવાનો સમય, રમવાનો સમય અને સુસુ-પૉટીનો સમય સાચવવો પડશે જેથી જે લગ્નમાં જ્યાં-ત્યાં ગંદું ન કરે અને ઇરિટેટ પણ ન થાય. કોઈ અજાણી વ્યક્તિ કૂતરાને હેરાન ન કરે અથવા ખોટો ખોરાક ન ખવડાવે એની કાળજી રાખવી. આ સાથે ઘરનો જ પેટ હોય એટલે લોકો એને ફૅમિલી-મેમ્બરની જેમ ટ્રીટ કરતા હોય છે. તેથી લગ્નના દિવસે ડાયરેક્ટ ડિઝાઇનર કપડાં પહેરાવશો તો એ એના કમ્ફર્ટ ઝોનમાં નહીં રહે. તેથી એને ઘરમાં જ હળવાં કપડાં પહેરાવીને યુઝ્ડ ટુ કરો. ફોટોશૂટ દરમિયાન ફ્લૅશ લાઇટથી ડરી ન જાય એ માટે ઘરે જ પ્રૅક્ટિસ કરાવો. લગ્ન ડૉગ્સ માટે એક્ઝામ જેવી ફીલિંગ હોય છે. એની તૈયારી અગાઉથી કરવી જરૂરી છે.’

columnists exclusive gujarati mid day