એક સીટ, હજાર જજમેન્ટ

05 May, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં માનવતા અને મૉરલ પોલિસિંગ વચ્ચે અટવાયેલો સમાજ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિમાનમાં એક સીટ - એ પણ વિન્ડોસીટ - આટલો મોટો સામાજિક પ્રશ્ન બની શકે એ કદાચ થોડાં વર્ષો પહેલાં કોઈએ વિચાર્યું પણ ન હોત; પરંતુ આજના સમયમાં જ્યારે દરેક હલચલ કૅમેરામાં કેદ થાય છે અને દરેક ઘટના કન્ટેન્ટ બની જાય છે ત્યાં વ્યક્તિગત નિર્ણય પણ જાહેર ચર્ચાનો વિષય બની જાય છે.

જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે સામાન્ય દૃષ્ટિએ બરાબર નથી થયું એવું લાગે, પરંતુ બીજી રીતે જોઈએ તો એ દૃષ્ટિકોણ પણ ખોટો તો નથી એવું લાગે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક નાનકડી ક્લિપ અને એની પાછળના રિસ્પૉન્સિસની લાંબી હારમાળાએ સારીએવી ચર્ચા જગાવી છે.

વાત એમ છે કે વિમાનની લાંબી મુસાફરી માટે કૅસ્ટ્રો નામની સ્ત્રીએ (વ્યવસાયે બૅન્કર) પ્રીમિયમ ચૂકવીને વિન્ડોસીટ બુક કરાવી છે. સીટ પર બેસતાં તેના મુખ પર આછો મલકાટ જોવા મળે છે જે કોઈ વાતને વાગોળતાં હોઈ શકે કે ફ્યુચર પ્લાન્સને કારણે હોઈ શકે. થોડી વારમાં બાજુની સીટ પર એક બાળક તેની મમ્મી સાથે આવીને બેસે છે. તે બાળસહજ હઠ પકડીને બારી પાસે બેસવાની જીદ કરે છે અને રડે છે. રડતા બાળકને કારણે મમ્મી પેલી સ્ત્રી સામે સૂચક નજરે જુએ છે, પણ કૅસ્ટ્રો વિન્ડોસીટ આપવાની નમ્રતાથી ના પાડે છે અને બાળકને સમજાવવા કહે છે. અહીં સ્ટોરીમાં ટર્નિંગ પૉઇન્ટ આવે છે.

અન્ય એક મુસાફર આ ઘટનાનો વિડિયો ઉતારી લે છે અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દે છે. વળી ‘આજના સમયમાં લોકોમાં સહાનુભૂતિ જ નથી રહી’ એવી રિમાર્ક પણ લખે છે અને પછી તો કમેન્ટ્સનો લાંબો દોર ચાલે છે. થોડાક તેનો પક્ષ લે છે, પણ મોટા ભાગના પેલી સ્ત્રીનો પક્ષ લે છે. બાળકને સમજાવવાની જવાબદારી તેની મમ્મીની છે, શા માટે બીજા પાસે સૅક્રિફાઇસ (ત્યાગ)ની આશા રાખવી જોઈએ? તેણે શા માટે પ્રીમિયમ ટિકિટ બુક ન કરાવી? જેણે લાંબી મુસાફરી માટે લાંબું વિચારીને, પ્લાનિંગ કરીને, વધુ પૈસા ચૂકવીને વિન્ડોસીટ બુક કરાવી તેણે શું એક બાળકની જીદ સામે છોડી દેવાની? કેટલાકે બાળકના ઉછેર અંગે પ્રશ્નો ઉઠાવ્યા, કેટલાકે બાળકને spoiled brat કહ્યું. આવા તોફાની બાળકને લઈને વિમાનમાં પ્રવાસ જ ન કરવો જોઈએ એવી શિખામણ આપી. કોઈને વિન્ડોસીટનો હક છોડવાની ફરજ કેવી રીતે પાડી શકાય? તેની મહેનતના પૈસાથી ખરીદી હતી, આવા સૅક્રિફાઇસની આશા જ કેમ રાખી શકાય? આવા-આવા પ્રતિભાવો વાંચવાની મજા આવે, કારણ કે પ્રશ્ન એટલો જટિલ છે જ નહીં જેટલો લાંબી ચર્ચા દ્વારા તેઓ સંવેદનાને ફરજમાં ફેરવીને જટિલ બનાવી રહ્યા હતા. કોઈના આનંદને ‘ઇમોશનલ ગિલ્ટ’ના દબાણ હેઠળ ત્યાગવાની અપેક્ષા કેટલી યોગ્ય? પ્રશ્ન એ નથી કે બાળકને સીટ ન આપી એ સારી કે ખરાબ બાબત હતી. પ્રશ્ન એ છે કે શું તેને ફરજ પાડવી જોઈએ? ઇમોશનલ બ્લૅકમેઇલિંગ ન કહેવાય? આપણે દરેક સંવેદનાને ફરજમાં ફેરવી દઈએ તો પછી એ સંવેદના નથી રહેતી, એક સામાજિક બોજ બની જાય છે. તેણે સીટ ન આપી એટલે એ અમાનવીય કૃત્ય બની ગયું? માનવતા સ્વેચ્છાથી જન્મે છે, બળજબરીથી નહીં.

ખરેખર તો પેલા વિડિયો બનાવનારે જાતે જ લીધેલી છૂટનો પ્રશ્ન વધુ જટિલ છે. કોઈ બે જણ વચ્ચેની બાબતને તેમની સંમતિ વગર જાહેરમાં કેવી રીતે મૂકી શકાય? કોઈની પ્રાઇવસીનો તમે કેવી રીતે ભંગ કરી શકો?

અને સામે યોગ્ય રીતે જ વાંધો ઉઠાવાયો. પેલી સ્ત્રીએ ઍરલાઇન્સ પર કેસ ફટકારી દીધો. એક તો સ્ટાફે બરાબર સમયસર દરમ્યાનગીરી ન કરી એ માટે; બીજો, પેલી મમ્મીને સમજાવવાની કોશિશ પણ ન કરી એ માટે અને ત્રીજો, પેલી વિડિયો લેતી વ્યક્તિ સામે કોઈ પગલાં ન લીધાં એ માટે. Negligency in services of airline, invasion of privacy, potential damages જેવા બીજા ચાર્જિસ પણ લગાવી દીધા. તે એક બૅન્કર છે, તેની કરીઅર પર અસર પડી શકે છે એમ કહીને મોટું વળતર પણ માગ્યું છે. તેણે પેલા માણસ સામે પણ કેસ ફટકાર્યો છે, પણ બાળકની મમ્મી સામે કોઈ કેસ ન કર્યો. (સંવેદનશીલ તો છે જ ભાઈ!) આ બધા કેસના ચુકાદાઓ જે પણ આવે, એની અસર/ઇમ્પ્લિકેશન્સ તો લાંબા ગાળાનાં રહેવાનાં જ. ઍરલાઇન કંપનીઓ, મુસાફરો અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ દરેકને અસર તો થશે જ.

સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ ઘટનાનું ત્રીજું પાસું છે ‘મૉરલ પોલિસિંગ’ જે વધુ ચિંતાજનક છે. કોઈએ કોઈ નિર્ણય લીધો, તમને ન ગમ્યો, તરત કૅમેરા ચાલુ ને વિડિયો અપલોડ. ગામના ચોરે ચાલુ ચર્ચા જજમેન્ટમાં ફેરવાઈ જાય છે. શું દરેક ગમા-અણગમાને જાહેર ન્યાયાલયમાં લઈ જવો જોઈએ? તમારા મંતવ્યને જાહેરમાં મૂકતી વખતે ત્રીજી વ્યક્તિનો વિચાર નહીં કરવાનો? આજના સમયમાં ‘સારા માણસ’ની વ્યાખ્યા પણ સોશ્યલ મીડિયા નક્કી કરે છે. આપણે લોકો પાસેથી અભિપ્રાય માગી રહ્યા છીએ કે સહાનુભૂતિ? કે પછી આડકતરી રીતે ફરજ લાદી રહ્યા છીએ? સહાનુભૂતિ ફરજ બની જાય ત્યારે એનું સૌંદર્ય ખોઈ બેસે છે.

બાય ધ વે

તમે શું કરો આવી પરિસ્થિતિમાં? ધારો કે એક લોકપ્રિય નાટક માટે કોઈ થિયેટરમાં પહેલેથી યાદ રાખીને તમે સીટ બુક કરી છે. કદાચ ફ્રન્ટની કે ગૅન્ગ-વે કૉર્નરની કે કોઈ ચોક્કસ રોની તમારી મનગમતી ચોક્કસ સીટ. પડદો ઊઠવાનો જ હોય છે ને એક વૃદ્ધ વ્યક્તિ તમારી પાસે આવીને કહે કે ‘મને અહીં બેસવા દેશો?’ તમે શું કરશો?

columnists exclusive gujarati mid day