ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ

29 December, 2025 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનુષ્ય પરમાત્માને પામી શકે અથવા પોતે કોણ છે એની ઓળખાણ થઈ શકે એટલા માટે તેને મનુષ્ય જન્મ મળ્યો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મનુષ્યને કર્મ કરવા માટે શરીર મળ્યું છે. તેણે પ્રારબ્ધ કર્મો ભોગવવાં પડે છે. મનુષ્યને શું નથી મળ્યું? સમગ્ર પ્રકૃતિ તેની સેવામાં હાજર છે. સમય તેની રાહ જોઈને ઊભો છે. છતાં માણસ હતાશ અને લાચાર કેમ છે એ સમજાતું નથી. નામી-અનામી સંતો અને ભક્તકવિઓ આવા લોકોને પોતાની રચનાઓ દ્વારા ઢંઢોળતા રહે છે. સંતો અને ભક્તકવિઓ કેવી રીતે જીવન જીવવું જોઈએ, જીવનમાં કઈ બાબતમાં જાગૃત રહેવાની જરૂર છે વગેરે માટે તેમને જે કંઈ સૂઝે એ કહેતા રહેતા હોય છે. એક પદ જોઈએ.

ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, 
અબ રૈન કહાં જો સોવત હૈ 
જો સોવત હૈ વો ખોવત હૈ, 
જો જાગત હૈ સો પાવત હૈ 
ટુક નીંદ સે અંખિયાં ખોલ ઝરા, 
ઓ ગાફિલ રબ સે ધ્યાન લગા 
યહ પ્રીત કરન કી રીત નહીં, 
રબ જાગત હૈ તૂ સોવત હૈ
જો કલ કરે સો આજ કર લે, 
જો આજ કરે સો અબ કર લે 
જબ ચિડિયન ખેતી ચુગિ ડાલિ, 
ફિર પછતાએ ક્યા હોવત હૈ

આ પદ મુસાફિર એટલે કે વટેમાર્ગુને સંબોધીને લખાયેલું છે. મનુષ્ય આ જગતમાં આવેલો વટેમાર્ગુ જ છે. જીવન એક યાત્રા છે. મનુષ્ય પરમાત્માને પામી શકે અથવા પોતે કોણ છે એની ઓળખાણ થઈ શકે એટલા માટે તેને મનુષ્ય જન્મ મળ્યો છે. ઈશ્વરે નિશ્ચિત કરેલા વર્ષો સુધી આ પૃથ્વી ઉપર તેણે રહેવાનું છે. કાળનું તેડું આવશે ત્યારે સૌકોઈને અહીંથી ગયા વિના છૂટકો નથી. રબ એટલે ઈશ્વર. ઈશ્વરનું ધ્યાન કરવાનું ચિંતન કરવાનું અતિ આવશ્યક છે, પણ મનુષ્યની પ્રીત કરવાની રીત અવળચંડી છે. ખરેખર તો મર્યાદિત ઊંઘ લીધા પછી જાગીને પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ, એને બદલે ઊલટું થાય છે. પરમાત્મા જાગે છે અને મનુષ્ય ઊંઘતો રહે છે.

શરીરનો ભરોસો નથી, એ પાણીના પરપોટા જેવું છે. એટલે મનુષ્યે જે કાંઈ કરવું હોય એ આજે અથવા આ ઘડીએ કરી લેવું જોઈએ. મનુષ્યજન્મ હરિને ભજવા અને સત્કર્મો કરવા માટે મળ્યો છે. ઘણા લોકો વિચારે છે કે વૃદ્ધાવસ્થામાં ગોવિંદ ભજીશું, સારાં કર્મો, ચૅરિટી વગેરે કરીશું. જેણે યુવાનીમાં સત્કર્મો નથી કર્યાં કે ભક્તિભાવથી ઈશ્વરનું સ્મરણ નથી કર્યું તે વૃદ્ધાવસ્થામાં સંસારનો માર ખાઈને અંગો શિથિલ થઈ ગયા પછી શું કરશે? અત્યારે તો કેટલાક મનુષ્યોનાં રુચિ, અરુચિ, ગમો-અણગમો એટલાં બળવાન બની ગયાં છે કે તેઓ કોઈ પરિસ્થિતિને કે સંયોગને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શકતા નથી અને છતાં પોતે બરાબર છે અને બીજા બરાબર નથી એવું માનીને જે કરતા હોય એ કર્યા કરે છે.

 

- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)

columnists exclusive gujarati mid day