જો તમે ઇચ્છતા હો કે તમારું બાળક આત્મનિર્ભર બને તો અપનાવો પાંડા પેરન્ટિંગ

08 October, 2025 11:38 AM IST  |  Mumbai | Jigisha Jain

બાળકો પોતાના નિર્ણય જાતે લઈ શકે અને આત્મનિર્ભર બને એ માટે ઉપયોગી છે પાંડા પેરન્ટિંગ, જેમાં બાળકને પોતાના નિર્ણયો ખુદ લેવાની પૂરી છૂટ હોય છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય પેરન્ટ્સ ૧૫-૧૬ વર્ષ સુધી બાળકો પર પૂરો કન્ટ્રોલ રાખે છે, જેને લીધે બાળક પોતાના નિર્ણય લઈ નથી શકતું અને પછી તે જ્યારે મોટું થાય ત્યારે કહેવામાં આવે છે કે તું ૧૮ વર્ષનો થઈ ગયો છતાં તને ખબર નથી કે તારે શું બનવું છે. બાળકો પોતાના નિર્ણય જાતે લઈ શકે અને આત્મનિર્ભર બને એ માટે ઉપયોગી છે પાંડા પેરન્ટિંગ, જેમાં બાળકને પોતાના નિર્ણયો ખુદ લેવાની પૂરી છૂટ હોય છે. અહીં માતા-પિતા કહેતાં નથી કે તારે આ માર્ગ પર ચાલવાનું છે કે આમ જ ચાલવાનું છે કે આટલા સમયમાં આટલાં ડગલાં આગળ વધવાનું જ છે, તેઓ ફક્ત જરૂર હોય ત્યાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે અને પૂરો સપોર્ટ આપે છે.

બે વર્ષનું નાનું બાળક રમતું હોય અને ત્યારે તેને જમવા બેસાડો તો તે ના પાડે ત્યારે આપણે સમજીએ છીએ કે એ તો બાળક છે, તેને રમવાનું જ ગમે એટલે ભૂખ થોડી લાગે! અમને ખબર છે કે ખાધાને બે કલાક થઈ ગયા છે. તેને પચી ગયું હશે એટલે તેને મનાવી-પટાવીને જમાડી દઈએ.

પાંચ વર્ષનું બાળક હોય તો સવારે ઉઠાડીને તેને આપણે તૈયાર ન કરીએ તો ક્યાંથી સ્કૂલ માટે સમયસર તૈયાર થાય? તે જાતે કપડાં પહેરી શકે છે પણ બાળક છેને! એટલે રમતે ચડી જાય. એના કરતાં આપણે ફટાફટ તૈયાર કરી દઈએ એટલે સમયસર સ્કૂલ પહોંચી તો જાય.

સાત વર્ષનું બાળક છે. તેને સ્કૂલમાં કોઈએ માર્યું ત્યારે અમને ખૂબ ગુસ્સો આવ્યો. મારું બાળક બિચારું ભોળું છે એટલે ચૂપચાપ માર ખાઈ લીધો. એ બાળક છે, આવા મારફાડ છોકરાઓથી કેવી રીતે ખુદને બચાવી શકે એટલે બીજા દિવસે અમે સ્કૂલમાં જઈને એ બાળકની કમ્પ્લેઇન્ટ કરી આવ્યા.

બાળક દસ વર્ષનું થાય ત્યારે ભણવાનું કેટલું વધી જાય! એમાં તેના મિત્રો કોઈ ખરાબ સંગતના આવી જાય તો બાળક ખોટું બીજા માર્ગે ભટકે. એ તો બાળક છે, તેને સારા-નરસાની ખબર નથી એટલે કોની સાથે મિત્રતા કરવી અને કોની સાથે નહીં એ તેને થોડી ખબર પડે! એટલે ધ્યાન તો રાખવું પડે.

બાળક ૧૫ વર્ષનું થાય ત્યારે તેને કેટલુંય શીખવીએ પણ પોતાનો રૂમ સાફ નહીં જ રાખે. તેનું ધ્યાન તો આપણે જ રાખવાનું. આમ પણ બિચારા પર ભણવાનો એટલો બોજો છે, એમાં આ નાનાં-નાનાં કામ કરવાનો તેની પાસે સમય જ ક્યાં છે. બાળકનું કામ છે ભણવાનું, બસ તે બરાબર ભણે! બાકી તો બધું અમે કરી લઈશું.

હવે બાળક ૧૮ વર્ષનું થયું છે અને પેરન્ટ્સ ફરિયાદ કરે છે. બારમું ધોરણ પતી ગયું પણ હજી તેને ખબર જ નથી કે જીવનમાં કરવું શું છે. કઈ લાઈન લેવી છે કે શેમાં આગળ વધવું છે. અમે આટલું તારું ધ્યાન રાખ્યું, તારી બધી જરૂરત પૂરી કરી; હવે તારે વિચારવું જોઈએ, તને ખબર પડવી જોઈએ કે તારે શું કરવું છે.

૧૮ વર્ષે, બારમું ધોરણ પતી ગયું પછી પણ બાળક કન્ફ્યુઝ્ડ છે. સ્પષ્ટતા નથી કે શું બનવું છે, આગળ શું ભણવું છે, જીવનને કઈ દિશા તરફ લઈ જવું છે. તો શું એની પાછળ બાળક જ જવાબદાર છે કે પછી ૧૮ વર્ષનું પેરન્ટિંગ? ભારતીય માતા-પિતા ૧૫-૧૬ વર્ષ સુધી બાળકો પર પૂરો કન્ટ્રોલ રાખે છે. તેને પૂરેપૂરાં આધીન બનાવીને રાખે છે, જેને લીધે બાળક પોતાના નિર્ણય લઈ નથી શકતું અને પછી તે જ્યારે મોટું થાય ત્યારે કહેવામાં આવે છે કે તું ૧૮ વર્ષનો થઈ ગયો છતાં તને ખબર નથી કે તારે શું બનવું છે? તમે જો ઇચ્છતા હો કે બાળક મોટું થઈને સ્પષ્ટતા કેળવે અને પોતાના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકે તો પહેલેથી તેને આત્મનિર્ભર બનાવવું જરૂરી છે. એ માટે મદદરૂપ પેરન્ટિંગને પાંડા પેરન્ટિંગ કહે છે.

પાંડા પેરન્ટિંગ

પાંડા પેરન્ટિંગ આ નામ પાંડા પ્રાણીના ઉષ્માસભર અને પ્રેમાળ પેરન્ટિંગ પર આધારિત છે જેમાં ઇમોશનલ કનેક્શન, ધીરજ અને સ્પોર્ટિવ વાતાવરણને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. પાંડાની જેમ આ પેરન્ટ્સ એક બૅલૅન્સ ઊભું કરવાની કોશિશ કરે છે. એક એવો બેઝ તૈયાર કરે છે જેના થકી બાળક પોતાની જાતે જીવનમાં એક્સપ્લોર કરી શકે અને શીખી શકે જેમાં તે જ્યારે જરૂર પડે ત્યારે માતા-પિતાનું માર્ગદર્શન અને સપોર્ટ પણ લઈ શકે. અહીં માતા-પિતા બાળકમાં ઉત્સુકતા જગાડે છે અને એ વિશ્વાસ પણ કે તે પોતે વગર કોઈની મદદે તેને જે કરવું છે એ બધું કરી શકે એમ છે. પાંડા પેરન્ટિંગ એ જેન્ટલ અને બાળક સહજ અપ્રોચ છે જે બાળકમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. એમાં બાળકને પોતાના નિર્ણયો ખુદ લેવાની પૂરી છૂટ હોય છે. અહીં બાળક પોતે પોતાની દુનિયા જાતે એક્સપ્લોર કરી શકે છે અને પોતાનો રસ્તો જાતે શોધી એના પર આગળ વધી શકે છે. અહીં માતા-પિતા કહેતાં નથી કે તારે આ માર્ગ પર ચાલવાનું છે કે આમ જ ચાલવાનું છે કે આટલા સમયમાં આટલાં ડગલાં આગળ વધવાનું જ છે. તેઓ માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. બાળક જ્યાં મૂંઝાય ત્યાં તેને સપોર્ટ કરે છે. તેઓ ત્યારે જ બોલે છે કે પોતાનું મંતવ્ય જતાવે છે જ્યારે જરૂરી હોય.

ફ્રીડમ

આઝાદી અને આત્મનિર્ભરતા એ બન્ને એકબીજાના પર્યાય છે. બાળક જેટલું આઝાદ એટલું તે આત્મનિર્ભર બને છે. મોટા ભાગનાં માતા-પિતા માનતાં હોય છે કે એક ઉંમર પછી આઝાદી શરૂ થાય. પણ એવું નથી, એમ સમજાવતાં પેરન્ટિંગ કોચ અમિત શાહ કહે છે, ‘બાળક જન્મે અને માનું દૂધ પીવાનું શરૂ કરે, એક મહિનાની અંદર તે વ્યવસ્થિત દૂધ પીતું થઈ જાય ત્યારે તેને દર બે કલાકે ફીડિંગ આપવાનું હોય છે. એ સમયે ઘડિયાળના કાંટે ફીડ કરાવવા કરતાં બાળક ભૂખ્યું થાય, તે ખુદ માગે ત્યારે ફીડ કરાવવું જોઈએ. આ રીતે તે જ્યારે ફીડ લેશે ત્યારે તેનું પોષણ અને તેનો સંતોષ બન્ને બેસ્ટ કક્ષાનાં હશે. ફ્રીડમ અહીંથી શરૂ થાય છે. ફ્રીડમ અમુક ઉંમર પછી અપાતી વસ્તુ નથી, એ પ્રોસેસ છે જે બાળકના જન્મથી જ શરૂ થઈ જાય છે. એ નાનું છે, તેને સમજાય નહીં, તે બાળક છે, તેને ખબર ન પડે એમ સમજીને તેને તમે જીવનભર પરાવલંબી બનાવી દેશો. ઉંમર પ્રમાણે સમજ આવતી જાય છે એ વાત સાચી, પણ સમજને આવવા દેવા માટે પણ સ્પેસ જોઈશે; એ માટે નિર્ણય લેવાની આઝાદી અને પોતાનું કામ જાતે કરવાની ફરજ બન્ને જરૂરી છે.’

ક્યારે શક્ય છે?

માતા-પિતા બાળકને ફ્રીડમ ક્યારે આપી શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં અમિત શાહ કહે છે, ‘જ્યારે તેમનામાં ધીરજ હોય ત્યારે. બાળકને કોઈ પણ રીતે જિતાડવાની ઘેલછા ન હોય ત્યારે. પર્ફેક્ટ બનાવવાની લાય ન હોય ત્યારે. તો પછી બાળકને ઉંમર પ્રમાણે ફ્રીડમ કઈ રીતે આપી શકાય? દરેક ઉંમરે તેને થોડી-થોડી જવાબદારી આપીને, કારણ કે ફ્રીડમ અને જવાબદારી બન્ને એકસાથે ચાલે છે. બે વર્ષના બાળકને ભલે તમે હાથેથી જમાડો, પણ એક વાટકામાં ભાત ભરીને જાતે ખાવા આપી શકાય. દસ વર્ષના બાળકને તેનો રૂમ જાતે સાફ કરવાની ફરજ આપી શકાય. એના પરથી તેનો રૂમ તેને કેવો બનાવવો છે એ ફ્રીડમ તેને મળે છે. ૧૫ વર્ષના બાળકને પોતાનું વેકેશન જાતે પ્લાન કરવા દ્યો. આમ નાની-નાની બાબતોના નિર્ણયો તેને જાતે લેવા દઈને તેના પર તેની ખુદની જવાબદારી મૂકી શકાય.’

માતા-પિતાનો રોલ શું?

માતા-પિતા બાળકના જીવનના ગાઇડિંગ ફૉર્સ છે પણ આ ગાઇડન્સ ત્યારે આપવું જ્યારે તેને જરૂર હોય. એ વિશે વાત કરતાં અમિત શાહ કહે છે, ‘બાળકને તમે મૅથ્સ ભણાવી રહ્યા છો. એક દાખલો ખૂબ અઘરો છે એ તમને ખબર છે. તમને એ પણ ખબર છે કે તેને નહીં આવડે. પણ સામેથી આ દાખલો અઘરો છે એટલે હું તને કરાવી દઉં એમ કહેવાને બદલે તેને પ્રયત્ન કરવા દ્યો. જીવનમાં એક્સપ્લોરેશન કરતું ધબકતું બાળક ઉછેરો. એક મહત્ત્વની આઝાદી તેને બોલવામાં આપો. તે તમને બધું જ કહી શકે એની આઝાદી. આથી તે જ્યારે અટકશે ત્યારે હકથી તમારી મદદ માટે દોડતું આવશે. જ્યારે તે બધી વાત કરતું હશે ત્યારે તમારી અને તેની વચ્ચેનું કનેક્શન એકદમ સરસ સધાશે જેથી સારા-નરસાની સમજ એની મેળે તેનામાં આવશે. મારો અનુભવ એ છે કે જે બાળકોને તેનાં માતા-પિતાએ પૂરી ફ્રીડમ સાથે ઉછેર્યાં છે એ બાળકોએ આ ફ્રીડમનો દુરુપયોગ ક્યારેય નથી કર્યો. પરંતુ અમુક માતા-પિતા ફ્રીડમનો દેખાડો કરે છે, ખરેખર ફ્રીડમ આપતાં નથી. જ્યારે તમે ખરી ફ્રીડમ આપશો ત્યારે તમારે તેના જીવનમાં જાસૂસી કરવાની જરૂર નહીં પડે. તે સામેથી આવીને બધું તમને કહેશે, કારણ કે એ ફ્રીડમ દ્વારા તમે તમારી બન્ને વચ્ચે એક વિશ્વાસનો સેતુ સ્થાપ્યો છે જે તમારા સંબંધની મજબૂતીનું પ્રતીક છે.’

columnists exclusive gujarati mid day Jigisha Jain