20 November, 2024 07:25 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારત જેમ-જેમ પ્રગતિ કરતું જાય છે એમ એની વસ્તીમાં પણ વધારો થતો જાય છે. જેમ-જેમ ભારતની વસ્તીમાં વધારો થતો જાય છે એમ-એમ વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. ભારતે ભલે પ્રગતિ કરી હોય પણ હાલમાં જેટલી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ખેવના ધરાવે છે એટલી સંખ્યામાં ભારતમાં યુનિવર્સિટીઓ નથી.
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ કમ્પ્યુટર પ્રોફેશનલ બનવાની ઇચ્છા સેવે છે, પણ એ માટે જરૂરી યુનિવર્સિટીઓ ઓછી છે એથી અનેક ભારતીયો ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ તરફ દૃષ્ટિ કરે છે અને ઉચ્ચ શિક્ષણની બાબતમાં આજે અમેરિકા સૌથી મોખરે છે એટલે ભારતીય વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેનું પહેલું લક્ષ્ય અમેરિકા હોય છે. અમેરિકાની યુનિવર્સિટીઓનું ભણતર ખૂબ મોંઘું છે પણ એનું શિક્ષણ ઉત્તમ છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ભણ્યા હોવાને લીધે વિશ્વમાં બધે જ એ વિદ્યાર્થીને નોકરીની તક સાંપડે છે. આ કારણસર છેલ્લા થોડા સમયથી દર વર્ષે ભારતમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અમેરિકાની જુદી-જુદી યુનિવર્સિટીમાં જાય છે.
અમેરિકાની કોઈ પણ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો ભારતીય વિદ્યાર્થીએ સૌપ્રથમ તેને અંગ્રેજી ભાષા બરાબર આવડે છે એ દેખાડી આપવાનું રહે છે. એ માટે તેણે ટોફેલ યા આઇલ્ટ્સની પરીક્ષા આપવાની રહે છે. જો તેઓ બૅચરલનો કોર્સ કરવા અમેરિકા જતા હોય તો સેટની પરીક્ષા આપવાની રહે છે. માસ્ટર્સનો કોર્સ કરવા જતા હોય તો જીમેટ યા GREની પરીક્ષા આપવાની રહે છે. તેઓ અમેરિકામાં જ શા માટે? જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની અરજી કરી રહ્યા છે એ જ યુનિવર્સિટીમાં જ શા માટે? ભણી રહ્યા પછી શું કરવાનો ઇરાદો છે? અત્યાર સુધી તેમણે શું કર્યું છે? આ બધું જણાવતો એક નિબંધ પણ જાતે લખીને અરજી સાથે મોકલવાનો રહે છે.
હવેથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતી વખતે એ પણ જણાવવાનું રહે છે કે તેમની ટ્યુશન-ફી અને અન્ય ખર્ચા કોણ પૂરા પાડશે? એને લગતા પુરાવા પણ આપવાના રહે છે. યુનિવર્સિટી પ્રવેશ આપે પછી તેમણે સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર્સ ઇન્ફર્મેશન સર્વિસિસ જે સેવિસના નામે ઓળખાય છે એમાં પોતાની જાતને રજિસ્ટર કરાવવાની રહે છે. પછી તેમના દેશમાં આવેલી અમેરિકન એમ્બેસી યા કૉન્સ્યુલેટમાં F-1 સંજ્ઞા ધરાવતા નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના વીઝા મેળવવા માટે ઇન્ટરવ્યુ આપવાનો રહે છે. અમેરિકામાં ભણવું હોય તો આ બધી તૈયારી કરવાની રહે છે.