સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે

26 July, 2026 05:44 PM IST  |  Mumbai | Hiten Anandpara

સૂરજને ઘરમાં લાવવાની વાત લાખો લોકો માટે સાકાર થવા જઈ રહી છે. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરીને ત્યાં પાકાં મકાનો ઊભાં થવાનાં છે. જેને ખોલી કહેવાય છે એ થોડાં વર્ષો પછી ઘર કહેવાશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

યુદ્ધને કારણે કેટલા લાખોની સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામ્યા છે. એક અંદાજ પ્રમાણે રશિયાએ સવાબે લાખથી વધુ અને યુક્રેને પંચાવન હજારથી વધુ સૈનિકો ગુમાવ્યા છે. ઘાયલ સૈનિકોની સંખ્યા તો અલગ. ૪ વર્ષના ગાળા પછી હજી આ યુદ્ધ દિવસે ન વધે એટલું રાતે વધી રહ્યું છે. પારાવાર નુકસાન થયું હોવા છતાં બન્ને પક્ષ હથિયાર હેઠાં મૂકવા તૈયાર નથી. વર્ષોની મહેનત બાદ ઊભું કરેલું માળખું કડડડભૂસ થઈ રહ્યું છે. હેલ્પર ક્રિસ્ટી લાચારી વ્યક્ત કરે છે...

બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં

આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ
એકડાને જોડતાં વર્ષો વહી ગયાં

સૂરજને ઘરમાં લાવવાની વાત લાખો લોકો માટે સાકાર થવા જઈ રહી છે. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરીને ત્યાં પાકાં મકાનો ઊભાં થવાનાં છે. જેને ખોલી કહેવાય છે એ થોડાં વર્ષો પછી ઘર કહેવાશે. ધારાવી ઝૂંપડપટ્ટી અંદાજે ૨.૧-૨.૫ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલી છે જેમાં સરકારી અંદાજ મુજબ સાતથી ૧૦ લાખ લોકો વસે છે. યુરોપમાં મોનૅકો નામનો દેશ છે જેનો વિસ્તાર ૨.૦૮ સ્ક્વેર કિલોમીટર છે, જેમાં ચાલીસેક હજાર લોકો રહે છે. તમે વિચારી શકો છો કે કીડી-મંકોડાની જેમ એક આખી આબાદી મુંબઈમાં જીવે છે. ઉર્વીશ વસાવડા એવી સ્થિતિની વાત કરે છે જેમાં શ્વાસ ચાલે છે પણ જીવન સ્થગિત થઈ ગયું છે...

ચિત્કાર જેવું કૈંક છે પ્રત્યેક શ્વાસમાં
ને કમનસીબે કોઈ નથી આસપાસમાં
વર્ષો વીતી ગયાં, છતાં ઓળખી શક્યો
એવું ફરે છે કોણ મારા લિબાસમાં?

સ્કૂલના જૂના મિત્રો મળે ત્યારે ઘણી વાર આશ્ચર્ય થાય. કેટલાક મિત્રોનો ચહેરો એવો ને એવો લાગે, જ્યારે કેટલાક મિત્રોનો ચહેરો એવો બદલાયેલો હોય કે ઓળખાય પણ નહીં.સમયના ચાસ ચહેરા પર પડતા હોય છે. જીવનનો સંઘર્ષ ચહેરા પર પોતાની છાપ છોડે છે. અશોક ચાવડા ‘બેદિલ’ શહેરવાસીની સમસ્યા આલેખે છે...

બ્હારથી એકદમ સલામત છું
માત્ર છે નાસભાગ અંદરથી

દૃશ્ય સઘળાં થઈ ગયાં છે સ્થિર
મોકો છે જાગ અંદરથી

અંદરથી જાગવાની વાત જવા દઈએ. અહીં તો રાતે પણ સરખી ઊંઘ નથી આવતી. ઉંમર સિવાય પણ અનેક કારણો છે જે નિરાંતે સૂવા નથી દેતાં. જે લોકો લિન્ક રોડ જેવા ધમધમતા રસ્તાની નજીક રહેતા હોય તેમણે ૨૪ કલાક વાહનોનો અવાજ સહન કરવો પડે છે. ઘણી સોસાયટીમાં રાતે કૂતરાઓના ઝઘડા ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. યુક્રેન અને ઈરાનમાં ડ્રોન અને મિસાઇલના રાત્રિ-હુમલાઓને કારણે લોકોની ઊંઘ વેરણછેરણ થઈ જાય છે. ટૂંકમાં, જાગવાનું જરૂર થાય છે, પણ એમાં જાગૃતિનો અંશ હોતો નથી. હરકિસન જોષી જિંદગીની બદહાલી નિરૂપે છે...

પહોંચી ગયાં છે ઘર લગી વેરાન રણ હવે
ચોપાસ ઝાંઝવાનું છે વાતાવરણ હવે

ઊપસી શક્યાં ચિત્ર દીવાલો ઉપર કદી
ધુમ્મસ બની ગયાં છે સકળ સંસ્મરણ હવે

જિંદગી મૂલ્ય ગુમાવી બેઠી છે ને મોત સસ્તું થઈ ગયું છે. માંદગીને કારણે મૃત્યુ થાય એ જુદી વાત છે; પણ અકસ્માતો, આફતો, હોનારતો, હુમલાઓને કારણે જિંદગી થંભી જવાના કિસ્સા વધી રહ્યા છે. ઉનાળામાં ગરમીને કારણે સમૃદ્ધ કહી શકાય એવા યુરોપમાં ૨૦૨૩ની હીટવેવમાં સિત્તેર હજાર લોકો ગરમીને કારણે મરી ગયા હતા. રાહી ઓધારિયા સરી જતી જિંદગીને સંકોરે છે...

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો, કહું છું તમને હું મારા મર્યાની વાત

વળગણ બધાંય છૂટી ગયાં તમને જોઈને
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત

૨૦૧૯થી ૨૦૨૬ દરમ્યાન જ્યાં પાંચ વડા પ્રધાન બદલાયા છે એ બ્રિટનના કવિ પંચમ શુક્લની વાત સાથે વિરમીએ...

હું સ્વયં થઈ ગયો છું તારા પગનો અંગૂઠો
નખ ઉતરડી દઉં - કહે તો, વારસામાં કૈં નથી

વિસ્મયો, કરામતો ને કામના શમી ગયાં
ગૈ હથેળીથી લકીર, હાદસામાં કૈં નથી

લાસ્ટ લાઇન

મારી બધી નસોમાં વ્યાપીને ગયાં છે
કેવું મજાનું સ્થાનક સ્થાપીને ગયાં છે

કેવી રીતે કહું કે શ્રાપીને ગયાં છેશાશ્વત પીડા સ્મરણની આપીને ગયાં છે

આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ
સંગાથે થોડું અંતર કાપીને ગયાં છે

છે ખાતરી કે ચૂસકી ભૂલી નહીં શકે મીઠી કડક પ્રણયની ચા પીને ગયાં છે

કેવી રીતે ઉતારું હું ઋણ એમનું ?
મહોબતની મોંઘી મિલકત આપીને ગયાં છે

- રાજેશ હિંગુ

columnists hiten anandpara lifestyle news life and style gujarati mid day