✕

રોકાણ વધારો, ફક્ત બેસ્ટ ફન્ડ ન શોધો

11 October, 2026 05:10 PM IST  |  Mumbai | Rajendra Bhatia

પણ આખી સફર જુઓ. ૧૯૬૫થી ૨૦૨૫ સુધી બર્કશરનું પ્રતિ શૅર મૂલ્ય વાર્ષિક ૧૯.૭ ટકાના દરે વધ્યું છે, જ્યારે S&P 500 ઇન્ડેક્સ (ડિવિડન્ડ સાથે) માત્ર ૧૦.૫ ટકાના દરે વધ્યો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

‘વરુણ, હું કયા મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરું જેથી સૌથી વધુ વળતર મળી શકે?’ આ સવાલ લગભગ દરેક રોકાણકાર પૂછે છે. જોકે લોકોને સંપત્તિના સર્જનમાં મદદ કરવાના વર્ષોના અનુભવ પછી લાગે છે કે એક વધારે મહત્ત્વનો સવાલ છે : ‘હું કેટલું વધારે રોકાણ કરી શકું અને કેટલા લાંબા સમય માટે?’

લોકો પર્ફેક્ટ ફન્ડ, પર્ફેક્ટ એન્ટ્રી-ટાઇમિંગ કે એક્ઝિટ-ટાઇમિંગ શોધવામાં ભરપૂર શક્તિ વાપરી કાઢે છે. જોકે જેઓ ખરેખર મોટા પ્રમાણમાં સંપત્તિ રળે છે તેઓ માર્કેટને ટાઇમ કરવામાં એક્સપર્ટ નથી હોતા. તેઓ સતત રોકાણ કરતા રહે છે, આવક વધે એમ રોકાણ પણ વધારતા રહે છે, ખરાબ સમયમાં પણ બજારમાં ટકી રહે છે અને કમ્પાઉન્ડિંગને પોતાનું કામ કરવા દે છે.

જગવિખ્યાત રોકાણકાર વૉરન બફેટની બર્કશર હૅથવેનું ઉદાહરણ લઈએ. લગભગ ૬ દાયકામાં બર્કશરે જબરદસ્ત ઉછાળા પણ જોયા અને રસાતાળ પણ. ૧૯૯૯માં S&P 500 ઇન્ડેક્સ ૨૧ ટકા વધ્યો ત્યારે બર્કશરના શૅર ૧૯.૯ ટકા ઘટ્યા હતા. ૨૦૦૮માં બર્કશરનો ઘટાડો ૩૧.૮ ટકા રહ્યો. ૨૦૧૫માં ઇન્ડેક્સ ૧.૪ ટકા વધ્યો ત્યારે બર્કશર ૧૨.૫ ટકા ઘટ્યો. ઘણાં વર્ષોમાં બર્કશરનો પર્ફોર્મન્સ માર્કેટ કરતાં નબળો જ રહ્યો.

પણ આખી સફર જુઓ. ૧૯૬૫થી ૨૦૨૫ સુધી બર્કશરનું પ્રતિ શૅર મૂલ્ય વાર્ષિક ૧૯.૭ ટકાના દરે વધ્યું છે, જ્યારે S&P 500 ઇન્ડેક્સ (ડિવિડન્ડ સાથે) માત્ર ૧૦.૫ ટકાના દરે વધ્યો.

આનો અર્થ એ નથી કે દરેકે બર્કશરમાં જ રોકાણ કરવું જોઈએ. વાત એ છે કે જો તમે સારી ઍસેટમાં લાંબા સમય સુધી, અલગ-અલગ માર્કેટ સાઇકલમાં ટકી રહો તો સમય અને કમ્પાઉન્ડિંગ તમને ઘણો મોટો લાભ અપાવી શકે છે.

જે રોકાણકાર દર વખતે ‘શું આ રોકાણ કરવાનો સાચો સમય છે?’ એવું પૂછતો રહે છે તેને દરેક કરેક્શન વખતે શંકા થતી હોય છે, દરેક ખરાબ વર્ષે ફન્ડ બદલવાનું મન થાય છે અને દરેક તેજી વખતે બીજું કંઈક પકડવાનું મન થતું હોય છે.

એને બદલે એક સાદો મંત્ર અપનાવો : વધુ રોકાણ કરો. પગાર વધ્યો? SIP વધારો. બિઝનેસમાં નફો વધ્યો? થોડું વધારે રોકાણ કરો. કોઈ ફાઇનૅન્શિયલ ગોલ દૂર જતો લાગે? વધુ વળતર આપતી પ્રોડક્ટ શોધવાને બદલે રોકાણની રકમ વધારો.

માત્ર થોડું વધારે વળતર શોધવા કરતાં રોકાણની રકમ વધારવાથી આખરે ભેગી થતી સંપત્તિ વધી જતી હોય છે.

રોકાણનો હેતુ દર વર્ષે જીતવાનો નથી, બફેટ પણ દર વર્ષે નથી જીત્યા. હેતુ છે લાંબા ગાળે સારી ઍસેટ્સના વિકાસમાં ભાગીદાર બનવાનો અને કમ્પાઉન્ડિંગને પૂરતો સમય આપવાનો.

આનો અર્થ એ નથી કે રોકાણની ગુણવત્તા, વૈવિધ્યકરણ (ડાઇવર્સિફિકેશન), ઍસેટ ઍલોકેશન કે જોખમ તરફ આંખ આડા કાન કરીએ. યોગ્ય રોકાણ પસંદ કરવું જરૂરી છે જ, પરંતુ એક વાર સારો પોર્ટફોલિયો બની ગયા પછી વારંવાર નવા ‘વિનર’ ફન્ડ પાછળ દોડવાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે થતું હોય છે.

columnists finance news mutual fund investment share market stock market gujarati mid day