વર્ચ્યુઅલ સંબંધો છોડો, રિયલ ફ્રેન્ડ્સ સાથે હૅન્ગઆઉટ કરો

31 August, 2026 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેંકડો ફૉલોઅર્સ અને લાઇક્સ વચ્ચે પણ એકલતા વધી રહી છે. સાચા સંબંધો સ્ક્રીન પર નહીં, પરંતુ સાથે બેસીને વાતો કરવામાં, એકબીજાને સમજવામાં અને મુશ્કેલીમાં સાથ આપવામાં બને છે.

ભક્તિ સંઘવી

આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં લોકો સાથે જોડાવું એકદમ સરળ થઈ ગયું છે. આંગળીનાં ટેરવે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતી વ્યક્તિને સંદેશ મોકલી શકીએ છીએ, ફોટોગ્રાફ્સ શૅર કરી શકીએ છીએ, સેંકડો લોકોને ફૉલો કરી શકીએ છીએ. સોશ્યલ મીડિયાએ આપણને નજીક લાવી દીધા છે છતાં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન રહે છે કે શું આપણે ખરેખર એકબીજા સાથે જોડાયેલા છીએ? સેંકડો ફૉલોઅર્સ હોવાનો અર્થ એ નથી કે આપણા સેંકડો મિત્રો છે. કોઈ વ્યક્તિને અસંખ્ય લાઇક્સ અને કમેન્ટ્સ મળે છે છતાં દિવસના અંતે તે એકલતા અનુભવે છે. સોશ્યલ મીડિયા આપણને લોકોની વચ્ચે હોવાનો અનુભવ તો કરાવે છે, પરંતુ આ સંબંધો રિયલ લાઇફમાં કેટલા ઉપયોગી છે? સાચી મિત્રતા સ્ક્રીન પર નથી બનતી. એના માટે ઑફલાઇન મળવું પડે. મિત્રને સાંભળવો, સમજવો, મુશ્કેલ સમયમાં સાથ આપવો અને જ્યારે જરૂર હોય ત્યારે તેના પડખે ઊભા રહેવું એ મિત્રતાની સાચી વ્યાખ્યા છે જેને આપણે ભૂલતા જઈએ છીએ. 
ઑનલાઇનની દુનિયામાં જેટલા ખૂંપતા જઈએ, દેખાડો કરવાની ટેવ વધતી જાય. પોસ્ટમાં દેખાતી વ્યક્તિ ખુશ, સફળ અને પાર્ટીઓમાં વિહરતી હોય ત્યારે આપણને પોતાનું જીવન નીરસ લાગે છે. આના કારણે અસુરક્ષાની લાગણી વધે છે. મારી પોસ્ટને કેટલા લોકોએ લાઇક કરી અથવા મારા કરતાં તેના ફૉલોઅર્સ વધુ કેમ છે? આ બાબતો મગજમાં ફર્યા કરે પછી આપણે બીજા માટે જીવવા લાગીએ છીએ. બધાને પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે. એ માનવસ્વભાવ છે, પરંતુ ફૉલોઅર્સની સંખ્યા અને લાઇક્સ મિત્રતાની સાચી વ્યાખ્યા નથી કે નથી તમારી લોકપ્રિયતાનો માપદંડ. વર્ચ્યુઅલ દુનિયાથી બહાર નીકળીને રિયલ હૅન્ગઆઉટ કરવાની મજા લેવાનો સમય આવી ગયો છે. જન્મદિવસના વૉટ્સઍપ મેસેજને સાઇડમાં રાખીને મિત્રના ઘરે પહોંચી જાઓ, સરપ્રાઇઝ આપો. અરે, બાંકડે બેસીને થોડી વાર વાતો તો કરો. આવા નાના પ્રયાસો સંબંધોને મજબૂત બનાવે છે. ઘણી વાર તું કેમ છે? બધું બરાબર ચાલે છેને? આટલા શબ્દોની જ જરૂર હોય છે. આ વાત માત્ર મિત્રતાના સંબંધમાં જ લાગુ નથી પડતી. આજે લોકોને ઑફલાઇન ભેગા કરવા એ ટાસ્ક બની ગયો છે. સામાજિક સંસ્થાઓ અને મંડળો આ દિશામાં શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. વારતહેવારે આયોજિત કાર્યક્રમો માત્ર દેખાડો કરવા માટે નથી હોતા, લોકો એકબીજા સાથે જોડાય એવો એનો હેતુ છે. મોબાઇલને સાઇડમાં મૂકીને આવા કાર્યક્રમોને ભરપૂર માણો અને વાસ્તવિક દુનિયા સાથે કનેક્ટેડ રહો. 

columnists social media social networking site instagram facebook whatsapp relationships exclusive gujarati mid day