કંકાસ ટેક્નૉલૉજીનો : દાદા ખરાબ હતા નહીં અને દાદા ખરાબ છે નહીં એ ક્યારેય ભૂલતા નહીં, પ્લીઝ

01 October, 2022 11:20 AM IST  |  Mumbai | Manoj Joshi

આપણે ત્યાં ટેક્નૉલૉજીનો જેટલો સદુપયોગ થાય છે એના કરતાં એનો દુરુપયોગ વધારે થાય છે અને એનો ગેરલાભ સૌથી વધારે લેવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આમ તો વારંવાર એવું કહેવામાં આવે છે કે મહેરબાની કરીને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે તો એ રિસીવ નહીં કરો અને એ પછી પણ એ ભૂલ થતી જ રહે છે અને એ થાય જ. તમે સહજ રીતે પણ અજાણ્યા નંબરનો ફોન રિસીવ કરી લો. એવું ધારીને પણ થઈ જાય કે આપણી કોઈ અંગત વ્યક્તિ એવી હશે જેને ક્યાંક જરૂર પડી હશે. પોતાનો ફોન લાગતો નહીં હોય, બગડી ગયો હશે કે પછી એ જ વ્યક્તિને કંઈક થયું હશે અને એટલે તેમના વતી કોઈએ ફોન કર્યો હશે. આવું ધારીને પણ તમે અજાણ્યો નંબર રિસીવ કરી લો અને એ રિસીવ કર્યા પછી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય કે તમે કોઈની સામે આંખ પણ ન ઊંચી કરી શકો એ ક્યાંનો ન્યાય, ક્યાંની રીત?

આપણે ત્યાં ટેક્નૉલૉજીનો જેટલો સદુપયોગ થાય છે એના કરતાં એનો દુરુપયોગ વધારે થાય છે અને એનો ગેરલાભ સૌથી વધારે લેવામાં આવે છે. અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. માણસના હાથમાં મોબાઇલ આવ્યો ત્યારથી તેણે એનો ગેરલાભ લેવાનું શરૂ કરી દીધું છે. .

ટે​ક્નિકલ બાબતોમાં આપણે ત્યાં બહુ મોટો વર્ગ એવો છે જે પછાત છે અને કાં તો અર્ધ-પછાત છે અને એને લીધે એનો ગેરલાભ લેનારો વર્ગ બહુ નાની માત્રામાં હોય છે તો પણ એનો પ્રકોપ બહુ મોટો બની જાય છે. ફાઇનૅન્સથી માંડીને સેક્સ જેવી બાબતમાં આ વર્ગ ટેક્નૉલૉજીનો મિસયુઝ કરે છે અને મિસયુઝના આધારે એ લોકોને એવી શરમજનક અવસ્થામાં મૂકી દે છે જે, જે-તે વ્યક્તિના જીવનમાં ઝંઝાવાત લાવીને ઊભો રહી જાય છે. કહેવાનું તાત્પર્ય એ જ કે માણસ ક્યારેય ખોટો નથી હોતો, એનો ઉપયોગ ખોટી રીતે થઈ જતો હોય છે.

છેલ્લા થોડા સમયથી વૉટ્સઍપ વિડિયો-કૉલના નામે એવી-એવી રમત કરવામાં આવે છે કે માણસ ત્રાસી જાય અને એવું જ બનવા માડ્યું છે. ઝારખંડમાં ૬૦ વર્ષના એક મહાશયે ગયા વીકમાં સુસાઇડ કર્યું અને એવું જ વડોદરામાં પણ બન્યું. એક વિડિયો-કૉલ તેમને એવો આવ્યો જેને લીધે આ બન્ને મહાનુભાવોએ સુસાઇડ કરવાનું પગલું ભરી લીધું. ખબર પણ નહોતી એ બિચારાને કે આવનારા વિડિયો-કૉલમાં શું થવાનું છે. તેમણે તો અજાણ્યા નંબરનો વિડિયો-કૉલ રિસીવ કર્યો અને રિસીવ કરેલો એ કૉલ માંડ દસ સેકન્ડ માટે આંખ સામે રાખ્યો. સ્ક્રીન પર દેખાતાં અભદ્ર અને બીભત્સ દૃશ્યો જોઈને તેમના મનમાં કોઈ જુગુપ્સા જાગી નહોતી કે પછી તેમના મનમાં કોઈ વિકૃતિએ પણ જન્મ નહોતો લીધો. એ બિચારાએ તો ગંદાં દૃશ્યો જોઈને તરત જ ફોન કટ કરી નાખ્યો, પણ એ પછી જે બન્યું એ વાતે તેમના હાંજા ગગડાવી નાખ્યા. તેમનાં બાળકોથી માંડીને પૌત્ર-પૌત્રીને એ વિડિયો મોકલવામાં આવ્યો અને એ લોકોએ તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. વાત પણ થઈ અને વાત થઈ એમાં જ ખુલાસો થયો કે દાદા તમે કેવા ખરાબ છો. દાદાના ખુલાસાને પણ જરા જાણવાની કોશિશ કરો અને એ પણ જાણવાની કોશિશ કરો કે દાદા ક્યાં ખરાબ નથી અને ક્યારેય ખરાબ હતા જ નહીં. તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ ટેક્નૉલૉજીની બાબતમાં અજાણ હતા.

columnists manoj joshi