અખૂટ સંપત્તિ કે અખૂટ શાંતિ? જીવનના સૌથી મોટા પ્રશ્નનો જવાબ શું છે?

02 February, 2026 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુનિયામાં કેટલાક મનુષ્યો એવા હોય છે જે પોતાના વાક્ચાતુર્યથી બીજાની ઉપર પોતાનો પ્રભાવ નાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરે છે, પરંતુ સાદગીવાળી વ્યક્તિ પોતાના શાંત અને સરળ વર્તનથી બધાની ઉપર પોતાની છાપ છોડી દે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એ એક નિર્વિવાદ હકીકત છે કે આધુનિકીકરણના ઝગમગાટમાં આંધળો થઈ ગયેલો મનુષ્ય આજે સાદગી જેવા અતિ આવશ્યક સંસ્કારને જાણે સાવ જ ભૂલી બેઠો છે, ત્યારે જ તો આ અંધત્વમાંથી તેને મુક્ત કરવા માટે ઋષિ-મુનિઓને ખાસ કળયુગી વાતારણ વચ્ચે આવવું પડે છે.

આમ તો વિશ્વના ઇતિહાસમાં સાદગીનાં ઘણાં ઉદાહરણો આપણને જોવા મળશે; પરંતુ ભારતમાં મહાત્મા ગાંધી, મધર ટેરેસા, વિનોબા ભાવે જેવી હસ્તીઓ વિનમ્રતા અને સાદગીનાં શ્રેષ્ઠ અને પ્રેરણાદાયી ઉદાહરણો છે જેમણે પોતાની વૃત્તિ અને કર્મો દ્વારા બધાને સાદગીનો પાઠ ભણાવ્યો. દુનિયામાં કેટલાક મનુષ્યો એવા હોય છે જે પોતાના વાક્ચાતુર્યથી બીજાની ઉપર પોતાનો પ્રભાવ નાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરે છે, પરંતુ સાદગીવાળી વ્યક્તિ પોતાના શાંત અને સરળ વર્તનથી બધાની ઉપર પોતાની છાપ છોડી દે છે. તેમનો અંતરાત્મા ક્યારેય ઉન્મત્ત નથી થતો અને પરિસ્થિતિવશ ક્યારેય ક્ષુબ્ધ પણ નથી થતો. આવા મનુષ્યો સુસંગતતા-પ્રતિકૂળતા બન્નેમાં સંયમિત રહે છે. ઉપરોક્ત જ્ઞાનયુક્ત વાતોને સાંભળ્યા બાદ પ્રવૃત્ત લોકોનો પહેલો પ્રશ્ન એ હોય છે કે ‘શું સાદગીને ધારણ કરવાને માટે અમે અમારી બધી ભૌતિક સંપત્તિ, ઘર અને કુટુંબીઓનો ત્યાગ કરીને સાધુ બની જઈએ?’ આનો જવાબ છે, જરાય નહીં. પણ એની પહેલાં આપણે પોતાની યથાર્થ ભૌતિક સંપત્તિના સ્વરૂપ ઉપર નજર નાખીએ, ત્યાર બાદ બીજી બધી વાતોનો વિચાર કરીએ.

આ તો આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક જીવાત્માનું પોતાનું શરીર તેની પહેલી ભૌતિક સંપત્તિ છે જેમાં આત્મા વસવાટ કરે છે; પરંતુ આપણે ન સ્વયંના ભૌતિક, વિનાશી, શારીરિક વસ્ત્રના અભિમાનમાં ફસાવાનું છે અને ન કોઈ અન્યનાં આવાં જ વસ્ત્રના મોહમાં અટકાવું જોઈએ. આપણી બીજી ભૌતિક સંપત્તિ એટલે આપણું મકાન કે નિવાસસ્થાન જે પાંચ તત્ત્વોનું બનેલું જડ માળખું છે, પરંતુ એમાંથી ‘મારું મકાન’વાળી ભાવનાનો ત્યાગ કરીને માત્ર સાધન માનીને આપણે એમાં રહેવાનું છે. અને આપણી ત્રીજી ભૌતિક સંપત્તિ એટલે પૈસા, ઘરેણાં વગેરે જેને આપણે કબાટની અંદર તિજોરીમાં અથવા તો બૅન્કમાં સાચવીને રાખીએ છીએ. હવે આ વિચારવા યોગ્ય વાત છે કે જરૂરિયાત કરતાં વધારે પૈસા બૅન્કની અંદર જ આજીવન પડ્યા રહે છે અને મનુષ્ય કલ્પનામાં જ એના વિશે વિચારીને ખુશ થતો રહે છે. જોકે તેની આવશ્યકતાઓ તો થોડાક પૈસા દ્વારા જ પૂરી થઈ જાય છે, પરંતુ સારી સમજ કે સદવિવેકના અભાવે ભેગી કરેલી અખૂટ સંપત્તિના કારણે તે ઊંધાંચત્તાં કર્મોનો હિસાબ બનાવી બેસે છે જેનું પરિણામ તેને ભવિષ્યમાં પીડા અને દુઃખના રૂપમાં ભોગવવું પડે છે. આની સરખામણીએ એક સાદગીસંપન્ન મનુષ્ય ‘અખૂટ વિનાશી સંપત્તિ’ને બદલે પરમાત્માના સાંનિધ્યની અખૂટ અવિનાશી સંપત્તિનો લાભ લે છે અને તેનું મન ‘મનમનાભવઃ’ સ્વરૂપ, મતિ ‘શ્રીમત’ સ્વરૂપ અને સંસ્કાર (સ્મૃતિ) ‘સાદગી’ સ્વરૂપ બનીને આત્માને સંપૂર્ણતાની અનુભૂતિ કરાવે છે. હવે આ નક્કી તો દરેકે પોતપોતાની રીતે  કરવાનું છે કે તેમને કેવું જીવન જીવવું છે, સાદગીસંપન્ન કે પછી અસ્થાયી ભૌતિક સુખોથી સંપન્ન?   

culture news lifestyle news life and style columnists