14 May, 2025 07:19 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં પ્રાપ્ત થતું ઉચ્ચ શિક્ષણ અને એ મેળવ્યા બાદ ત્યાં પ્રાપ્ત થતી સારી નોકરીની તકો અમેરિકામાં ભણવા જવાનાં કારણોમાંનાં બે મુખ્ય કારણો છે, પણ એક અન્ય કારણ પણ ભારતીય વિદ્યાર્થીઓ વધુ ને વધુ સંખ્યામાં અમેરિકામાં ભણવા જઈ રહ્યા છે એ માટે છે.
ભારત સ્વતંત્ર થયો ત્યારે એની વસ્તી લગભગ ચાલીસ કરોડની હતી. આજે એ વસ્તી વધીને એક અબજ અને ચાલીસ કરોડ જેટલી થઈ ગઈ છે. આટલી અધધધ વધેલી વસ્તીના પ્રમાણમાં ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓમાં વધારો થયો નથી એટલું જ નહીં, ભારતની શિક્ષણસંસ્થાઓ પણ અત્યંત મોંઘી થઈ ગઈ છે. કિન્ડર ગાર્ટનમાં જ પ્રવેશ મેળવવા માટે હજારો રૂપિયા નર્સરી સ્કૂલોને આપવા પડે છે. તબીબી કૉલેજોમાં ડૉક્ટર બનવા માટે પ્રવેશ મેળવવો હોય તો લાખો રૂપિયા ખર્ચવા પડે છે. આ કારણસર પણ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જવાનું પસંદ કરે છે.
જો અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. એ દર્શાવી આપવા માટે IELTS યા TOEFLની પરીક્ષા આપવી જરૂરી છે. ત્યાર બાદ બૅચલર્સનો કોર્સ કરવા જવું હોય તો SATની પરીક્ષા અને માસ્ટર્સનો કોર્સ કરવા જવું હોય તો GMAT યા GREની પરીક્ષા આપવાની રહે છે. પ્રવેશ મેળવવા માટે પ્રવેશપત્રની જોડે એક નિબંધ યા સ્ટેટમેન્ટ ઑફ પર્પઝ લખીને આપવાનું રહે છે જેમાં વિદ્યાર્થીએ પોતાને લગતી, અમેરિકાની યુનિવર્સિટીને લગતી, તે જે વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છે છે એ વિષયને લગતી જાણકારી આપવાની રહે છે. જાણીતી વ્યક્તિઓના રેકમન્ડેશન લેટરો આપવાના રહે છે અને સૌથી અગત્યનું અમેરિકામાં ભણવા માટે જે મોંઘીદાટ ટ્યુશન ફી આપવી પડે છે, ત્યાંનો જે ભારતની સરખામણીમાં ખૂબ જ ખર્ચાળ લિવિંગ એક્સપેન્સ હોય છે એ ખર્ચવાની શક્તિ છે એ પુરાવાઓ સહિત દેખાડી આપવાનું રહે છે. સર્વિસ ફી ભરવાની રહે છે. વીઝા પ્રોસેસિંગ ફી ભરવાની રહે છે. ઇન્ટરવ્યુમાં પોતાની લાયકાત દર્શાવીને તે અરજદાર ખરેખર વિદ્યાર્થી જ છે અને અમેરિકામાં ભણવા જવા જ ઇચ્છે છે એવું દર્શાવી આપવાનું રહે છે.
સ્ટુડન્ટ વીઝાના ઇન્ટરવ્યુમાં આમ તો ચાર-પાંચ સવાલો જ પૂછીને કૉન્સ્યુલર ઑફિસરો વિદ્યાર્થીને F-1 સંજ્ઞા ધરાવતા નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના સ્ટુડન્ટ વીઝા આપવા કે નહીં એનો નિર્ણય લઈ લેતા હોય છે. વિદ્યાર્થીઓએ તો કૉન્સ્યુલર ઑફિસરો શું પૂછશે એની જાણ ન હોવાથી પચાસથી વધુ પ્રશ્નો, જે વારંવાર પુછાતા હોય છે, એના જવાબોની તૈયારી કરવાની રહે છે.