ભેટ શું ધરવી તને?

13 June, 2021 04:12 PM IST  |  Mumbai | Hiten Anandpara

પ્રિયાના વાળમાં પાંચ રૂપિયાનું ગુલાબ કે દસ રૂપિયાની મોગરાની વેણી પરોવો (જો પરોવતાં આવડતું હોય તો) ત્યારે તેની ખુશી કબાટમાં મૂકી રાખેલા પાનેતરને સ્પર્શીને બાહુપાશમાં વિસ્તરી જશે.

ભેટ શું ધરવી તને?

ભેટ આપતી વખતે આપણી લાગણી પ્રગટ થાય છે. ભેટ સ્વીકારતી વખતે આપણી હયાતી પ્રબળ થાય છે. સવાલ ભેટ અપાતી વસ્તુ કે એની કિંમતનો નથી, સવાલ એની પાછળ રહેલી ભાવનાનો છે. પાંચ વર્ષના બાળકને પાંચ રૂપૈડીની પેન પણ ગિફ્ટ આપશો તો બદલામાં તે પાંચ અબજ ડૉલરનું સ્માઇલ તમને રિટર્ન ગિફ્ટમાં આપશે. પ્રિયાના વાળમાં પાંચ રૂપિયાનું ગુલાબ કે દસ રૂપિયાની મોગરાની વેણી પરોવો (જો પરોવતાં આવડતું હોય તો) ત્યારે તેની ખુશી કબાટમાં મૂકી રાખેલા પાનેતરને સ્પર્શીને બાહુપાશમાં વિસ્તરી જશે. મનહરલાલ ચોકસી એ અરસાની વાત કરે છે જ્યારે સૌંદર્યલક્ષી રજૂઆતની બોલબાલા હતી...
તમે ભેટ આપ્યું હતું આમ્રકુંજે
તખલ્લુસ અમે એ સ્વીકાર્યું ગઝલમાં  
બધા જોઈને માત્ર આશ્ચર્ય પામે
અમે રૂપ તારું ઉતાર્યું ગઝલમાં
મરીઝ, બેફામ, ઘાયલ, શૂન્ય, સૈફ, શયદા, મનોજ ખંડેરિયા જેવા અનેક શાયરોએ જે ગઝલરૂપી ભેટ આપણને આપી છે એને કારણે આપણે ઊજળા છીએ. કલા કોઈ પણ સ્વરૂપે હોય એ અસ્તિત્વને ટેકો આપવાનું કામ કરે છે. આપણે જિંદગી વિતાવવા નહીં, ઊજવવા આવ્યા છીએ. આ ઉજવણીમાં ઉત્સાહ આણવો પડે, કારણ કે એને ઉઝરડા તો બાય ડિફૉલ્ટ આવવાના. કલા આપણને દુઃખ ખમવાની શક્તિ આપે છે. જેમને સાહિત્યનો નશો હોય એ લોકોની મદહોશી માત્ર પ્રશંસનીય જ નહીં, પૂજનીય પણ છે. જેને કારણે જિંદગી રંગીન અને વિરહ-ગમગીન બની શકે એવા નારીતત્ત્વની વાત શૂન્ય પાલનપુરી છેડે છે...
પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું
આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું
દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી
સર્જકો પોતાની નવલકથા કે વાર્તાનાં પાત્રો સાથે અટેચ્ડ થઈ જતા હોય છે. જાણ્યે-અજાણ્યે પરિવારના સભ્યની જેમ જ ઘરમાં એ પાત્ર ઉમેરાઈ જાય. સર્જનશક્તિની આ અનોખી ભેટ છે કે કાગળ પર ઊભી કરેલી કાલ્પનિક સૃષ્ટિ પણ વાસ્તવિક લાગવા માંડે. કેટલીક ભેટ આભાસી હોય છતાં સંતોષ પ્રદાન કરે. કેટલીક ભેટની પાછળની મંછા ભવિષ્યમાં કોઈ લાભ કે ગેરલાભ ઉઠાવવાની હોય. ટીનેજ છોકરીઓ આ ચાલમાં અક્સર ફસાઈ જતી જોવા મળે. પૅકિંગ ઉઘાડતી વખતે અંદર વસ્તુ કઈ છે એનું જ માત્ર ચેકિંગ નથી કરવાનું, એમાં વહાલ સમાયું છે કે ગણતરી એનું પણ ટ્રૅકિંગ કરવાનું હોય. દર્દ ટંકારવીની સલાહ ભેટ આપનાર અને લેનાર બન્નેની દૃષ્ટિએ ઉચિત છે...
જ્ઞાન ક્યારે લાવશો વ્યવહારમાં?
રોજ પૂછું આજના શિક્ષિતને
પ્રેમપ્યાલી દર્દને મન છે ઘણી  
ભેટ દરિયાની ધરો ઉચિતને
ઈશ્વરે આપણને શ્વાસની અણમોલ ભેટ આપી છે. એમાં ‘કન્ડિશન અપ્લાય’ લખ્યું નથી હોતું પણ એ સમજી જવું પડે. જિંદગીમાં આપણે બીજા પાસે સતત અપેક્ષા રાખીએ છીએ પણ કોઈ આપણી પાસે અપેક્ષા રાખે તો આપના માપદંડ બદલાઈ જાય. ભેટ એકપક્ષી હોય તો એની સાર્થકતા ધીરે-ધીરે ઓછી થવાની. ઢોલ હજી કદાચ એક હાથે વાગી શકે, તાળી માટે તો બે હાથ જોઈએ. દક્ષેશ કૅન્ટ્રૅક્ટર ચાતક સ્વજન પાસે જ થઈ શકે એવી મીઠી ફરિયાદ ઈશ્વરને કરે છે...
આપી હૃદયને દર્દની અણમોલ ભેટ તેં
તારી કૃપામાં ઓ પ્રભુ, કોઈ કસર નથી
બાળક, યુવાન, વૃદ્ધ ને અંતે મરણ થતું
જીવનની વારતા અહીં એવી સરળ નથી
જિંદગીની પ્રત્યેક અવસ્થા પોતાની સાથે ભેટ લઈને આવતી હોય. બાલ્યાવસ્થામાં જોવા મળતી નિર્દોષતા એ અમૂલ્ય ભેટ છે. કિશોરાવસ્થામાં કલ્પનાશક્તિની ભેટ પડખામાં પાંખો ઉગાડે છે. યુવાની અનેક પડકારો સાથે  પ્રેમની મનોરમ સૃષ્ટિ પણ લઈને આવે છે. આધેડ વયમાં ક્રીઝની વચ્ચે ઊભા રહી બન્ને બાજુને તટસ્થતાથી જોવાની હોય છે. આ સ્થિતિ તમને જિંદગીનાં દર્શનની ભેટ આપે. વૃદ્ધાવસ્થામાં શારીરિક વ્યાધિઓની સાથે પૌત્ર-પૌત્રીની અલૌકિક દુનિયામાં નિષ્પન્ન થતા વાત્સલ્યની ભેટ મળે છે. આસિમ રાંદેરીની પંક્તિઓ જેટલી પ્રિયાના સંદર્ભે છે એટલી જ જિંદગીના સંદર્ભે પણ લાગુ પડે છે...
પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને 
પછી ભેટ દિલની ધરાવીશ એને
બધી આપવીતી સુણાવીશ એને
કહું શું કે શું શું જણાવીશ એને
પ્રેમમંદિરમાં પ્રેમની જ આરતી ગવાય અને પ્રેમની જ પૂજા થાય. અજિત પરમાર આતુર આ પૂજાની નોંધ લેવાય એવું ઇચ્છે છે... 
કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું 
પરબીડિયામાં કેટલી ઇચ્છા ભરીને મોકલું 
ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
તું કહે તો શીશ આ, કલમ કરીને મોકલું 
 
ક્યા બાત હૈ
તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું
મજા લાંબી અને રાતો મજાની લઈને આવ્યો છું
કહો તો રોઈ દેખાડું, કહો તો ગાઈ દેખાડું
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું
-અમૃત ઘાયલ
 
એટલો છે જિંદગીનો સાર જીવા
અલ્પ સુખ ને દર્દ પારાવાર જીવા
ભેટ સમજી કર સહજ સ્વીકાર જીવા
ઠેસ તો છે માર્ગનો ઉપહાર જીવા
- રાકેશ હાંસલિયા
 
ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય એ માટે
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં
- આસીમ રાંદેરી

columnists hiten anandpara