ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : જો બૉક્સ-ઑફિસ પર કબજો કરવો હોય તો શું-શું કરવું જોઈશે?

15 May, 2022 11:04 AM IST  |  Mumbai | Manoj Joshi

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો પુનર્જન્મ થયાને હજી પાંચ વર્ષ પણ માંડ થયાં છે અને એ પછી પણ આ ઇન્ડસ્ટ્રી હજી પાપા પગલીના મૂડમાં છે

પ્રતીકાત્મક તસવીર

બહુ અગત્યનો આ સવાલ છે અને ખાસ તો ત્યારે જ્યારે દરેક વીક-એન્ડ પર નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. રિલીઝ થતી આ ફિલ્મો પરથી કહી શકાય કે પ્રોડક્શન પણ એ જ લેવલ પર શરૂ થયું હોય છે અને અહીં જ આપણો પહેલો મુદ્દો આવે છે.

આડેધડ બની રહેલી ગુજરાતી ફિલ્મોના પ્રોડક્શનને અટકાવવું જોઈએ. એક ગુજરાતી ફિલ્મ સારી ચાલે એટલે પચીસ ફિલ્મોનાં મુહૂર્ત થઈ જાય. આ પચીસ ફિલ્મોમાંથી માંડ પાંચ ફિલ્મ પૂરી થાય અને એ પાંચમાંથી માંડ ચાર ફિલ્મ રિલીઝ થવા સુધી પહોંચે અને એ ચારમાંથી માંડ એક ફિલ્મ લોકોના ધ્યાન પર આવે અને આવી ધ્યાન પર આવેલી દસમાંથી માંડ એક ફિલ્મ ચાલે. જોકે આ આખી જર્ની દરમ્યાન અઢળક રૂપિયા ખર્ચાય છે, જેને લીધે જો સૌથી મોટું નુકસાન કોઈને થતું હોય તો એ ગુજરાતી ફિલ્મ બનાવવા માગતા પ્રોડ્યુસરને છે. એક પ્રોડ્યુસરની વાત કરું તમને. તેણે એક ગુજરાતી ફિલ્મ બનાવી, બજેટ પહોંચ્યું પાંચ કરોડ પર! રિકવરી શક્ય જ નથી. અત્યારે એક ડિરેક્ટર અમેરિકામાં ફિલ્મ બનાવવાનાં સપનાં જુએ છે, પણ મારું કહેવું એ છે કે શા માટે તમારે અમેરિકા જઈને ગુજરાતી ફિલ્મ બનાવવી છે? શું કામ? કયા કારણસર? વાર્તા અમેરિકાની વાત કહે છે એટલે જ ખાલી?

...તો તમારી વાર્તા જ ખોટી છે એવું કહું તો ચાલે. તમે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જુઓ. એ લોકો ક્યારે છેક ફૉરેન ગયા હતા અને ક્યારે છેક તેમણે એ પ્રકારની વાર્તાને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું. જો તમે તમારી ઇન્ડસ્ટ્રીને પહેલાં જગાડવાનું કામ ન કરી શકવાના હો તો તમે કેવી રીતે એ મુજબના વિષય પર કામ જ કરી શકો. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો પુનર્જન્મ થયાને હજી પાંચ વર્ષ પણ માંડ થયાં છે અને એ પછી પણ આ ઇન્ડસ્ટ્રી હજી પાપા પગલીના મૂડમાં છે. આવા સમયે પહેલું કામ જો કોઈ રાખવાનું હોય તો એ જ કે તમારો પ્રોડ્યુસર અકબંધ રહે, તે જીવતો રહે અને તેના પૈસાની રિકવરી થઈ જાય. આ રિકવરી બહુ મહત્ત્વની છે. કોઈકના પૈસા લાગતા હોય એવા સમયે તમારી જવાબદારી બને છે કે તમારે એ પૈસાની જાળવણી કરવાની હોય અને લાગેલા પૈસા સૌથી પહેલાં બહાર આવે, એનું ઇન્વેસ્ટમેન્ટ છૂટું થઈ જાય અને એ બીજી વખત ફિલ્મ બનાવવા માટે ઉત્સાહ સાથે ઊભો થાય. તમે જુઓ, આજે મોટા ભાગના પ્રોડ્યુસરો ‘વન ફિલ્મ પ્રોડ્યુસર’ બનીને બેસી ગયા છે. કોઈ બીજી ફિલ્મ બનાવવા માટે તૈયાર નથી. આટલાં વીક ફિલ્મ ચાલી અને ફિલ્મે આટલો બિઝનેસ કર્યો એવી વાતો થતી રહે છે, એ પછી પણ પ્રોડ્યુસર બીજી ફિલ્મ બનાવવા રાજી નથી. શું કારણ હોઈ શકે?

એક જ કે ફિલ્મ અને એના બિઝનેસ માટે જે કોઈ વાતો થતી રહે, પણ હકીકત એ જ છે કે પ્રોડ્યુસર આ પ્રોસેસ દરમ્યાન ખૂબ થાક્યો અને કાં તો એનું ઇન્વેસ્ટમેન્ટ છૂટું નથી થયું. જો એવું હોય તો એ ફિલ્મ સક્સેસ થઈ એવું કહી જ ન શકાય. ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરનું ઇન્વેસ્ટમેન્ટ ક્ષેમકુશળ રીતે પાછું આવે અને એ પાછું આવ્યા પછી ગુજરાતી પ્રોડ્યુસર બીજી ફિલ્મ બનાવવા માટે એ જ ટીમ સાથે આગળ વધે એ સમયે માનવું કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હવે ટકવાની દિશામાં આવી ગઈ છે.

columnists manoj joshi