કાશ્મીર-કથા : એવું તે શું બન્યું કાશ્મીરમાં કે ફરી પાછા આતંકવાદી હુમલા શરૂ થયા?

23 October, 2021 09:33 AM IST  |  Mumbai | Manoj Joshi

પાકિસ્તાનનો સીધો દોરીસંચાર છે જે આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરવાથી માંડીને માનસિક પીઠબળ આપવાનું કામ કરે છે. એક નહીં, હજાર વાર આ પુરવાર થઈ ચૂક્યું છે અને એ પછી પણ પાકિસ્તાન દોગલી નીતિ સાથે આ વાતનો સ્વીકાર કરવા રાજી નથી.

પ્રતીકાત્મક તસવીર

જે પ્રકારે ગયા વીકની ઘટનાઓ ઘટી છે અને કાશ્મીર ફરી હેડલાઇનમાં ગોઠવાયું છે એ જોતાં કહેવું પડે કે કાશ્મીર માટે ફરી એક વાર ફિકર કરવાનો સમય આવી ગયો છે, પણ મુદ્દો એ છે કે આનું કારણ શું, શું કામ શાંત પડી ગયેલું કાશ્મીર નવેસરથી આતંકવાદી હુમલાઓ દેખાડવાના રસ્તે આવ્યું છે? પેટમાં એવી તે કઈ બળતરાઓ થઈ જેને લીધે આતંકવાદીઓ ફરીથી જાગ્યા છે અને ફરીથી ન‌િર્દોષના દુશ્મન બન્યા છે? બહુ મહત્ત્વના સવાલ છે આ અને આ જ સવાલ આડકતરી રીતે એ પણ કહી જાય છે કે આતંકવાદ ક્યારેય મરતો નથી. એ સુષુપ્ત અવસ્થામાં મુકાઈ શકે, પણ એ મરે નહીં કે કાયમી એનો અંત પણ આવે નહીં. જે પ્રકારે ભારત સરકારે આકરાં પગલાં લઈને કાશ્મીરના સ્ટેટસમાં ફરક કર્યો હતો એ જોઈને કાશ્મીરમાં રહીને અલગ થવાની માનસિકતા ધરાવતા અને કાશ્મીરને ભારતથી જુદું કરી પોતાની સાથે ભેળવી દેવાની નીતિ મનમાં સેવતા પાકિસ્તાન સુધ્ધાંની બોલતી બંધ થઈ ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે ચુપકીદી સેવાઈ ગઈ. યાદ રાખજો કે એ સમયે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, ભારત કોઈ પણ પ્રયાસ કરી લે અને ગમે એવી તાકાત દેખાડી દે, પણ પાડોશી કૂતરાની પૂંછડી વાંકી જ રહેવાની છે, એ ક્યારેય સીધી નથી થવાની. અત્યારે આપણે એ વાંકી પૂંછડીનો અનુભવ કરી રહ્યા છીએ. પાકિસ્તાનનો સીધો દોરીસંચાર છે જે આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરવાથી માંડીને માનસિક પીઠબળ આપવાનું કામ કરે છે. એક નહીં, હજાર વાર આ પુરવાર થઈ ચૂક્યું છે અને એ પછી પણ પાકિસ્તાન દોગલી નીતિ સાથે આ વાતનો સ્વીકાર કરવા રાજી નથી. અત્યારે પણ પાકિસ્તાનનો ફાળો આ અશાંતિમાં છે, છે અને છે જ, પણ ફરક માત્ર એટલો છે કે અત્યારે એ મહોરાં સાથે રમે છે અને આ મહોરાં ખુલ્લાં પડશે ત્યારે આ જ પાકિસ્તાન ગરીબડું બનીને ફરી એક વાર ખૂણામાં બેસી જવાનું છે, પણ એ પહેલાં તે એવો પ્રયાસ ચોક્કસ કરશે જેને લીધે કાશ્મીરની અશાંતિ જોઈને નવેસરથી ત્યાં પૅનિક ફેલાય અને કાશ્મીર જવા માગતા પ્રવાસીઓમાં પણ ઓટ આવે. કાશ્મીર અને જમ્મુ સુધ્ધાં પ્રવાસીઓની આવક પર નિર્ધાર રાખનારા વિસ્તારો છે. આ ​િન‌ભાવને અસર થશે તો નૅચરલી ત્યાંની પ્રજાને તકલીફ પડવાની છે તો ફરવા કે પછી ત્યાં જઈને કામ કરનારાઓના જીવ જશે તો પણ સ્થાનિક પ્રજાની તકલીફમાં ઉમેરો થવાનો છે. પાકિસ્તાનના ચાળે ચાલનારા એકેએક અલગાવવાદી માનસિકતા ધરાવનારાઓ કાશ્મીરમાં અશાંતિ ઊભી કરીને તકલીફ બીજા કોઈની નહીં, પણ ખુદ કાશ્મીરીઓની જ વધારી રહ્યા છે. હેરાનગતિ પણ તેની વધશે અને અશાંતિનો ભોગ પણ તેમણે બનવું પડશે. જરા વિચાર તો કરો, જે પોતાના ભાઈનો, પોતાની બહેનનો નથી થયો એ બાકીના દેશનો કેવી રીતે થઈ શકવાનો. આ જ સાચો સમય છે, પાકિસ્તાનના ઇશારે કાશ્મીરમાં અશાંતિ ફેલાવનારાઓનો અંત લાવવાનો. દિવાળીના દિવસો આવે છે, રામરાજ્યનો આરંભ થવામાં છે ત્યારે, કોઈના બાપની સાડીબારી રાખ્યા વિના, કોઈની શેહશરમ રાખ્યા વિના છો ફટાકડાઓ ફૂટે કા‌શ્મીરમાં. નવાણિયા કુટાય એના કરતાં પાકિસ્તાનના આધારે અશાંતિ ફેલાવનારાઓનો અંત આવે એ જરૂરી છે. આણો અંત, લાવો શાંતિ. 

columnists manoj joshi