30 January, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતી લેક્સિકને ૨૦૨૫નો વર્ડ ઑફ ધ યર બનવાનું શ્રેય કયા શબ્દને આપ્યું છે એની તમને જાણ છે? ટૅરિફ. પોતાની ઇચ્છાને આધીન ન થાય એ દેશ સામે ટૅરિફનો દંડૂકો ઉગામીને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દુનિયાને ડારી રહ્યા છે ત્યારે ટૅરિફ શબ્દ ૨૦૨૫માં સૌથી વધારે વાર સર્ચ કરાયેલો શબ્દ હતો એમાં કંઈ નવાઈ નથી.
ટ્રમ્પના એ દંડૂકાથી ડર્યા વગર ભારતે અત્યાર સુધી તો દેશના હિતને પ્રાથમિકતા આપવાની નીતિ ચાલુ રાખી છે. સાથે જ દુનિયાના અન્ય દેશો સાથેના વેપારી સંબંધોને વિકસાવવાની પ્રક્રિયાને વેગીલી બનાવવા માંડી છે. આ અઠવાડિયે યુરોપિયન યુનિયન સાથે થયેલા મુક્ત વેપાર સહમતીના કરાર એ દિશામાં લેવાયેલાં પગલાંમાંનું એક છે. બીજા શબ્દોમાં ભારતે અમેરિકાને ‘તૂ નહીં તો ઔર સહી’નો મેસેજ પહોંચાડી દીધો છે. અલબત્ત, આ માટે પણ આપણે ટ્રમ્પનો જ આભાર માનવો જોઈએ. તેણે જ ભારતને નિકાસ માટે દુનિયાના અન્ય દેશો ભણી નજર દોડાવવાની ફરજ પાડીને? અને એમ કરીને ટ્રમ્પે આડકતરી રીતે ભારતનું હિત જ ઇચ્છ્યું છે (આ વાત હજી તેના ધ્યાનમાં આવી નથી લાગતી. નહીં તો નોબેલ પ્રાઇઝ માટેના દાવામાં તે આઠ દેશોમાં શાંતિ કરાવ્યાનો જશ લે છે એમાં ભારતનું આર્થિક કલ્યાણ કર્યાનો જશ પણ ઉમેરી શકત). જોકે એ રીતે ટ્રમ્પે દુનિયાના બીજા દેશોનેય આવા આડકતરા લાભો અપાવ્યા છે.
આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધીજીનો નિર્વાણ દિન છે. અને યુરોપથી આવેલા તાજા સમાચાર વાંચતાં ગાંધીજીએ પ્રયોજેલા સત્યાગ્રહ નામના શસ્ત્રનું સ્મરણ થઈ આવ્યું. વાત જાણે એમ છે કે ટ્રમ્પ ગ્રીનલૅન્ડને અમેરિકન સત્તા હેઠળ લાવવાની જીદ લઈને બેઠા છે અને રોજ– રોજ ‘ગ્રીનલૅન્ડ આપો, ગ્રીનલૅન્ડ આપો’ની રઢ લગાવે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. જોકે પોતાના દેશનો એક સ્વતંત્ર પ્રદેશ અમેરિકામાં જોડવા માટે આપવાની ડેન્માર્કે ચોખ્ખી ના પાડી દીધી છે. ટ્રમ્પની આ હળાહળ દાદાગીરીથી ડેન્માર્કના શાસકો અને જનતા બન્ને અતિશય નારાજ છે એ દેખીતું છે. આ સ્થિતિમાં ડેન્માર્કના નાગરિકોએ ટ્રમ્પને પાઠ ભણાવવા ગાંધીચીંધ્યો સત્યાગ્રહનો - અમેરિકાની વસ્તુઓનો બહિષ્કારનો - માર્ગ અપનાવ્યો છે.
એના પરિણામે તાજેતરમાં ડેન્માર્કની NonUSA અથવા UdenUSA અને Made O’Meter નામની બે ઍપ્સ સૌથી વધુ ડાઉનલોડ થતી ઍપ બની ગઈ છે. અને એનું કારણ એ છે કે એ ડેનિશ લોકોને ખરીદી કરતાં પહેલાં કઈ ચીજ અમેરિકામાં બની છે એની ઓળખ કરી આપે છે એટલું જ નહીં, આ ઍપ્સ લોકોને એ ચીજના બીજા દેશોમાં બનતા વિકલ્પો પણ સૂચવે છે, એના વિશે જાણકારી આપે છે અને એની ખરીદી વિશે માર્ગદર્શન પણ આપે છે. અમેરિકન ચીજો ન ખરીદવાના નિશ્ચય સાથે ડેન્માર્કના નાગરિકો આ ઍપ્સનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. કોઈ પણ ચીજ ખરીદતાં પહેલાં તેઓ આ ઍપ્સમાંથી જાણી લે છે કે એ ચીજ અમેરિકાની બનાવટની તો નથીને. ત્યાર બાદ જ તેઓ પોતાની જરૂરિયાત કે મનપસંદ લક્ઝરી ચીજોની ખરીદી કરે છે. પોતે અમેરિકાની ચીજ તો નથી જ ખરીદતા. હકીકતમાં ડેન્માર્કમાં અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવાનો જુવાળ એવો ઊઠ્યો છે કે આવી બીજી ઍપ્સ પણ સતત વિકસાવાઈ રહી છે અને અમેરિકા તથા અમેરિકન વસ્તુઓ માટેની નફરત ડેન્માર્ક પૂરતી મર્યાદિત ન રહેતાં આસપાસના યુરોપીય દેશોમાં પણ ફેલાઈ રહી છે.
દુનિયાને કદાચ લાગે કે ડેન્માર્ક જેવા નાનકડા દેશનો અમેરિકાની ચીજોનો બહિષ્કાર અમેરિકા જેવા વિરાટ શક્તિશાળી દેશનું શું બગાડી શકશે? એના માટે તો આ તદ્દન ક્ષુલ્લક બાબત હશે. વાત ખોટી નથી, પરંતુ કલ્પના કરો કે ટ્રમ્પની દાદાગીરી સામે ડેનિશ પ્રજાએ દાખવેલી એકતા દુનિયાના અન્ય અનેક દેશોના લોકો પણ બતાવે તો? અત્યારે કૅનેડામાં પણ આ પ્રક્રિયા ક્યારની શરૂ થઈ ગઈ છે. કૅનેડાને અમેરિકાનું એકાવનમું રાજ્ય બનાવવાના ટ્રમ્પના અભરખા સામે કૅનેડા પણ ગિન્નાયેલું છે. કૅનેડિયનોએ પણ અમેરિકન ચીજવસ્તુઓ ખરીદવાનું બંધ કર્યું છે અને એના બદલે સ્થાનિક ચીજો ખરીદે છે. આત્મનિર્ભરતાની વાતો કરતા ભારતના વતનીઓ પણ દાધારંગા રાષ્ટ્રપ્રમુખના દેશનાં ઉત્પાદનો ખરીદવાનું બંધ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી શકે.
ભારત જેવા વિરાટ દેશની વસ્તી જો કોઈ ચીજવસ્તુઓ કે સેવાનો બહિષ્કાર કરે તો એની અસર સંબંધિત દેશ પર પડે જ. મતલબ કે ભારતીયો નક્કી કરે તો અમેરિકાને ફરક પડે જ. છેલ્લા થોડા સમયથી દુનિયાના અનેક નાના-મોટા દેશો સાથે ભારત જે ગતિ અને નિર્ધાર સાથે વાણિજ્ય અને વ્યાપારલક્ષી મંત્રણાઓ કરી રહ્યું છે અને નિર્ણયો લઈ રહ્યું છે એ જોઈને દુનિયાના કહેવાતા ‘દાદા’ના પેટમાં ચોક્કસ તેલ રેડાયું હશે.
તાજેતરમાં દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં કૅનેડાના વડા પ્રધાન કાર્નીએ આંતરરાષ્ટ્રીય સંબંધો સંદર્ભે આજની પરિસ્થિતિ વિશે શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ રજૂઆત કરી હતી. હાલના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ચાલતી સત્તાની ગળાકાપ હરીફાઈ વચ્ચે વિશ્વવ્યવસ્થાના નિયમોની ઐસીતૈસી કરીને શક્તિશાળી દેશો પોતાની મનમાની કરી રહ્યા છે અને નબળાઓએ સહેવું પડે છે ત્યારે કાર્નીએ એક સરસ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઓછા શક્તિશાળીઓની તાકાતની શરૂઆત પ્રામાણિકતાથી થાય છે. પોતાના એ લાંબા વક્તવ્યમાં કાર્નીએ જબરાઓની દાદાગીરી સહી રહેલા દેશોને આત્મનિર્ભર બની શક્તિશાળી બનવાનું અને એકમેક સાથે સહકાર સાધી પરિસ્થિતિનો સામનો કરવાનું વ્યવહારુ સૂચન કર્યું ત્યારે ટ્રમ્પના પેટમાં ફરી તેલ રેડાયું હતું.
એક વિચાર આવે છે : આપણે પણ ડેનિશ અને કૅનેડિયન નાગરિકોની જેમ અમેરિકાની ચીજો-સેવાઓનો બહિષ્કાર કરવાનું હથિયાર ઉગામી દેખાડીએ તો? ૧.૪ અબજની વસ્તીની તાકાત શું હોય એ દુનિયા જોઈ શકે.