કોરોના ન થાય એ માટે માનતા રાખીએ તો ફળે?

13 June, 2021 03:52 PM IST  |  Mumbai | Shailesh Nayak

કોઈ ને કોઈ કારણોસર અંધશ્રદ્ધામાં અટવાયેલી ગ્રામીણ પ્રજાને બહાર કાઢવા માટે ગુજરાતમાં કવાયત હાથ ધરાઈ છે અને સાચી સમજણ માટે ધર્મગુરુઓ, આગેવાનો અને સામાજિક સંગઠનોને મેદાનમાં ઉતાર્યાં છે

ઉચ્છલ તાલુકામાં ચાલી રહેલા કામના સ્થળ પર જઇને ગ્રામીણ લોકોને સમજાવીને કોરોનાની રસી આપી રહેલા તાપી જિલ્લાના હેલ્થ વર્કરો.

આ ઠાલો સવાલ નથી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલા એક સર્વેમાં ૯૩.૫ ટકા ગ્રામીણોએ એ માટે માનતા અને પૂજાવિધિઓ કરાવી છે હોવાનું નોંધાયું છે. કોરોનાની રસી મુકાવવાને બદલે ક્યાંક કોઈક ડેલીની ઉપર ડુંગળી મૂકી રહ્યું છે તો કોઈક રાઈના દાણા રસ્તામાં વેરે છે. કોઈક વળી માથેથી ઈંડું ઉતારી ફોડે છે તો કોઈ મંત્રેલું પાણી પી રહ્યું છે. કોઈ ને કોઈ કારણોસર અંધશ્રદ્ધામાં અટવાયેલી ગ્રામીણ પ્રજાને બહાર કાઢવા માટે ગુજરાતમાં કવાયત હાથ ધરાઈ છે અને સાચી સમજણ માટે ધર્મગુરુઓ, આગેવાનો અને સામાજિક સંગઠનોને મેદાનમાં ઉતાર્યાં છે

શૈલેષ નાયક
shailesh.nayak@mid-day.com 
ગુજરાતમાં હમણાં આસ્થાનાં દ્વાર ખૂલ્યાં છે, જ્યાં જઈને ભાવિકો શ્રદ્ધાથી માથું ટેકવી રહ્યા છે. જોકે અંધશ્રદ્ધાનાં કમાડ હજી પણ અકબંધ હોવાનું ચિત્ર કોરોનાની રસીકરણની ઝુંબેશ દરમ્યાન જોવા મળી રહ્યું છે. કોરોનાની ઘાતક બીજી લહેર ગુજરાત પછી લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા વૅક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ છે, પરંતુ આ વૅક્સિનેશનમાં અંધશ્રદ્ધા વિઘ્નરૂપ બની રહી હોવાના આઘાતજનક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.
કોરોના વિશેની એવી-એવી ચિત્રવિચિત્ર ગેરમાન્યતાઓ ગ્રામીણ વિસ્તારોમાં ઘર કરી ગઈ છે કે લોકો એનાથી બચવા માટે અચરજ પમાડે એવા જાત-જાતના ટુચકા કરી રહ્યા છે. ક્યાંક કોઈક ડેલીની ઉપર ડુંગળી મૂકી રહ્યું છે તો કોઈક રાઈના દાણા રસ્તામાં વેરીને પોતાની જાતને સુરક્ષિત કરી રહ્યું છે. કોઈક વળી માથેથી ઈંડું ઉતારી રસ્તા પર એ ફોડીને હવે કંઈ નહીં થાય એવો આત્મસંતોષ લઈ રહ્યું છે તો કોઈક તાવીજ, દોરાધાગા કરી રહ્યું છે કે પછી મંત્રેલું પાણી પી રહ્યું છે. જોકે કોરોનાની રસી મુકાવવા માટે ખાસ કરીને ગ્રામીણ લોકો ઝટ દઈને તૈયાર થતા નથી અને મોટા ભાગના તો રસી મુકાવવાથી દૂર ભાગી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં ગામો હોય કે પછી રાજકોટ જિલ્લાનાં, તાપી જિલ્લાનાં હોય કે નર્મદા જિલ્લાનાં ગામો હોય કે પછી બીજા કોઈ વિસ્તારનાં ગામો હોય, ખોટી માન્યતાઓના કારણે ગ્રામીણ લોકો રસી મુકાવવાથી દૂર થઈ રહ્યા છે. કોઈ ને કોઈ કારણોસર અંધશ્રદ્ધામાં અટવાયેલી આ ગ્રામીણ પ્રજાને બહાર કાઢવા માટે ગુજરાતમાં કવાયત હાથ ધરાઈ છે. જોકે આ કપરાં ચડાણ છે, પરંતુ તંત્રએ હથિયારો હેઠાં મૂક્યાં નથી. મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓ દૂર થાય અને અંધશ્રદ્ધામાંથી બહાર આવીને લોકો કોરોનાની રસી લે એ માટે ગુજરાતમાં હેલ્થ-વર્કર્સની સાથે-સાથે ધર્મગુરુઓ, આગેવાનો અને સામાજિક સંગઠનોને મેદાનમાં ઉતાર્યાં છે.
ડુંગળી બચાવશે..?
ગામડાંના લોકો કેમ કોરોનાની રસી મુકાવવાથી દૂર થઈ રહ્યા છે અને ગામડાંઓમાં કેવી અંધશ્રદ્ધા ફેલાઈ છે એનો તલસ્પર્શી અભ્યાસ કરનાર અને જસદણ, ઉપલેટા પંથકનાં ગામોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસો કરી રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ કહે છે, ‘ગ્રામીણ વિસ્તારના લોકો કોરોનાની રસી લે એ માટે રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહેલા સઘન પ્રયત્નના ભાગરૂપે મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપકો ડૉ. ધારા દોશી, ડૉ. હસમુખ ચાવડા અને ડૉ. ડિમ્પલ રામાણી, ત્રણ પીએચડી સ્ટુડન્ટ્સ અને ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રસીકરણ માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે જસદણ અને ઉપલેટા વિસ્તારનાં ૨૭ જેટલાં ગામોમાં પહોંચીને અંદાજે ૩૬૦૦ જેટલા લોકોને મળીને રસી લેવા માટે તેમને સમજાવ્યા છે. કોરોનાની રસી આ લોકો કેમ નથી લેતા અને તેમનામાં કેવી જુદી-જુદી માન્યતાઓ ઘર કરી ગઈ છે એ અમને ખબર પડી ત્યારે અમને આશ્ચર્ય થયું. રાજકોટ પાસેના એક ગામમાં અમે જ્યારે ગયા ત્યારે જોયું કે એક ઘરની ડેલી ઉપર ડુંગળી મૂકી હતી. પછી બીજા ઘરે જોયું તો ત્યાં પણ ડુંગળી મુકી હતી. એટલે અમે પૂછ્યું કે કેમ ડુંગળી મૂકી છે? તો કહે કે બધી ખરાબ બાબત આ ડુંગળી લઈ લે છે એટલે કંઈ થાય નહીં. એક ગામમાં મુસ્લિમ સમાજની વસ્તીમાં એક માજીને વૅક્સિન લેવા માટે સમજાવ્યાં તો તેમણે કહ્યું કે અમારે વૅક્સિન લેવી નથી, અમારા ઘરમાં બીમારી ન આવે એટલા માટે અમે બારણાંમાં ઘરના સભ્યને ઊભા રાખીને ઈંડું માથેથી ઉતારીને રસ્તે મૂકી આવીએ છીએ; એ ઈંડું ફૂટી જાય એટલે બીમારી આવતી નથી, જતી રહે છે. એક ઘરના આંગણામાં રાઈના દાણા જોયા તો અમે પૂછ્યું કે આવું કેમ? તો એ ઘરવાળા કહે કે રાઈના દાણા આંગણામાં, શેરીમાં અને રસ્તા પર નાખીએ તો ભૂતપ્રેત આવે નહીં અને કંઈ થાય નહીં. તો વળી જસદણ પાસે એક ગામમાં તો વૅક્સિન લેવા માટે ના પાડી દીધી અને કારણ આપ્યું કે માતાજીએ રસી લેવાની ના પાડી છે. હવે જો તમે કહો છો એમ અમે રસી લઈએ તો માતાજીને ખોટું લાગી જાય.’
એક રસપ્રદ કિસ્સો ટાંકતાં ડૉ. યોગેશ જોગસણ કહે છે, ‘એક ગામમાં અમે જ્યારે ગયા તો ત્યાં ગામના લોકો નદી તરફ જતા રહ્યા. અમે પણ નદી તરફ ગયા અને ગામના લોકોને પૂછ્યું કે કેમ બધા નદી તરફ આવી ગયા? તો ગામવાળા કહે કે અમારે તમારી સાથે વાત કરવી નથી, વાત કરવી હોય તો છોકરાઓ સાથે કરો. રસી લેવા માટે છોકરાઓને સમજાવ્યા તો ઘણાએ એવું કહ્યું કે રસી લેવાથી મહિલાઓને ગર્ભ રહેતો નથી. આ ખોટી માન્યતા તેમના મગજમાંથી દૂર કરી અને ગામના કેટલાક યુવાનોને રસી લેવા તૈયાર કર્યા ત્યાં બીજાઓએ એનો વિરોધ કર્યો.’
થોડીક સફળતા પણ મળી
જોકે ગ્રામીણ જનતા રસી લે એ માટે સતત પ્રયત્નશીલ રહેલી મનોવિજ્ઞાન ભવનની ટીમને નિષ્ફળતા જ મળી એવું નથી. તેમને સફળતા પણ મળી છે અને એનો આનંદ થયો એની વાત કરતાં ડૉ. યોગેશ જોગસણ કહે છે, ‘અત્યાર સુધી અમે ૨૭ ગામોમાં કોરોનાની રસી અંગે જનજાગૃતિ માટે ગયા છીએ. એમાંથી ૧૦ જેટલાં ગામોમાં અમને સફળતા મળી છે અને લોકોએ રસી લેવાની શરૂઆત કરી છે. જસદણના એક ગામમાં પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ લેતા નહોતા. આ ગામમાં જઈને કારણ શોધ્યું કે કેમ બીજો ડોઝ નથી લેતા? તો જાણવા મળ્યું કે પહેલી વાર રસી મુકાવી હતી એ પછી જોગાનુજોગ ગામમાં ચાર-પાંચ કેસ એવા બન્યા જેમાં મૃત્યુ થયું. એટલે ગામના લોકોને મનમાં એવું થઈ ગયું કે રસી લે તે મરી જાય છે એટલે ગામમાં કોઈ રસી લેવા તૈયાર નહોતું થતું. મહામહેનતે તેમને સમજાવવું પડ્યું કે રસી લેવાથી મૃત્યુ થતું નથી, કોરોનાથી સુરક્ષિત થવા માટે આ રસી લેવાની જ હોય છે. માંડ થોડાક લોકો એનાથી કન્વીન્સ થયા અને રસીનો બીજો ડોઝ લેવા તૈયાર થયા. કદાચ ભોળી ગ્રામીણ પ્રજાનો પણ એમાં વાંક નથી. કોરોનાની આ મહામારીમાં કોઈ સચોટ સારવારનો વિકલ્પ ન મળે ત્યારે ડૂબતો માણસ તરણું પકડે એમ લોકો દોરાધાગા સહિતની અંધશ્રદ્ધા તરફ વળ્યા છે. જોકે આમાંથી તેમને શિક્ષિત કરીને બહાર કાઢી શકાય છે.’
હેલ્થ-વર્કર્સની મુશ્કેલીઓ
તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હેલ્થ-વર્કર્સ વૅક્સિનની અવેરનેસ માટે જાય તો ઘણી જગ્યાએ તો લોકો ઘરના દરવાજા જ બંધ કરી દે છે. આવી મુશ્કેલીભરી સ્થિતિ વચ્ચે પણ કોરોના સામેની રસીકરણની ઝુંબેશ ચાલુ રાખી હોવાની વાત કરતાં તાપી જિલ્લાના આર.સી.એચ. ઑફિસર ડૉ. બીનેશ ગામિત કહે છે, ‘મારા હેલ્થ-વર્કર્સ જાય ત્યારે ઘણી જગ્યાએ લોકો તેમના ઘરના દરવાજા બંધ કરીને એવું કહી દે છે કે વૅક્સિનની વાત કરવા નહીં આવવાનું. એમ છતાં પણ અમે વૅક્સિનેશનની કામગીરી ચાલુ રાખી છે. અહીંનાં ગામડાંઓમાં એવી ગેરમાન્યતા પ્રવર્તી રહી છે કે વૅક્સિન લીધા પછી બે વર્ષ પછી મૃત્યુ થઈ જાય. જોકે એવું કશું થતું નથી એ લોકોને અત્યારે કેમનું સમજાવવું? આવી ખોટી માન્યતાઓ દૂર થાય અને લોકો રસી લેવા માટે આગળ આવે એ માટે જિલ્લા કલેક્ટર આર. જે. હાલાણીએ વ્યારામાં રિલિજિયસ લીડર્સ સાથે બેઠક કરી હતી. લોકો વૅક્સિનેશનની ભ્રામક વાતોથી દૂર રહીને ખોટી માન્યતાઓમાં ન દોરાય અને રસી લે એ માટે તેમને સમજાવ્યા હતા અને સહકાર આપવા અપીલ કરી હતી. આ મીટિંગ પછી રિસ્પૉન્સ મળ્યો છે અને રસીકરણ ઝુંબેશ ઇમ્પ્રૂવ થઈ છે. તાપી જિલ્લાના સોનગઢ, વ્યારા, ઉચ્છલ, વાલોડ તાલુકાઓમાં નરેગાનાં કામો ચાલે છે ત્યાં હેલ્થ-વર્કર્સ જઈને ગ્રામીણ લોકોને સમજાવે છે અને લોકો રસી લઈ રહ્યા છે.’
બે વર્ષમાં મરી જઈશું?
ડાંગના ગ્રામીણ વિસ્તારમાં તો લોકોને રસીના મુદ્દે સમજાવવા માટે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ ઓટલા પરિષદ અને ચર્ચાસભાઓ યોજી. પરંપરાગત આયુર્વેદિક જડીબુટ્ટીઓનું જ્ઞાન ધરાવતા વૈદ્યરાજો પાસે નાની-મોટી બીમારીઓના ઇલાજ માટે આવતા ગ્રામજનો વૅક્સિન લેતા થાય એ તેમને માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જુદા-જુદા ધર્મ, સંપ્રદાયો, ધાર્મિક સંગઠનોના અનુયાયીઓને વૅક્સિન બાબતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ડાંગી બોલીમાં વૅક્સિન બાબતે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો થયા છે અને આ માટે હેલ્થ-વર્કરો સ્થાનિક ભાષા શીખી રહ્યા છે. ડાંગમાં વૅક્સિનેશન માટેના પ્રયત્નો કરી રહેલા હેલ્થ-વર્કર્સને પડતી તકલીફો અંગે તેમ જ ડાંગમાં પ્રવર્તી રહેલી ખોટી માન્યતાઓના મુદ્દે ડાંગ જિલ્લાના આર.સી.એચ. ઑફિસર ડૉ. સંજય શાહ કહે છે, ‘હેલ્થ-ટુકડીઓ, આંગણવાડીની બહેનો, આશા વર્કર સહિતના હેલ્થ-વર્કર્સ લોકોને વૅક્સિન લેવા માટે સમજાવી રહ્યાં છે, પણ લોકોમાં એવી ગેરમાન્યતા છે કે તમે અમને ખોટી રસી આપો છો અને બે વર્ષમાં અમે મરી જઈશું. આવી અંધશ્રદ્ધા ક્રીએટ થઈ છે. ઘણા કિસ્સામાં તો કોઈક ગામમાં બધા ભેગા થઈને મારવાની પણ વાત કરે છે, ફરી આવતા નહીં એવું પણ કહે છે. ગામોમાં આવી તકલીફ ઊભી થઈ છે છતાં કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા માટે રસીકરણની ઝુંબેશ અમે ચાલુ રાખી છે. જોકે સ્થાનિક આગેવાનો તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓને રસીકરણ ઝુંબેશમાં ઇન્વૉલ્વ કરીને લોકો રસી લે એ માટે અમે તેમને કન્વિન્સ કરી રહ્યા છીએ અને એમાં સફળતા પણ મળતી હોય છે.’
કોરોના સામે રક્ષણ મેળવવા માટે સૌકોઈએ રસી લેવી જોઈએ. આપણે ત્યાં કહેવાય છે કે દવા પણ, દુવા પણ. જોકે આપણી આસ્થા અંધશ્રદ્ધામાં ન પરિણમે એ પણ આપણે જાતે જ જોવાનું રહ્યું. કોરોનાની રસીને લઈને ચાલી રહેલી ભ્રામક વાતો, અફવાઓ, ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધામાં માનવી અટવાયો છે ત્યારે સાચી સમજણ અને માર્ગદર્શન મેળવીને સૌ કોરોનાથી સુરક્ષિત થઈ શકે છે.

કોરોના પછી અંધશ્રદ્ધામાં ૩૬ ટકાનો વધારો થયો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને કરેલા સર્વેમાં બહાર આવી વિગતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ કહે છે, ‘કોરોનાની બીજી લહેરમાં કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલી ૧૦૦ વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે ખબર પડી કે અહીં તો ઘણા લોકો મંત્રેલું પાણી પીએ છે. મને થયું કે જો સિટીમાં આવું હોય તો ગ્રામ્ય કક્ષાએ કેવી સ્થિતિ હશે. એટલે મારા માર્ગદર્શનમાં ડૉ. હસમુખ ચાવડાએ ગૂગલ લિન્ક બનાવીને ૨૫ પ્રશ્નો સાથેનું ફૉર્મ બનાવ્યું અને સર્વે કર્યો. એમાં ૧૬૨૦ લોકો પાસેથી મળેલી માહિતીના આધારે તારણ કાઢ્યાં હતા. આ ૧૬૨૦ લોકોમાં ૫૪.૮૦ ટકા ગ્રામ્યવિસ્તારના અને ૪૫.૨૦ ટકા શહેરી વિસ્તારના હતા. આ સર્વેમાં જાણવા મળ્યું કે કોવિડ આવ્યો એમાં ૩૬ ટકા વધુ લોકો અંધશ્રદ્ધામાં માનતા થયા. આટલા લોકો પહેલાં અંધશ્રદ્ધામાં નહોતા માનતા.’
સર્વેમાં બીજી વિગતો બહાર આવી એ મુજબ ૨૭ ટકા લોકોએ સ્વીકાર્યું કે પહેલાં તેઓ દોરાધાગા કે અન્ય બાબતોમાં માનતા નહોતા, પણ કોરોનાએ એવું માનવા મજબૂર કર્યા.
૪૫ ટકા લોકોએ સ્વીકાર્યું કે હા, અમે માનીએ છીએ કે દોરાધાગા, માનતા કે ભૂવાથી કોરોના મટી શકે છે.
૬૦.૩૦ ટકા લોકોએ કહ્યું કે ઘરના સભ્યો માંદા પડ્યા ત્યારે અમે ભૂવા પાસે ગયા હતા.
ગ્રામ્યવિસ્તારમાં ૮૧.૧૦ ટકા લોકો કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી પીડિત હોય તો તેના પર કોઈએ મેલી વિદ્યા કરી હશે એવું માને છે.

ગામડાંના ૯૩.૫૦ ટકા લોકોએ જણાવ્યું કે અમને કે અમારા પરિવારને કોરોના ન થાય એ માટે અમે માનતા રાખી છે અને પૂજાવિધિઓ પણ કરાવી છે.

અચરજ પમાડે એવા ગ્રામજનોના ટોટકા 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ગામડાંઓમાં રસીકરણ અંગે જનજાગૃતિ ફેલાવવા ગયા ત્યારે તેમને ગામલોકો પાસેથી જોવા અને સાંભળવા મળેલી જુદી-જુદી માન્યતાઓ આશ્ચર્ય કરી દે એવી છે. તેમને શું જોવા અને સાંભળવા મળ્યું એની વિગતો આ રહી.
 વિદેશથી રસી આવશે એ લઈશું, અહીંની રસી અમારે નથી લેવી.
 વાઇરસ ન પ્રવેશે એ માટે ગામમાં ડેલી પાસે ડુંગળી રાખે છે.
 અમે મીઠું શેકીને શરીરે ઘસી લઈએ એટલે અમને શરદી, કફ, ઉધરસ ન થાય.
 રસી મુકાવીને શરીર બગાડવું નથી.
 ડાયાબિટીઝ, બીપી, શરદીનો કોઠો કે અન્ય નાની બીમારી હોય તેણે ક્યારેય રસી લેવાય નહીં એવી માન્યતા ગામડાંના લોકોમાં જોવા મળી.
 એક પરિવારે કહ્યું કે અમે અમારા ઘરની ફરતે દૂધની ધારા કરીને કુદરતનું રક્ષણ મેળવી લીધું છે. અમારે રસીની જરૂર જ ઊભી નહીં થાય.
 ગામડાના લોકોમાં એવી પણ માન્યતા છે કે તમાકુ, ગુટકા કે અન્ય નશાની આદતવાળાને ક્યારેય કોરોના થતો નથી. છાપામાં પણ આવી ગયું છે.
 અમે લીમડાનું દાતણ કરીએ છીએ એટલે અમને કોઈ બીમારી આવે નહીં. મેથીનું શાક અને ભાજી ગામડાના લોકો ખાતા હોય, વૈશાખમાં લીમડાના કોર ખાધા હોય તેમણે રસી લેવાની ન હોય.
 દર અમાસે અમે રાઈ વેરીને રોગને અટકાવી દઈએ છીએ. બીમારી એ રાઈ વીણતી-વીણતી આવતી હોય છે એટલે આંગણામાં અને શેરીમાં રાઈ વેરી દીધેલી હોય તો એ ઘર સુધી બીમારી પહોંચતી નથી.

columnists shailesh nayak