કોઈ મોંઘીદાટ કાર જોઈને તમને પહેલો વિચાર કયો આવે?

29 January, 2023 03:52 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

કારને જોતી વખતે આપણા મનમાં એ કાર લેવાના વિચારો શરૂ થઈ જાય છે, પણ ક્યારેય એ વિચાર્યું છે ખરું કે એ કારનો માલિક કોણ છે? હવે વિચારો કે એ કાર તમારી હોત તો એને જોતી વખતે જોનારાએ તમને પણ ઇગ્નૉર જ કર્યા હોત

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં મમ્મી-પપ્પા સાથે કોઈ આર્થિક બાબતે ચર્ચા કરતી વખતે અનાયાસ જ મારાથી એક પુસ્તકનો ઉલ્લેખ થઈ ગયો. એ પુસ્તક તો મેં નહોતું વાંચ્યું, પણ એનું ટાઇટલ મને ખૂબ આકર્ષી ગયેલું. પછી હું ક્યાંય સુધી વિચારતો રહ્યો કે એ પુસ્તકનું નામ અચાનક અને એકાએક મારી જીભે શું કામ ચડ્યું? એ પુસ્તકનું નામ હતું ‘ધ સાઇકોલૉજી ઑફ મની’. ખૂબબધી જગ્યાએથી આ પુસ્તકના રિવ્યુ વાંચેલા, એનાં વખાણ સાંભળેલાં અને એટલે જ એ પુસ્તક મારા TBR (To be Read) લિસ્ટમાં હતું. એક જ બેઠકમાં આખું પુસ્તક વાંચી શકું, ન તો મારી પાસે એટલી ધીરજ છે, ન તો સમય. જોકે એ જ દિવસે Kindle પર જઈને ફટાફટ એ પુસ્તક થોડું ઑનલાઇન વાંચી લીધું. બહુ વધારે નહીં, એક-બે પ્રકરણ. ઍન્ડ ગેસ વૉટ? એમાંથી એક અદભુત વાત જાણવા મળી જે તમારી સાથે શૅર કરવી છે.
પુસ્તકનું એ ચૅપ્ટર વાંચીને ‘કસમ સે’ મને એવી ફીલિંગ આવી કે જાણે દરિયાના ઊંડાણમાં ગયા વગર કાંઠે ઊભેલા મરજીવાને મોતી મળી ગયું હોય. એ પુસ્તકનું આઠમું પ્રકરણ એટલે ‘Man in the car paradox’ જે આપણે સૌએ વાંચવાની, સમજવાની અને યાદ રાખવાની જરૂર છે. ગાડીમાં બેઠેલા માણસ વિશેનો આ વિરોધાભાસ શું છે અને કેવી રીતે કામ કરે છે એટલું સમજી લઈએ તો પણ આપણા ઘણાબધા આર્થિક નિર્ણયો સરળ બની જાય...
તો શુરૂ કરેં?
કલ્પના કરો કે રસ્તા પરથી પસાર થતી વખતે તમે કોઈ મોંઘીદાટ કાર જુઓ છો. એવી કોઈ લક્ઝુરિયસ કાર જે ખૂબ મોંઘી છે અને તમારા બજેટની બહારની છે. તો એ કાર જોઈને માનવસહજ રીતે તમારા મનમાં જે સૌથી પહેલો વિચાર આવશે એ હશે ‘કાશ, આ કાર મારી પાસે હોત!’ જો એ કારનો માલિક હું હોત તો મારો કેવો વટ પડત! આ માનવસહજ માનસિકતાને કારણે અજાણતાંમાં જ આપણે એ કારને એક લક્ષ્ય કે સ્ટાન્ડર્ડ તરીકે સેટ કરી દઈએ છીએ અને આપણે ઇચ્છવા લાગીએ છીએ કે આપણી પાસે પણ એવી જ કાર હોવી જોઈએ. પણ હેય, વેઇટ અ મિનિટ! આ આખી ઘટનામાં તમે ક્યારેય એ મોંઘીદાટ કારના કારચાલક વિશે વિચાર્યું? અરે, વિચારવાનું છોડો, એ કારચાલકને નોટિસ પણ કર્યો? નહીંને!

કારની ચમકદમક જોવામાં આપણે એટલા મશગૂલ થઈ જઈએ છીએ કે એ કારના માલિક કે ચાલક વિશે નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. બસ, આ જ છે ‘મૅન ઇન ધ કાર પૅરૅડોક્સ’. ટૂંકમાં, ગજા બહારની લોન કે ઉધાર લઈને ધારો કે આપણે એ કાર ખરીદી પણ લીધી તોય એ ચલાવતી વખતે લોકો આપણને નોટિસ નહીં કરે, પણ ફક્ત આપણી કારને જ નોટિસ કરશે. તો જે ઉદ્દેશથી પ્રેરાઈને આપણે કાર ખરીદવાનો નિર્ણય કરેલો એ તો નિરર્થક રહ્યોને! જો તમારી કોઈ નોંધ જ નથી લેવાનું તો પછી તમે કોઈ ‘સ્મૉલ સેગમેન્ટ’ કારમાં હો કે સૅડનમાં, શું ફેર પડે છે? આટલો બધો બિનજરૂરી ખર્ચો શું કામ? ફક્ત કોઈને ઇમ્પ્રેસ કરવા માટે? ફક્ત આપણો વટ પાડવા માટે? તો અહીં આગળ ‘સાઇકોલૉજી ઑફ મની’ સમજવી જરૂરી છે.
આ જ રીતે કોઈ આલીશાન બંગલો જોયા પછી પણ સૌથી પહેલો વિચાર આપણને એ ‘પ્રૉપર્ટી’નો આવે છે, એના માલિકનો નહીં. ટૂંકમાં, ખર્ચાળ વસ્તુઓ જોતી વખતે આપણે માત્ર ‘પદાર્થ’નો વિચાર કરીએ છીએ, વ્યક્તિનો નહીં. ઊલટું ‘એ વસ્તુના માલિક આપણે હોઈએ તો?’ જેવી કલ્પના કે સપનાં જોવા લાગીએ છીએ. માય ડિયર ફ્રેન્ડ, વાર્તાનો સાર એટલો જ છે કે ‘પૈસા કે પદાર્થો આપણને આદર કે અટેન્શન નથી અપાવી શકતા.’

આપણા ગજા કે બજેટ બહારની કોઈ પણ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે જાતને બે સવાલો પૂછવાના છે. એ ખરીદવા પાછળનો આપણો હેતુ શું છે? ઉપયોગિતા કે પ્રદર્શન? આપણે કશુંક આપણી સગવડ વધારવા ખરીદવું છે કે આપણો સ્વીકાર વધારવા? એ મોંઘીદાટ વસ્તુ ખરીદવાનો નિર્ણય તો જ સાર્થક ગણાશે જો એ ખરીદી આપણી સુવિધામાં વધારો કરે, કારણ કે આપણા લાખ ઇચ્છવા છતાં પણ એ પદાર્થ આપણને માન, સ્વીકાર કે અટેન્શન તો નહીં જ અપાવી શકે. આમ ખરીદી અંગેનો કોઈ મોટો નિર્ણય લેતી વખતે ફક્ત એની ઉપયોગિતાને ધ્યાનમાં લેવી, એની બ્રૅન્ડ કે સ્ટેટસને નહીં. જો ફક્ત આપણો પ્રભાવ પાડવા માટે આપણે કશુંક ખરીદી રહ્યા છીએ તો એ નાણાંનો વેડફાટ છે, કારણ કે એ ક્યારેય શક્ય નથી બનવાનું.

અમુક જગ્યાએ ‘લમ્બોર્ગિની’ કે ‘લિમોઝિન’ કાર સાથે ફોટો પડાવવાનો આખો બિઝનેસ ચાલે છે. એટલે કે મોંઘીદાટ કાર સાથે ફોટો પડાવવા તમારે અમુક નાણાં ચૂકવવાનાં હોય છે. પછી લક્ઝુરિયસ કાર સાથેનો એ ફોટો તમે સોશ્યલ મીડિયામાં અપલોડ કરી શકો છો. મિત્રો પર પ્રભાવ પાડવા માટે કેટલાય લોકો આ રીતે ભાડું ચૂકવીને કાર સાથે ફોટો પડાવે છે, પણ તેઓ ‘Man in the car paradox’થી અજાણ હોય છે.

તો પુસ્તક અને જિંદગીના આ મહત્ત્વના પ્રકરણની સમીક્ષા એટલી જ છે કે સામાજિક સ્વીકાર, પ્રશંસા કે ઓળખ મેળવવા માટે આપણે જ્યારે પણ કોઈ મોંઘાદાટ કે ગ્લૅમરસ પદાર્થોનો સહારો લઈએ છીએ ત્યારે હકીકતમાં જોનારની નજરમાં આપણે ઇગ્નૉર થઈ જઈએ છીએ; કારણ કે આપણી પાસે રહેલી એ વસ્તુનો ઉપયોગ તેઓ પોતાની કલ્પના કે ઇચ્છા માટે કરે છે, જ્યાં આપણું કોઈ સ્થાન નથી હોતું. પ્રભાવ પાડવા માટે પદાર્થો નહીં, પ્રેમની જરૂર પડે છે અને પ્રેમનું પ્રદર્શન કરવા માટે કોઈ લોન લેવાની જરૂર નથી પડતી.    

columnists