આ ચિકન બ્લડ પેરન્ટિંગ કઈ બલા છે?

24 September, 2021 02:18 PM IST  |  Mumbai | Jigisha Jain

ચીનમાં ચિકન બ્લડ પેરન્ટિંગ ફૂલ્યુંફાલ્યું છે જેમાં બાળકો પર માતા-પિતા અપેક્ષાઓના ટોપલા ઠાલવ્યા કરે છે. એક વાત સ્પષ્ટ છે કે દુનિયાભરમાં ત્રુટીથી ભરેલા પેરન્ટિંગની ભરમાર છે.

આ ચિકન બ્લડ પેરન્ટિંગ કઈ બલા છે?

દુનિયાના જુદા-જુદા દેશોમાં પેરન્ટિંગને લઈને ઘણા જુદા-જુદા ટ્રેન્ડ્સ આવ્યા કરે છે. ચીનમાં ચિકન બ્લડ પેરન્ટિંગ ફૂલ્યુંફાલ્યું છે જેમાં બાળકો પર માતા-પિતા અપેક્ષાઓના ટોપલા ઠાલવ્યા કરે છે. એક વાત સ્પષ્ટ છે કે દુનિયાભરમાં ત્રુટીથી ભરેલા પેરન્ટિંગની ભરમાર છે. આમ તો પેરન્ટિંગ ક્યારેય પર્ફેક્ટ ન હોઈ શકે પરંતુ તમારી કોશિશ એને બહેતર બનાવી શકે છે
 
ચીનમાં આજકાલ બાળઉછેરનો એક નવો જ ટ્રેન્ડ ફૂલીફાલી રહ્યો છે જેને ચિકન બ્લડ પેરન્ટિંગ નામ આપવામાં આવ્યું છે. અત્યંત સૂગ ચડે એવું નામ જણાવે છે કે આ પ્રકારનું પેરન્ટિંગ ખૂબ વધારે સખત છે. ચાઇનામાં વર્ષોથી ચિકન બેબી નામની ટર્મ વપરાય છે જે એ બાળકો માટે છે જે મિડલ ક્લાસ માતા-પિતાના અતિરેકનો ભોગ બનેલાં છે, જે ઇચ્છે છે કે તેમનાં બાળકો કોઈ પણ ભોગે સફળતા અને યશ પ્રાપ્ત કરે. આ ટર્મ ખાસ કરીને શહેરોમાં જેમ કે બીજિંગ કે શાંઘાઈમાં વપરાતી જોવા મળી છે. 
આવું નામ કેમ? 
ચિકન બ્લડ પેરન્ટિંગ જેવું સૂગ ચડે એવું નામ કેમ આપવામાં આવ્યું હશે એ પ્રશ્ન કોઈ પણના મનમાં ઉદ્ભવે. તો એનો જવાબ એ છે કે ૧૯૫૦માં ચાઇનામાં ચિકનનું લોહી ટ્રીટમેન્ટ માટે વપરાતું. ત્યાંના લોકોની એવી માન્યતા હતી કે કૂકડાનું તાજું લોહી ટાલ, ઇન્ફર્ટિલિટી અને કૅન્સર જેવી મોટી બીમારીઓને ઠીક કરવામાં મદદરૂપ છે. આ માન્યતા સાથે માતા-પિતા પોતાના બાળકને એનું લોહી પીવડાવતાં જેથી બાળક નીરોગી રહે. જોકે આનાં કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી આ ટ્રેન્ડ વર્ષો જતાં ગાયબ થઈ ગયો હતો. જોકે ‘ચિકન બ્લડ’ શબ્દ પોતાના બાળકને બધી જ વસ્તુઓમાં ટૉપ પર જોવા માગતાં માતા-પિતાની ચિંતા અને હાઇપર ઍક્ટિવ સ્વભાવ સાથે જોડાઈ ગયો હતો. તેથી આ પ્રકારના પેરન્ટિંગને આવું નામ આપવામાં આવ્યું છે. 
પરિસ્થિતિ 
મિડલ ક્લાસ માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તેમનું બાળક ખૂબ આગળ વધે. તેમનાં અધૂરાં રહી ગયેલાં સપનાંઓને સાકાર કરે. પૈસો જ નહીં, નામ પણ ખૂબ કમાય. તેમની 
આજની જે પરિસ્થિતિ છે એનાથી એ બાળક ઘણું જ આગળ વધે, ખૂબ ભણે, ગણે અને સારું કમાય. આ બાબતે દીપ્તિ સાવલા કહે છે, ‘આ બધી ઇચ્છાઓ અનુસાર તેઓ બાળકને તેની ક્ષમતાઓ કરતાં ક્યાંય વધારે પુશ કરતાં હોય છે. બાળકની ક્ષમતા ૧૦૦માંથી ૭૦ લાવવાની હોય તો માતા-પિતા તેને પુશ કરી-કરીને ૯૦ સુધી પહોંચાડવા મથતા હોય છે. જો તેની ક્ષમતા ફક્ત ભણવાની હોય તો પણ તેને બીજા પંદર જાતના ક્લાસમાં લઈ જઈને તેની ટૅલન્ટ વિકસાવવાની કોશિશ કરતાં હોય છે. એને કારણે બાળક સતત ભાગતું રહે, કંઈક શીખતું રહે, વ્યસ્ત રહે એવા પ્રયત્નો કરતાં હોય છે. આ પ્રકારના પેરન્ટ્સ ફક્ત ભારતમાં નથી, સમગ્ર દુનિયામાં છે.’
ફક્ત પેરન્ટ્સનો વાંક નથી 
રિપોર્ટ્સ કહે છે કે આમાં બધો જ વાંક પેરન્ટ્સનો નથી. ગળાકાપ હરીફાઈવાળી એજ્યુકેશન સિસ્ટમનો પણ એટલો જ વાંક છે. ચિકન બ્લડ પેરન્ટિંગ વિશે જાણીને આપણે એની સાથે ઇન્ડિયન પેરન્ટિંગને સરખાવી શકીએ છીએ, કારણ કે ભારતમાં ભલે આપણે પેરન્ટિંગનું આવું નામ નથી આપતા પણ અહીં આ જ પરિસ્થિતિ છે. ચીન અને ભારતમાં વસ્તી ખૂબ ગીચ છે. અહીં કરોડો લોકો વસે છે. આવી પરિસ્થિતિમાં દરેક માતા-પિતા ઇચ્છે છે કે બાળક પહેલેથી આ હરીફાઈ માટે તૈયાર રહે. 
પેરન્ટિંગના જુદા-જુદા ટ્રેન્ડ 
ફ્રી-રેન્જ પેરન્ટિંગ : આ એ પ્રકારના પેરન્ટ્સ છે જે લોકોની સામે પોતાના બાળકને કોઈ મદદ કરતા નથી. બાળકોને છૂટાં મૂકી દે છે. તેમને જેમ કરવું હોય એમ કરવા માટે. જોકે આ 
પ્રકારના પેરન્ટિંગને વખોડવામાં 
આવ્યું હતું, કારણ કે એવું માનવામાં આવ્યું હતું કે આ પેરન્ટ્સની બેદરકારી છે. અમુક રાષ્ટ્રો એવું માને છે કે એનાથી બાળકમાં આત્મવિશ્વાસ જાગ્રત થાય છે.
હેલિકૉપ્ટર પેરન્ટિંગ : જે પેરન્ટ્સ પોતાના બાળકના જીવનનો દરેક નિર્ણય ખુદ લેતા હોય, બધું તેમને તેમના પ્રમાણે જ જોઈતું હોય તો એવા પેરન્ટિંગને હેલિકૉપ્ટર પેરન્ટિંગ કહે છે. આ પેરન્ટ્સ પોતાના બાળકને સતત રક્ષણ આપતા રહે છે. એના માટે તેમના મનમાં સતત ગભરાટ અને ડર રહે છે જેને કારણે બાળકો સાવ પરાવલંબી બની જતાં હોય છે. 
સ્નો-પ્લો પેરન્ટિંગ (એને બુલડોઝર કે લોનમોવર પેરન્ટિંગ પણ કહે છે.): પોતાના બાળક માટે બધું જ કરી છૂટવા માગતા પેરન્ટ્સ આ કૅટેગરીમાં આવે છે. બાળકના રસ્તામાં જે પણ કાંટા આવે એને એ લોકો ઉખાડીને ફેંકી દે છે. આ પ્રકારના પેરન્ટ્સ ઇચ્છતા નથી કે તેમના બાળકને કોઈ પણ જાતની તકલીફ પડે કે કોઈ સ્ટ્રગલ કરવી પડે. જોકે આ કારણે તેમનાં બાળકો સાવ નમાલાં અને બધી જ બાબતે પેરન્ટ્સ પર આધાર રાખતાં હોય છે. 
લાઇટહાઉસ પેરન્ટિંગ: નામ મુજબ આ એ પ્રકારનું પેરન્ટિંગ છે જેમાં પેરન્ટ્સે બાળકના જીવનની દીવાદાંડી બનવાનું છે. તેને સાચો માર્ગ બતાવવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે એ માર્ગ ભટકે નહીં. અહીં પેરન્ટ્સ બાળકના રોલ મૉડલ બની જતા હોય છે. આ પેરન્ટિંગમાં પેરન્ટ્સે પ્રેમ કરવામાં, રક્ષણ આપવામાં, કમ્યુનિકેશન કરવામાં અને સમગ્ર પાલનપોષણમાં એક બૅલૅન્સ મેઇન્ટેન કરવાનું હોય છે, કશું વધારે કે ઓછું કરવાનું હોતું નથી. 
અટૅચમેન્ટ પેરન્ટિંગ : આ એવા પેરન્ટ્સ છે જે બાળકને પોતાની સાથે જ રાખે છે. સતત તેને તેડીને રાખે, પોતે જ્યાં જાય ત્યાં સાથે જ રાખે. પોતાના બાળકને બે મિનિટ પણ નજરથી દૂર ન થવા દે એવો મોહ ધરાવતા પેરન્ટ્સનું બાળક ક્યારેય સ્વાવલંબી બનતું નથી. 
ટાઇગર પેરન્ટિંગ: જે નિયમોમાં ખૂબ સ્ટ્રિક્ટ અને પાલનપોષણ જેમનું ખૂબ સખત હોય એવા પેરન્ટ્સ આ કૅટેગરીમાં આવે છે. અમુક રીતે આ પ્રકારનું પેરન્ટિંગ હોવાથી બાળકો વધુ પ્રોડક્ટિવ, ખંતીલાં અને જવાબદારીવાળાં બને છે. પરંતુ અમુક કેસમાં આ પ્રકારનું વલણ બાળકોમાં ડર, ખરાબ સોશ્યલ સ્કિલ્સ અને અક્ષમતા લાવે છે. 

જો તમે ચિકન બ્લડ પેરન્ટિંગ કરતા હો તો કઈ રીતે બદલાશો?

૨૦૧૯-’૨૦નો ચાઇનાનો નૅશનલ મેન્ટલ હેલ્થ ડેવલપમેન્ટ રિપોર્ટ જણાવે છે કે ૨૫ ટકા ચાઇનીઝ તરુણો ડિપ્રેશનનો શિકાર છે, જેમાંથી ૭.૪ ટકા બાળકોને સિવિયર ડિપ્રેશન છે. ઘણી વખત બાળકને પ્રેશર ન આપો તો તે કંઈ જ કરે નહીં અને ઘણી વખત પ્રેશરમાં આવીને તે ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. આ પરિસ્થિતિમાં બૅલૅન્સ રાખવું ખૂબ જરૂરી છે. એ  કઈ રીતે રાખવું એ જાણીએ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા પાસેથી. 
બાળકને ભણવા સિવાયની ઇતર પ્રવૃત્તિ ચોક્કસ કરાવો પણ એક વખત તેને પૂછો કે તને શું કરવામાં મજા આવે છે? એમાં તેને આગળ વધવા દો. 
તેના આખા દિવસના શેડ્યુલમાં ભણવાનું ખૂબ જરૂરી છે એ વાત સાચી, પણ દિવસના કયા સમયમાં અને કઈ રીતે તેને ભણવું છે એનો નિર્ણય તેના પર રહેવા દો. તમે તેને ટાઇમ-ટેબલમાં ન બાંધો.
એટલી બધી પ્રવૃત્તિઓમાં તેને બાંધી દેવાથી તેનામાં ક્રીએટિવિટી આવશે એ ભૂલભરેલી માન્યતા છે. બાળક હંમેશાં ખાલી સમયમાં ક્રીએટિવ બને છે. તેને એ સમય મળે એનું ધ્યાન રાખો.
એ રમે કે મિત્રો સાથે ગપાટા મારે કે પછી નિરાંતે પડ્યું હોય તો એને સમય વેડફવો નહીં કહેવાય. કંઈ ન કરવું પણ એટલું જ જરૂરી છે. ૨૪ કલાક બાળક ઍક્ટિવ જ રહે એવું નથી હોતું. 
બાળક તમને દરેક વાત આવીને કહી શકે એટલી મોકળાશ રાખો. 
દિવસમાં અડધો કલાક તેને એવો આપો જેમાં તમે તેને કોઈ કામ ન સોંપો કે ન કોઈ સલાહ આપો. બસ, તેની સાથે રહો. તેને સમય આપો.

 બાળકની ક્ષમતા ફક્ત ભણવાની હોય તો પણ તેને બીજા પંદર જાતના ક્લાસમાં લઈ જઈને તેેને હોશિયાર બનાવી દેવાની લાયમાં માબાપ બાળકને સતત વ્યસ્ત રાખે છે
દીપ્તિ સાવલા 

 ચિકન બ્લડ પેરન્ટિંગ કરતા માબાપ બાળકને બધી જ વસ્તુઓમાં ટૉપ પર જોવા માગતાં હોવાથી સતત ચિંતા કરીને હાઇપર ઍક્ટિવ થઈ જાય છે.

columnists Jigisha Jain