વૉબ્લી ટૂથ પ્યુબર્ટી : બેબીહુડ હવે બૅગ પૅક કરી રહ્યું છે

09 December, 2025 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળપણ હજી ગયું નથી ને કિશોરાવસ્થા આવી નથી એવા પાંચથી સાત વર્ષની ઉંમરના ગાળાને માનસશાસ્ત્રીઓ ‘વૉબ્લી ટૂથ પ્યુબર્ટી’ કહે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બાળપણ હજી ગયું નથી ને કિશોરાવસ્થા આવી નથી એવા પાંચથી સાત વર્ષની ઉંમરના ગાળાને માનસશાસ્ત્રીઓ ‘વૉબ્લી ટૂથ પ્યુબર્ટી’ કહે છે. આ સાચી પ્યુબર્ટી (પુખ્તતા) નથી. હજી બાળપણનાં જ લક્ષણો છે. શરીરમાં કોઈ હૉર્મોનલ ચેન્જિસ શરૂ નથી થયા પણ જન્મથી પાંચેક વર્ષ સુધીમાં જે દુનિયા જોઈ છે એમાં તે કંઈક સમજવા મથે છે. ‘આમ કેમ? આમ કેમ નહીં?’ તેથી જ હવે મમ્મીની સામે થાય છે, દૂધ પીવાની ના પાડી દે છે, વહેલા સૂવાની ના પાડી દે છે. હાથ ઉપાડો તો વધુ આક્રમક થઈ જાય છે. પપ્પાની આંગળી છોડી રહ્યું છે. ‘હું’ની શરૂઆત થઈ રહી છે. દૂધિયા દાંત-વૉબ્લી ટૂથ પડી રહ્યા છે. બેબીહુડ હવે બૅગ પૅક કરી રહ્યું છે. આ એક ટ્રાન્ઝિશન પિરિયડ છે. ‘મને કીધા ન કરો, હું કરીશ, મને આવડે છે’ની શરૂઆત થઈ છે.

નવયુગલ નવા બાળક માટે માનસિક રીતે તૈયાર હોય છે. રાતે રડશે, ઊંઘવા નહીં દે, બહાર નહીં જવાય, કપડાં ખરાબ કરશે - આ માટે બન્ને ખુશીથી તૈયાર હોય છે. મોટા થાય ત્યારે ખોટી સંગતમાં ખોટે રસ્તે તો ચડી નહીં જાયને? ટીનેજમાં કોઈ ઉતાવળું પગલું તો ભરી નહીં બેસેને? આવા ડર અને ચિંતા સાથે પણ માનસિક રીતે તૈયાર હોય છે. દાદા-દાદી પણ સાથ આપે છે. પણ છ વર્ષનું બાળક

જ્યારે દૂધનો ગ્લાસ ફેંકી દે ત્યારે તેઓ ડઘાઈ જાય છે. આપણે એને તોફાન કહીને ભૂલી જઈએ છીએ પરંતુ

માતા-પિતાની સત્તા સામેના આ એક નાનકડા વિદ્રોહની શરૂઆત છે. સ્કૂલમાં ટીચરની સામે બોલે છે, મિત્રો સાથે ઝઘડે છે, સ્કૂલ-ડ્રેસ ફાડી ઘરે આવે છે. ત્યારે ‘હું મોટો/ટી થઈ ગયો/ઈ છું’ એ નાનકડા વિદ્રોહની બીજી સાબિતી છે. ‘હું કંઈ નાનો/નાની નથી હવે’ એમ કહે ત્યારે સમજવું જોઈએ કે તે હવે ખરેખર સાવ નાના તો નથી જ રહ્યા, આપણે પણ તેમની સાથેનું વર્તન બદલવું પડશે.

બાય ધ વે, નાનપણમાં દાંત પડી જતા ત્યારે મમ્મી કોઈના છાપરે ફેંકવાનું કહેતી. ત્યારે તો કેમ એ સમજાતું નહીં પણ હવે એની પાછળનું મમ્મીનું લૉજિક સમજાય છે : ‘તારું બાળપણ ગયું, હવે તેમને ત્યાં પારણું બંધાય.’

 

- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

columnists exclusive gujarati mid day