તમને કઈ ભાષા શીખવી ગમે?

13 May, 2022 10:17 AM IST  |  Mumbai | Varsha Chitaliya

દરેક ભાષા કલ્ચર સાથે કનેક્ટેડ છે એ નિર્વિવાદ છે, પરંતુ આજની જનરેશન માને છે કે ઇમોશન્સને એક્સપ્રેસ કરવાની સાથે પ્રૅક્ટિકલ લાઇફમાં યુઝફુલ તેમ જ કરીઅરમાં ગ્રોથ થાય એવી ભાષા આવડવી જોઈએ 

આજની યંગ પેઢીને અંગ્રેજી ભાષા પ્રત્યે વધુ લગાવ ભલે હોય, પરંતુ તેમને માતૃભાષા ઉપરાંત બીજાં રાજ્યો અને બીજા દેશોની ભાષાઓ શીખવામાં પણ સારોએવો રસ પડે છે.

કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપે હિન્દી રાષ્ટ્રભાષા નથી એવું નિવેદન આપ્યા બાદ અનેક કલાકારોએ એમાં ઝંપલાવતાં ભાષાનો મુદ્દો ખાસ્સો ચગ્યો છે. સેલિબ્રિટીઝથી પ્રભાવિત યુવાપેઢી પણ આ બાબત ચર્ચા કરતી જોવા મળે છે. દરેક ભાષા કલ્ચર સાથે કનેક્ટેડ છે એ નિર્વિવાદ છે, પરંતુ આજની જનરેશન માને છે કે ઇમોશન્સને એક્સપ્રેસ કરવાની સાથે પ્રૅક્ટિકલ લાઇફમાં યુઝફુલ તેમ જ કરીઅરમાં ગ્રોથ થાય એવી ભાષા આવડવી જોઈએ

‘હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી’ એવા કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપે હિન્દી વિશે આપેલા નિવેદન બાદ અજય દેવગને તેમને જવાબ આપ્યો હતો. મનોજ બાજપેયી તથા નવાઝુદ્દીન સિદ્દીકીએ સાઉથ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કર્યો હતો. ત્યાર બાદ આ વિવાદમાં ઝંપલાવતાં કંગના રનોટે કહ્યું હતું કે સંસ્કૃત રાષ્ટ્રીય ભાષા હોવી જોઈએ. સોનુ નિગમ અને જાવેદ જાફરીએ પણ જુદા-જુદા બયાન આપ્યાં હતાં. થોડા દિવસથી ભાષાનો મુદ્દો ખાસ્સો ચર્ચામાં છે અને હજી શમવાનું નામ લેતો નથી. સેલિબ્રિટીઝથી પ્રભાવિત યુવાપેઢી પણ આ બાબત ચર્ચા કરતી જોવા મળે છે. દરેક ભાષા કલ્ચર સાથે કનેક્ટેડ છે એ નિર્વિવાદ છે, પરંતુ સ્માર્ટ વર્લ્ડમાં અંગ્રેજી સિવાય ચાલવાનું નથી. યંગસ્ટર્સમાં વિદેશી ભાષા શીખવાનો પણ એટલો જ ક્રેઝ છે ત્યારે તેમને કેટલી ભાષાઓ આવડે છે, શીખવાના કારણો, કઈ ભાષા શીખવાથી ફાયદો થયો, કઈ ભાષા ન શીખવાનો રંજ છે જેવા વિવિધ પ્રશ્નો પર તેમની સાથે વાતચીત કરીએ.
વૈશ્વિક ભાષા અનિવાર્ય
હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણેય ભાષા વાંચતાં-લખતાં આવડે છે અને અત્યારે ફ્રેન્ચ શીખી રહ્યો છું એવી જાણકારી આપતાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો કાંદિવલીનો જૈતિક ગાંધી કહે છે, ‘કૉલેજમાં હિન્દી અને ફ્રેન્ચના ઑપ્શન આપવામાં આવ્યા ત્યારે વિચાર આવ્યો કે હિન્દી તો આવડે જ છે, હવે નવી ભાષા શીખીએ. 
દેશ-વિદેશની સંસ્કૃતિ વિશે જાણવા ભાષા આવડવી જરૂરી છે. ફ્રેન્ચ વિશ્વની બીજા નંબરની સૌથી વધુ બોલાતી ભાષા હોવાથી કરીઅર ગ્રોથ માટે પણ ઉપયોગી છે. જોકે હિન્દી રાષ્ટ્રભાષા હોવી જોઈએ કે નહીં એ મુદ્દો જ ખોટો છે. મારા મતે આપણને દરેક રાજ્યની ભાષા થોડી-થોડી આવડવી જોઈએ, કારણ કે ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં ગૂગલ ટ્રાન્સલેશન કામ નથી આવતું. સાઉથ ફરવા ગયા હતા ત્યારે આવો અનુભવ થયો છે. અહીં જંગલ વિસ્તારમાં કોઈને અંગ્રેજી કે હિન્દી નથી આવડતી. એકબીજાની ભાષા સમજાતી નહોતી પરિણામે ઘણી તકલીફ વેઠવી પડી. લગભગ દોઢેક કલાકની રકઝક બાદ એક અંકલ મળ્યા જેમને તૂટીફૂટી અંગ્રેજી આવડતી હતી. ત્યારથી નક્કી કર્યું કે દેશ-વિદેશમાં ક્યાંય પણ ફરવા જવું હોય સ્થાનિક ભાષા થોડીઘણી શીખી લેવાથી મુશ્કેલી નડતી નથી અને ભાષાના કારણે લોકલ કલ્ચરથી પણ કનેક્ટ થઈ શકો છો.’
પ્રોફેશનમાં કામની
રોજબરોજમાં બોલાતી ભારતીય ભાષા ઉપરાંત મૅન્ડરિન (ચીનની ભાષા) પર સારું પ્રભુત્વ ધરાવતી ઘાટકોપરની લૉ સ્ટુડન્ટ નીતિ શાહ કહે છે, ‘પૅન્ડેમિક બાદ ચીન સાથે આખી દુનિયાના દેશોના સંબંધો વણસી ગયા હોવા છતાં મૅન્ડરિન શીખ્યા વગર ચાલશે નહીં. ચીન પર ગમે એટલા પ્રતિબંધો મૂકો, બિઝનેસ બંધ થવાનો નથી. 
ભારતની મોટા ભાગની કંપનીઓને સીધી અથવા આડકતરી રીતે ચીન સાથે કામ પાર પાડવાનું છે. ઇન્ડિયામાં એવી ઘણી ફર્મ છે જે ચીન સાથે ​ડીલ કરે છે અને તેમને લૉયરની જરૂર પડે છે. હું એવી ફૉરેન લૅન્ગ્વેજ શીખવા માગતી હતી જેની હાઈ ડિમાન્ડ હોય. મૅન્ડરિન ભાષા શીખવતા ટ્યુટર અને ટ્રાન્સલેટરની ખાસ્સી ડિમાન્ડ છે. લૉયર તરીકેની કારકિર્દીમાં પણ મૅન્ડરિન ઘણી કામ આવશે એવું લાગતાં ઊંડો અભ્યાસ કર્યો. મૅન્ડરિન ભાષા અઘરી છે, પરંતુ વર્તમાન સમયમાં શીખ્યા હશો તો તમારો ગ્રોથ થશે. શરૂઆતમાં માત્ર કરીઅરના દૃષ્ટિકોણથી મૅન્ડરિન શીખી હતી. ત્યાર બાદ એવો રસ પડ્યો કે આ ભાષા મારું પૅશન બની ગઈ. ફૉરેન લૅન્ગ્વેજના લીધે તમારો કૉન્ફિડન્સ વધે છે. આપણને વિદેશી ભાષા શીખવાનો ક્રેઝ છે એવી રીતે તેમને પણ હિન્દીનું આકર્ષણ છે.
 ભારતની વાત કરું તો સ્પેસિફિક લૅન્ગ્વેજને વળગી રહેવાની જરૂર નથી પણ મોટા ભાગના ભારતીયોને હિન્દી ભાષા સમજાય છે તેથી રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો યોગ્ય છે. ડે-ટુ-ડે લાઇફમાં ઇંગ્લિશ અને હિન્દી આવડતી હોય એ પૂરતું છે.’
સ્થાનિક ભાષા કામની
ભારતના દરેક પ્રાંતની ભાષાની પોતાની જ એટલી ખૂબસૂરતી છે કે ક્યારેય ફૉરેન લૅન્ગ્વેજ શીખવાનો ક્રેઝ થયો નથી. સ્કૂલમાં ફ્રેન્ચનો ઑપ્શન હોવા છતાં હિન્દી પસંદ કરી, કારણ કે મને મારા દેશની ભાષા ગમે છે. દસમા ધોરણની પરીક્ષા બાદ વેકેશનનો આનંદ ઉઠાવી રહેલો બોરીવલીનો હર્ષ વીરા આવી વાત કરતાં કહે છે, ‘સ્કૂલ લાઇફમાં ફરજિયાતપણે શીખેલી ઇંગ્લિશ, હિન્દી, મરાઠી તેમ જ માતૃભાષા ગુજરાતી અને કચ્છી આવડે છે. આ એવી ભાષાઓ છે જેના માધ્યમથી હું ઇમોશન્સ શૅર કરી શકું છું,  ડે-ટુ-ડે લાઇફમાં કામકાજ સારી રીતે થાય છે અને કરીઅર 
ગ્રોથ પણ થશે. ભારત મલ્ટિ-કલ્ચર્ડ દેશ છે. આપણા દેશમાં બોલાતી મોટા ભાગની ભાષા સંસ્કૃતમાંથી ઉદ્ભવી છે તેથી એમાં અનેરી મીઠાશ છે. ભાષા વ્યક્તિની ઓળખ હોવાથી એનો ચાર્મ બરકરાર રહેવો જોઈએ. જોકે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે હરકોઈએ સ્વીકારવી જોઈએ એવું હું માનું છું. અત્યારે નવી ભાષા શીખવાનો કોઈ વિચાર નથી, પરંતુ તક મળશે તો બંગાળી અને દક્ષિણ ભારતીય ભાષા સારી રીતે શીખવી ગમશે. હાલમાં હાર્ટ પેશન્ટ પેરન્ટ્સની ટ્રીટમેન્ટ માટે દર છ મહિને બૅન્ગલોર વિઝિટ કરવું પડે છે. કન્નડ આવડતી હોય તો કમ્યુનિકેશન માટે સારું પડે તેથી બેઝિક શીખવાનો પ્રયાસ ચાલે છે.’

 દરેક રાજ્યની ભાષા થોડી-થોડી આવડવી જોઈએ, કારણ કે ઘણી વાર ગૂગલ ટ્રાન્સલેશન કામ નથી આવતું. સ્થાનિક ભાષાના બેઝિક નૉલેજના કારણે લોકલ કલ્ચરથી કનેક્ટ થઈ શકાય છે. કરીઅર ગ્રોથની દૃષ્ટિએ વિશ્વની બીજા નંબરની સૌથી વધુ બોલાતી ફ્રેન્ચ આવડવી જોઈએ.
જૈતિક ગાંધી

સંસ્કૃત ન શીખ્યાનો રંજ

ફ્લુઅન્ટ લિંગ્યુઅલ્સની ફાઉન્ડર તેમ જ સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં ફ્રેન્ચ ભાષાની પ્રોફેસર રિદ્ધિ ગડા કહે છે, ‘દરેક યંગસ્ટરની જેમ કૉલેજ લાઇફમાં ફૉરેન લૅન્ગ્વેજ શીખવામાં ઇન્ટરેસ્ટ જાગ્યો. મૅન્ડરિન, ફ્રેન્ચ, જૅપનીઝ જેવી અનેક ભાષા શીખી છું. વિદેશી ભાષાઓ પર પ્રભુત્વ હોવાનો ગર્વ પણ ખરો. વિદ્યાર્થીઓને ભાષા શીખવાડતાં-શીખવાડતાં એક તબક્કો આવ્યો જ્યારે મને થયું કે દુનિયાની કોઈ પણ ભાષા શીખતાં પહેલાં માતૃભાષાનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. તમને પોતાના રૂટ્સની જાણ હોવી જોઈએ. ભાષા એટલે માત્ર શબ્દો નથી. તમારા ઇમોશન્સને એક્સપ્રેસ કરવાનો જરિયો છે. માતૃભાષાને સાઇડ ટ્રૅક કરી સતત ફૉરેન લૅન્ગ્વેજ સાથે કનેક્ટ રહેવાથી તમારા એટિકેટ્સ, બિહેવિયર, લિવિંગ સ્ટાઇલ વગેરે એના જેવા બની જાય અને તમે પોતાની સાચી ઓળખ ગુમાવી દો છો. ઇન્ડિયન લૅન્ગ્વેજ એક્સપ્રેસિવ છે. મારા વિદ્યાર્થીઓને પણ પહેલાં માતૃભાષા શીખવાની ભલામણ કરું છું. માતૃભાષા આવડતી હોય એ ફૉરેન લૅન્ગ્વેજ જલદી શીખી શકે છે. મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો હતો જેને હિન્દી સિવાય કોઈ ભાષા આવડતી નહોતી. ૭૦ ટકા ફ્રેન્ચ એને હિન્દીમાં શીખવાડ્યું હતું. મારી અંગત વાત કરું તો ઘણીબધી વિદેશી ભાષાઓ આવડતી હોવા છતાં સંસ્કૃત ભાષાનો ઊંડાણપૂવર્ક અભ્યાસ ન કર્યાનો રંજ થયો. હાલમાં સંસ્કૃત શીખી રહી છું. વૈશ્વિક સ્તરે આજે ભારત જે સ્થાન પર છે એ જોતાં યુવાપેઢી માટે સંસ્કૃત પણ કરીઅરમાં ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ શકે છે.’

columnists Varsha Chitaliya