25 June, 2026 11:34 AM IST | Mumbai | Jayesh Chitalia
ફાઇલ તસવીર
દેશના વિકાસમાં તાતા ગ્રુપનો અમૂલ્ય ફાળો એ સત્ય તો જગજાહેર છે. તાતા એટલે ટ્રસ્ટ એવી ઊંચી અને અતૂટ શ્રદ્ધા પણ ખરી. આ જ ગ્રુપના જેઆરડી તાતાના જીવનના અમુક ભાગને અને તાતા ગ્રુપના ટાઇટન નામના એક વેપાર-સાહસની યાત્રાની ઝલક દર્શાવતી એક વેબ-સિરીઝ હાલ મૅનેજેમન્ટના એવા નોખા પાઠ શીખવી રહી છે જે માત્ર વેપાર-સાહસમાં જ નહીં, જીવનના દરેક તબક્કે સામાન્ય માનવી માટે પણ માર્ગદર્શક બની શકે છે.
હાલમાં દેશનું સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય ગણાતું તાતા ઔદ્યોગિક ગ્રુપ એક અલગ વિષયને કારણે ચર્ચામાં છે. OTT મંચના પ્રેમીઓ તો આ વાત જાણતા હશે. આ વિષય છે ‘મેડ ઇન ઇન્ડિયા - સ્ટોરી ઑફ ટાઇટન વેબ-સિરીઝ’. જોકે આ સિરીઝની વાર્તા અને પાત્રોના અભિનયની વાતને બદલે એક વેપાર સાહસિકતા (ઑન્ટ્રપ્રનરશિપ)ની કથા કહેતી વેબ-સિરીઝ કઈ રીતે મૅનેજમેન્ટના પાઠ આટલી સરળ રીતે સમજાવે છે એની વાત કરવી છે.
આવી સિરીઝને માત્ર મનોરંજનની દૃષ્ટિએ જોવી જોઈએ નહીં, કેમ કે એમાં મનોમંથનના ભરપૂર પાઠ હોય છે. અહીં આવા મનોમંથનના માત્ર ત્રણેક પાઠ પર વાત કરીએ જેના ૩ શબ્દો યા વિધાન જાણવા-સમજવા-માણવા અને દિલમાં ઉતારવા જેવાં છે : એક, નો ડિસ્કશન, ડેમોન્સ્ટ્રેશન. બીજું, ફ્રીડમ ઑફ ફેલ્યર. ત્રીજું, સેલિબ્રેશન ઑફ ફેલ્યર. નિષ્ફળતાની ઉજવણી કરવાથી આપણે આપણી ભૂલોને સ્વીકારતા થઈએ છીએ. જો ભૂલો સ્વીકારતા થઈએ તો જ આગળ વધી શકાય છે.
આપણને જીવનમાં ઘણાબધા કાલ્પનિક અથવા વાસ્તવિક ભય સતાવતા હોય છે, જેમાં એક ગંભીર ભય નિષ્ફળતાનો હોય છે. નિષ્ફળતા એની માત્રા અને સ્વરૂપ મુજબ આપણને ઉદાસી અને નિરાશા તરફ લઈ જાય છે. જોકે મજાની વાત એ છે કે નિષ્ફળતામાંથી જ સફળતાનો માર્ગ નીકળતો હોય છે. તેથી જ આપણે નિષ્ફળતા સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ એટલું જ નહીં, આપણી જાતને નિષ્ફળ થવાની સ્વતંત્રતા આપવા સાથે નિષ્ફળતાને પણ ઊજવવી જોઈએ. આ જ રીતે ઘણી વાર આપણે કેટલાય વિષયોમાં માત્ર ચર્ચા કર્યા કરીએ છીએ. એને બદલે એ વિષયના વ્યવહારુ પ્રયોગ પણ કરવા જોઈએ. અનેક ચર્ચાઓ જે ઉકેલ ન આપી શકે એ અમુક જીવંત દાખલા કે પ્રયોગ આપી દે છે.
જીવનમાં વિવિધ તબક્કે આપણે વિવિધ પરીક્ષામાંથી પસાર થતા હોઈએ છીએ. એમાં સૌથી મોટો ભય નિષ્ફળતાનો હોય છે. બાળપણ-યુવાનીમાં સ્કૂલો-કૉલેજોમાં લેવાતી પરીક્ષામાં નિષ્ફળતા કે ઓછી સફળતાનો ભય, વિવિધ સ્વરૂપે યોજાતી હરીફાઈમાં હારનો ભય. હવે તો ઓછા માર્ક કે ટકા આવવા એ પણ ભય અને નિષ્ફળતાની વ્યાખ્યામાં આવી ગયા છે. જેમને ૯૪ ટકા માર્ક મળ્યા છે તેઓ ૯૫ ટકા મેળવનારાઓ સામે પોતાને નિષ્ફળ માને છે. નોકરીમાં સલામતીનો અને જવાબદારી નિભાવવામાં નિષ્ફળતાનો ભય, વેપાર-ધંધામાં ખોટ, મંદી અને નિષ્ફળતાનો ડર, સંબધોમાં પણ અસલામતીનો ભય વગેરેના કેન્દ્રમાં સંભવિત નિષ્ફળતાની તલવાર માથે લટકતી રહે છે. જોકે નિષ્ફળતાને સ્વીકારવાનું કે પચાવવાનું આપણને ભાગ્યે જ શીખવવામાં આવે છે યા આપણે શીખીએ છીએ. આ ટાઇટન સ્ટોરી સિરીઝમાં એક વર્લ્ડ ક્લાસ રિસ્ટવૉચ બનાવવાના વિચારબીજથી લઈને એને ગ્લોબલ બ્રૅન્ડ બનાવવા સુધીના માર્ગમાં ડગલે ને પગલે પડકારો આવતા રહે છે. એક પછી એક સંઘર્ષની પરંપરા પછી પણ નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે નિષ્ફળતાને ઊજવવાની વાત આવે છે અને એ માટેનાં સચોટ કારણો પણ અપાય છે જે દર્શકો માટે જીવનનો મહત્ત્વનો બોધ બની શકે છે. નોંધનીય વાત એ છે કે આ પ્રસંગો કે સંઘર્ષ કાલ્પનિક કે ફિલ્મી નથી બલ્કે વાસ્તવિક છે. એમાંથી કંપનીના મૅનેજમેન્ટના અધિકારીઓએ કઈ રીતે માર્ગ કાઢ્યો હતો એના જડબેસલાક દાખલા છે. અહીં ધીરજ, સંયમ અને આત્મવિશ્વાસની આકરી કસોટી થાય છે જેમાં આસમાનથી જમીન પર પટકાઈ પડવાનો ભય હોય એવા સંઘર્ષની ઘટનાઓ પણ છે. આજે જે મેક ઇન ઇન્ડિયાના નારા બોલાય છે ત્યારે એ સમયમાં કેટલાય અવરોધો અને મર્યાદા વચ્ચે કઈ રીતે મેક ઇન ઇન્ડિયાને પાર પાડવામાં આવ્યું હતું એની કથા છે. આ કથામાં કહેવાયું છે કે જ્યારે આપણે નિષ્ફળતાને સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે આપણે આપણી ભૂલોને સ્વીકારી શકીએ છીએ, જેનાથી આપણું આગળ વધવાનું સરળ બને છે તેમ જ વિકાસ કરવાનું વધુ સરળ બને છે. આપણે પ્રયાસ કરવાનું બંધ કરવું જોઈએ નહીં, કેમ કે મોટાં સપનાંઓનો માર્ગ મોટી અસફળતામાંથી જ પસાર થાય છે. આ કડવા સત્યને બહુ મીઠાશથી અહી રજૂ કરવામાં આવ્યું છે.
અમારા નમ્ર મતે આ સિરીઝ દરેક સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓને બતાવવી જોઈએ અને પછી એના પર ચર્ચાસત્રો યોજવાં જોઈએ. ૬૦૦ લેક્ચર કરી ન શકે એ કામ આ સિરીઝના ૬ એપિસોડમાં કરી દેવાની સમર્થતા છે.
આ જ રીતે જીવનના વિવિધ તબક્કે મહત્ત્વના નિર્ણયો લેવા માટે આપણે નિકટના લોકો સાથે ચર્ચા કરીએ છીએ. આ ચર્ચા પારિવારિક હોય અથવા કંપનીના મૅનેજમેન્ટ બોર્ડની પણ હોય. જોકે ઘણી વાર ચર્ચામાંથી સાચા યા સચોટ ઉપાય મળી શકતા નથી. આવા સમયમાં ચર્ચા કરતાં પ્રયોગનું મહત્ત્વ વધી જતું હોય છે. ચર્ચાની મર્યાદા હોઈ શકે, જ્યારે પ્રયોગોમાં ઝડપી પરિણામ મળતાં હોય છે. કોઈ પણ સમસ્યાને સમજવા માટે ચર્ચા પર્યાપ્ત નથી હોતી. ચર્ચાથી આઇડિયા મળે, મતો ભેગા થાય; પણ ખરું મહત્ત્વ એના જીવંત ઉદાહરણ અને નક્કર અમલનું હોય છે.
ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં રૅન્ચો (આમિર ખાન) વિવિધ પ્રસંગે સામેની વ્યક્તિ સાથે દલીલ કે ચર્ચા કરવાને બદલે ડેમો (ડેમોન્સ્ટ્રેશન) આપવાનો પ્રયોગ કરતો બતાવાય છે, જે વધુ રસપ્રદ અને અસરકારક પણ પુરવાર થાય છે. જીવનમાં પણ અમુક બાબતો શબ્દોમાં સમજાવવાથી કે એની લાંબી ચર્ચા કરવાથી ઉકેલાતી નથી, પરંતુ ડેમો (વાસ્તવિક દાખલો) આપવાથી સમજાવવાનું વધુ અસરકારક બને છે. આ જ વાતને આ સિરીઝમાં અલગ ઢંગથી પ્રદર્શિત કરવામાં આવી છે.