ડોરબેલ વાગે ત્યારે જ દરવાજો શું કામ ખોલવાનો?

14 April, 2022 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હા, હેલ્થની બાબતમાં આપણે જેટલા બેદરકાર છીએ એટલા બીજા કોઈ કામમાં નથી પણ હું તમને કહીશ કે એવું નહીં કરો. જરા એ પણ વિચારો કે ડોરબેલ બગડી ગઈ હશે તો દરવાજે ઊભેલી બીમારીની જાણ સુધ્ધાં નહીં થાય

જમનાદાસ મજીઠિયા

હમણાં કામકાજ બહુ રહે છે. ઓવર-બિઝી હોઉં છું. એક શો ચાલુ, બીજા નવા શોની તૈયારી તો વેબ-સિરીઝનું શૂટિંગ અને બીજું આ ને પેલું ને તે ને એ બધું. ઍક્ચ્યુઅલી મને એની બહુ મજા પણ આવે છે, બહુ કામ કરવાની અને બધું સારું જતું હોય ત્યારે તમને ખુશી પણ થાય. 

ચેતતો નર સદા સુખી.
આપણે ત્યાં આ એક કહેવત બહુ પૉપ્યુલર છે પણ જ્યારે પણ આ કહેવત મેં સાંભળી છે ત્યારે મને એક વિચાર હંમેશાં આવ્યો છે. ચેતતા નર જ શું કામ, નારીને પણ આ જ વાત લાગુ પડે. નારીએ પણ ચેતતા રહેવું પડે અને હું તો કહીશ કે નારીઓએ તો વધારે ચેતતા રહેવું પડે. અત્યારે જે પ્રકારે સમય બદલાયો છે એ જોતાં તો તેના માટે ચેતવું અત્યંત આવશ્યક છે તો પછી શું કામ ચેતતો નર જ સદા સુખી થાય. ચેતતી નારી પણ સદા સુખી રહે એવું પણ હોવું જોઈએ. હા, આ કહેવત ફક્ત ધંધાકીય કે પછી મેલ-ડૉમિનેટેડ માનસિકતા સાથે બનાવી હોય અને એટલે એમાં નર કહેવાયું હોય તો જુદી વાત છે પણ બાકી આ વાત તો નર અને નારી બન્નેને લાગુ પડે પણ અત્યારે એ વાત આપણે બાજુ પર મૂકીએ અને આપણા મૂળ ટૉપિક પર આવીએ.
આ કહેવતને જો કોઈ ચોક્કસ વાત સાથે જોડવી હોય તો એ સ્વાસ્થ્ય સાથે જોડવી જોઈએ અને એ દૃષ્ટિએ આ કહેવત નર અને નારી બન્નેને લાગુ પડે છે. આ આર્ટિકલ સાથે મારો જે ફોટો છે એ જોઈને તમે ચિંતા નહીં કરતા, વિચારવા નહીં માંડતા કે શું થયું જેડીભાઈને? આ ફોટો મેં ખાસ પાડ્યો છે અને એ તમારા લોકો માટે પાડ્યો છે. હવે ફોટો પાડવાના કારણ પર આવી જઈએ.
થોડો વખત પહેલાં ઑસ્ટ્રેલિયાનો અદ્ભુત ક્રિકેટર અને વિશ્વમાં સેકન્ડ હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર શેન વૉર્ન ગુજરી ગયો. આઇપીએલની શરૂઆતનાં વર્ષોની જે જીત હતી એ જીતનો પાયોનિયર એટલે શેન વૉર્ન. ર્સ્પોટસમૅન એટલે હેલ્ધી પણ એવો. પૈસેટકે સુખી એટલે દુનિયાની બધી સાધનસામગ્રીઓ અને મેડિકલ ફૅસિલિટી એમ બધું જ તેના માટે સાવ સહેલું અને એમ છતાં અચાનક હાર્ટ-અટૅક આવી જાય અને મૃત્યુ પામે! મોત પણ ક્યારે આવ્યું તેને, હૉલિડે પર હતો ત્યારે એટલે રિલૅક્સ્ડ-સ્ટેટ-ઑફ-માઇન્ડમાં હતો એવા સમયે. સ્વભાવિકપણે મનમાં થાય કે શું થયું હશે?
મને જેટલી જાણકારી છે એ મુજબ એ છેલ્લાં છ અઠવાડિયાંમાં લિક્વિડ ડાયટ પર હતો, કોઈ પણ જાતના સુપરવિઝન વિના અને તેણે ઘણું વજન ઉતારી દીધું હતું. ઘણી વાર આવી ચીજો રૉન્ગ પુરવાર થતી હોય છે. શેન વૉર્નમાં પણ એવું બન્યું હશે એવું ધારવામાં આવે છે. શેન વૉર્ન પહેલાં ઍક્ટર સિદ્ધાર્થ શુક્લા, જે ‘બિગ બૉસ’માં વિનર હતો અને સિદ્ધાર્થને લીધે તેરમી સીઝનને ચાર ચાંદ લાગી ગયા હતા. બહુ હિટ થઈ હતી એ સીઝન. આ સિદ્ધાર્થ સાવ અચાનક, એકાએક જ હાર્ટ-અટૅકના કારણે ગુજરી ગયો. આવાં અનેક એક્ઝામ્પલ તમે પણ તમારી આસપાસમાં જોયાં હશે, સાંભળ્યાં હશે ત્યારે તમને પણ સરપ્રાઇઝ થઈ હશે. સરપ્રાઇઝનું એવું છે કે એ એવા જ પૉકેટમાંથી આવે જે તમે એક્સપેક્ટ ન કર્યું હોય અને એટલે તો એને સરપ્રાઇઝ કહે છે. હવે આવીએ હમણાંની વાત પર.
થોડા દિવસો પહેલાં મને મારા એક મિત્રએ કહ્યું કે આજે હું રજા લેવાનો છું. મારા એ મિત્ર સોની-સબ ટીવીના ચૅનલ હેડ છે નીરજ વ્યાસ. અમારે વાંરવાર મળવાનું થાય. ‘વાગલે કી દુનિયા’ માટે પણ અને અમારો નવો શો આવે છે એ માટે પણ. તેમણે મને કહ્યું કે આજે મીટિંગ વહેલી પતાવીને મારે નીકળી જવું છે, કારણ કે મારે એક મિત્રને બ્લડ ડોનેટ કરવા જવાનું છે. વાત એમ જ આગળ વધી એટલે તેમની પાસેથી ખબર પડી કે તેમનો એ ફ્રેન્ડ એટલો ફિટ કે ન પૂછો વાત. સાઇક્લિસ્ટ, સાઇકલ લઈને છેક લોનાવાલા સુધી જાય, નિયમિત બૅડ્મિન્ટન રમે, વર્કઆઉટ કરે. એ મિત્રને અચાનક થાક લાગવા માંડ્યો એટલે તેણે એમ જ ક્યુરિયોસિટી સાથે ચેકઅપ કરાવ્યું કે ચાલો જોઈએ તો ખરા કે શું કામ થાક લાગે છે તો ખબર પડી કે હાર્ટમાં પ્રૉબ્લેમ છે અને પ્રૉબ્લેમ એટલે આર્ટરીમાં નાનું-મોટું બ્લૉકેજ કે એવું નહીં, સીધી બાયપાસ સર્જરી આવી. નીરજ વ્યાસના એ ફ્રેન્ડની એજ ફોર્ટી-પ્લસની.
જસ્ટ ઇમૅજિન, ફોર્ટી-પ્લસ.હું ખરેખર અંદરથી ધ્રૂજી ગયો. સીધી બાયપાસ સર્જરી અને મિડ-ફોર્ટીના માણસને. તરત જ મારું મન કામે લાગ્યું. હમણાં કામકાજ બહુ રહે છે. ઓવર-બિઝી હોઉં છું અને એ મારા ‘મિડ-ડે’ના મિત્રોને પણ ખબર છે. એક શો ચાલુ, બીજા નવા શોની તૈયારી તો વેબ-સિરીઝનું શૂટિંગ અને બીજું આ ને પેલું ને તે ને એ બધું. ઍક્ચ્યુઅલી મને એની બહુ મજા પણ આવે છે, બહુ કામ કરવાની અને બધું સારું જતું હોય ત્યારે તમને ખુશી પણ થાય. લોકો જેડીભાઈ-જેડીભાઈ કરતા હોય અને જેડીભાઈ એક જગ્યાએથી બીજી જગ્યા અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ભાગાભાગી કરતા હોય.
પેલી ફોર્ટી-પ્લસવાળા મિત્રની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે મારે જરાક વિચારવું જોઈએ, ચેકઅપ કરાવવું જોઈએ. 
આમ તો હું દર વર્ષે નાનું-મોટું ચેકઅપ કરાવતો જ હોઉં છું પણ હમણાં પૅન્ડેમિકના પિરિયડમાં બધાં ચેકઅપ પૂરાં નથી થઈ શક્યા તો આ જ પિરિયડમાં મને પોતાને એક વાર કોવિડ પૉઝિટિવ હતો એટલે એ કોરોનાભાઈએ અંદર શું કામ કર્યું છે એની પણ આપણને ખબર નહીં. રેગ્યુલર એક્સરસાઇઝ કરું, ડાયટમાં પૂરતું ધ્યાન રાખું પણ દોડાદોડી ખૂબ બધી. એ વાત દરમ્યાન જ મને યાદ આવી ગયું કે મારું કૉલેસ્ટરોલ હંમેશાં બૉર્ડર લાઇન જ રહે છે તો મને થયું કે હવે ચેકઅપ બહુ જરૂરી છે. બસ, આટલો વિચાર આવ્યો અને એ વિચાર પછી ફરીથી હું કામે લાગી ગયો અને અચાનક એક દિવસ મને થાક લાગ્યો. બહુ ડે-નાઇટ થતાં હતાં. રાતોના ઉજાગરા પણ સારા એવા અને ઊંઘ પૂરી થતી નહોતી. મને થયું કે આપણે હવે મોડું ન કરાય અને હું પહોંચી ગયો ચેકઅપ કરાવવા. 
મારી ઑફિસની બાજુમાં જ એક ડૉક્ટર સાહેબ છે અને ત્યાં ગયો એટલે તેમણે કહ્યું કે ઈસીજી અને સ્ટ્રેસ-ટેસ્ટ કરીએ. મેં હા પાડી દીધી અને થયો ઈસીજી, પણ મારા ઈસીજીમાં તેમને જરાક ઓગણીસ-વીસ લાગ્યું. 
સ્ટ્રેસ-ટેસ્ટ હજી બાકી હતી. એમાં ટ્રેડમીલ પર તમને દોડાવે અને પછી અમુક ફિગર્સ એ લોકો નોટ કરીને રિપોર્ટ આપે. હું તો એ સ્ટ્રેસ-ટેસ્ટની તૈયારીમાં લાગ્યો ત્યાં ડૉક્ટરસાહેબ મને કહે કે આપણે બીજો ઈસીજી કરીએ અને તેમણે એવું પણ કહ્યું કે આપણે આજે તમારી સ્ટ્રેટ-ટેસ્ટ નથી કરતા એટલે મને પડ્યો ધ્રાસકો કે આવું કેમ? 
પૂછ્યું તો કહે કે હું ઈસીજી કાર્ડિયોલૉજિસ્ટને મોકલાવું છું એ પછી બીજી ટેસ્ટ કરીશું. મેં કહ્યું કે મને પણ ઈસીજી મોકલોને. એમણે મને વૉટ્સઍપ કર્યા અને મેં એ મારા મિત્ર ડૉ. દીપક નામજોષીને મોકલ્યો. એમણે જોઈને તરત કહ્યું કે કંઈ નથી. પેલા કાર્ડિયોલૉજિસ્ટને ત્યાંથી પણ જવાબ આવી ગયો કે કંઈ નથી પણ મારા મનમાં પેલી સ્ટ્રેસ-ટેસ્ટ હતી, જેની મને ના પાડવામાં આવી હતી. ના પાડી મીન્સ કે સ્ટ્રેસ બહુ છે અને આજે કરવામાં જોખમ છે એટલે એ નથી કરવા માગતા. આમ તો સાવ સાધારણ લાગતી વાત, હું ભૂલી જઈ શક્યો હોત પણ મારા મનમાં એ સ્ટોર થઈ ગઈ અને મને વિચાર આવ્યો કે ના, આને લાઇટલી ન લેવાય અને મેં ડૉક્ટરને નામજોષીને ફોન કરીને કહ્યું કે મારે બધી ટેસ્ટ બહુ ડીટેલમાં કરાવવી છે. મેં પૂછ્યું કે આપણે બ્લૉકેજને લગતી ટેસ્ટ કરાવી શકીએ તો તેમણે કહ્યું કે આપણે આમ-આમ-આમ કરાવી શકીએ.
મારા એ રિપોર્ટને લગતી વાતો આપણે આવતા ગુરુવારે કરીશું પણ એ પહેલાં તમારે એક કામ કરવાનું છે, તમે બૉડી ચેકઅપ માટેની અપૉઇન્ટમેન્ટ લઈ લો. બહુ જરૂરી છે એ. આર્ટિકલના હેડિંગમાં કહ્યુંને, ડોરબેલ વાગે ત્યારે જ દરવાજો ખોલવો એ ભૂલીને જરા વિચારો, ડોરબેલ બગડી ગઈ હશે તો ખબર પણ નહીં પડે. બહેતર છે, સામેથી દરવાજો ખોલી આવીએ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia